રૂપકંવર સતીકાંડ: ગુજરાતના પાડોશી રાજ્યની એ 'શરમજનક ઘટના' જેનો ચુકાદો 37 વર્ષ બાદ આવ્યો

ઇમેજ સ્રોત, MOHAR SINGH MEENA/BBC
- લેેખક, ત્રિભુવન
- પદ, વરિષ્ઠ પત્રકાર, બીબીસી માટે
રાજસ્થાનના ચર્ચિત રૂપકંવર સતીકાંડના આઠ આરોપીઓને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા છે.
આ નિર્ણય પછી 14 મહિલા સંગઠનોના એક સમૂહે કહ્યું છે કે આ નિર્ણય સતીપ્રથાને પ્રોત્સાહન આપનારો છે. આ સાથે જ તેમણે મુખ્ય મંત્રી ભજનલાલ શર્માને આ નિર્ણય સામે અપીલ દાખલ કરવાની માગ કરી છે.
દીવરાલા સતીકાંડ જ્યારે થયો ત્યારે રૂપકંવરની ઉંમર 18 વર્ષ કરતાં થોડા મહિના વધુ હતી.
પરંતુ એ ઘટના બની તેનાં 37 વર્ષ પછી એ સતીકાંડ સંબંધી મહિમામંડનનો નિર્ણય આવ્યો છે. એટલે કે રૂપકંવરની ઉંમર કરતાં પણ બમણો સમય તો કોર્ટનો ચુકાદો આવતા લાગ્યો છે.
સામાજિક ન્યાય અને મહિલા અધિકારો માટે સતત સંઘર્ષરત કવિતા શ્રીવાસ્તવ 1215ના મૅગ્નાકાર્ટાથી પણ જૂના પુરાણા સમયથી ચાલ્યા આવતા આવા નિર્ણયોને રેખાંકિત કરનારી પંક્તિને ઉલ્લેખીને કહે છે કે, “જસ્ટિસ ડિલેયડ, જસ્ટિસ ડિનાઇડ. હવે 37 વર્ષ બાદ તેનો શું મતલબ છે? આ મામલામાં જ્યારે વર્ષ 2004માં ભાજપ અને કૉંગ્રેસના નેતાઓ સહિતના લોકો નિર્દોષ જાહેર થયા હતા, ત્યારે તત્કાલીન વસુંધરા સરકારે અપીલ કરવાનો જ ઇનકાર કરી દીધો હતો. હવે પણ કોઈ અપીલ થશે તેવી સંભાવના નહીંવત છે.”
કોણ હતાં રૂપકંવર અને મામલો શું હતો?

ઇમેજ સ્રોત, MOHAR SINGH MEENA/BBC
4 સપ્ટેમ્બર, 1987ના રોજ રાજસ્થાનના સીકરના દીવરલામાં આ ઘટના બની હતી.
તમામ મીડિયા અહેવાલો અને પોલીસના અહેવાલોમાં ઉલ્લેખ છે કે રૂપકંવરનું સતી થવું સ્વૈચ્છિક હતું. તેમનાં લગ્ન માલસિંહ સાથે સાત મહિના પહેલાં જ થયાં હતાં.
માલસિંહ બીએસસીના વિદ્યાર્થી હતા અને પરિવાર સાથે દીવરાલામાં રહેતા હતા. પરંતુ હેરાન કરનારી બાબત એ હતી કે આ ઘટના એક શિક્ષકના ઘરે બની હતી. રુપકંવરના સસરા એક શિક્ષક હતા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
રૂપકંવર કોઈ અભણ યુવતી ન હતાં. તેઓ જયપુરના ટ્રાન્સપૉર્ટ નગરમાં એક પ્રાઇવેટ શાળામાં મેટ્રિક સુધી ભણ્યાં હતાં. તેઓ કોઈપણ રીતે રૂઢિવાદી ન હતાં અને કોઈ કલ્પના કરી શકે નહીં કે તેઓ આમ કરી શકે.
