યુવાનીમાં બીમારીથી બચવા કયા ટેસ્ટ કરાવવા જોઈએ?

યુવાનો, બીમારી, ફિટનેસ, બ્લડપ્રેશર, ડાયાબીટિસ, લોહીની તપાસ, હૅલ્થ, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

    • લેેખક, મયંક ભાગવત
    • પદ, બીબીસી મરાઠી સંવાદદાતા

ઇલાજ કરવો પડે તેના કરતાં પહેલા જ એનું નિવારણ થઈ જાય એ સારું! આ વાત કહેતા લોકોને તમે ઘણીવાર સાંભળ્યા હશે. પરંતુ શું આપણે ખરેખર આ વાતનો ખ્યાલ રાખીએ છીએ? શું આપણને આપણા શરીરની ખરેખર પરવા છે?

આજકાલ 30ની ઉંમર થાય એ પહેલાં જ જવાબદારીઓનો ભાર વધી જાય છે. એ સાથે જ વર્કલૉડ પણ વધવા લાગે છે. પરિવારને સમય પણ આપવાનો હોય છે. મોટા ભાગના લોકો આ ચક્રમાં ફસાઈ જાય છે અને પોતાના શરીરનું ધ્યાન રાખતા નથી.

જોકે, વિશેષજ્ઞોનું કહેવું છે આ જ ઉંમરથી લોકોએ શરીરનું પૂરતું ધ્યાન રાખવું જોઇએ. જો શરીરનું યોગ્ય ધ્યાન રાખવામાં આવે તો ઉંમરને કારણે થતી બીમારીઓથી બચી શકાય.

વિશેષજ્ઞો અનુસાર, ત્રીસની ઉંમરમાં જીવનશૈલી સાથે જોડાયેલી બીમારીઓ જેવી કે હૃદયરોગ, ડાયાબિટીસ, હાઈ બ્લડપ્રૅશર, મેદસ્વીપણું તથા કૅન્સર જેવા રોગો થવાની શક્યતાઓ રહેલી છે. ખાણીપીણીની આદતોમાં બદલાવ અને શરીરની ઉપેક્ષાને કારણે આપણે આવા રોગોને આમંત્રણ આપીએ છીએ.

પહેલાં પચાસની ઉંમર વટી જાય ત્યારે હૃદયરોગનો હુમલો આવતો હતો, જ્યારે હવે ત્રીસની ઉંમરમાં જ આ પ્રકારના કિસ્સાઓ જોવા મળે છે.

"બીમાર પડ્યા પછી દવાખાનામાં દોડી જવા કરતાં તેના કાયમી નિવારણ પર ધ્યાન આપવું વધુ સારું છે. સમયસર અને યોગ્ય નિદાન આ રોગને અટકાવી શકે છે. " જનરલ ફિઝિશિયન ડૉ. સંવેદના સમેલે જણાવ્યું હતું કે આ માટે મૅડિકલ ટેસ્ટ કરાવવા જોઈએ.

ક્યા ટેસ્ટ કરાવવા જોઇએ?

યુવાનો, બીમારી, ફિટનેસ, બ્લડપ્રેશર, ડાયાબીટિસ, લોહીની તપાસ, હૅલ્થ, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

ડૉ. સંવેદનાએ આ ડાયગ્નૉસ્ટિક પરીક્ષણોને ક્લિનિકલ ટેસ્ટ, વિશેષ તપાસ અને બ્લડ-ટેસ્ટમાં વર્ગીકૃત કરીને સમજાવ્યા.

  • બ્લડ-પ્રૅશર મૉનિટરિંગ

ડૉક્ટરની મુલાકાત લેતી વખતે પ્રથમ તો તમારું બ્લડ પ્રૅશર તપાસવું જોઈએ. 120-80 એ સામાન્ય છે. હાઈ બ્લડ પ્રૅશર એ હૃદયરોગના જોખમની નિશાની છે. એટલા માટે સમયાંતરે બ્લડ પ્રેશર તપાસવું જોઈએ.

નિષ્ણાંતો કહે છે કે ઘરે ડિજિટલ બ્લડ પ્રેશર મૉનિટર રાખવું વધુ સારું છે.

  • લોહીની તપાસ

આ સલાહ તમે ઘણીવાર સાંભળી હશે. ડૉક્ટર CBC તપાસ કરાવવાનું કહે છે. સીબીસી એટલે કમ્પ્લીટ બ્લડ કાઉન્ટ. આ એક ખૂબ જ સામાન્ય ટેસ્ટ છે. તે લોહીના કોષો વિશે સંપૂર્ણ માહિતી આપે છે.

