ગુજરાતી મૂળના આદિવાસીઓના તેલથી વાળ ખરેખર કાળા અને લાંબા બને છે, આ તેલમાં શું-શું હોય છે?

હકીપીકી હૅર ઑઈલ
ઇમેજ કૅપ્શન, આદિવાસીના તેલની જાહેરાતની તસવીર
    • લેેખક, તુલસી પ્રસાદ રેડ્ડી
    • પદ, બીબીસી સંવાદદાતા

બંને મહિલાનાં માથાં એક તરફ ઝૂકી રહ્યાં છે અને તેમના વાળ કમરથી નીચે સુધી છે. તેમના હાથમાં એક બૉટલ છે જેમાં આછા કાળા રંગનું તેલ છે.

આ પ્રકારની તસવીર ધરાવતી જાહેરાતો આજકાલ સોશિયલ મીડિયા અને ઇ-કૉમર્સ વેબસાઇટમાં સતત જોવાં મળી રહી છે.

જ્યારે તમે ઇ-કૉમર્સ વેબસાઇટમાં આયુર્વેદિક તેલ સર્ચ કરશો ત્યારે ઘણી બૉટલો જોવાં મળશે જેમાં આ પ્રકારની તસવીરો હશે. બૉટલમાં જે તેલ છે તેના વિશે મોટા પ્રમાણમાં ચર્ચા અને વિશ્લેષણો થઈ રહ્યાં છે.

બોલીવૂડ કલાકારો, ડિરેક્ટરો અને સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સરો પણ આ તેલના વખાણ કરે છે. આ તેલનું જબરું આકર્ષણ છે.

આ છે હક્કીપિક્કી (Huckypicky) હૅર-ઑઇલ.

અત્રે નોંધનીય છે કે આ તેલ હક્કીપક્કી આદિવાસીઓ દ્વારા બનાવવામાં આવે છે તેથી તેનું નામ હક્કીપિક્કી તેલ પડ્યું છે. હક્કીપક્કી આદિવાસીઓ દાવો કરે છે કે 100 કરતાં પણ વધારે જડીબુટ્ટીમાંથી આ તેલ તૈયાર કરવામાં આવે છે.

બીજી બાજુ વનવિભાગના અધિકારીઓ અનુસાર આદિવાસીઓ જંગલમાંથી કોઈ જડીબુટ્ટીઓ લાવતા નથી.

ચાલો જાણીએ હક્કીપિક્કી તેલ કઈ રીતે તૈયાર કરાય છે અને આ તેલનો ઇતિહાસ શું છે.

હક્કીપક્કી આદિવાસીઓ કોણ છે?

આદિવાસીઓ દાવો કરે છે કે 100 કરતાં પણ વધુ જડીબુટ્ટીમાંથી આ તેલ તૈયાર કરવામાં આવે છે.
ઇમેજ કૅપ્શન, આદિવાસીઓ દાવો કરે છે કે 100 કરતાં પણ વધુ જડીબુટ્ટીમાંથી આ તેલ તૈયાર કરવામાં આવે છે

હક્કીપક્કી આદિવાસીઓ કર્ણાટકના શિવમોગા, હાસન, માંડ્યા અને મૈસુર જિલ્લામાં રહે છે. 2011ની વસતીગણતરી મુજબ તેમની વસતી 12 હજાર છે.

કન્નડ ભાષામાં હક્કીપક્કીનો અર્થ થાય છે 'બર્ડ હન્ટર' એટલે કે 'પક્ષીનો શિકાર કરતા લોકો'.

કર્ણાટક આદિવાસી રક્ષા પરિષદના રાજ્ય પ્રમુખ એમ કૃષ્ણનૈયા બીબીસીને જણાવ્યું, ''હક્કીપક્કી આદિવાસીઓના મૂળ ગુજરાત સાથે જોડાયેલા છે. ઇતિહાસ પ્રમાણે આ આદિવાસીઓ મેવાડ પ્રાંતમાં રહેતા હતા. ત્યારે મેવાડના રાજા રાણા પ્રતાપસિંહ હતા. યુદ્ધ અને દુષ્કાળના કારણે આદિવાસીઓ આંધ્ર પ્રદેશ અને તામિલનાડુમાં સ્થાયી થઈ ગયા હતા.''

તેઓ વધુમાં જણાવે છે કે, હાલમાં હક્કીપક્કી આદિવાસી યુવાનો શિક્ષણ તરફ વળી રહ્યા છે.

