રાજકોટ ગેમઝોન: ગુજરાતમાં ઘટેલી દુર્ઘટનાઓ ભાજપ માટે રાજકીય મુશ્કેલી સર્જશે?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, ભાર્ગવ પરીખ
- પદ, બીબીસી ગુજરાતી માટે
ગુજરાતમાં છેલ્લાં કેટલાંક વર્ષોમાં સર્જાયેલી દુર્ઘટનાઓ- જેવી કે રાજકોટ ગેમઝોન, મોરબી બ્રિજ, સુરત તક્ષશિલા વગેરેની ચર્ચા સમયાંતરે થઈ રહે છે.
રાહુલ ગાંધી જ્યારે અમદાવાદ આવ્યા ત્યારે તેમણે દુર્ઘટનાના પીડિતો સાથે મુલાકાત કરી હતી. આ મુલાકાત બાદ મીડિયામાં ફરી પીડિતોની હૈયાવરાળ અને વેદનાને સ્થાન મળ્યું હતું.
રાજકોટ દુર્ઘટના બની ત્યારથી લઈને આજ સુધી ગુજરાતમાં કૉંગ્રેસેને તેને મુદ્દો બનાવ્યો છે અને સરકાર પર સતત પ્રહારો કરાતા રહે છે.
‘ભાજપનો ગઢ’ ગણાતા રાજકોટમાં કૉંગ્રેસના આહ્વાન પર ગેમઝોન મુદ્દે લોકોએ ‘સ્વયંભૂ બંધ પાળી’ પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો.
તાજેતરમાં યોજાયેલી જગન્નાથ રથયાત્રામાં ભાવનગરમાં ગુજરાતમાં થયેલી દુર્ઘટનાઓનો ટૅબ્લો જોવા મળ્યો હતો, ત્યાર બાદ પોલીસે તેનાં પોસ્ટર પણ ફાડી નાખ્યા હતા.
તો બીજી તરફ લાંબા સમયથી યોગ્ય તપાસ ન થતા હવે સરકારને ગુજરાત હાઈકોર્ટ ફટકાર લગાવી રહી છે.
ત્યારે સવાલ એ થાય કે ગુજરાતમાં સર્જાયેલી દુર્ઘટનાઓ વર્તમાન ભાજપ સરકાર માટે મુશ્કેલી સર્જી રહી છે?
રાજકીય વિશ્લેષકોનું માનવું છે કે આવનાર સમયમાં કૉંગ્રેસ લોકોના મુદ્દાઓને કેવી રીતે ઉઠાવીને લાભ મેળવી શકે છે એ સવાલ છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તો ભાજપનો આરોપ છે કે કૉંગ્રેસ લોકોની ‘લાગણીને રાજકારણ’ સાથે જોડી રહી છે.
એક પછી એક દુર્ઘટનાઓ સરકાર માટે મુશ્કેલી સર્જી રહી છે?

ઇમેજ સ્રોત, Getty Images
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
જાણીતા રાજકીય વિશ્લેષક વિદ્યુત જોષીએ બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું કે, “લોકોમાં આક્રોશ ધીમે ધીમે દેખાય છે એનું મુખ્ય કારણ એ છે કે શરૂઆતમાં બહુમતી સાથે નવો વિકાસ થશે એવી આશા લોકોમાં હોય. પરંતુ કેન્દ્રમાં છેલ્લાં 10 વર્ષ અને ગુજરાતમાં 30 વર્ષ પછી નવી પેઢીમાં ઍન્ટિ ઇન્કમબન્સી દેખાઈ રહી છે.”
તેઓ કહે છે કે, “આ રોષનું સીધું ઉદાહરણ રાજકોટ અગ્નિકાંડ અને ક્ષત્રિય આંદોલન ગણી શકાય. હવે બદલાતી પેઢીમાં અપેક્ષાઓ પૂરી નહીં થતા ઍન્ટિ ઇન્કમબન્સી જોવા મળે છે. સરળ રીતે કહીએ તો ઇન્દિરા ગાંધીના સમયગાળામાં 1974 સમયે જેવી પરિસ્થતિ હતી એવી પરિસ્થિતિ દેખાય છે.”
વિદ્યુત જોશી રાહુલ ગાંધીની આંદોલનકારી લીડરશિપ અંગે સવાલ કરતા કહે છે, “કોઈ પણ પ્રકારના આંદોલન માટે જયપ્રકાશ નારાયણ કે ઇન્દુચાચા જેવું આંદોલનકારી નેતૃત્વ જોઈએ. પરંતુ રાહુલ ગાંધીમાં આ પ્રકારની આંદોલનકારી લીડરશિપ નથી, તેમની પાસે ઍન્ટિ-એસ્ટાબ્લિશમૅન્ટ લીડરશિપ છે. એટલે આંદોલનમાં લોકોનું સમર્થન દેખાય છે પણ જૂની વ્યવસ્થા સામે નવી વ્યવસ્થા દેખાતી નથી.”
