ઝેરી સાપ કરડે તો જીવ બચાવવા શું કરવું અને સાપને મારી નાખવાથી ઝેર ઊતરી જાય?

ઇમેજ સ્રોત, Getty Images
હાલમાં જ ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના ભીમપુરા ગામમાં સર્પદંશના કારણે 11 વર્ષના અરુણભા રાઠોડનું મૃત્યુ થયું હતું. સાપે ડંખ માર્યા બાદ બાળકને હૉસ્પિટલ લઈ જવાના બદલે પરિવારના સભ્યો તેને કથિત રીતે ભૂવા પાસે લઈ ગયા હતા.
રિપોર્ટ પ્રમાણે, કથિત ભૂવા સંજય રાઠોડે ઝેર ઉતારવા માટેની કથિત તાંત્રિકવિધિ કરીને અરુણભાને ઘરે મોકલી દીધો હતો. ધીમે-ધીમે સાપનું ઝેર આખા શરીરમાં પ્રસરી જતાં બાળકની તબિયત લથડવા લાગી હતી.
બાદમાં પરિવાર અરુણભાને નજીકની સરકારી દવાખાને લઈ ગયો હતો, પરંતુ ફરજ પર હાજર ડૉક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો.
ડૉક્ટર અનુસાર કથિત વિધિના કારણે અરુણભાને સમયસર સારવાર મળી નહોતી, જેના કારણે બાળકને જીવ ગુમાવવો પડ્યો હતો.
ભારત સરકારના આંકડા અનુસાર દેશમાં દર વર્ષે 40 લાખ લોકોને સાપ કરડે છે. સમગ્ર વિશ્વમાં સર્પદંશના કુલ કેસમાંથી અડધા કેસ માત્ર ભારતમાં નોંધાય છે.
સર્પદંશના કારણે ભારતમાં દર વર્ષે 50 હજાર લોકોનાં મૃત્યુ થાય છે. ભારતમાં સર્પદંશના કેસ સરકારી ચોપડે નોંધાતા નથી, કારણ કે સર્પદંશનો ભોગ બનનારામાંથી જૂજ લોકો જ સારવાર માટે હૉસ્પિટલ અથવા દવાખાના સુધી જતા હોય છે.
ભારત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય અનુસાર સર્પદંશના 100માંથી લગભગ 70 કિસ્સામાં વ્યક્તિને બિનઝેરી સાપ કરડે છે. લગભગ ત્રીસેક ટકા કિસ્સામાં ઝેરી સાપ કરડે છે અને તેમાં પણ 50 ટકા કિસ્સામાં સર્પદંશ શુષ્ક હોય છે એટલે કે સાપ કરડે ત્યારે શરીરમાં ઝેર છોડતું નથી. સર્પદંશના 100 કિસ્સાઓમાંથી લગભગ 15 કિસ્સાઓમાં જ સારવારની જરૂર પડતી હોય છે.
સાપ કરડે ત્યારે શું કરવું જેથી જીવ બચી જાય?

ઇમેજ સ્રોત, Getty Images
ગુજરાતમાં સામાન્ય રીતે ચોમાસામાં અને ચોમાસા બાદ સર્પદંશના કિસ્સા વધારે જોવા મળે છે. વિશ્વ આરોગ્ય સંસ્થાના કહેવા પ્રમાણે જ્યારે ઝેરી સાપ કરડ્યા બાદ લકવા થઈ શકે છે, શ્વાસ લેવામાં મુશ્કેલી પડે છે, ઘણી વખત ઝેર વધારે પ્રસરે તો અંગ પણ કાપવું પડે છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આ ઉપરાંત ઝેર શરીરમાં વધારે પ્રસરી જાય અને સારવાર ના મળે તો કેટલાક કિસ્સામાં લોકોનાં મોત પણ થાય છે.
ગુજરાત સરકારે સાપ કરડે ત્યારે ખરેખર શું કરવું તેની માહિતી આપતી એક ગાઇડલાઇન જારી કરી છે. તે પ્રમાણે સાપ કરડે ત્યારે કેટલાંક પગલાં તાત્કાલિક લેવાં જોઈએ.

