નરેશ પટેલ અને જયેશ રાદડિયા વચ્ચે સમાધાન માટે દિલીપ સંઘાણી કેમ મેદાને આવ્યા?

ઇમેજ સ્રોત, bipin kankaria/fb/khodaldham
- લેેખક, ભાર્ગવ પરીખ
- પદ, બીબીસી ગુજરાતી માટે
સૌરાષ્ટ્રના રાજકારણના બે દિગ્ગ્જ પટેલ નેતા જયેશ રાદડિયા અને નરેશ પટેલ વચ્ચે પડેલી "તિરાડ"ને સાંધવા માટે ઇફ્કોના ચૅરમૅન અને દિગ્ગ્જ પટેલ નેતા દિલીપ સંઘાણી મેદાનમાં આવ્યા છે.
દિલીપ સંઘાણીના કહેવા પ્રમાણે તેઓ આ બંને નેતા સાથે બેઠક કરીને "ખટરાગ દૂર કરાવી દેશે".
જયેશ રાદડિયાના સમર્થકોનું માનવું છે કે ખોડલધામમાંથી સ્વ. વિઠ્ઠલ રાદડિયાને ધીમે ધીમે "સાઇડલાઇન કરી દેવાયા" ત્યારબાદ વિવાદ વધ્યો હતો.
તો નરેશ પટેલ અને તેમના સમર્થકોનું કહેવું છે કે ખોડલધામ હંમેશાં સમય આવ્યે જયેશ રાદડિયાની સાથે છે અને સમાજમાં હિતમાં રહીને કામ કરશે.
ગુજરાતમાં 2022 ચૂંટણી સમયે ઇફકોના ડિરેક્ટરની ચૂંટણીમાં ભાજપના મૅન્ડેટ વિરુદ્ધ જઈને જયેશ રાદડિયાએ ઉમેદવારી નોંધાવી હતી અને ચૂંટણી જીતી હતી.
ત્યારબાદ જાહેર મંચ પર જયેશ રાદડિયા અને નરેશ પટેલે આપેલાં નિવદેનો પણ ચર્ચામાં રહ્યાં હતાં અને સૌરાષ્ટ્રના રાજકારણમાં બંને નેતાઓ વચ્ચે ખટરાગ હોવાનું બહાર આવ્યું હતું.
બીજી તરફ રાજકીય વિશ્લેષકો આને પાટીદારના બે દિગ્ગજ નેતાની 'રાજકીય અસ્તિત્વની લડાઈ' તરીકે જુએ છે.
નરેશ પટેલ અને જયેશ રાદડિયા વચ્ચેનો વિવાદ

ઇમેજ સ્રોત, khodaldhamtrust.org
સ્વ. વિઠ્ઠલ રાદડિયાના નજીકના મિત્ર એમએસ રાદડિયાએ બીબીસી સાથેની ટેલિફોનિક વાતચીતમાં કહ્યું કે, "2011માં વિઠ્ઠલભાઈ કૉંગ્રેસમાં હતા ત્યારે ખોડલધામની મંજૂરીની ફાઇલ તત્કાલીન મુખ્ય મંત્રી નરેન્દ્ર મોદી પાસે હતી. એ સમયે પક્ષથી દૂર રહી વિઠ્ઠલભાઈ રાદડિયાએ અંગત રસ લઈ નરેન્દ્ર મોદીને કહી તમામ મંજૂરી મેળવી હતી. ખોડલધામના નિર્માણ વખતે વિઠ્ઠલભાઈએ ખુદ એક કરોડ ને એક લાખનો ફાળો આપ્યો હતો."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
તેમણે કહ્યું કે "ત્યારબાદ ખોડલધામના ટ્રસ્ટી નરેશ પટેલ મંદિરની કામગીરીની પ્રેસનોટ સુધ્ધાંમાં વિઠ્ઠલભાઈનો ઉલ્લેખ કરવાનું ટાળતા હતા. જોકે વિઠ્ઠલભાઈને એની સામે વાંધો નહોતો."
"2012માં ખોડલધામની રાજકીય ભૂમિકાથી ખોડલધામ વધુ ચર્ચામાં આવ્યું. 2012માં અહીં ગ્રામીણ મેળો તત્કાલીન મુખ્ય મંત્રી નરેન્દ્ર મોદીએ કર્યો હતો. પણ જ્યારે કેશુભાઈ પટેલે 2012માં નરેન્દ્ર મોદી સામે મહાગુજરાત જનતા પાર્ટી બનાવીને મોરચો માંડ્યો ત્યારે નરેશ પટેલે કેશુભાઈને પાછલા બારણેથી મદદ કરી હતી. ત્યારબાદ વિઠ્ઠલભાઈ અને જયેશભાઈ ભાજપમાં આવ્યા."