મૈસુર યુનિવર્સિટીમાં માનવશાસ્ત્રી ડૉ. ડી સી નાનજૂંગા કહે છે, ''હક્કીપક્કી આદિવાસીઓ જે ભાષામાં વાતચીત કરે છે. તે ભાષા ગુજરાતીમાંથી આવી છે.''

આ હૅર-ઑઇલનો ઇતિહાસ શું છે?

ઉત્પાદકો અનુસાર હૅર ઑઈલ બનાવવા માટે આ જડીબુટ્ટીઓનો ઉપયોગ કરવામાં આવે છે
ઇમેજ કૅપ્શન, ઉત્પાદકોનો દાવો છે કે આ હૅર-ઑઇલ બનાવવા માટે આ જડીબુટ્ટીઓનો ઉપયોગ કરવામાં આવે છે
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

હક્કીપક્કી આદિવાસીઓ જીવનનિર્વાહ માટે પક્ષીઓનો શિકાર કરતા હતા. પક્ષીઓનાં શિકાર પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો તેથી હક્કીપક્કી લોકોએ હૅર-ઑઇલ બનાવવાની શરૂઆત કરી હતી.

સુદીશ કર્કે પક્ષીરાજપુર ગામમાં રહે છે અને હક્કીપક્કી આદિવાસી સમાજમાંથી છે.

બીબીસી સાથે વાત કરતા તેઓ કહે છે, ''અમારા સમાજના લોકો સદીઓથી આ હૅર-ઑઇલ બનાવી રહ્યા છે. અમારા વડવાઓ મૈસુરના મહારાજા માટે જડીબુટ્ટીઓમાંથી તેલ બનાવતા હતા. અમે હૅર-ઑઇલ બનાવવાની રીત અમારા વડવા પાસેથી શીખ્યા છે.''

સુદીશ કહે છે કે, ''મેં 60ના દાયકાથી આ તેલ બનાવીને વેચવાની શરૂઆત કરી હતી. શરૂઆતમાં અમે બહુ ઓછું હૅર-ઑઇલ બનાવતા હતા. આ તેલ વેચવા માટે અમારે શહેરો અને ગામડાંમાં જવું પડતું હતું. અમે લોકોને કહેતા કે જો તમે આ તેલ વાપરશો તો તમારા વાળ નહીં ખરે અને વાળ લાંબા થશે. ત્યારે હૅર-ઑઇલના વેચાણથી એટલી આવક પણ થતી નહોતી.''

ત્યારબાદ સુદીશે વિદેશોમાં જઈને હૅર-ઑઇલ વેચવાની શરૂઆત કરી હતી. સુદીશના દાવા પ્રમાણે આજે આ તેલની ઘણા દેશોમાં નિકાસ કરવામાં આવે છે.

ડૉ. ડી સી નાનજૂંગા કહે છે, ''આજે આ હૅર-ઑઇલ સુદાન, સિંગાપુર અને મલેશિયામાં નિકાસ કરવામાં આવે છે.''

આ તેલ કઈ રીતે તૈયાર કરવામાં આવે છે?

ઉત્પાદકોના તમામ દાવાઓ વચ્ચે તેઓ આ હૅયર ઑઈલના ફાયદાઓ અંગે કોઈ વૈજ્ઞાનિક પુરાવા આપી શક્યા નથી
ઇમેજ કૅપ્શન, ઉત્પાદકોના તમામ દાવાઓ વચ્ચે તેઓ આ હૅર-ઑઇલના ફાયદાઓ અંગે કોઈ વૈજ્ઞાનિક પુરાવા આપી શક્યા નથી

સુદીશ કર્કેના જણાવ્યા અનુસાર 100થી વધુ જડીબુટ્ટીઓમાંથી આ તેલ તૈયાર કરવામાં આવે છે. પરંતુ તેમણે જડીબુટ્ટીઓનાં નામો આપવાનો અને તેલ તૈયાર કરવાની પદ્ધતિ વિશે જણાવવાનો ઇન્કાર કર્યો હતો.

''અમે માત્ર 10 જડીબુટ્ટીઓનાં જ નામો જણાવીશું. તે છે શિક્યા, એરઠ, આમળા, ઍલોવેરા, ત્રિમુખી, તુલસી, બ્રાહ્મી, નીમ, કેસર, ભૃંગરાજ, મંદરમ ફૂલ, તંગડૂ ફૂલ અને બીજી અન્ય જડીબુટ્ટીઓ. જો તમને બાકીની જડીબુટ્ટીઓનાં નામો મળી જાય તો પણ બીજા કોઈને ન જણાવતા નહીંતર લોકો હૅર-ઑઇલ જાતે બનાવી લેશે.''