આ પરીક્ષણ ઍનિમિયા, ચેપ અને અમુક પ્રકારના કૅન્સરની શક્યતા શોધી શકે છે. ભારતમાં મહિલાઓમાં ઍનિમિયાનું પ્રમાણ ઘણું વધારે છે. તે લાલ રક્ત કોશિકાઓમાં હિમૉગ્લોબિનની ટકાવારી ઘટાડે છે. જેના કારણે કોષોને ઓક્સિજનનો પુરવઠો યોગ્ય રીતે મળતો નથી.

નિષ્ણાતો ભલામણ કરે છે કે વર્ષમાં ઓછામાં ઓછું એક વખત આ પરીક્ષણ કરાવવું જોઇએ.

યુવાનો, બીમારી, ફિટનેસ, બ્લડપ્રેશર, ડાયાબીટિસ, લોહીની તપાસ, હૅલ્થ, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

  • ડાયાબિટીસ ટેસ્ટ

તેને સુગર ટેસ્ટ કહેવામાં આવે છે. આ ટેસ્ટના 12 કલાક પહેલાં કોઈ ખાદ્યપદાર્થ કે પીણું ન લેવું જોઈએ. 99ની નીચે બ્લડ સુગર લૅવલ સામાન્ય માનવામાં આવે છે.

જો બ્લડ શુગર લૅવલ 100થી 125 હોય તો તેને પ્રી-ડાયાબિટીક ગણવામાં આવે છે. જો તે 126 થી વધુ હોય તો તેને ડાયાબિટીસ ગણવામાં આવે છે. જો બ્લડ શુગર લૅવલ ખૂબ વધારે હોય તો HbA1c ટૅસ્ટ કરાવવો જોઈએ.

  • લિપિડ પ્રૉફાઇલ

સ્વાસ્થ્ય પરીક્ષણોમાં આ એક સૌથી અગત્યનું છે. તમારું હૃદય કઈ રીતે ચાલે છે? લિપિડ પ્રૉફાઇલ ટેસ્ટથી આ બધી જ જાણકારી મળે છે. તે સીરમ ટ્રાઇગ્લિસરાઇડ્સ અને કૉલેસ્ટ્રોલના પ્રમાણની તપાસ કરે છે.

એચડીએલ (હાઈ ડૅન્સિટી લિપોપ્રૉટીન) કૉલેસ્ટ્રૉલ શરીર માટે ખૂબ સારું છે. તે ઓછામાં ઓછું 60થી વધુ હોવું જોઈએ. એલડીએલ (લો ડૅન્સિટી લિપોપ્રૉટીન) કૉલેસ્ટ્રૉલ એ ખરાબ કૉલેસ્ટ્રૉલ છે. તે 130 કરતાં ઓછું હોવું જોઈએ.

નિષ્ણાતો કહે છે કે આ ટેસ્ટ ઓછાંમાં ઓછાં બે વર્ષમાં એક વખત કરાવવો જોઈએ. સ્થૂળતા અને ડાયાબિટીસ જેવા રોગોથી પીડિત લોકોએ વર્ષમાં એક વખત આ ટેસ્ટ કરાવે એ હિતાવહ છે.

યુવાનો, બીમારી, ફિટનેસ, બ્લડપ્રેશર, ડાયાબીટિસ, લોહીની તપાસ, હૅલ્થ, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

  • ઇસીજી

જ્યારે હૃદયના ધબકારામાં વધઘટ હોય ત્યારે ડૉક્ટરો આ ટેસ્ટની ભલામણ કરે છે. હૃદય યોગ્ય રીતે કામ કરી રહ્યું છે કે નહીં એ ઇસીજી ટૅસ્ટ દર્શાવે છે.

લીવર ફંક્શન ટેસ્ટ

શું લીવર બરાબર કામ કરે છે? કે લીવર ખરાબ છે? તે લીવર ફંક્શન ટેસ્ટ દ્વારા શોધી કાઢવામાં આવે છે.

આ ટેસ્ટ મારફતે હીપેટાઇટીસ-બી, હીપેટાઇટીસ-સી, ફૅટી લીવર જેવી સંભાવનાઓ વિશે જાણી શકાય છે.

  • BMI ટેસ્ટ

તબીબી ભાષામાં તેને મેદસ્વીપણા માટેનો કહેવાય છે. ખોટી જીવનશૈલીને કારણે મેદસ્વીપણાની ફરિયાદ જન્મે છે. ભારતમાં સ્થૂળતાથી પીડિત લોકોની સંખ્યા દિવસેને દિવસે વધી રહી છે. સ્થૂળતા એ હૃદયરોગ, ડાયાબિટીસ અને કૅન્સરનું કારણ બની શકે છે.

વ્યક્તિનું વજન કેટલું હોવું જોઈએ તે તેની ઊંચાઈ પર નિર્ભર કરે છે. બૉડી માસ ઇન્ડેક્સ (BMI) ટેસ્ટ તમને જણાવે છે કે તમારા શરીરમાં કેટલી ચરબી છે. ડૉક્ટરોનું કહેવું છે કે જો BMI વધારે હોય તો તે સ્વાસ્થ્ય માટે હાનિકારક છે.

યુવાનો, બીમારી, ફિટનેસ, બ્લડપ્રેશર, ડાયાબીટિસ, લોહીની તપાસ, હૅલ્થ, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

  • કિડની ફંક્શન ટેસ્ટ

કિડની શરીરમાંથી કચરો દૂર કરવાનું કામ કરે છે. કિડની યોગ્ય રીતે કામ કરી રહી છે કે નહીં તેની તપાસ કરવા માટે સીરમ ક્રિએટાઈન ટેસ્ટ કરવામાં આવે છે. ઊંચું સીરમ ક્રિએટાઇન સ્તર એ દર્શાવે છે કે કિડની યોગ્ય રીતે કામ કરી રહી નથી.

  • થાઈરોઈડ ટેસ્ટ

મોટા ભાગના લોકોને થાઈરૉઈડની બીમારી ત્રીસથી ચાલીસ વર્ષની વય વચ્ચે થાય છે. તેનાથી વજનમાં ભારે વધારો થાય છે કે કાં તો ભારે ઘટાડો નોંધાય છે. થાઇરૉઇડનું નિદાન રક્તપરીક્ષણ દ્વારા થાય છે.

ડૉક્ટરો વર્ષમાં ઓછામાં ઓછું એક વખત આ ટેસ્ટ કરાવવાની ભલામણ કરે છે.

  • વિટામીન ડી ટેસ્ટ

આજકાલ તડકામાં બહાર નીકળવું દુર્લભ થઈ ગયું છે. તેથી શરીરને જરૂરી માત્રામાં વિટામિન ડી મળતું નથી. ઉંમર સાથે હાડકાં નબળાં થઈ જાય છે. મોટા ભાગના લોકોને 30 અને 40 વર્ષની ઉંમરે આર્થરાઈટિસની સમસ્યા થવા લાગે છે. હાડકાં નાજુક થઈ જાય છે જે ઑસ્ટિયૉપૉરોસિસ જેવા રોગો તરફ દોરી જાય છે. તેથી જ હાડકાંની મજબૂતી માટે વિટામિન ડી જરૂરી છે.

'મધરહુડ હૉસ્પિટલ'ના ગાયનેકોલોજિસ્ટ પ્રથીમા ધામકેએ જણાવ્યું હતું કે વિટામિન ડીની ઉણપ ધરાવતી મહિલાઓએ તાત્કાલિક ડૉક્ટરનો સંપર્ક કરવો જોઈએ.

યુવાનો, બીમારી, ફિટનેસ, બ્લડપ્રેશર, ડાયાબીટિસ, લોહીની તપાસ, હૅલ્થ, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

  • પેપ સ્મીયર ટેસ્ટ

આ સર્વાઈકલ ટેસ્ટ છે. મહિલાઓમાં સ્તન કૅન્સર બાદ ગર્ભાશયના કૅન્સરની શક્યતાઓ દિવસેને દિવસે વધી રહી છે. તે ગર્ભાશયની કોઈપણ સમસ્યાને કૅન્સર બનતાં પહેલાં શોધી કાઢે છે. 21 વર્ષથી વધુ ઉંમરની હોય અને જાતીય રીતે સક્રિય મહિલાઓએ આ પરીક્ષણ કરાવવું જોઈએ. પાંચ વર્ષમાં એકવાર આ ટેસ્ટ કરાવવો શ્રેષ્ઠ છે.

  • સેલ્ફ બ્રૅસ્ટ ઍક્ઝમિનેશન ટેસ્ટ

કેન્સરની તપાસ માટે ડૉકટરો આ ટૅસ્ટની ભલામણ કરે છે. તેને સેલ્ફ ટૅસ્ટ કહેવામાં આવે છે.

સ્ત્રીરોગચિકિત્સક થૉમે કહ્યું કે, "મહિલાઓ ઘરે તેમનાં સ્તનોની સ્વ-તપાસ કરી શકે છે. શું સ્તનોમાં ગઠ્ઠો છે? નિપલમાં અસ્વસ્થતા છે? શું ત્વચાનાં રંગમાં કોઈ ફેરફાર છે?"

  • પીરિયડની સમસ્યા

જો પીરિયડ્સ દરમિયાન વધુ પડતો રક્તસ્ત્રાવ થતો હોય અથવા પીડા અસહ્ય હોય તો મહિલાઓએ ટેસ્ટ કરાવવો જોઈએ. જો જરૂરી હોય તો સોનોગ્રાફી દ્વારા પણ નિદાન કરી શકાય છે.

બીબીસી ગુજરાતી
બીબીસી ગુજરાતી