એ દાયણો જેમણે બાળકીઓની હત્યા કરવાનું બંધ કરીને તેમને બચાવવાનું શરૂ કર્યું

સિરોદેવી, ભારતની દાયણોની કહાણી, ત્યજી દેવાતાં નવજાત બાળકો, બિહાર અને ઉત્તરપ્રદેશ, બાળકીની હત્યા, બીબીસી આઈ ઇન્વેસ્ટિગેશન્સ, બીબીસી ડૉક્યુમેન્ટરી, બીબીસી ગુજરાતી
ઇમેજ કૅપ્શન, સિરોદેવી નામનાં દાયણ રડી પડે છે જ્યારે તેઓ મોનિકાને મળે છે. આ એ જ મોનિકા છે તેમને 1990માં પરિવારે તરછોડી દીધાં હતાં.
    • લેેખક, અમિતાભ પારાશર
    • પદ, બીબીસી આઈ ઇન્વેસ્ટિગેશન્સ

સિરોદેવી એક દાયણ છે અને તેઓ મોનિકા થટ્ટેને વળગીને રડી રહ્યાં છે. મોનિકા તેમના જન્મસ્થળે પાછાં ફર્યાં છે. એમનું જન્મસ્થળ એ ભારતનું એક એવું શહેર છે જ્યાં સિરોદેવીએ સેંકડો મહિલાઓની પ્રસૂતિ કરાવી છે.

પરંતુ સિરોદેવીની આંખમાંથી આંસુ એટલા માટે નથી વહી રહ્યાં કે તેઓ કોઈને ફરીથી મળીને ભાવુક થઈ ગયાં છે. મોનિકાના જન્મથી થોડા સમય પહેલાં સુધી સિરોદેવી અને તેમના જેવી ઘણી ભારતીય દાયણો પર નવજાત બાળકીઓની હત્યા કરવાનું દબાણ કરવામાં આવતું હતું.

રેકૉર્ડ સૂચવે છે મોનિકા એવી બાળકીઓમાંથી છે જેમને તેમણે બચાવી હતી.

1996માં હું ભારતના એક ગરીબ રાજ્ય બિહારમાં સિરોદેવી અને બીજી ચાર દાયણોના ઇન્ટરવ્યૂ માટે ગયો હતો ત્યારથી હું સિરોદેવીની કહાણીને 30 વર્ષથી ફૉલો કરું છું.

કટિહાર જિલ્લામાં નવજાત બાળકીઓની હત્યા પાછળ દાયણો હોવાનું એક એનજીઓ દ્વારા શોધી કાઢવામાં આવ્યું હતું. અહીં નવજાત બાળકીઓનાં માતાપિતાનાં દબાણ હેઠળ દાયણો તેમને રસાયણો ખવડાવીને અથવા માત્ર ગરદન મરડીને તેમની હત્યા કરતી હતી.

મેં જેમના ઇન્ટરવ્યૂ લીધા હોય તેવી દાયણો પૈકી સૌથી મોટી ઉંમરનાં એવાં હકિયાદેવીએ મને તે સમયે કહ્યું હતું કે તેમણે 12 થી 13 બાળકીઓને મારી નાખી હતી.

અન્ય દાયણ ધર્મીદેવીએ ઓછામાં ઓછી 15 થી 20 બાળકીઓની હત્યા સ્વીકારી હતી.

ડેટા જે રીતે એકત્ર કરવામાં આવ્યો હતો, તેને ધ્યાનમાં લેતાં તેમણે કેટલી બાળકીઓને મારી હશે તેની ચોક્કસ સંખ્યા નક્કી કરવી અશક્ય છે.

પરંતુ એક એનજીઓ દ્વારા 1995માં પ્રકાશિત થયેલા અહેવાલમાં તેમના વિશે માહિતી હતી. આ અહેવાલ તેમના અને બીજી 30 દાયણોના ઇન્ટરવ્યૂ પર આધારિત હતો. રિપોર્ટનો અંદાજ સાચો હોય તો દર વર્ષે એક જ જિલ્લામાં માત્ર 35 દાયણો દ્વારા 1,000થી વધુ બાળકીઓની હત્યા કરવામાં આવી હતી. અહેવાલ પ્રમાણે બિહારમાં તે સમયે પાંચ લાખથી વધારે દાયણો હતી અને નવજાત બાળકીઓની હત્યા માત્ર બિહાર પૂરતી મર્યાદિત ન હતી.