એમએસ રાદડિયાએ કહ્યું કે "દરેક ફંક્શનમાં નરેશભાઈને વિઠ્ઠલભાઈને આગળની હરોળમાં રાખવા પડતા હતા, પણ વિઠ્ઠલભાઈ જ્યારે બીમાર હતા ત્યારે 2017માં જયેશ રાદડિયા સામે રવિ આંબલિયા ઊભા રહ્યા ત્યારે નરેશભાઈએ એમના દીકરાને આગળ કરી જયેશ રાદડિયા વિરુદ્ધ કામ કર્યું હતું, પણ પાછળથી વિઠ્ઠલભાઈની મદદથી સમાધાન થયું હતું."
તો સૌરાષ્ટ્રના પટેલ આગેવાન રમેશ કેસી પટેલે બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું કે "ખોડલધામની વેબસાઇટ પરથી વિઠ્ઠલભાઈનું નામ કાઢી નંખાયું એણે બળતામાં ઘી હોમ્યું છે. આટલું ઓછું હોય એમ ઇફ્કોની ચૂંટણીમાં ભાજપના મેન્ડેટની ઉપરવટ જઈ જયેશ રાદડિયા ચૂંટણી લડ્યા ત્યારે નરેશ પટેલના વિશ્વાસુ દિનેશ કુંભાણિયાએ પાછળ બારણેથી જયેશ રાદડિયા વિરુદ્ધ કામ કર્યું ત્યારે જયેશ રાદડિયાએ દિનેશ કુંભાણિયાની કંપનીનું ખાતર એમની સહકારી સંસ્થાઓમાં લેવાનું બંધ કર્યું હતું, પણ પાછળથી ભાજપના મોટા નેતા વચ્ચે પડતા ખાતરની ખરીદી શરૂ કરી હતી."
"હવે રાજકોટમાં પાટીદાર સન્માન સમારોહમાં આવેલા ઇફ્કોના ચૅરમૅન દિલીપ સંઘાણી અને નરેશ પટેલ વચ્ચે થયેલી બેઠક બાદ બંને વચ્ચે સમાધાન કરાવવાના પ્રયાસ દિલીપ સંઘાણીએ શરૂ કર્યા છે. જયેશ રાદડિયા દિલીપ સંઘાણી અને મોહન કુંડારિયાનું માન રાખે છે એટલે દિલીપ સંઘાણીની મદદ લીધી છે."
ઉલ્લેખનીય છે કે ઇફકોના ડિરેક્ટરની ચૂંટણીમાં જયેશ રાદડિયાને પડદા પાછળ દિલીપ સંઘાણીના આશીર્વાદ હતા તેવું મનાઈ રહ્યું છે.
શું કહે છે દિલીપ સંઘાણી, જયેશ રાદડિયા અને નરેશ પટેલ?

ઇમેજ સ્રોત, Dileep Sanghani/FB
દિલીપ સંઘાણીએ દિલ્હીના પ્રવાસ પહેલાં બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું કે "સામાજિક અને સહકારી સંસ્થાઓમાં રાજકારણ ન હોવું જોઈએ એવું હું દૃઢ રીતે માનું છું. અમરેલીની કેટલીક સામાજિક સંસ્થાઓમાં હું અને કૉંગ્રેસના મારા કટ્ટર હરીફ વીરજી ઠુંમર સભ્ય છીએ, પણ સમાજ અને લોકહિતની વાત આવે ત્યાં રાજકારણથી અમે પર રહીએ છીએ."
"હું સંસ્થામાં વીરજીભાઈ ઠુંમરને સાથે રાખીને કામ કરું છું. સામાજિક સંસ્થામાં બંને નેતા જયેશ રાદડિયા અને નરેશ પટેલ વચ્ચે મનદુઃખ થયું છે તો સમાજના આગેવાન તરીકે બંને વચ્ચે મનદુઃખ દૂર કરવાનું મારું કામ છે, એટલે મેં નરેશ પટેલ અને જયેશ રાદડિયા બંને સાથે વાત કરી છે."
"આ બન્નેને સાથે બેસાડીને જે મનદુઃખ હશે એને દૂર કરાવી દઈશું. મારા સતત પ્રવાસને કારણે બંને વચ્ચે બેઠક હમણાં થઈ નથી, પણ મારા 15 દિવસના પ્રવાસ બાદ આ બન્નેને સાથે બેસાડી આ મહિનાના અંત સુધીમાં એમના મનદુઃખનું સમાધાન કરી દેવામાં આવશે."