રૂપકંવર તેમનાં લગ્નની તસવીરમાં પરંપરાગત રીતે ઘૂમટો તાણેલાં જોવા મળતાં નથી. પરંતુ ગામલોકોનું માનવું હતું કે તેઓ દિવસમાં ચાર કલાક સતીદેવીની પૂજા કરતાં હતાં. તેઓ ગીતા વાંચતાં હતાં, હનુમાન ચાલીસાનો પાઠ કરતાં હતાં અને મંત્રોચ્ચાર કરતાં હતાં. એવું કહેવામાં આવે છે કે તેઓ રાજીખુશીથી સતી થયાં હતાં.
એક વર્ષ બાદ યોજાયો ચુનરી મહોત્સવ
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
પરંતુ 1988માં રૂપકંવરના સતી થવાની પ્રથમ વરસીએ દીવરલામાં રૂપકંવરના ચિતાસ્થળે હજારો લોકોની હાજરીમાં ચુનરી મહોત્સવ યોજાયો હતો. ત્યારે ફરી એકવાર આ પ્રકરણ દેશ અને દુનિયાના મીડિયામાં ચમક્યું હતું.
રાજસ્થાનની જોશી સરકારે આ સમારોહ પોલીસ નિયંત્રણ હેઠળ કોઈપણ ખલેલ વિના થવા દીધો.
તે સમયે મુખ્ય મંત્રી જોશીની કાર્યવાહી પ્રત્યે સહાનુભૂતિ ધરાવતા પત્રકાર સીતારામ ઝાલાનીએ એ સમયની ઘટનાઓને બારીકાઈથી ટાંકીને જણાવ્યું હતું કે, “જોશી કૉંગ્રેસના સંગઠન વિશે ચિંતિત હતા અને તેમને ડર હતો કે રૂપકંવર સતી કેસને કારણે કૉંગ્રેસથી રાજપૂત સમાજ વિમુખ થઈ જશે અને પછી એ જ થયું.
રાજસ્થાનના રાજકારણમાં મતના અંકગણિતની દૃષ્ટિએ આ બહુ નાજુક બાબત હતી.
પરંતુ હદ ત્યારે થઈ ગઈ જ્યારે રાજપૂત સમુદાયે જયપુરની સડકો પર ખુલ્લી તલવારો સાથે સરઘસ કાઢ્યું.
મુખ્ય મંત્રી જોશીએ પોલીસ મહાનિર્દેશકને આદેશ આપ્યો હતો કે ખુલ્લી તલવારો સાથેના આ સરઘસમાં કોઈ વિક્ષેપ ન સર્જાય, જ્યારે કેન્દ્રીય ગૃહ મંત્રી બુટાસિંહ ઇચ્છતા હતા કે આ સરઘસ રોકવા માટે સેના બોલાવવાની જરૂર પડે તો પણ બોલાવવામાં આવે.
લોકસભામાં દીવરલા સતીની ઘટનાનો ભારે વિરોધ થયો હતો અને કૉંગ્રેસની ભારે ટીકા થઈ હતી. કૉંગ્રેસના પોતાના જ ધારાસભ્ય અને પૂર્વ મંત્રી નરેન્દ્રસિંહ ભાટીએ સતીપ્રથા મુદ્દે વિધાનસભામાં જોશી સરકારની ટીકા કરી હતી.
ત્યારે અનેક મહિલા સંગઠનોએ ચુનરી મહોત્સવને સતી પ્રથાનું મહિમામંડન ગણાવ્યું હતું અને તેના વિરોધમાં તેઓ રસ્તા પર ઊતર્યા હતાં.
એ દરમિયાન સતીનાં સમર્થકો અને સરકાર વચ્ચે સંઘર્ષ ચાલુ રહ્યો અને અંતે, સતીપ્રથાના વિરોધીઓ અને કેન્દ્રીય ગૃહ મંત્રી બુટાસિંહના ભારે દબાણ પછી, 3 જાન્યુઆરી, 1988ના રોજ રાજ્યમાં સતી નિવારણ કાયદો અમલમાં આવ્યો.
હાઇકોર્ટની રોક છતાં પણ આ ચુનરી મહોત્સવ યોજાયો

ઇમેજ સ્રોત, Getty Images
સામાજિક કાર્યકર્તાઓ અને વકીલોએ રાજસ્થાન હાઈકોર્ટના તત્કાલીન મુખ્ય ન્યાયાધીશ જેએસ વર્માને પત્ર લખીને આ કાર્યક્રમને રોકવા માટે જણાવ્યું હતું.
