ગુજરાત : જૂની પેન્શન સ્કીમનો લાભ કોને મળી શકે અને નવી પેન્શન સ્કીમથી કેવી રીતે અલગ છે?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, લક્ષ્મી પટેલ
- પદ, બીબીસી સંવાદદાતા
ગુજરાત સરકારે ગત રવિવારે કૅબિનેટ બેઠકમાં નિર્ણય કર્યો છે કે જે 1 એપ્રિલ, 2005 પહેલાં સરકારી નોકરીએ લાગેલા કર્મચારીઓને જૂની પેન્શન યોજનાનો લાભ અપાશે.
સરકારની જાહેરાત અનુસાર, 1 એપ્રલ 2005 પહેલાં વિવિધ સંવર્ગોમાં નોકરીએ લાગેલા 60,245 કર્મચારીને આ નિર્ણયથી લાભ થશે.
ગુજરાત સરકારના પ્રવક્તામંત્રી ઋષિકેશ પટેલે મીડિયાને માહિતી આપતા જણાવ્યું હતું કે "તારીખ પહેલી એપ્રિલ 2005 પહેલાં જે કર્મચારીની ફિક્સ પગારમાં નિમણૂક કરાઈ હતી અથવા તો તારીખ એક એપ્રિલ 2005 પહેલાં તેમની ભરતી પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ હોય પરંતુ વહીવટી કારણોસર તેમની નિમણૂક તારીખ એક એપ્રિલ 2005 બાદમાં થઈ હોય તે તમામ 60,245 કર્મચારીઓને જૂની પેન્શનનો લાભ મળશે."
તેમણે મીડિયાને જણાવ્યું હતું કે આ માટે વિવિધ સંગઠનો દ્વારા રજૂઆત કરવામાં આવી હતી. કર્મચારીઓની માગનો સૈદ્ધાંતિક સ્વીકાર કરી તેમને લાભ આપવાનો નિર્ણય કરાયો છે.
ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી નિવૃત્ત કર્મચારીઓ જૂની પેન્શન યોજના હેઠળ લાભ મળે તેની રજૂઆત કરતા હતા.
જૂની પેન્શન યોજનાનો લાભ કેવી રીતે મળે?
જીવણભાઈ ચૌધરી વલસાડ જિલ્લામાં પ્રાથમિક શિક્ષક તરીકે ફરજ બજાવતા હતા અને જૂન 2022માં નિવૃત્ત થયા છે.
બીબીસી સાથે વાત કરતા તેમણે કહ્યું કે, "અમારી નોકરીની ભરતીની જાહેરાત વર્ષ 2000માં આવી હતી, પરંતુ દાહોદ અને વલસાડ જિલ્લામાં ભરતી કરવામાં આવી ન હતી. જે માટે અમે હાઈકોર્ટમાં ગયા હતા. હાઈકોર્ટના હુકમ બાદ વર્ષ 2004માં અમારી ભરતી કરવામાં આવી હતી."
"અમને નવી પેન્શન સ્કીમ આધારે પેન્શન ચૂકવવામાં આવે છે. નવી પેન્શન સ્કીમમાં અમારા જે પૈસાની કપાત થઈ હતી તેમાંથી 60 ટકા પૈસા અને નિવૃત્તિ સમયે મળ્યા હતા. જ્યારે મારા કપાતના 40 ટકા રકમના વ્યાજમાં મને 4600 રૂપિયા પેન્શન મળી રહ્યું છે. જો જૂની પેન્શનનો મને લાભ મળશે તો મને મહિને 30 હજાર રૂપિયાની આસપાસ પેન્શન મળવાપાત્ર છે."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
ગુજરાત રાજ્ય સંયુક્ત કર્મચારી મોરચા પ્રમુખ દિગ્વિજયસિંહ જાડેજાએ બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં જણાવ્યું હતું કે "કેન્દ્ર સરકાર દ્વારા તારીખ પહેલી એપ્રિલ 2004 પછી નોકરી લાગેલા કર્મચારીઓ માટે ન્યૂ પેન્શન સ્કીમ લાગુ કરી હતી. જ્યારે ગુજરાત સરકાર દ્વારા 1 એપ્રિલ 2005 બાદમાં નોકરી લાગેલા કર્મચારીઓ નવી પેન્શન યોજના લાગુ કરાઈ હતી."
હાલ સરકાર દ્વારા જે જાહેરાત કરવામાં આવી છે તેમાં તારીખ પહેલી એપ્રિલ 2005 પહેલાં ફિક્સ પગારમાં નોકરી લાગ્યા હોય તેવા 60,245 કર્મચારીઓને લાભ મળશે.
સરકારી કર્મચારીઓ દ્વારા જૂની પેન્શન યોજના લાગુ કરવા માટે સરકાર સામે વારંવાર આંદોલન પણ કર્યાં હતાં.
