ગુજરાત : બે આદિવાસી યુવકોનાં મૃત્યુ પછી શું આમ આદમી પાર્ટી, કૉંગ્રેસ અને ભાજપ વચ્ચેની રાજકીય વર્ચસ્વની લડાઈ સામે આવી છે

ઇમેજ સ્રોત, Anant Patel/Mansukh Vasava/ Chaitar Vasava/FB
- લેેખક, ભાર્ગવ પરીખ
- પદ, બીબીસી ગુજરાતી માટે
નર્મદા જિલ્લામાં બની રહેલા આદિવાસી મ્યુઝિમમાં કથિત ચોરીના આરોપમાં મ્યુઝિયમ બનાવી રહેલી એજન્સીના માણસોએ માર મારતાં બે આદિવાસી યુવકોનાં મૃત્યુ થયાં અને અહીં ગરમાયેલું રાજકારણ હવે વર્ચસ્વની લડાઈમાં ફેરવાઈ રહ્યું હોય એવું રાજકીય પંડિતો માની રહ્યા છે.
લગભગ એક પખવાડિયા પહેલાં નર્મદામાં બની રહેલા આદિવાસી મ્યુઝિયમ પાસે કથિત રીતે ભંગાર વીણવા ગયેલા બે યુવકો ઉપર ચોરીની શંકા કરીને નિર્માણ કરનારી ઍજન્સીના માણસો દ્વારા તેમની ઉપર હુમલો કરવામાં આવ્યો હતો, જેમાં એક યુવકનું ઘટનાસ્થળે મૃત્યુ થયું હતું, જ્યારે બીજાનું સારવાર દરમિયાન મોત થયું હતું. આ મામલે પોલીસે કેસ નોંધીને આરોપીઓની ધરપકડ પણ કરી હતી.
યુવાનાના મૃત્યુની ન્યાયિક તપાસની માગ સાથે આદિવાસી સમાજના લોકો ગરુડેશ્વર ખાતે એકઠા થયા હતા, ત્યારે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા અને પોલીસની વચ્ચે શાબ્દિક ચકમક ઝરી હતી.
આ મામલે ભાજપનાં ધારાસભ્ય દર્શનાબહેન દેશમુખ તથા સંસદસભ્ય મનસુખ વાસાવાએ પણ દરમિયાનગીરી કરી હતી. પોલીસે આ મામલે છ શખ્સોની ધરપકડ કરી છે. આ અંગે રાજકીય વિવાદ વકરતા નિર્માણ કરનારી ઍજન્સીએ રૂ. 20 લાખનું વળતર આપવાની જાહેરાત કરી હતી.
રાજકીય નિષ્ણાતોનું માનવું છે કે આદિવાસી યુવકોના મૃત્યુ મુદ્દે રાજકીય પક્ષો વચ્ચે વર્ચસ્વની લડાઈ શરૂ થઈ ગઈ છે.
કેવી રીતે શરૂ થયું રાજકારણ?

ઇમેજ સ્રોત, FACEBOOK/MANSUKH VASAVA
રાજ્ય સરકાર ઉપર આરોપ છે કે શરૂઆતમાં તેણે આ મુદ્દે દુર્લક્ષ સેવ્યું, પરંતુ જ્યારે અન્ય રાજકીયપક્ષોએ સક્રિયતા દાખવી, ત્યારે ભાજપ તથા ગુજરાત સરકારે ડૅમેજ કંટ્રૉલની કવાયત હાથ ધરી.
નર્મદાના સ્થાનિક પત્રકાર દિનેશ મકવાણાએ બીબીસી સાથે વાત કરતા કહ્યું, "તારીખ નવમી ઑગસ્ટના આદિવાસી દિવસની ઉજવણી થઈ રહી હતી, ત્યાર સુધી ગુજરાત સરકારે કોઈ સહાય જાહેર નહોતી કરી. કૉંગ્રેસના નેતા સુખરામ રાઠવાએ પીડિત પરિવારને મળ્યા હતા. આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા દ્વારા આપવામાં આવેલા ગરુડેશ્વર બંધના એલાનને ટેકો જાહેર કર્યો હતો તથા આ આહ્વાન સફળ રહ્યું હતું."