15 સપ્ટેમ્બરે જસ્ટિસ વર્માએ આ પત્રને જ જાહેર હિતની અરજી તરીકે ગ્રાહ્ય રાખીને આ ચુનરી મહોત્સવ પર પ્રતિબંધ મૂક્યો હતો. હાઈકોર્ટે ચુનરી ઉત્સવને સતીપ્રથાનું મહિમામંડન ગણાવ્યો હતો અને સરકારને આદેશ આપ્યો હતો કે આ કાર્યક્રમ કોઈપણ સંજોગોમાં યોજાવો જોઈએ નહીં.
પ્રતિબંધ હોવા છતાં, 15 સપ્ટેમ્બરની રાતથી જ દીવરાલા ગામમાં લોકો એકઠા થવા લાગ્યા હતા. ચુનરી ઉત્સવ માટે બહારગામથી પણ હજારો લોકો ગામમાં એકઠા થયા હતા. રૂપકંવર સતીની ઘટનાએ રાજસ્થાનની કૉંગ્રેસ સરકારની પ્રતિષ્ઠા ધૂળધાણી કરી હતી અને દેશભરમાં તેની ટીકા થઈ હતી.
રાજ્યના એક ભૂતપૂર્વ પોલીસ અધિકારી જણાવે છે કે, “રાજ્ય સરકાર 4 સપ્ટેમ્બરથી 16 સપ્ટેમ્બર સુધી ખૂબ તાકાત વગરની અને પંગુ દેખાતી હતી. ચુનરી મહોત્સવના દિવસ સુધી ગૃહ મંત્રી ગુલાબસિંહ શક્તાવત તેને ધાર્મિક મામલો ગણાવી રહ્યા હતા અને તેમાં હસ્તક્ષેપ કરવાના વિરોધમાં હતા. તેમનો સ્પષ્ટ આદેશ હતો કે પોલીસે આ મામલામાં હસ્તક્ષેપ ન કરવો જોઇએ.”
આ મહોત્સવમાં રૂપકંવરના પિતા બાલસિંહ રાઠોડ પણ સામેલ હતા. તે દિવસે દેશભરમાંથી બે લાખ લોકો આ સતીસ્થળે આવ્યા હતા. ચુનરી મહોત્સવના દિવસ સુધીમાં અંદાજે પાંચ લાખ લોકો આ સ્થળે એકઠા થઈ ગયા હતા.
તત્કાલીન મુખ્ય મંત્રી હરિદેવ જોશીએ ગૃહ મંત્રી ગુલાબસિંહ શક્તાતની અધ્યક્ષતામાં એક સમિતિની રચના કરી હતી. 1 ઑક્ટોબર, 1987ના રોજ રાજ્ય સરકારે સતીપ્રથાને રોકવા અને તેના મહિમામંડનને લઇને એક વટહુકમ પસાર કર્યો હતો.
કવિતા શ્રીવાસ્તવ યાદ કરે છે કે મહિલાઓના અધિકારોની વાત કરતી સંસ્થાઓના દબાણને કારણે આ કાયદો બનાવવામાં આવ્યો હતો.
આ વટહુકમ હેઠળ વિધવાને પ્રત્યક્ષ કે આડકતરી રીતે સતી થવા માટે ઉશ્કેરનારને મૃત્યુદંડ અથવા આજીવન કેદની સજા અને આવા મામલાઓનું મહિમામંડન કરનારાઓને સાત વર્ષની જેલ અને વધુમાં વધુ 30,000 રૂપિયાનો દંડ કરવાની જોગવાઈ કરવામાં આવી હતી.
બાદમાં રાજસ્થાન સરકારે 1987માં એક કાયદો બનાવ્યો હતો, જે જાન્યુઆરી, 1988થી અમલમાં આવ્યો.
વરિષ્ઠ પત્રકાર શકીલ અખ્તર તે સમયે નવભારત ટાઇમ્સ સાથે હતા અને 1987માં જ્યારે સ્વામી અગ્નિવેશે લાલ કિલ્લાથી દીવરાલા સુધી કૂચ કરી ત્યારે તેમણે તેનું કવરેજ કર્યું હતું.