હક્કીપિક્કી હૅર-ઑઇલનું ઉત્પાદન સાથે જોડાયેલાં અભિલાષા જયકુમાર બીબીસી સાથેની વાતચીતમાં કહે છે, "બધી જડીબુટ્ટીઓને એક અઠવાડિયા સુધી તડકામાં સૂકવવામાં આવે છે. અમે કોપરેલમાં બે પ્રકારનાં તેલ ભેળવીએ છીએ અને ત્યારબાદ બધી જડીબુટ્ટીઓ તેમાં નાંખવામાં આવે છે. આ તેલને 24 કલાક સુધી ઉકાળવામાં આવે છે. તેલ એકદમ ધીમી આગમાં ઉકાળવામાં આવે છે.''

તેઓ દાવો કરતા જણાવે છે કે, ''આ તેલનો ઉપયોગ કરવાથી વાળ ખરતાં અટકી જાય છે. આ તેલનો ઉપયોગ કરવાથી જેમના વાળ છે તેમના વાળ લાંબા બને છે. આ તેલની કોઈ આડઅસર નથી.''

જોકે, ઉત્પાદકોના તમામ દાવાઓ વચ્ચે તેઓ આ હૅર-ઑઇલના ફાયદાઓ અંગે કોઈ વૈજ્ઞાનિક પુરાવા આપી શક્યા નથી.

ડૉ. જિતેન્દ્ર અનુસાર તેમની પાસે આ હૅર-ઑઇલની કેવી અસર થાય છે તે બાબતનો કોઈ વૈજ્ઞાનિક ડેટા નથી.

તેઓ કહે છે,''કઈ રીતે જડીબુટ્ટીનું મિશ્રણ કરવામાં આવે છે તેના પર બધો આધાર હોય છે. આ હૅર-ઑઇલની વ્યક્તિ પર કોઈ પણ પ્રકારની અસર થઈ હોય તો તે માટે વૈજ્ઞાનિક ડેટા જોઈએ, જે હાલમાં નથી. વસ્તુનો ઉપયોગ કરતી વખતે ગ્રાહકોને તેનાં લાભ અને નુકસાન વિશે માહિતી આપવી જોઈએ.''

હૅર-ઑઇલના માર્કેટમાં નોંધપાત્ર વધારો

અડધા લિટર હૅયર ઑઈલની કિંમત 1500 રૂપિયા છે
ઇમેજ કૅપ્શન, અડધા લિટર હૅર-ઑઇલની કિંમત 1500 રૂપિયા છે

સ્થાનિકો પ્રમાણે હૅર-ઑઇલના ઉત્પાદન અને વેચાણથી એક હજાર પરિવારોની આજીવિકા ચાલે છે. આ પરિવારોના જણાવ્યા પ્રમાણે તેઓ લાંબા સમયથી આ તેલનું વેચાણ કરી રહ્યાં છે પરંતુ તેની માંગ છેલ્લાં થોડાં વર્ષોમાં જ વધી છે. કોવિડના સમયગાળા દરમિયાન હૅર-ઑઇલની ઑનલાઇન ઑર્ડરની સંખ્યામાં ખાસ્સો વધારો થયો હતો.

સાલ 2023માં 100 હક્કીપક્કી આદિવાસીઓ સુદાનમાં ફસાઈ ગયા હતા. સુદાનમાં ગૃહયુદ્ધ ચાલતું હોવાને કારણે તેઓ ત્યાં ફસાઈ ગયા હતા.

ભારત સરકાર બધાને સુરક્ષિત સ્વદેશ લઈ આવવામાં સફળ થઈ હતી. તે વખતે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તેમની સાથે મુલાકાત પણ કરી હતી જે બાદ દેશવાસીઓને આ હક્કીપક્કી આદિવાસી સમાજ વિશે માહિતી મળી હતી.

વડા પ્રધાને જે વ્યક્તિઓની મુલાકાત લીધી હતી તેમાં રાજેશ્વરી પણ સામેલ હતાં.