સાપ કરડે ત્યારે શું કરવું?
- સાપ કરડે ત્યારે સૌથી પહેલાં એ ખાતરી કરી લો કે જેમને સાપ કરડ્યો છે તે અને બીજી વ્યક્તિ સાપથી દૂર છે કે નહીં. સાપને પકડવા જવાનો પ્રયત્ન ન કરવો.
- દૂરથી સાપને જોઈ લેવો અને કેવો દેખાય છે તે યાદ રાખવાનો પ્રયત્ન કરવો. જેથી હૉસ્પિટલ લઈ જવાય ત્યારે સારવાર કરવામાં સરળતા રહે.
- સાપ કરડ્યો હોય તે ભાગમાંથી ઘરેણાં, ઘડિયાળ, વીટીં કે બીજી વસ્તુઓ પહેરેલી હોય તો તેને ઉતારી દેવી.
- સાપ કરડ્યા બાદ દોડવું નહીં, બને તેટલું શાંત રહેવું અને શક્ય હોય તો જેમને સાપ કરડ્યો છે તેમને ચાલવા ના દેશો.
- સમય ગુમાવ્યા વિના તાત્કાલિક હૉસ્પિટલ જવા માટે વાહનની વ્યવસ્થા કરો, જેથી વ્યક્તિનો જીવ બચાવી શકાય.
- જો શક્ય હોય તો સાપ ક્યારે કરડ્યો અને તે બાદ કેવાં લક્ષણો દેખાવાં લાગ્યાં તે નોંધી લો.
- હૉસ્પિટલ પહોંચો ત્યારે સૌપ્રથમ ડૉક્ટરને સાપ કેવો દેખાતો હતો અને આખી ઘટનામાં શું-શું થયું તેની વિગતો આપી દો.

સાપ કરડે ત્યારે શું ન કરવું?
- સાપ કરડે ત્યારે ખૂબ જ ચુસ્ત રીતે પાટો ના બાંધવો. પાટો બાંધો તો પણ થોડો ઢીલો રહેવો જોઈએ. જો જોરથી ચુસ્ત રીતે પાટો બાંધી દેવામાં આવે તો જ્યાં સાપ કરડ્યો હોય તે ભાગમાં ઝેર પ્રસરતાં શરીરનું એ અંગ કદાચ કાપવું પણ પડે.
- સાપ કરડ્યા બાદ જેટલું બને એટલું ઓછું હલનચલન કરવું. વધારે હલનચલન કરવાથી શરીરમાં ઝેર ઝડપથી ફેલાઈ શકે છે.
- જે વ્યક્તિને સાપ કરડ્યો હોય તેને કોઈ પણ પ્રકારની હર્બલ કે બીજી કોઈ જાણ ના હોય તેવી દવા ન આપવી.
- સર્પદંશનો ભોગ બનેલી વ્યક્તિને કોઈ પણ પ્રકારનું પીણું પણ ના આપવું.
- જો વ્યક્તિને લોહી નીકળવા લાગે, પેશાબની માત્રા ઘટી જાય, સર્પદંશની જગ્યામાં સોજો આવી જાય, શ્વાસ લેવામાં તકલીફ થાય, છાતીમાં દુખવા લાગે અને લકવાનાં લક્ષણો દેખાય તો તાત્કાલિક હૉસ્પિટલ લઈ જવી.
સાપને મારી નાખવાથી કે બરફ લગાવવાથી ઝેર ઊતરી જાય?

ઇમેજ સ્રોત, Getty Images
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
જ્યારે ઝેરી સાપ કરડે ત્યારે સમયસર અને યોગ્ય સારવાર મળવી જરૂરી છે જેથી વ્યક્તિનો જીવ બચી શકે. જો તાત્કાલિક સારવા ન મળે અથવા યોગ્ય સારવાર ન મળે તો ઘણા કિસ્સાઓમાં મોત પણ થઈ શકે છે અથવા કાયમી શારીરિક ખોડ પણ થઈ શકે છે. જેથી સાંભળેલી વાતો કે પરંપરાત કેટલીક પદ્ધતિઓ પર ધ્યાન ન આપવું.
ધ્રાંગધ્રામાં છેલ્લાં 20 વર્ષથી સારવાર આપી રહેલા સિનિયર ઇન્ટેન્સિવિસ્ટ ડૉ. હેમાંગ દોશીના કહેવા પ્રમાણે હવે ગ્રામ્ય વિસ્તારોમાં પણ 108 જેવી ઍમ્બ્યુલન્સની સુવિધાઓને કારણે ઝડપથી નજીકના ડૉક્ટર પાસે સારવાર માટે પહોંચી શકાય છે. હવે સાપને મારીને સાથે લઈ આવવાની જરૂર ન પડે તેવી દવાઓ મળે છે. આવી એન્ટિવૅનમ દવાઓમાં સાપના ઝેરની અસરને દૂર કરી દે છે.
ગુજરાત સરકારના રિપોર્ટ પ્રમાણે ભારતમાં સૌથી વધારે જ્યાં સાપ કરડવાના કિસ્સા બને છે તેમાં 13 રાજ્યોમાં ગુજરાતનો સમાવેશ થાય છે. રાજ્યમાં દર વર્ષે એક લાખ લોકોમાં 3થી 4 લોકોનાં સાપ કરડવાને કારણે મોત થાય છે. સામાન્ય રીતે વરસાદની ઋતુમાં સાપ કરડવાની ઘટનાઓ વધારે બનતી હોય છે.
ઘણા કિસ્સામાં સાપ કરડે ત્યારે લોકો ઘરે જ તેની સારવાર કરવા લાગે છે અથવા ઘણી એવી રીતો અપનાવે છે જે ખરેખર રીતે સાપ કરડવાના કિસ્સામાં ના કરવી જોઈએ. ઘણી એવી બાબતો છે જે આવી ઘટનામાં વધારે નુકસાન કરે છે.
સાપ કરડે ત્યારે કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ?

