ગુજરાતના બે પાટીદાર આગેવાન જયેશ રાદડિયા અને નરેશ પટેલ વચ્ચે વિવાદની કહાણી

જયેશ રાદડિયા, નરેશ પટેલ, ગુજરાતનું રાજકારણ, પાટીદાર

ઇમેજ સ્રોત, bipin kankaria/fb/khodaldham

    • લેેખક, ભાર્ગવ પરીખ
    • પદ, બીબીસી ગુજરાતી માટે

ગુજરાતમાં લોકસભા ચૂંટણી બાદ થયેલી ઇફ્કોની ચૂંટણીમાં થયેલી જીતની સૌથી વધુ ચર્ચા થઈ હતી અને એનું કારણ એ હતું કે ભાજપના નેતા જયેશ રાદડિયા 'ભાજપ સામે પડીને' સામે પ્રવાહે ચૂંટણી લડ્યા હતા.

આ જીત બાદ ભાજપના નેતા જયેશ રાદડિયાએ એક સભામાં નિવેદન આપ્યું હતું કે 'સામાજિક સંસ્થાઓએ રાજકારણથી દૂર રહેવું જોઈએ' અને કેટલાક લોકો તેનો 'દુરુપયોગ' કરી રહ્યા છે.

ગુજરાતના મીડિયામાં એવા અહેવાલો આવ્યા કે જયેશ રાદડિયાએ નામ લીધા વિના આ નિવેદન ખોડલધામના પ્રમુખ નરેશ પટેલને અનુલક્ષીને કર્યું હતું.

તો સામે પક્ષે ખોડલધામ તરફથી સ્પષ્ટતા કરાઈ છે કે 'જયેશ રાદડિયા અને ખોડલધામ વચ્ચે કોઈ વિવાદ નથી.'

રાજકીય વિશ્લેષકો આને પાટીદારના બે દિગ્ગજ નેતાની 'રાજકીય અસ્તિત્વની લડાઈ' તરીકે જુએ છે.

કેવી રીતે આ વિવાદની શરૂઆત થઈ?

જયેશ રાદડિયા, નરેશ પટેલ, ગુજરાતનું રાજકારણ, પાટીદાર

ઇમેજ સ્રોત, Jayesh Radadiya/fb

જયેશ રાદડિયા અગાઉ કૉંગ્રેસમાં હતા અને ત્યાર બાદ ભાજપમાં જોડાયા હતા અને હાલ તેઓ જેતપુરના ધારાસભ્ય છે.

જયેશ રાદડિયાના ટેકેદાર કે.સી. પટેલે બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું કે "2017ની ચૂંટણી સમયે પટેલ આંદોલનનું જોર હતું, કૉંગ્રેસે સૌરાષ્ટ્રમાં મહેનત કરી હતી. જેતપુરથી જયેશ રાદડિયા ચૂંટણી લડી રહ્યા હતા ત્યારે રવિ આંબલિયાને ખોડલધામના પ્રમુખ નરેશ પટેલે પાછળ બારણેથી સપૉર્ટ કર્યો હતો, એને કારણે બંને વચ્ચે મનદુઃખ થયું હતું. પણ એ સમયે વિઠ્ઠલ રાદડિયા હયાત હતા એટલે એમણે મામલો થાળે પડ્યો હતો." રવિ આંબલિયા એ વખતે કૉંગ્રેસની ટિકિટ પરથી ચૂંટણી લડી રહ્યા હતા.

"ત્યાર બાદ આ વર્ષે ઇફ્કોની ચૂંટણીમાં ભાજપે અમિત શાહના ખાસ ગણાતા બિપિન ગોતાને ચૂંટણીનો મેન્ડેટ આપ્યો હતો, પણ જયેશ રાદડિયા ચૂંટણી લડ્યા અને જીત્યા."