બીબીસી સાથે વાત કરતાં રાજેશ્વરી કહે છે, ''જ્યારે વડા પ્રધાન અમને મળ્યા તો તેમને પ્રશ્ન કર્યો કે અમે સુદાન શા માટે ગયા હતા? મેં તેમને જ્યારે હકીકત જણાવી તો તેઓ પણ ખુશ થયા હતા.''

વડા પ્રધાન સાથેની મુલાકાત બાદ હક્કીપિક્કી હૅર-ઑઇલ વધુ પ્રખ્યાત થયું છે. ફિલ્મના કલાકારો, યુટ્યૂબર્સ અને સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર આ તેલનો પ્રચાર કરતા તેની માગમાં ભારે વધારો થયો છે. અડધા લિટર હૅર-ઑઇલની કિંમત 1500 રૂપિયા છે.

આજે મૈસુર જિલ્લાના હન્સૂર પાસેનાં અનેક ગામોમાં હક્કીપિક્કી હૅર-ઑઇલ એક મુખ્ય વ્યવસાય બની ગયો છે. હન્સૂરથી ગુરપુરા તરફ જવાના રસ્તે આવતાં ગામો જેમ કે પક્ષીરાજપુરા 1 અને પક્ષીરાજપુરા 2માં અનેક પરિવારો છે જેઓ માત્ર હૅર-ઑઇલનું ઉત્પાદન જ કરે છે. શિવમોગા જિલ્લામાં પણ કેટલાંક ગામો છે જ્યાં આ તેલનું ઉત્પાદન કરવામાં આવે છે.

ઇન્ફ્લુએન્સર્સ પ્રચારમાં જોડાયા

હક્કીપક્કી આદિવાસીઓ વાઘરી ભાષામાં વાતચીત કરે છે
ઇમેજ કૅપ્શન, હક્કીપક્કી આદિવાસીઓ જે ભાષામાં વાતચીત કરે છે તે ભાષા ગુજરાતીમાંથી ઉતરી આવી છે

હક્કીપક્કી આદિવાસીઓ હક્કીપિક્કી હૅર-ઑઇલનો પ્રચાર પણ જોરશોરથી કરી રહ્યા છે.

સ્થાનિકો અનુસાર કેટલાક સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સરોને હૅર-ઑઇલના પ્રચાર માટે પૈસા આપવામાં આવે છે. હૅર-ઑઇલના ઉત્પાદન અને વેચાણમાં પ્રતિસ્પર્ધા હોવાના કારણે આમ થઈ રહ્યું છે.

એમ કૃષ્ણનૈયાહ (M. Krishnaiah) કહે છે, કેટલાક ઇન્ફ્લુએન્સરોને પૈસા આપાવામાં આવે છે જ્યારે કેટલાક મફતમાં પ્રોમોશન કરે છે.

બોલીવૂડ સેલેબ્રિટી સોનુ સૂદ અને ફરાહ ખાન પણ આ હૅર-ઑઇલનો પ્રચાર કરી ચૂક્યા છે. સેલેબ્રિટીઝ આવે છે ત્યારે તેમની સાથે તસવીરો પાડવામાં આવે છે જેનો બાદમાં પ્રોમોશન માટે ઉપયોગ કરવામાં આવે છે.

સુદીશ કર્કે કહે છે, સોનુ સૂદ અને ગ્રેટ ખલી અમારી પાસે આવ્યા હતા અને અમારા હૅર-ઑઇલ વિશે માહિતી મેળવી હતી. જ્યારે તેઓ આવે છે ત્યારે જ પ્રોમોશન થાય છે. અમે સેલેબ્રિટીઝ પાછળ બહુ ખર્ચ કરતા નથી.

આ પ્રકારનાં પ્રોમોશનોના કારણે સમગ્ર ભારતમાંથી ઑર્ડર મળી રહ્યા છે. બિહારથી ખાસ હક્કીપિક્કી હૅર-ઑઇલ લેવા માટે કર્ણાટક આવેલા રણજીતે બીબીસીને જણાવ્યું, મેં ઑનલાઈન ઑર્ડર કર્યો હતો પરંતુ મને નકલી તેલ મળ્યું હતું. તેથી હું અહીં અસલી તેલ ખરીદવા માટે આવ્યો છું. મેં ઇન્સ્ટાગ્રામ પર સોનુ સૂદના વીડિયો જોયા છે. મને માહિતી મળી છે અનેક સેલેબ્રિટીઝ અહીં આવી ચૂક્યા છે. હું સારું હૅર-ઑઇલ શોધવા માટે અહીં આવ્યો છું.