"એ દિવસે આદિવાસી વિકાસ મંત્રી કુબેર ડિંડોર, સંસદસભ્ય મનસુખ વસાવા તથા નાંદોદનાં ધારાસભ્ય દર્શના દેશમુખે પીડિત પરિવાર સાથે મુલાકાત કરી હતી. આ સાથે જ તેમણે રૂ. ચાર-ચાર લાખની સરકારી સહાયની જાહેરાત કરી હતી."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
પત્રકારો સાથે વાતચીતમાં ડિંડોરે કહ્યું હતું કે છ લોકોની ધરપકડ થઈ છે તથા આ મામલે ન્યાય અપાવવા માટે સરકાર કટિબદ્ધ છે. કોઈનું પણ નામ લીધા વગર વિપક્ષ ઉપર આદિવાસીઓને ગેરમાર્ગે દોરવાનો આરોપ મૂક્યો હતો.
રાજકીય વિશ્લેષક ઘનશ્યામ શાહે બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું, "આદિવાસીઓ સાથે અન્યાય મુદ્દે જે કોઈ આંદોલન થયાં છે, તે લાંબો સમય સુધી ચાલ્યાં નથી. ગુજરાત વિધાનસભામાં અનુસૂચિત જનજાતિ માટે 27 બેઠક અનામત છે એટલે બે આદિવાસી યુવકોનાં મૃત્યુ પછી વિપક્ષની તેની ઉપર નજર રહેવાની."
"એક સમયે ગુજરાતની આદિવાસી બેઠકો ઉપર કૉંગ્રેસનું પ્રભુત્વ હતું, પરંતુ વર્ષ 2022માં ભાજપને આ ગઢમાં ગાબડું પાડવામાં સફળતા મળી. આદિવાસી મતદાતા ભાજપ તરફ સરકી રહ્યા છે, ત્યારે કૉંગ્રેસ અને આપ સાથે મળીને તેમને આકર્ષિત કરવા પ્રયાસ કરે તે સ્વાભાવિક છે. આવા આંદોલનને કારણે દક્ષિણ તથા મધ્યગુજરાતના આદિવાસીપટ્ટામાં ફાયદો થઈ શકે છે."
"ભાજપ, કૉંગ્રેસ અને આપ સહિત દરેક રાજકીય પક્ષ પોતાનું વર્ચસ્વ ઊભું કરવા પ્રયાસ કરે, તો તે રાજકારણનો જ ભાગ છે. છેલ્લાં દસેક વર્ષ દરમિયાન આદિવાસી નેતૃત્વમાં ખાસ્સો ફરક આવી ગયો છે. ભણેલા આદિવાસી યુવકો લડાયક મિજાજવાળા નેતાઓ પસંદ કરે છે, જે એમના હક્ક માટે સરકાર સામે બાથ ભીડી શકે."
"આદિવાસી વિસ્તારમાં માત્ર યોજનાની જાહેરાત કરીને મતદારને પોતાની તરફ આકર્ષી નહીં શકાય, પરંતુ લડત આપનારા નેતાઓ તરફ તેમનો ઝોક રહેશે, કારણ કે ભણ્યા પછી તેમને રોજગાર તથા હક્ક માટે લડી શકે તેવા નેતાઓની જરૂર લાગે છે."
શાહ ઉમેરે છે કે ન કેવળ આદિવાસી નેતા માટે, પરંતુ આંદોલન કરીને રાજકારણમાં આવેલા શહેરી વિસ્તારના નેતાઓ માટે પણ આ બદલાવ આવી રહ્યો છે.