તો જાણીતા રાજકીય વિશ્લેષક ઘનશ્યામ શાહ પણ આ વાત સાથે સહમત થતાં બીબીસી સાથેની વાતચીતમાં કહે છે કે, “રાહુલ ગાંધીએ ભાજપના મૂળ એવા હિન્દુત્વ એજન્ડા પર સંસદમાં પ્રહાર કર્યો છે. ગુજરાતમાં કૉંગ્રેસ ઑફિસ પર થયેલા હુમલા બાદ બે દિવસે ફરિયાદ નોંધાઈ અને રાહુલ ગાંધીને તેમના કાર્યકરોને મળવા ન દીધા તેના કારણે તેમને વિક્ટિમકાર્ડનો ફાયદો મળ્યો છે.”

ગુજરાતમાં આગામી સમયમાં વિધાનસભા અગાઉ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પણ આવી રહી છે.
રાજકીય વિશ્લેષકો 'કૉંગ્રેસની સક્રિયતા'ને એ રીતે પણ જુએ છે.
ઘનશ્યામ શાહ એ પણ કહે છે કે “કૉંગ્રેસ લાંબા સમય પછી સંગઠિત થઈને કામ કરી રહી છે, પણ એનો કેટલો ફાયદો ઉઠાવી શકશે એ મોટો સવાલ છે. અલબત્ત, સંસદમાં મામલો જ્યારે જશે ત્યારે નૅશનલ લેવલ પર મોટું નૅરેટિવ ઊભું થશે. ગુજરાત સરકારને કારણે કેન્દ્ર સરકારની મુશ્કેલીઓ જરૂર વધશે. આ બધી પરિસ્થિતિઓનો આવનારી અન્ય રાજ્યોની ચૂંટણીમાં કૉંગ્રેસ કેટલો ફાયદો ઉઠાવી શકે છે એ કહેવું હાલ અઘરું છે.”
તો જાણીતા રાજકીય વિશ્લેષક કૌશિક મહેતા કહે છે કે, “રાજકોટ જેવી દુર્ઘટનાને કારણે ગુજરાતના લોકોના વિશ્વાસમાં ઘટાડો થયો છે. ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી થયેલી દુર્ઘટનાઓમાં સરકારના વલણથી લોકોની સહનશીલતા ઘટી છે. હવે એવું દેખાય છે કે લોકો તપાસપંચ, એસઆઈટી વગેરેથી સંતુષ્ટ નથી. આ સંજોગોમાં રાહુલ ગાંધી હવે કેન્દ્ર સરકારને સંસદમાં ઘેરશે તો એના કારણે ગુજરાતમાં સરકાર પર મોટી અસર પડશે.”
આ મુદ્દાઓને ઉઠાવવામાં કૉંગ્રેસ સફળ થશે?

ઇમેજ સ્રોત, SHAKTISINH GOHIL/X
રાજકોટ ગેમઝોન દુર્ઘટના બાદ કૉંગ્રેસે રાજકોટમાં પ્રતીકાત્મક ધરણાં કર્યાં હતાં.
વિદ્યુત જોશી કહે છે કે, “કોઈ પણ આંદોલનમાં વૈકલ્પિક વિચારધારા લાવવી જોઈએ. કૉંગ્રેસને રાજકોટના બંધમાં મળેલી સફળતા બાદ એ આંદોલન જમીનીસ્તર પર કેટલું ચાલી શકે છે અગત્યનું છે. એમને અહીંથી શાંત બેસી રહેવું નહીં પાલવે અને સતત કાર્યક્રમો આપવા પડશે. કૉંગ્રેસની પરિસ્થિતિ એવી છે કે તેમની પાસે ડૉક્ટર સેલ, વકીલ સેલ, અધ્યાપક મંડળ જેવાં જૂનાં સાથી સંગઠનો નથી ત્યારે કૉંગ્રેસ માટે લડાઈ અઘરી છે. પરંતુ ભાજપના અસંતુષ્ટો પાછલા બારણેથી મદદ કરે તો એ સફળ થઈ શકે.”
અહીં એ નોંધવું જોઈએ કે મોરબી બ્રિજ દુર્ઘટના બાદ ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી યોજાઈ હતી અને અહીં ભાજપના ઉમેદવાર કાંતિ અમૃતિયા ચૂંટણી જીતી ગયા હતા.
ઘનશ્યામ શાહ કહે છે કે, “ભાજપના લોકોની નારાજગી પહેલી વાર સપાટી પર આવી છે. કૉંગ્રેસ ગુજરાત મૉડલની નિષ્ફળતાને નૅશનલ નૅરેટિવ આપી બીજાં રાજ્યોમાં તેનો કદાચ ફાયદો મેળવી શકશે. પરંતુ ગુજરાતમાં તેનું સંગઠન નથી ત્યારે તેનો કેટલો ફાયદો મળશે એ પણ એક સવાલ છે.”