તેલને કારણે આદિવાસીઓનું જીવનધોરણ સુધર્યું

હૅયર ઑઈલના કારણે હક્કીપક્કી આદિવાસીઓના જીવનમાં મોટો ફેરફાર આવ્યો છે
ઇમેજ કૅપ્શન, હક્કીપક્કી આદિવાસીઓ પાસે આજે બંગલા અને ગાડી છે

એમ કૃષ્ણનૈયાહ કહે છે કે અત્યાર હૅર-ઑઇલનો વેપાર બહુ સારી રીતે ચાલી રહ્યો છે. હાલમાં દર મહિને બેથી ત્રણ કરોડ રૂપિયાના હૅર-ઑઇલનું વેચાણ થાય છે.

હક્કીપક્કી આદિવાસીઓમાં શિક્ષણનો અભાવ હોવાના કારણે બીજા લોકો કમ્પ્યૂટર ઑપરેટર અથવા ટૅલિકૉલર તરીકે કામ કરે છે.

ગૌરી બિદ્દાનુર ગામના થારૂ કહે છે, ''મારું કામ છે ફોન કૉલ કરવાનું અને આ માટે મને દર મહિને 10 હજાર રૂપિયાનો પગાર મળે છે.''

કેટલાક શિક્ષિત હક્કીપક્કી યુવાનો હૅર-ઑઇલના વેપારમાં ઝંપલાવી રહ્યા છે. એન્જિનિયરીંગનો અભ્યાસ કરી ચૂકેલા શાંતિકુમાર પણ તેમાં સામેલ છે.

તેઓ કહે છે, ''મેં ત્રણ વર્ષ સુધી બેંગલુરુમાં નોકરી પરંતુ પગાર પૂરતો નહોતો. એટલે મેં નોકરી છોડીને હૅર-ઑઇલના વ્યાપારમાં ઝંપલાવ્યું છે. જ્યારે હું હક્કીપક્કી આદિવાસીઓના ગામે ગયો ત્યારે તેમના જીવનમાં આવેલા પરિવર્તનને જોઈને ઘણું આશ્ચર્ચ થયું હતું. ઘણા આદિવાસીઓએ મોટાં-મોટાં ઘરો બનાવ્યાં છે.''

હૅર-ઑઇલના વેપારથી થતી આવક હક્કીપક્કી આદિવાસીઓના જીવનમાં મોટા ફેરફારો લઈને આવી છે. ઘણા લોકો મોંઘીદાટ કારનો ઉપયોગ કરે છે. તેઓ લગ્ન સંભારંભો ધામધૂમથી કરે છે તેમાં ખાસ્સો પૈસો ખર્ચ પણ કરે છે.

'જંગલમાંથી કોઈ જડીબુટ્ટી લેતું નથી'

હક્કીપિક્કી હૅર-ઑઇલના ઉત્પાદકો દાવો કરે છે કે આ તેલ ઔષધિઓમાંથી બને છે જ્યારે બીજી બાજુ કર્ણાટક વન વિભાગના અધિકારીઓના જણાવ્યા અનુસાર આ વાત સાચી નથી.

મૈસુરના ડીસીએફઓ સીમા બીબીસી સાથેની વાતચીતમાં કહે છે, 'હક્કીપક્કી આદિવાસીઓ જંગલમાંથી કોઈ પણ ઔષધિઓ લેતાં નથી. હાલમાં ઘણી દુકાનો આવી ગઈ છે. અમને એ તેલ વિશે કોઈ માહિતી નથી."

કર્ણાટક આદિવાસી વિભાગનો પણ આવો જ જવાબ હતો.

ગંગાધર નામના એક અધિકારીએ બીબીસીને જણાવ્યું, "અમે કોઈ હક્કીપક્કી આદિવાસીને કોઈ પણ પ્રકારની તાલિમ આપી નથી. તેઓ જે હૅર-ઑઇલ બનાવે છે તે વિશે અમને કોઈ માહિતી નથી."

એમ કૃષ્ણનૈયાહ કહે છે કે સરકારે જાગૃતિ લાવવી જોઈએ અને જરૂરી ઓળખ અને પુરાવા આપવા જોઈએ.

સરકારે અમને ઔષધિઓ માટે આર્થિક મદદ કરવી જોઈએ. આ માટે નિયમિતપણે લાયસન્સ આપવું જોઈએ. આયુષ વિભાગે સર્ટિફિકેટ આપવું જોઈએ.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.