તેમનો દાવો છે કે "એ સમયે ખોડલધામના દિનેશ કુંભાણિયાએ સૌરાષ્ટ્રના સહકારી આગેવાનોને જયેશ રાદડિયાને બદલે બિપિન ગોતાને વોટ આપવાનું કહ્યું હતું, પણ સહકારી આગેવાનો એમની વાત માન્યા નહીં અને અણબનાવ વકર્યો."

"આ વાતની અન્ય સહકારી નેતાઓને ખબર પડી ત્યારથી જયેશ રાદડિયાના ટેકેદાર સહકારી મંડળીઓના આગેવાનોએ દિનેશ કુંભાણિયાનું નર્મદા ફર્ટિલાઇઝર કંપનીનું ખાતર લેવાનું બંધ કર્યું. જોકે હવે જયેશ રાદડિયાના કહેવાથી ફરી શરૂ કર્યું છે."

તો દિનેશ કુંભાણિયાએ બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું કે "અમારી વચ્ચે કોઈ અણબનાવ નથી, કોઈ ગેરસમજણને કારણે શરૂઆતમાં થયું હતું, પણ હવે તમામ સહકારી મંડળીઓમાં અમારું જ ખાતર જાય છે."

બીબીસી ગુજરાતી

આ કોઈ વિવાદ છે કે રાજકીય અસ્તિત્વનો મામલો છે?

જયેશ રાદડિયા, નરેશ પટેલ, ગુજરાતનું રાજકારણ, પાટીદાર

ઇમેજ સ્રોત, BIPIN TANKARIA

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

ગુજરાતમાં આગામી સમયમાં મંત્રીમંડળમાં વિસ્તરણ થવાની શક્યતા પણ જોવાઈ રહી છે.

જાણીતા રાજકીય વિશ્લેષક કૌશિક મહેતાએ બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું કે "આની રાજકીય અસર થાય એમ છે, કારણ કે નજીકના સમય પ્રધાનમંડળનું વિસ્તરણ થવાની સંભાવના છે ત્યારે લેઉઆ પટેલમાં સહકારી આગેવાન તરીકે જયેશ રાદડિયાનો સમાવેશ થાય એવી શક્યતા છે. ક્યારેય વિવાદમાં નહીં આવેલા જયેશ રાદડિયા ઇફ્કોની ચૂંટણી પછી વિવાદમાં આવ્યા છે."

"તો પહેલા બિનરાજકીય રહેલા નરેશ પટેલે કેશુભાઈ પટેલને 2012ની ચૂંટણી સમયે કરેલું સમર્થન, 2017માં કૉંગ્રેસ તરફ ઝુકાવ, 2022માં આપ સાથેનો ઝુકાવ, એ એમની રાજકીય મહત્ત્વાકાંક્ષા આડકતરી રીતે દેખાડે છે, એટલે આ સામાન્ય વિવાદ નથી રાજકીય અસ્તિત્વનો વિવાદ છે."

ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં 2022ની વિધાનસભા ચૂંટણી પહેલાં "નરેશ પટેલ કૉંગ્રેસમાં જોડાશે" તેવી અટકળો ચાલી હતી, પણ બાદમાં તેઓ કોઈ પણ રાજકીય પક્ષ સાથે જોડાયા નહોતા.

રાજકીય વિશ્લેષક જગદીશ મહેતા આ વાત સાથે સહમત થતા કહે છે કે "નરેશ પટેલની રાજકીય મહત્ત્વાકાંક્ષા 2012થી છતી થઈ ગઈ છે. કેશુભાઈનો પ્રાદેશિક પક્ષ બન્યો ત્યારે એમના સમર્થનમાં રહ્યા, એ પછી જેટલી ચૂંટણી આવે ત્યારે ખોડલધામ જાણે 'રાજકારણનો અડ્ડો' બની જાય છે. અહીં નેતાઓ માતાજીનાં દર્શન માટે આવનારા નેતાઓ સાથે કલાકો સુધી રાજકીય મિટિંગ થાય છે."