તેઓ યાદ કરતાં કહે છે, "ખૂબ તણાવ હતો. રાજસ્થાનમાં સતી સમર્થકો નગ્ન તલવારો સાથે વિરોધ કરી રહ્યા હતા."
તે સમયે સેનામાં ફરજ બજાવતા ગામના પંચ મંગુસિંહ શેખાવત યાદ કરતા કહે છે કે, “હવે ગામમાં બધું જ શાંત છે અને સતી પ્રકરણ જેવું કંઈ નથી. પરંતુ ગામના સરપંચ સહિત અનેક જનપ્રતિનિધિઓ હવે આ મુદ્દે વાત કરતાં ખચકાય છે.”
જોકે, તે સમયે આ વિસ્તારમાં શિક્ષક તરીકે ફરજ બજાવતા એક વૃદ્ધ કહે છે, "18 વર્ષની રૂપકંવર ચિતા પર સળગી રહ્યાં હતાં. આ દૃશ્ય ખૂબ જ બિભત્સ હતું. તે એટલે પણ આશ્ચર્યજનક હતું કારણ કે તે દિવસે લોકો આ દૃશ્યો જોવાં માટે દૂર દૂરથી આવ્યા હતા અને આ દૃશ્યો જોવાં માટે ઉત્સુક હતાં."
લોકોએ પોતપોતાના સ્તરે આ અંગે જુદા જુદા દાવા કર્યા હતા. લોકોએ એવો પણ દાવો કર્યો હતો કે રૂપકંવરે આ સ્વેચ્છાએ કર્યું હતું.
એ સમયે સરકારનું વલણ કેવું હતું?

ઇમેજ સ્રોત, HCRAJ.NIC.IN
આ પ્રકરણમાં રાજસ્થાનનો રાજપૂત સમાજ અતિશય ઉદ્વેલિત થઈ ગયો હતો અને તેનું માનવું હતું કે આ મામલો ધાર્મિક છે અને સરકાર તેમાં હસ્તક્ષેપ ન કરે.
વિવિધ રાજકીય પક્ષોના નેતાઓ અને ધારાસભ્યો પણ આ મામલે રાજપૂત સમુદાય સાથે હતા, પરંતુ ભાજપના તત્કાલીન નેતા અને જાતિથી રાજપૂત હોવા છતાં, ભૈરોસિંહ શેખાવતે તેની સામે કહ્યું હતું કે, “આ એક ખોટી પરંપરા છે અને આધુનિક સમાજમાં તેનું સ્થાન ન હોવું જોઈએ. આવી પરંપરાઓનું પાલન ન કરવું જોઈએ.”
ભૈરોસિંહ શેખાવત રાજપૂત સમાજના સરઘસમાં નહોતા ગયા, તેમણે તેના પ્રત્યે નારાજગી પણ વ્યક્ત કરી હતી.
તે સમયના રાજકારણ પર નજર રાખનારાઓ અનુસાર, તત્કાલીન મુખ્ય મંત્રી હરિદેવ જોશીએ માન્યું હતું કે સતીપ્રથા પછી પરિવારને સંસ્કાર કરવાથી રોકવો ન જોઇએ.
રાજ્યના ગૃહ મંત્રી ગુલાબસિંહ શક્તાવતે સમગ્ર ઘટનાને ધાર્મિક મામલો ગણાવ્યો હતો અને તેમાં હસ્તક્ષેપ કરવાનો ઇનકાર કર્યો હતો.
જોશીનું માનવું હતું કે આમ કરવાથી રાજપૂત સમાજમાં કૉંગ્રેસ પ્રત્યે રોષ વધશે. રાજકીય અને વહીવટી દૃષ્ટિકોણથી આ યોગ્ય નથી. તેથી, વહીવટીતંત્રે કાયદેસરની કાર્યવાહી કરવી જોઈએ અને પરિવારને હિંદુ પરંપરા મુજબ અને કોઈપણ અવરોધ વિના મૃત્યુ પછીની તમામ વિધિઓ કરવાની મંજૂરી આપવી જોઈએ.