ઇમેજ સ્રોત, Getty Images
- સર્પદંશવાળી જગ્યાથી ઝેર ચૂસીને કાઢવાનો પ્રયત્ન ન કરવો
- ઝેર બહાર કાઢવા માટે સર્પદંશવાળી જગ્યામાં ચીરો ન કરવો
- પરંપરાગત ઉપચાર કરનારી વ્યક્તિ પાસે જવું નહીં
- સર્પદંશના દર્દીનો ક્યારે પણ ઘરગથ્થુ ઉપચાર કરવો નહીં
- જે જગ્યાએ સાપ કરડ્યો હોય તેની ઉપર જ પાટો બાંધવો નહીં
- કરડેલો ભાગ સાફ ન કરો અને બરફ પણ લગાવવો નહીં
- સાપને પકડવાની અથવા મારવાનો પ્રયાસ કરવો નહીં, સાપને મારી નાખવાથી ઝેર ઊતરી જતું નથી
ગુજરાત સરકારે જારી કરેલી ગાઇડલાઇન પ્રમાણે સાપ કરડે ત્યારે ઉપરોક્ત બાબતોમાંથી કોઈ પણ ઉપાય અજમાવો તો એનાથી કોઈ ફાયદો નહીં થાય અથવા તો તે વધારે નુકસાન કરશે.
ગુજરાતમાં કયા સાપ છે જે ઝેરી છે?

ભારતમાં સાપની 250થી વધુ પ્રજાતિઓ છે, જેમાંથી 52 સાપ ઝેરી હોય છે. ભારતમાં મળી આવતા ઝેરી સાપો મુખયત્વે ચાર પ્રકારના હોય છેઃ ક્રેટ અને કોબ્રા, વાઇપર, દરિયાઈ સાપો અને રીયર ફેન્ગડ સ્નેક (rear fanged snake).
ગુજરાતમાં જોવા મળતી લગભગ 60થી 62 જેટલી પ્રજાતિઓમાંથી માત્ર ચાર પ્રજાતિના સાપ મનુષ્યો માટે જોખમી છે. સર્પદંશથી થતાં સૌથી વધુ મૃત્યુ પાછળ મુખ્યત્વે ચાર સાપ, નાગ (ઇન્ડિયન કોબ્રા), કાળોતરો (ઇન્ડિયન ક્રેટ), ખડચિતળો (રસેલ્સ વાઇપર) અને ફૂરસો (સો સ્કેલ્ડ વાઇપર), જવાબદાર છે.
વિશ્વ આરોગ્ય સંસ્થાના જણાવ્યા પ્રમાણે ખેતીમાં કામ કરતા લોકો અને બાળકો સર્પદંશનો વધારે ભોગ બને છે. જેમાં બાળકોને સાપના ઝેરની અસર સૌથી વધારે થાય છે.
સામાન્ય રીતે દુનિયાભરમાં સર્પદંશના કેસ જોવા મળે છે, પરંતુ ભારત સહિત દક્ષિણ-પૂર્વ એશિયાના દેશોમાં આવા કિસ્સામાં મોતનો દર વધારે છે.
ભારત સરકારના રિપોર્ટ પ્રમાણે સાપ કરડવાની ઘટના ગામડાં અને શહેરની બહારના વિસ્તારોમાં વધારે જોવા મળે છે. ભારતમાં બિહાર, ઝારખંડ, પશ્ચિમ બંગાળ, મધ્ય પ્રદેશ, ઓડિશા, ઉત્તર પ્રદેશ, આંધ્ર પ્રદેશ, તેલંગણા, રાજસ્થાન અને ગુજરાતમાં સર્પદંશની ઘટના વધારે જોવા મળે છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