"સૌરાષ્ટ્રમાં લેઉઆ પટેલનું પ્રભુત્વ ધરાવતી 33થી વધુ વિધાનસભાની બેઠકો છે, એ વિઠ્ઠલ રાદડિયાના નિધન પછી પટેલોના રાજકારણમાં પ્રભુત્વ મેળવવાની કોશિશ કરી રહ્યા છે. દરેક ચૂંટણી પહેલાં 'હું રાજકારણમાં સમાજ કહેશે તો આવીશ' એવું કહીને પોતાને ચર્ચામાં રાખે છે."

"એમણે એક આભા ઊભી કરી છે કે પટેલ મતદારો એમની સાથે છે, એટલે તમામ રાજકીય પક્ષ એમની પાસે આવે છે."

જાણીતા રાજકીય વિશ્લેષક ઘનશ્યામ શાહે બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું કે "સૌરાષ્ટ્રમાં પટેલોનું સોશિયલ કેપિટલિઝમ ઘણું છે. અહીં ટ્રેડિંગ, ઉદ્યોગ, કન્સ્ટ્રક્શન, ખેતી-પશુપાલન સહિત શૈક્ષણિક સંસ્થાઓ હોય કે ધાર્મિક સંસ્થાન હોય- લેઉઆ પટેલનું વર્ચસ્વ છે."

"જે જ્ઞાતિનું સોશિયલ કેપિટલિઝમ હોય એનું રાજકારણમાં મહત્ત્વ વધુ હોય ત્યારે પટેલોના સોશિયલ કેપિટલિઝમ પર વર્ચસ્વ મેળવી સૌરાષ્ટ્રના રાજકારણમાં પ્રભુત્વ હાંસલ થઈ શકે એ માટે આ થઈ રહ્યું હોય એમ લાગે છે, કારણ કે આ વર્ચસ્વ હોય તો રાજકારણમાં કિંગમેકરની ભૂમિકા ભજવી શકાય."

નરેશ પટેલ અને રાદડિયા પરિવારનું વર્ચસ્વ

જયેશ રાદડિયા, નરેશ પટેલ, ગુજરાતનું રાજકારણ, પાટીદાર

ઇમેજ સ્રોત, Jayesh Radadiya/fb

ઇમેજ કૅપ્શન, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે જયેશ રાદડિયા

સૌરાષ્ટ્રના રાજકારણમાં વર્ષોથી કડવા અને લેઉઆ પટેલની ચર્ચા થતી રહેતી હોય છે.

જગદીશ મહેતા કહે છે કે "પહેલાં કડવા અને લેઉઆ પટેલો વચ્ચે અંતર હતું. એ દૂર કરી તમામ પટેલોને એક છત્ર નીચે આવે એના માટે ખોડલધામ બન્યું હતું. શરૂઆતમાં એ નિષ્પક્ષ રહ્યું, પણ નરેશ પટેલ દ્વારા જ્યારથી ખોડલધામને રાજકીય પ્રવૃત્તિમાં જોડવામાં આવ્યું ત્યારથી એમનું વર્ચસ્વ ઘટ્યું છે."

જોકે ખોડલધામના પ્રમુખ નરેશ પટેલ મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું હતું કે "ખોડલધામ સાથે સંકળાયેલા લોકો કોઈને મદદ કરે તો તેની પાછળ ખોડલધામનું નામ જોડી દેવું એ યોગ્ય નથી."

એક સમયે હાર્દિક પટેલે ખોડલધામનું 'ભગવાકરણ' થઈ ગયું હોવાના આરોપ મૂક્યા હતા, ત્યાર બાદ નરેશ પટેલે ટ્રસ્ટના પ્રમુખપદેથી રાજીનામું આપી દીધું હતું. પછી સમાજના આગેવાનોની સમજાવટ બાદ રાજીનામું પાછું ખેંચ્યું હતું.

જગદીશ મહેતા કહે છે, "સહકારી અને સામાજિક ક્ષેત્રમાં રાદડિયા પરિવારનું આ વર્ચસ્વ જયેશ રાદડિયાએ જાળવી રાખ્યું છે, એમની સાથે દિલીપ સંઘાણી અને મોહન કુંડારિયા જેવા નેતાઓ પણ છે જે બતાવે છે કે એમનું વર્ચસ્વ છે."

કૌશિક મહેતા કહે છે કે "જ્યારથી આ રાજકીય મહત્ત્વાકાંક્ષા આવી છે ત્યારથી પટેલો પણ અવઢવમાં મુકાયા છે, એનું જ પરિણામ જુઓ કે 2017 અને 2022ની ચૂંટણીમાં પટેલ મતોનું વિભાજન થયું છે. 2017માં મત કૉંગ્રેસમાં ગયા હતા, તો 2022માં આપમાં ગયા, પણ હવે પટેલોને આ અવઢવમાં પોતાના મત વેડફ્યા હોય એમ લાગી રહ્યું છે, જેના કારણે રાદડિયા પરિવારનું મહત્ત્વ વધ્યું છે."

જયેશ રાદડિયા અને નરેશ પટેલનું શું કહેવું છે?

જયેશ રાદડિયા, નરેશ પટેલ, ગુજરાતનું રાજકારણ, પાટીદાર

ઇમેજ સ્રોત, BIPIN TANKARIA

જયેશ રાદડિયા અને નરેશ પટેલના વિવાદની વાત મીડિયામાં બહાર આવી ત્યારે નરેશ પટેલે મીડિયાને કહ્યું હતું કે "તેમની (જયેશ રાદડિયા) અને ખોડલધામ કે નરેશ પટેલ વચ્ચે કોઈ વિવાદ નથી."

તેમણે કહ્યું હતું કે "જો અમે રાજકીય રીતે સક્રિય ન રહીએ તો સમાજનાં કામ ન થઈ શકે, એટલે એ પણ અમારે કરવું પડે છે."

તેમણે કહ્યું કે "સરદાર પટેલે પણ કહ્યું હતું કે ઘરની વાત ઘરમાં રાખવી જોઈએ, પણ આજે અફસોસ સાથે કહેવું પડે કે અમે જ વાત ઘરમાં રાખી શકતા નથી."

જયેશ રાદડિયા અંગે પત્રકારોએ સવાલ કરતા તેમણે કહ્યું કે "ખોડલધામ તરફથી કોઈ રાગદ્વેષ નથી. જયેશ પાટીદાર સમાજના યુવા નેતા છે. એને જ્યારે જરૂર પડી ત્યારે ખોડલધામ અને નરેશ પટેલ સાથે ઊભા રહ્યા છે એ પણ ન ભૂલવું જોઈએ."

તો જયેશ રાદડિયાએ બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું કે "2017ની ચૂંટણીમાં નરેશ પટેલની ભૂમિકા શું હતી એ જગજાહેર છે. હું આજે સમાજની અનેક સંસ્થાઓમાં જોડાયેલો છું, પણ સંસ્થા અને રાજકારણને દૂર રાખું છું. દરેક લોકોએ સંસ્થા અને રાજકારણને અલગ રાખવું જોઈએ. એ નથી થઈ રહ્યું એ દુઃખદ છે."

બીબીસીએ ખોડલધામના પ્રમુખ નરેશ પટેલનો સંપર્ક સાધવાનો પ્રયાસ કર્યો હતો, પણ એમના પી.એ. વિશાલભાઈના કહેવા મુજબ એ બહારગામ હોવાથી સંપર્ક થઈ શકે એમ નથી.

તેમણે એટલું જ કહ્યું કે નરેશભાઈએ અગાઉ કહ્યું જ છે કે "એમને અને જયેશ રાદડિયા વચ્ચે કોઈ વિવાદ નથી, જયેશભાઈને જરૂર હોય ત્યાં એ હાજર હોય છે, સંસ્થાની વાત સંસ્થા સુધી જ રહેવી જોઈએ, કોઈ વિવાદ નથી."