તત્કાલીન કેન્દ્રીય ગૃહ મંત્રી બુટાસિંહ ઈચ્છતા હતા કે સરકાર આ સામાજિક વિધિઓને તત્કાળ રોકે. જ્યારે જોશીએ બુટાસિંહની સલાહ સ્વીકારવાનો ઇનકાર કર્યો, ત્યારે સંઘર્ષ વધી ગયો અને જોશીની ફરિયાદો તત્કાલીન વડા પ્રધાન રાજીવ ગાંધીને કરવામાં આવી. રાજીવ ગાંધી પણ હરિદેવ જોશીથી ખૂબ નારાજ થયા.
કોર્ટમાં શું થયું હતું?
આ મામલામાં કોર્ટમાં કોઈ આરોપી પર લાગેલો આરોપ ફરિયાદી પક્ષ સાબિત ન કરી શક્યો.
આરોપીઓના વકીલ અમનચૈનસિંહ શેખાવતનું કહેવું છે કે, “જેમને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા છે તેઓ ઘટના સમયે 12-15 થી લઇને 17-18 વર્ષની વયના શાળાના વિદ્યાર્થીઓ હતા. અને તેમની વિરુદ્ધ કોઈ પુરાવા મળ્યા નથી કે તેઓએ સતીપ્રથાનું મહિમામંડન કર્યું હોય.”
31 જાન્યુઆરી, 2004ના રોજ આ જ કોર્ટે ભાજપના નેતા રાજેન્દ્રસિંહ રાઠોડ, કૉંગ્રેસ નેતા પ્રતાપસિંહ ખાચરિયાવાસ અને રૂપકંવરના ભાઈ ગોપાસિંહ રાઠોડ સહિત 25 લોકોને નિર્દોષ જાહેર કર્યા હતા.
મૂળ ઘટના બાદ ધરપકડ કરાયેલા 32 લોકોને ઑક્ટોબર 1996માં સીકરના નીમ પોલીસ સ્ટેશનની એડીજે કોર્ટે નિર્દોષ જાહેર કર્યા હતા.
આ પ્રકરણે રાજસ્થાનના સમગ્ર રાજકારણમાં ગરમાવો લાવી દીધો હતો, જેમાં સત્તાધારી પક્ષના મોટા નેતા હરિદેવ જોષી પણ ભોગ બન્યા હતા.
એ સમયે રાજસ્થાનના તત્કાલીન મુખ્ય મંત્રી હરિદેવ જોશીને રાજીનામું આપવું પડ્યું હતું. રુપકંવર સતી પ્રકરણમાં એક-એક કરીને તમામ આરોપીઓ છૂટી ગયા હતા.
દીવરાલામાં હવે કેવો માહોલ છે?

ઇમેજ સ્રોત, Getty Images
દીવરાલા ગામમાં ઠેકઠેકાણે રુપકંવરના સતીકાંડની કહાણી ભલે જોડાયેલી હોય, પરંતુ લોકો સાથે વાત કરો તો એવું લાગે કે જાણે કંઈ બન્યું જ નથી.
દીવરાલામાં આજે પણ આ પ્રકરણને લઇને સન્નાટો જોવા મળે છે.
એવું લાગે છે કે માનો લોકો મૂંગા થઈ ગયા છે. દુનિયાભરમાં શોરબકોર કરી દેનારા ગામમાં હવે સતીના આ મામલે કોઈ અવાજ નીકળતો નથી.
4 સપ્ટેમ્બર, 1987ના રોજ સિકરના દીવરાલામાં બનેલી રૂપકંવર સતીની ઘટનાનું મહિમામંડન કરનારા આઠ આરોપીઓને બુધવારે 9 ઑક્ટોબરે સતી પ્રવૃત્તિ નિવારણની વિશેષ અદાલતે નિર્દોષ છોડી મૂક્યા ત્યારે દીવરાલામાં જાણે કે ચારેકોર મૌન છવાયેલું હતું.
લોકોની સ્થિતિ એવી છે કે ભૂતકાળમાં ઘણી ટીવી ચૅનલો પર બોલનાર લોકો પણ ડરેલા છે અને કોઈપણ વિવાદમાં પડવા માંગતા નથી.
તેઓ કહે છે કે અમે બોલીશું તો કાં તો સમાજના લોકો ગુસ્સે થશે અથવા પોલીસ અમને હેરાન કરશે.
પરંતુ દેશ અને દુનિયામાં રાજસ્થાન અને દેશની આધુનિકતા પર કલંક એવા આ સતી પ્રકરણનાં 37 વર્ષ પછી પણ તમામ સ્મૃતિઓ લોકોના મનમાં હજુ તાજી છે.
પરંતુ કોઈ એવું બોલવા માંગતું નથી કે આ ગામમાં 18 વર્ષની ઉંમરનાં રૂપકંવરને તેમના પતિ સાથે જ જીવિત ચિતા પર બેસાડીને સળગાવી દેવામાં આવ્યાં હતાં.\
મહિલા સંગઠનોએ શું કહ્યું?
રૂપકંવર સતી કેસમાં ચુકાદો આવ્યા બાદ 14 મહિલા સંગઠનોના સમૂહે સંયુક્ત નિવેદન જાહેર કર્યું છે.
આ નિવેદનમાં, સંગઠનોએ મુખ્ય મંત્રી ભજનલાલ પાસે નિર્દોષ જાહેર થયેલા લોકો વિરુદ્ધ અપીલ દાખલ કરવા અથવા અન્ય કોઈ પગલાં લેવાની માંગ કરી છે, જેથી ન્યાય સુનિશ્ચિત થઈ શકે.
તેમણે સાથે જ અપીલ કરી હતી કે રાજ્યમાં સતી પ્રથાને પ્રોત્સાહન ન આપવું જોઇએ.
સંગઠનોએ કહ્યું છે કે, “31 જાન્યુઆરી, 2004ના રોજ 17 થી વધુ લોકોને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા હતા, આ કેસમાં તત્કાલીન આરોગ્ય મંત્રી રાજેન્દ્રસિંહ રાઠોડ, ખાદ્ય અને પરિવહન મંત્રી પ્રતાપસિંહ ખાચરિયાવાસ, સતી ધર્મ રક્ષા સમિતિ અને રાજપૂત સભાના વરિષ્ઠ નેતાઓનો સામેલ હતા.”
"રાજ્ય સરકારના કાયદા વિભાગે અપીલ ન કરવાનો નિર્ણય લીધો હતો, જ્યારે મહિલા સંગઠનોએ આ લોકોને નિર્દોષ છોડી દેવા સામે અપીલ કરવા માટે ખૂબ પ્રયાસો કર્યા હતા."
સંગઠનોએ કહ્યું, “આ મામલો ખૂબ જ બેદરકારી ભર્યો હતો અને ન તો પોલીસ, ન ફરિયાદી, ન તો જયપુરની વિશેષ સતી અદાલતના ન્યાયાધીશે નિષ્પક્ષતાથી કામ કર્યું હતું. અપીલ કરવા માટે આ સ્પષ્ટ કેસ હતો. મુખ્ય મંત્રી વસુંધરારાજેનું વલણ હતું કે આ મામલે વધુ કાનૂની કાર્યવાહીની જરૂર નથી."
સંગઠનોએ કહ્યું, “અમારી પાસે કોઈ વિકલ્પ નહોતો, અમે 14 સંસ્થાઓ અને લોકોએ સાથે મળીને રાજસ્થાન હાઈકોર્ટમાં અરજી કરી હતી. અમારી અરજી છેલ્લાં 20 વર્ષથી પેન્ડિંગ છે.
પોલીસે રૂપકંવરના સસરા સુમેરસિંહ, ભાઈ મંગેશસિંહ, મૃતક પતિના ભાઈ 10 વર્ષીય ભૂપેન્દ્રસિંહ, પરિવારનું મુંડન કરાવનાર વાળંદ બંસીધર અને અંતિમ સંસ્કાર કરાવનાર પૂજારી બાબુલાલની ધરપકડ કરી હતી.
પરંતુ ત્યારબાદ ધીમેધીમે બધા લોકો છૂટતા ગયા. ન તો સરકારોના આદેશથી કોર્ટમાં સારી દલીલો કરવામાં આવી કે ન તો સરકારી વકીલોએ કોર્ટમાં કોઈને સજા અપાવવાના સઘન પ્રયત્નો કર્યા.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