ઇમેજ સ્રોત, @AAPGUJARAT
વરિષ્ઠ પત્રકાર કનકસિંહ મત્રોજાએ બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું, "આ વિસ્તારમાં આદિવાસી નેતા તરીકે મનસુખ વસાવા તથા છોટુ વસાવાનું વર્ચસ્વ રહ્યું છે. છોટુભાઈની આંગળી પકડીને રાજકારણમાં આવેલા ચૈતર વસાવામાં સત્તાધારી પક્ષને ઘેરવાની આવડત છે."
"છોટુભાઈથી અલગ થઈને તેઓ આમ આદમી પાર્ટી સાથે જોડાયા. એ અરસામાં સ્ટૅચ્યૂ ઑફ યુનિટીને કારણે વિસ્થાપિત થયેલા લોકો માટે લડત ચલાવી, જેનો તેમને ઘણો લાભ થયો."
તેઓ આગળ કહે છે કે, "આદિવાસી વિસ્તારમાં ખનીજ, પાણી અને જમીન મુદ્દે લડત ચલાવીને ચૈતર વસાવા ભાજપના સંસદસભ્ય મનસુખભાઈ વસાવાને ઘેરવામાં સફળ રહ્યા છે. ચૈતર વસાવા વર્ષ 2022માં વિધાનસભા ચૂંટણી જીત્યા એ પછી તાજેતરની લોકસભા ચૂંટણી સમયે ભાજપના વરિષ્ઠ નેતા મનસુખ વસાવા સામે માત્ર 80 હજાર વોટથી હાર્યા છે."
મત્રોજા માને છે કે વિપક્ષના દબાણને કારણે જ મ્યુઝિમ બનાવનારી ઍજન્સીને સરકારી સહાય ઉપરાંત વળતર આપવાની ફરજ પડી. ગુજરાત સરકારે મૃતક યુવકોને શ્રદ્ધાંજલિ આપવના કાર્યક્રમને અટકાવવા માટે જે પ્રયાસો કર્યા, તેના કારણે ચૈતર વાસાવાને ફાયદો થશે.
શું કહે છે ભાજપ, કૉંગ્રેસ અને આપ?
નર્મદામાં આદિવાસી યુવાનોના મુદ્દે કૉંગ્રેસ તથા આપે સત્તારૂઢ ભાજપને ઘેરવાનો પ્રયાસ કર્યો છે, જ્યારે ભાજપ આ મુદ્દે રાજકારણ થઈ રહ્યું હોવાનો આરોપ મૂકે છે. બીબીસીએ આ મુદ્દે અલગ-અલગ રાજકીયપક્ષોની પ્રતિક્રિયા જાણવાનો પ્રયાસ કર્યો.
ડેડિયાપાડાની બેઠક પરથી આપના ધારાસભ્ય ચૈતર વસાવાના કહેવા પ્રમાણે, "ગુજરાતમાં વિકાસના નામે આદિવાસીઓનાં જંગલ, જમીન અને જળ છીનવી લેવાય છે. એમના માટે યોજનાઓ જાહેર થાય છે, પણ તેમને લાભ નથી મળતો. ગુજરાતમાં આદિવાસીઓની વસતિ 15 ટકા જેટલી છે, પરંતુ એટલા પ્રમાણમાં તેમને રોજગારી મળતી નથી અને તેમણે મજૂરી કરવી પડે છે."
"અત્યાર સુધી આદિવાસી નેતાઓએ સમાજના વિકાસના નામે માત્ર રાજકારણ કર્યું છે તથા સામાન્ય આદિવાસીને તેનો લાભ નથી મળ્યો. અમે તેમની લડાઈ લડી રહ્યા છીએ એટલે સરકાર તેમનાથી ગભરાય છે."
વસાવાનો આરોપ છે કે નાની માછલીઓને પકડીને સરકાર કંઈક કર્યું હોવાનો દેખાવ કરે છે, પણ આદિવાસીઓના હક્ક માટેની લડત ચાલુ રહેશે.