નરેશ પટેલ અંગેના વિવાદ અંગે જયેશ રાદડિયાએ કહ્યું કે, "મારે દિલીપભાઈ સંઘાણી સાથે ફોન પર વાત થઈ છે, એ મારા વડીલ છે. પહેલાં હું દિલીપભાઈ સંઘાણી સાથે એકલા બેઠક કરીશ. હાલ અમારી વચ્ચે કોઈ બેઠક થઈ શકી નથી, પણ એમની સાથે બેઠક કર્યા બાદ બીજી બેઠક થશે."
નરેશ પટેલનો બીબીસીએ સંપર્ક સાધવાનો પ્રયાસ કર્યો તો એમના પી.એ. વિશાલભાઈએ નરેશ પટેલ પ્રવાસમાં હોવાનું કહીને એટલું કહ્યું હતું કે "નરેશભાઈએ ભૂતકાળમાં કહ્યું જ છે કે સંસ્થા સાથે જયેશભાઈ રાદડિયાની સાથે જ છે. દિલીપભાઈ સંઘાણી સમાધાનની ફૉર્મ્યૂલા નક્કી કરશે ત્યારબાદ આ અંગે ટિપ્પણી કરશે."
નરેશ પટેલ, જયેશ રાદડિયાના વિવાદ અંગે રાજકીય વિશ્લેષકો શું માને છે?

ઇમેજ સ્રોત, Jayesh Radadiya/FB
ગુજરાત અને ખાસ કરીને સૌરાષ્ટ્રમાં સમયાંતરે જયેશ રાદડિયા અને નરેશ પટેલ ચર્ચામાં રહે છે.
જાણીતા રાજકીય વિશ્લેષક જગદીશ મહેતાએ બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું કે નરેશ પટેલના વલણથી પાટીદારો નારાજ છે. આ મૂળ અસ્તિત્વની લડાઈ છે.
"નરેશ પટેલ પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે મહેનત કરતા હોય એવું દેખાય છે, કારણ કે સરકારમાં પોતાનું વજન રાખવા માટે એમને પોતાના માણસોને વિધાનસભાની ચૂંટણીમાં ઊભા રાખવાનો પ્રયાસ કર્યો હતો."
"એમના કહેવા મુજબ પાટીદાર મતદાતા એક તરફી મતદાન કરે એવું રહ્યું નથી, એટલે એ સતત ચર્ચામાં રહેવા માટે આ પ્રયાસ કરી રહ્યા છે. સમાધાન માટે કઈ ફૉર્મ્યૂલા નક્કી થાય એના પર નિર્ભર છે, કારણ કે 2012માં કેશુભાઈના પડખામાં, 2017માં કૉંગ્રેસના પડખામાં અને 2022માં આમ આદમી પાર્ટીના પડખામાં ગયેલા નરેશ પટેલ પર પાટીદારો કેટલો વિશ્વાસ કરે છે એ એક સવાલ છે."
તો જાણીતા રાજકીય વિશ્લેષક કૌશિક મહેતાએ બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું કે "ગુજરાતના રાજકારણમાં પટેલોનું મહત્ત્વ ઘણું છે એટલે જ લેઉઆ અને કડવા પટેલ વચ્ચેનો ભેદભાવ દૂર કરવા માટે ખોડલધામની રચના થઈ હતી."
"સૌરાષ્ટ્રમાં 21, ઉત્તર ગુજરાતમાં 10, દક્ષિણ ગુજરાતમાં 6, મધ્યગુજરાતમાં 4 અને અમદાવાદ જિલ્લામાં 10 વિધાનસભા બેઠકો એવી છે જ્યાં પટેલ મતદાતાનું પ્રભુત્વ છે. આથી રાજકારણમાં દબદબો જાળવી રાખવા માટે આ અસ્તિત્વની લડાઈ છે."
તેઓ કહે છે, "નરેશ પટેલના વલણ પછી રાદડિયા પરિવારના વધેલા વર્ચસ્વને જોતા દિલીપ સંઘાણી પટેલ એકતાને જાળવી રાખવા પ્રયાસ કરી રહ્યા છે. ત્યારે એમના સમાધાનની ફૉર્મ્યૂલા કેટલી કારગત નીવડે છે એ આવનારો સમય જ કહેશે."
(બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન)