હકિયાએ કહ્યું કે પરિવારના આદેશને અવગણવો એ દાયણો માટે ક્યારેય શક્ય જ નહોતું.

હકિયાદેવી કહે છે, "રૂમને બંધ કરીને પરિવાર અમારી પાછળ લાકડીઓ લઈને ઊભો રહેતો. તેઓ કહેતા... અમારે પહેલેથી જ ચાર-પાંચ દીકરીઓ છે. તેનાથી અમારી મિલકત ખતમ થઈ જશે. અમે અમારી દીકરીઓને દહેજ આપીશું તો અમે ભૂખે મરી જઈશું. હવે ફરીથી એક છોકરીનો જન્મ થયો છે. તેને મારી નાખો."

તેમણે મને કહ્યું, "અમે કોને ફરિયાદ કરીએ? અમે ડરતાં હતાં. પોલીસ પાસે જઈએ તો મુશ્કેલીમાં પડીએ. જો અમે બોલીશું તો લોકો અમને ધમકાવશે."

સિરોદેવી, ભારતની દાયણોની કહાણી, ત્યજી દેવાતાં નવજાત બાળકો, બિહાર અને ઉત્તરપ્રદેશ, બાળકીની હત્યા, બીબીસી આઈ ઇન્વેસ્ટિગેશન્સ, બીબીસી ડૉક્યુમેન્ટરી, બીબીસી ગુજરાતી
ઇમેજ કૅપ્શન, નેવુંના દાયકામાં તેમણે જે ઇન્ટરવ્યૂ કર્યા હતા તેને જોઈ રહેલા અમિતાભ
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

ગ્રામીણ ભારતમાં દાયણોની પરંપરાગત ભૂમિકા રહેલી છે. તેઓ ગરીબી અને જાતિની કઠોર વાસ્તવિકતાઓથી કચડાયેલી છે. મેં જે દાયણનો ઇન્ટરવ્યૂ લીધો હતો, તે ભારતની જાતિ વ્યવસ્થામાં સૌથી નીચે આવે છે. તેમને દાયણનો વ્યવસાય તેમની માતા અને દાદી તરફથી મળ્યો હતો. તેઓ એવી દુનિયામાં રહેતી હતી, જ્યાં શક્તિશાળી ઉચ્ચ જ્ઞાતિના પરિવારોના આદેશનો અનાદર કરવો અશક્ય હતો.

દાયણને એક સાડી, થોડું અનાજ અને નાનકડી રકમનું વચન આપીને બાળકીની હત્યા માટે તૈયાર કરાતી હતી. કેટલીક વખત તો તેમને તે પણ મળતું નહોતું. દીકરાનો જન્મ થાય તો તેમને લગભગ 1000 રૂપિયા મળતા હતા, દીકરીનો જન્મ થાય તો તેનાથી અડધી રકમ મળતી.

તેમણે કહ્યું કે ભારતમાં દહેજ આપવાની પ્રથાના કારણે આ અસંતુલન હતું. 1961માં દહેજના રિવાજને ગેરકાયદે જાહેર કરવામાં આવ્યો હતો, પરંતુ 90ના દાયકામાં પણ તે હજુ પણ મજબૂત હતો. અને આજના દિવસે પણ તે ચાલુ છે.

દહેજમાં રોકડ, ઘરેણાં, વાસણો વગેરે કંઈપણ હોઈ શકે, પરંતુ ગરીબ હોય કે અમીર, ઘણા પરિવારોમાં દહેજ એ લગ્નની મુખ્ય શરત હોય છે. અને તેથી જ ઘણા લોકો માટે પુત્રનો જન્મ એ ઉજવણીનો પ્રસંગ હોય છે, જ્યારે પુત્રીનો જન્મ નાણાકીય બોજ.

મેં જેમના ઇન્ટરવ્યૂ લીધા તેમાંથી માત્ર સિરોદેવી હજુ જીવિત છે. તેમણે આ સ્થિતિની આ અસમાનતાને સમજાવવા માટે ઉદાહરણ આપ્યું.

સિરોદેવી, ભારતની દાયણોની કહાણી, ત્યજી દેવાતાં નવજાત બાળકો, બિહાર અને ઉત્તરપ્રદેશ, બાળકીની હત્યા, બીબીસી આઈ ઇન્વેસ્ટિગેશન્સ, બીબીસી ડૉક્યુમેન્ટરી, બીબીસી ગુજરાતી
ઇમેજ કૅપ્શન, સિરોએ બાળપણથી દાયણ તરીકે કામ કર્યું છે

તેઓ કહે છે, "દીકરો જમીનથી ઉપર હોય છે. તેનું સ્થાન ઊંચું છે. દીકરી નીચે છે. દીકરો તેનાં માતાપિતાને ખાવાનું ન આપે કે સંભાળ ન રાખે તો પણ બધાને દીકરો જોઈએ છે."

પુત્રને મળતું પ્રાધાન્ય એ ભારતના રાષ્ટ્રીય ડેટામાં પણ જોઈ શકાય છે. છેલ્લે 2011માં વસતીગણતરી થઈ ત્યારે 1000 પુરુષો દીઠ 943 સ્ત્રીઓનું પ્રમાણ જોવા મળ્યું હતું. છતાં 1990ના દાયકા કરતાં સુધારો થયો છે જે વખતે 1000 પુરુષોની સામે 926 સ્ત્રીઓનો રેશિયો હતો. 2021માં હાથ ધરવામાં આવેલા સર્વેક્ષણમાં તેમાં ફરી સુધારો થયો.

સિરોદેવી, ભારતની દાયણોની કહાણી, ત્યજી દેવાતાં નવજાત બાળકો, બિહાર અને ઉત્તરપ્રદેશ, બાળકીની હત્યા, બીબીસી આઈ ઇન્વેસ્ટિગેશન્સ, બીબીસી ડૉક્યુમેન્ટરી, બીબીસી ગુજરાતી
ઇમેજ કૅપ્શન, અનિલા કુમારી (ડાબેથી બીજા), સામાજિક કાર્યકર્તા છે જેમણે આ દાયણોને અલગ રસ્તો અપનાવવા માટે પ્રેરિત કર્યાં હતાં

1996માં મેં દાયણોની જુબાનીઓનું શૂટિંગ પૂરું કર્યું ત્યાં સુધીમાં એક નાનું, મૂક પરિવર્તન શરૂ થઈ ગયું હતું. જે દાયણો આ આદેશનું પાલન કરતી હતી તેઓ હવે પ્રતિકાર કરવા લાગી હતી. આ પરિવર્તન એક એનજીઓ ચલાવતાં સામાજિક કાર્યકર અનિલાકુમારીના કારણે શરૂ થયું હતું. તેમની સંસ્થા કટિહારની આસપાસનાં ગામડાંમાં મહિલાઓને મદદ કરે છે. તેઓ આ હત્યાઓનાં મૂળનો ઉકેલ લાવવા માટે કામ કરે છે.

અનિલાનો અભિગમ એકદમ સરળ હતો. તેમણે દાયણોને પૂછ્યું, "શું તમે તમારી પોતાની દીકરી સાથે આવું કરશો?"

તેમના પ્રશ્નોએ એવા મુદ્દા ઉઠાવ્યા જેનો વર્ષોથી ઇનકાર કરવામાં આવતો હતો. દાયણોને સામુદાયિક જૂથો તરફથી કેટલીક નાણાકીય મદદ મળી, ધીમેધીમે હિંસાનું આ ચક્ર અટકાવવામાં આવ્યું.

સિરોદેવીએ 2007માં મારી સાથે વાત કરતાં આ પરિવર્તન સમજાવ્યું.

"હવે જે પણ લોકો મને મારવા માટે કહે છે, હું તેમને કહું છું: "જુઓ, મને બાળક આપી દો, હું તેને અનિલા મેડમ પાસે લઈ જઈશ."

વીડિયો કૅપ્શન, ભારતમાં ગ્રામીણ દાયણોની હચમચાવનારી કબૂલાત – બીબીસી વર્લ્ડ સર્વિસ ડૉક્યુમેન્ટરી

1995 અને 1996ની વચ્ચે દાયણોએ ઓછામાં ઓછી પાંચ નવજાત બાળકીઓને એવા પરિવારો પાસેથી બચાવી હતી, જેઓ તેમની હત્યા કરવા માગતા હતા અથવા પહેલેથી તરછોડી દીધી હતી.

એક બાળકી મૃત્યુ પામી, પરંતુ અનિલાએ બાકીની ચારને બિહારની રાજધાની પટણામાં એક એનજીઓને મોકલવાની વ્યવસ્થા કરી, જેણે તેમને દત્તક આપવાનું આયોજન કર્યું.

વાર્તા ત્યાં જ પૂરી થઈ શકી હોત. પરંતુ હું એ જાણવા માંગતો હતો કે જે છોકરીઓને બચાવી લેવામાં આવી હતી અને દત્તક લેવામાં આવી હતી તેમનું શું થયું હતું અને જીવન તેમને ક્યાં લઈ ગયું હતું?

સિરોદેવી, ભારતની દાયણોની કહાણી, ત્યજી દેવાતાં નવજાત બાળકો, બિહાર અને ઉત્તરપ્રદેશ, બાળકીની હત્યા, બીબીસી આઈ ઇન્વેસ્ટિગેશન્સ, બીબીસી ડૉક્યુમેન્ટરી, બીબીસી ગુજરાતી
ઇમેજ કૅપ્શન, મોનિકાને તેમના પિતાએ ત્રણ વર્ષનાં હતાં ત્યારે દત્તક લીધાં હતાં

અનિલાના રેકૉર્ડ એકદમ ઝીણવટભર્યા હતા, પરંતુ દત્તક અપાયા પછી બાળકીઓનું શું થયું તેની બહુ ઓછી વિગત હતી.

બીબીસી વર્લ્ડ સર્વિસની ટીમ સાથે કામ કરતી વખતે હું મેધા શેખરના સંપર્કમાં આવ્યો, જેઓ 90ના દાયકામાં બિહારમાં ભ્રૂણહત્યા પર સંશોધન કરી રહ્યાં હતાં. તે સમયે અનિલા અને દાયણો દ્વારા બચાવાયેલી બાળકીઓ તેમના એનજીઓમાં આવવાં લાગી હતી. મહત્ત્વની વાત એ છે કે મેધા હજુ પણ તેમાંથી એક યુવતીના સંપર્કમાં હતાં, જે બચાવાયેલી બાળકીઓ પૈકી એક છે, એવું તેમનું માનવું હતું.

અનિલાએ મને કહ્યું કે તેમણે દાયણો દ્વારા બચાવાયેલી તમામ છોકરીઓને તેમના નામની આગળ 'કોસી' લખાવ્યું, જે બિહારની કોસી નદીને અંજલિ છે. મેધાને યાદ આવ્યું કે મોનિકાને દત્તક લેવાઈ તે પહેલાં તેના નામની આગળ ‘કોસી’ ઉપસર્ગ લાગેલું હતું.

દત્તક આપતી એજન્સીએ અમને મોનિકાના રેકૉર્ડ્સ જોવા દીધાં નથી, તેથી અમે ખાતરી કરી શક્યાં નથી. પરંતુ પટણામાં તેમના મૂળ, તેની અંદાજિત જન્મતારીખ અને તેના નામની આગળ લાગતું ઉપસર્ગ 'કોસી' એક જ દિશામાં નિર્દેશ કરે છે કે મોનિકા એ અનિલા અને બીજી દાયણો દ્વારા બચાવવામાં આવેલી પાંચ બાળકીઓ પૈકી એક છે.

હું જ્યારે તેમને લગભગ 2,000 કિલોમીટર (1,242 માઇલ) દૂર તેમનાં માતાપિતાના ઘરે મળવા પૂણે ગયો હતો, ત્યારે તેમને પોતાના બાળપણને લઇને કોઈ ફરિયાદ નહોતી.

સિરોદેવી, ભારતની દાયણોની કહાણી, ત્યજી દેવાતાં નવજાત બાળકો, બિહાર અને ઉત્તરપ્રદેશ, બાળકીની હત્યા, બીબીસી આઈ ઇન્વેસ્ટિગેશન્સ, બીબીસી ડૉક્યુમેન્ટરી, બીબીસી ગુજરાતી
ઇમેજ કૅપ્શન, વર્ષો પછી જ્યારે મોનિકાને મળ્યાં ત્યારે અનિલા ખૂબ ખુશ હતાં

તેમણે કહ્યું, "હું નસીબદાર હતી કે મને એક સારો પરિવાર મળ્યો. આ મારી સામાન્ય સુખી જીવનની વ્યાખ્યા છે અને હું તેને જીવી રહી છું."

મોનિકાને ખબર હતી કે તેમને દત્તક લેવામાં આવ્યાં છે અને તેઓ બિહારનાં છે. પરંતુ અમે તેમને દત્તક લેવાના સંજોગો વિશે વધુ વિગતો આપી શક્યા.

આ વર્ષની શરૂઆતમાં અનિલા અને સિરોદેવીને મળવા માટે મોનિકા બિહાર ગયાં હતાં. મોનિકા હવે પોતાની જાતને અનિલા તથા સિરોદેવી જેવી દાયણોની વર્ષોની મહેનતનાં પરિણામ તરીકે જુએ છે.

"કોઈ વ્યક્તિ પરીક્ષામાં સારો દેખાવ કરવા માટે ઘણી તૈયારી કરે છે. મને એવું લાગે છે. તેમણે સખત મહેનત કરી અને હવે તેઓ પરિણામ જોવા માટે ખૂબ ઉત્સુક છે… તેથી ચોક્કસપણે, હું [તેમને] મળવા માંગુ છું."

સિરોદેવી, ભારતની દાયણોની કહાણી, ત્યજી દેવાતાં નવજાત બાળકો, બિહાર અને ઉત્તરપ્રદેશ, બાળકીની હત્યા, બીબીસી આઈ ઇન્વેસ્ટિગેશન્સ, બીબીસી ડૉક્યુમેન્ટરી, બીબીસી ગુજરાતી
ઇમેજ કૅપ્શન, જ્યારે બીબીસી આ ડૉક્યુમેન્ટરી બનાવી રહ્યું હતું ત્યારે એક નવજાત બાળકને તરછોડી દેવાયું હતું

અનિલા જ્યારે મોનિકાને મળ્યાં ત્યારે ખુશીથી રડી પડ્યાં હતાં. પરંતુ સિરોદેવીએ તેમની લાગણી અલગ રીતે વ્યક્ત કરી હતી.

તેઓ મોનિકાને ગળે વળગાડીને અને તેના વાળમાં હાથ ફેરવતાં ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યાં.

"હું તારો જીવ બચાવવા તને [અનાથાશ્રમમાં] લઈ ગઈ હતી... મારા આત્માને હવે શાંતિ મળી છે," તેમણે મોનિકાને કહ્યું.

પરંતુ થોડા દિવસો પછી મેં સિરોદેવીને વધુ સવાલો પૂછ્યા ત્યારે તેમણે તેનો પ્રતિકાર કર્યો.

તેઓ કહે છે, "ભૂતકાળમાં જે થઈ ગયું તે થઈ ગયું."

પરંતુ હજુ પણ કેટલાક લોકો બાળકીઓ વિરુદ્ધ પૂર્વગ્રહ ધરાવે છે.

ભારતમાં હજુ બાળહત્યા થાય છે. જોકે, અત્યારે લિંગ અસમાનતાનું મુખ્ય કારણ ગર્ભપાતને ગણાવવામાં આવે છે. બાળકીઓને બચાવવા ભારત સરકારે અભિયાન આદર્યું હોવા છતાં આ સ્થિતિ છે.