નવસારી જિલ્લાની વાંસદા બેઠક ઉપરથી કૉંગ્રેસના ધારાસભ્ય તથા યુવા આદિવાસી નેતા અનંત પટેલે બીબીસી સાથે વાત કરતા કહ્યું, "હું માત્ર મારા મતવિસ્તાર પૂરતો નહીં, પરંતુ તમામ વિસ્તારના આદિવાસીઓ માટે લડું છું. અમારી લડત એસટી ઉપરાંત દલિત, ખ્રિસ્તી અને ઓબીસી સમુદાયના હક્ક માટે છે. અમારી લડાઈ આદિવાસીપટ્ટા ઉપર વર્ચસ્વ માટે નથી. લોકસભાની ચૂંટણીમાં ચૈતરભાઈએ મારા પ્રચારમાં મદદ કરી હતી. અમે સાથે મળીને અન્યાય સામે લડી રહ્યા છીએ. આદિવાસી વોટબૅન્કને અંકે કરીને મોટા થવાની લડાઈ નથી."
પોતાના જૂના શિષ્ય ચૈતર વસાવાની ઉપર નિશાન સાધતા છોટુભાઈ તેમની ઉપર 'ભાજપની બી ટીમ' હોવાનો આરોપ મૂકે છે. છોટુભાઈ વસાવાના કહેવા પ્રમાણે, "ચૈતર વસાવા ભાજપનો બીજો ચહેરો છે. તેઓ આદિવાસીના હક્કના નામે એમને નુકસાન વધુ કરી રહ્યા છે. બંધારણ બચાવો આંદોલન તથા આદિવાસી વિકાસ પરિષદના કાર્યકર્તાઓ મારફત આદિવાસીઓના હક્ક માટેની લડત ચાલુ છે."
"અગાઉ કૉંગ્રેસ સત્તામાં હતી. ભાજપ 28 વર્ષથી ગુજરાતમાં અને 10 વર્ષથી કેન્દ્રમાં સત્તામાં છે. છતાં આદિવાસી વિકાસના બદલે એમનાં જળ, જમીન અને જંગલ છીનવી લેવાય છે, પણ કોઈ અવાજ નથી ઉઠાવતું."
વસાવા કહે છે કે ભાજપ હોય, કૉંગ્રેસ કે આપ. આદિવાસીઓ પાસેથી છીનવીને ઉદ્યોગપતિઓને લ્હાણી કરવામાં આવે છે, જ્યારે ગરીબ અને નિઃસહાય આદિવાસીઓની કનડગત કરવામાં આવે છે.
ભરૂચની બેઠક પરથી સાતમી વખત ભાજપની ટિકિટ ઉપર ચૂંટાયેલા મનસુખ વસાવાએ બીબીસી સાથે વાત કરતા કહ્યું, "પીડિતોને ન્યાય અપાવવા ભાજપ સરકાર આગળ આવી છે. સરકારી સહાય ઉપરાંત અમારા પ્રયાસોથી મ્યુઝિયમ બનાવનારી કંપની પાસેથી સહાય મળી છે. જો સરકાર સંવેદનશીલ ન હોત તો છ લોકોની ધરપકડ કેવી રીતે થઈ હોત?"
"સરકારી યોજનાઓને કારણે આદિવાસી વિસ્તારોમાં સારો એવો વિકાસ થયો છે, પણ કૉંગ્રેસ દ્વારા આદિવાસી વિસ્તારોમાં અરાજકતા ફેલાવવાના પ્રયાસ થઈ રહ્યા છે. શોકસભાના નામે ઉશ્કેરણીજનક ભાષણો કરીને આદિવાસીવિસ્તારમાં અરાજકતા ફેલાવવાનો પ્રયાસ હતો, એટલે તકેદારીના પગલાંરૂપે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો."
મનસુખ વસાવાએ ઉમેર્યું કે આદિવાસીઓને ગેરમાર્ગે દોરવા માટે સરકાર ડરી ગઈ હોવાનો પ્રચાર થઈ રહ્યો છે, પરંતુ વિકાસશીલ આદિવાસી આવા ભ્રામક પ્રચારમાં નહીં આવે એવી મને ખાતરી છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન













