ટમેટાં ખાવાથી પુરુષોની પ્રજનનક્ષમતા વધે ખરી?

ટામેટાં

ઇમેજ સ્રોત, Getty Images

આજકાલ ટામેટાંના ભાવ એટલા વધી ગયા છે કે લોકો જરૂરી ખરીદી પર ખાસ ભાર મૂકે છે. જોકે ટામેટાં મુદ્દે એક મહત્ત્વનું સંશોધન પણ આજકાલ ચર્ચાઈ રહ્યું છે.

એક સંશોધનમાં જાણવા મળ્યું છે કે ટમેટાંમાં મળી આવતું એક પોષકતત્ત્વ લાઇકોપન શુક્રાણુની ગુણવત્તામાં સુધારો કરી શકે છે.

ઇંગ્લૅન્ડની શૅફિલ્ડ યુનિવર્સિટીના સંશોધકોને જાણવા મળ્યું છે કે જે સ્વસ્થ પુરુષ પ્રતિદિન બે ચમચી ટમેટાંની પ્યૂરીનું સેવન કરે છે, તેમના શુક્રાણુની ગુણવત્તામાં સુધારો થઈ શકે છે.

વિશેષજ્ઞોનું કહેવું છે કે પ્રજનનલક્ષી સમસ્યા ધરાવતા પુરુષો પર વધુ વ્યાપક સંશોધનની જરૂર છે.

યુનાઇટેડ કિંગડમની રાષ્ટ્રીય સ્વાસ્થ્ય સેવા (એનએચએસ)નું સૂચન છે કે પ્રજનન સમસ્યાનો સામનો કરનારા પુરુષોએ સ્વસ્થ જીવનશૈલી અપનાવવી જોઈએ અને ઢીલાં અંડરવિયર પહેરવાં જોઈએ.

એનએચએસ મહિલાઓને તણાવ ઓછો રાખવા અને ગર્ભધારણની શક્યતા વધારવા માટે નિયમિત સેક્સ કરવાની સલાહ આપે છે.

બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Alamy

જોકે, છેલ્લા ઘણા સમયથી એક ચર્ચાએ જોર પકડ્યું છે કે કેટલાંક પોષકતત્ત્વો પુરુષ પ્રજનનક્ષમતામાં સુધારો કરી શકે છે. નવા અધ્યયને આ ચર્ચાને સમર્થન આપ્યું છે.

વિશેષજ્ઞોનું કહેવું છે કે વિટામિન-ઈ અને ઝિંકની જેમ લાઇકોપીન પણ ઍન્ટીઑક્સિડન્ટ તરીકે કામ કરે છે.

આહારમાંથી મળી આવતું લાઇકોપીન પચાવવું મુશ્કેલ છે. એટલે આ અધ્યયનમાં પૂરક માધ્યમથી લાઇકોપીનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.

આ સિવાય સંશોધકોનો એક વિચાર એ પણ છે કે રોજેરોજ એક જ ડોઝમાં પૂરક માધ્યમથી લાઇકોપીન આપી શકાય છે.

પૂરક માધ્યમથી જે લાઇકોપીન આપી શકાય છે, જો એટલી માત્રા પ્રાકૃતિક સ્ત્રોતમાંથી મેળવવી હોય તો એક વ્યક્તિએ પ્રતિ દિવસ બે કિલો પાકેલાં ટમેટાં ખાવાં પડે.

ગ્રે લાઇન

સંશોધનમાં શું જાણવા મળ્યું?

બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

આ સંશોધન 12 અઠવાડિયાં સુધી કરવામાં આવ્યું હતું, જેના માટે 60 લોકોની પસંદગી કરવામાં આવી હતી.

તેમાંથી અડધા લોકોને રોજ 14 મિલીગ્રામ લાઇકોપીન ધરાવતી ગોળી આપવામાં આવી હતી. જ્યારે અડધા લોકોને નકલી ગોળીઓ આપવામાં આવી હતી.

સંશોધન શરૂ થયું એ પહેલાં એક વખત, દર છ અઠવાડિયે એક વખત અને સંશોધન પૂર્ણ થયા બાદ તેમના વીર્યનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું.

વીર્યની ચીકાશમાં કોઈ પરિવર્તન જોવા મળ્યું નહોતું પરંતુ લાઇકોપીન લેનારા પુરુષોમાં શુક્રાણુઓની કોશિકાઓની સ્વસ્થ વૃદ્ધિ અને ગતિશીલતામાં ઘણો સુધારો જોવા મળ્યો હતો.

જોકે, સંશોધનનું નેતૃત્વ કરનારા પોષણ વિશેષજ્ઞ ડૉ. લિઝ વિલિયમ્સનું કહેવું છે કે હાલ માટે પુરુષ માત્ર નાની માત્રામાં લાઇકોપીન લે તેવી ભલામણ છે.

તેમણે કહ્યું, "આ માત્ર નાના પાયે થયેલું એક સંશોધન છે. તેનું પરિણામ ઉત્સાહજનક છે. જોકે, મોટા પાયે સંશોધનની જરૂર છે."

તેમણે કહ્યું, "આગળનું પગલું એવા પુરુષોને લાઇકોપીન આપવાનું છે જેમને પ્રજનન સંબંધિત સમસ્યા છે અને એ જોવાનું છે કે શું તેમના વીર્યની ગુણવત્તામાં સુધારો થાય છે કે નહીં. અમે એ પણ જોઈશું કે શું પ્રજનનલક્ષી ઉપચાર વગર તેઓ બાળકો પેદા કરી શકે છે?"

યુકેસ્થિત ચૅરિટી ફર્ટિલિટી નેટવર્કના વિશેષજ્ઞ ગ્વેન્ડા બાર્ન્સને આશા છે કે નવા સંશોધનથી શુક્રાણુની ગુણવત્તામાં સુધારો કરવામાં મદદ મળશે અને ભવિષ્યમાં પુરુષોની પ્રજનનક્ષમતા વિશે ઊંડાણપૂર્વક સમજ વિકસશે.

(આ અહેવાલમાં 2019માં થયેલા એક સંશોધનનો આધાર લેવામાં આવ્યો છે)

રેડ લાઇન
રેડ લાઇન