કૌશિક મહેતા કહે છે કે, “કૉંગ્રેસને પહેલી વાર રાજકોટમાં સફળતા મળી છે એ બતાવે છે કે લોકો હવે નારાજગી વ્યક્ત કરતાં ડરી રહ્યા નથી. ભાવનગર રથયાત્રામાં લાગેલા દુર્ઘટનાના ટૅબ્લો બતાવે છે કે લોકોનો ડર દૂર થયો છે. કૉંગ્રેસ આનો કેટલો ફાયદો ઉઠાવી શકે છે એ કહેવું અત્યારે વહેલું છે.”
ભાજપ અને કૉંગ્રેસનું આ મુદ્દે શું કહેવું છે?

ભાજપનું કહેવું છે કે ‘દુર્ઘટનાઓનો લાભ’ લેવામાં કૉંગ્રેસ સફળ નહીં થાય.
ગુજરાત સરકારના પ્રવક્તા ઋષિકેશ પટેલે બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું કે, “રાહુલ ગાંધી કાગનો વાઘ બનાવે છે, જુઠ્ઠાણાં ફેલાવે છે. દરેક દુર્ઘટનામાં સરકાર પોતાના તરફથી કડક કાર્યવાહી કરી રહી છે અને એ વાત પ્રજા પણ જાણે છે.”
તેમણે કહ્યું હતું કે, “સરકાર કોર્ટના આદેશ પ્રમાણે ન્યાયિક પ્રક્રિયાને અનુસરે છે ત્યારે લોકોની લાગણીઓને ઉશ્કેરવાનો પ્રયાસ કરી રહ્યા છે પણ રાહુલ ગાંધી એમાં સફળ નહીં થાય.”
ભાજપના પ્રવક્તા ડૉ. યજ્ઞેશ દવેએ બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું કે, "રાજકોટમાં જે લોકોનાં અપમૃત્યુ થયાં હતાં એમને શ્રદ્ધાંજલિ આપવા માટે લોકોએ બંધ પાળ્યો હતો. આ કોઈ ભાજપ સામેની ઍન્ટિ-ઇન્કમબન્સી નથી. આ લોકોની સંવેદના હતી."
તેઓ કહે છે, "રહી વાત ગુજરાતમાં થયેલી દુર્ઘટનાગ્રસ્ત પરિવારોને મળીને સંસદમાં સરકારને ઘેરવાની રાહુલ ગાંધીની વ્યૂહરચનાની, તો અમારો સવાલ એ છે કે કોઈના મૃત્યુ પર રાજકારણ રમવું એ સંવેદના છે? પ્રજા આ જાણે છે અને એ ભાજપની સાથે જ છે. એટલે જ ત્રીજી વાર કેન્દ્રમાં ભાજપને મોકો આપ્યો છે અને ગુજરાતમાં સાતમી વાર ચૂંટ્યા છે. આ સંજોગોમાં સંસદમાં લોકોના અપમૃત્યુ પર રાજકારણ રમવાનો પ્રયાસ પ્રજા સ્વીકારશે નહીં."
તો કૉંગ્રેસના પ્રવક્તા પાર્થિવ કઠવાડિયાએ બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું હતું કે, “રાહુલ ગાંધીના આગમનથી કૉંગ્રેસનો 2022 પછી હતાશ થયેલો કાર્યકર ફરી જોમમાં આવ્યો છે. ગુજરાતમાં તમે જુઓ કે 2022 પછીના સંગઠનના બદલાવ અને શિસ્તને કારણે ગુજરાતમાં કૉંગ્રેસને લોકસભાની એક બેઠક મળી છે અને તેનો વોટશેર પણ વધ્યો છે.”
તેઓ કહે છે, “ભાજપ વિધાનસભામાં કૉંગ્રેસનો અવાજ રુંધવાનો પ્રયાસ કરી રહ્યું છે પરંતુ હવે કૉંગ્રેસ રસ્તા પર આવીને લડાઈ લડશે અને તેનું પરિણામ આવનારી ચૂંટણીઓમાં જરૂર દેખાશે.”
ઉલ્લેખનીય છે કે તાજેતરમાં યોજાયેલી લોકસભા ચૂંટણીમાં ભાજપને 25 બેઠક મળી છે અને 2022ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપને અત્યાર સુધીની સૌથી વધારે 156 બેઠકો મળી હતી.
લોકસભાની સાથે યોજાયેલા પાંચ પેટાચૂંટણીમાં પણ ભાજપે જીત મેળવી છે.