1994માં ભારતમાં લિંગ આધારિત ગર્ભપાત પર પ્રતિબંધ મૂકાયો. પરંતુ ઝુંબેશકારો કહે છે કે હજુ પણ લિંગને ધ્યાનમાં રાખીને ગેરકાયદે ગર્ભપાત કરવામાં આવે છે.

ઉત્તર ભારતમાં તમને બાળકના જન્મ દરમિયાન ગવાતું પરંપરાગત લોકગીત સોહર સંભળાય, તો તેનો અર્થ એ થયો કે પુત્રનો જન્મ થયો છે. 2024માં પણ સ્થાનિક ગાયકોને ગીતના શબ્દો બદલવા તૈયાર કરવા એ મહેનતનું કામ છે, જેથી કરીને આ ગીતમાં બાળકીના જન્મની ઉજવણી કરી શકાય.

અમે અમારી ડૉક્યુમેન્ટરીનું શૂટિંગ કરી રહ્યા હતા, ત્યારે કટિહારમાં તરછોડી દેવાયેલી બે બાળકીઓ મળી આવી હતી. એક બાળકી ઝાડીમાંથી મળી જ્યારે બીજી રસ્તાના કિનારેથી. જન્મને હજુ કલાકો જ થયા હતા. તેમાંથી એક મૃત્યુ પામી, બીજીને દત્તક આપવા માટે રાખવામાં આવી.

સિરોદેવી, ભારતની દાયણોની કહાણી, ત્યજી દેવાતાં નવજાત બાળકો, બિહાર અને ઉત્તરપ્રદેશ, બાળકીની હત્યા, બીબીસી આઈ ઇન્વેસ્ટિગેશન્સ, બીબીસી ડૉક્યુમેન્ટરી, બીબીસી ગુજરાતી
ઇમેજ કૅપ્શન, તરછોડી દેવાયેલા આ બાળકનું નામ એધા છે અને તેને આસામના એક પરિવારે દત્તક લીધું છે

મોનિકાએ બિહાર છોડતા પહેલાં કટિહારના સ્પેશિયલ એડોપ્શન સેન્ટરમાં એ બાળકીની મુલાકાત લીધી હતી.

તેઓ કહે છે કે નવજાત બાળકીઓની હત્યા કદાચ ઘટી હશે, પરંતુ બાળકીઓને તરછોડી દેવાનું હજુ ચાલુ છે તે વાત તેને દુ:ખ પહોંચાડે છે.

"આ એક ચક્ર છે... થોડાં વર્ષો પહેલાં હું તેમાં હતી. અને હવે ફરીથી મારા જેવી કોઈ છોકરી છે."

પરંતુ કેટલીક આનંદદાયક સમાનતાઓ પણ છે.

ઉત્તર પૂર્વના રાજ્ય આસામના એક દંપતીએ આ બાળકી દત્તક લીધી છે. તેમણે તેનું નામ એધા રાખ્યું છે, જેનો અર્થ થાય છે સુખ.

તેને દત્તક લેનાર પિતા ગૌરવ કહે છે, "અમે તેનો ફોટો જોયો, અને અમે મન બનાવી લીધું હતું. એક વખત ત્યજી દેવાયેલા બાળકને બીજી વખત ત્યજી શકાય નહીં." ગૌરવ ભારતીય વાયુસેનાના અધિકારી છે.

થોડાં થોડાં અઠવાડિયે ગૌરવ મને તે દીકરીનો ઍક્ટિવિટીઝનો વીડિયો મોકલે છે. હું ક્યારેક તેને મોનિકા સાથે શેર કરું છું.

પાછળ ફરીને નજર નાખવામાં આવે તો આ કહાણી પર મેં ગાળેલાં 30 વર્ષ એ માત્ર ભૂતકાળની વાત નહોતી. આટલાં વર્ષ મારે એક એવા સત્યનો સામનો કરવો પડ્યો છે જે મુશ્કેલ હતું. ભૂતકાળને પલટી શકાતો નથી, પરંતુ તેમાં પરિવર્તન જરૂર લાવી શકાય છે.

અને તે પરિવર્તનમાં જ આશા રહેલી છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.