આ અંગે દિગ્વિજયસિંહે જણાવ્યું કે "ગુજરાત સરકાર દ્વારા વર્ષ 2005માં કરેલા પરિપત્રમાં એવી સ્પષ્ટતા કરવામાં આવી હતી કે 1 એપ્રિલ 2005 પહેલાં કાયમી થયેલા કર્મચારીઓને આ જૂની પેન્શન સ્કીમમાં સમાવવામાં આવશે. જેથી જે કર્મચારીઓ 1 એપ્રિલ 2005 સુધી ફિક્સ પગારમાં નોકરી લાગ્યા હતા તેમને આ જૂની પેન્શન યોજનામાં સમાવવામાં આવ્યા ન હતા."
"સરકાર દ્વારા જ્યારે પેન્શનની યોજના ચાલુ હતી ત્યારે નોકરી લાગી ગયા હતા. જેથી તેમની સાથે અન્યાય થઈ રહ્યો છે તે અંગે વારંવાર રજૂઆત કરાઈ હતી. આ અંગે 16 સપ્ટેમ્બર 2022ના રોજ જિતુભાઈ વાઘાણીએ જાહેરાત પણ કરી હતી. પરંતુ અત્યાર સુધીમાં આ અંગે કોઈ પરિપત્ર કરવામાં આવ્યો ન હતો."
"આ વખતે સરકારે કૅબિનેટમાં નિર્ણય લીધો છે. જેથી કર્માચારીઓને ખાતરી મળી છે. જોકે સરકાર પરિપત્ર બહાર પાડશે ત્યારબાદ તેનો અભ્યાસ કર્યા બાદ જ ચિત્ર સ્પષ્ટ થઈ શકે છે."
જૂની પેન્શન યોજનાના કર્મચારીઓને જીપીએફ, નવી પેન્શન યોજનામાં સીપીએફ

ઇમેજ સ્રોત, Getty Images
આ અંગે દિગ્વિજયસિંહે જણાવ્યું કે જૂની પેન્શન યોજનામાં દર મહિને કર્મચારી પગારના 10 ટકા રકમ જીપીએફમાં કપાત થતી હતી. આ રકમ કર્મચારીને નિવૃત્તિ સમયે વ્યાજ સહિત પૂરેપૂરી મળી જતી હતી.
તેમના જણાવ્યા અનુસાર, "સરકાર દ્વારા 1 એપ્રિલ 2005 બાદ નોકરી પર લાગેલા કર્મચારીઓ માટે નવી પેન્શન સ્કીમ લાગુ કરવામાં આવી છે. નવી પેન્શન યોજનામાં સરકારી કર્મચારીઓના બેઝિક પગાર અને મોંઘવારીની કુલ રકમના 10 ટકા રકમની દર મહિને સીપીએફમાં કપાત થાય છે. તેમજ તેમાં સરકાર દર મહિને કર્મચારીના બેઝિક અને 14 ટકા રકમ ઉમેરે છે."
"આ સ્કીમમાં કર્મચારી નિવૃત્ત થાય ત્યારે તેને તે રકમના 60 ટકા રકમ મળી જાય છે. જ્યારે 40 ટકા રકમનું વ્યાજ પેન્શન સ્વરૂપે મળે છે.
નિવૃત્તિ પહેલાં સરકારી કર્મચારીનું મૃત્યુ થાય તો?
કર્મચારી સંઘની માગ તો દરેક સરકારી કર્મચારીને પેન્શનના લાભ મળે તે માટેની માગ છે.
દિગ્વિજયસિંહ કહે છે, "જોકે અમારી રજૂઆતો બાદ સરકાર દ્વારા વર્ષ 2022માં કુટુંબ પેન્શન યોજના અંગે પરિપત્ર કર્યો છે. જેમાં કોઈ પણ સરકારી કર્મચારીનું મૃત્યુ નિવૃત્ત થયા પહેલાં થાય (નવી પેન્શન યોજનામાં હોય) તો તેના પરિવારને કુટુંબ પેન્શનનો લાભ મળે છે."
"મૃતક કર્માચારીના પરિવારને કર્મચારીના મૃત્યુ બાદ સાત વર્ષ સુધી પૂરું પેન્શન મળે છે. જ્યારે સાત વર્ષ બાદ 30 ટકા રકમ પેન્શન મળે છે."
જૂની પેન્શન યોજનાની ગણતરી કેવી રીતે થાય?

ઇમેજ સ્રોત, Getty Images
પેન્શન વિભાગના અધિકારીઓ તરફથી મળેલી માહિતી અનુસાર, કોઈ કર્મચારીનો નિવૃત્તિ સમયનો છેલ્લા પગારનો બેઝિક પગાર 50 હજાર રૂપિયા હોય તો આ રકમની 50 ટકા રકમ એટલે કે 25 હજાર રૂપિયા તેમજ તેને 25 હજાર રૂપિયા ઉપર 50 ટકા મોંઘવારીભથ્થું મળે છે. એટલે કે 12500 રૂપિયા થાય.
- આ કર્મચારીનું પેન્શન 25000 + 12500 એટલે કે કુલ 37500 રૂપિયા થાય
- આ પેન્શન પર દર છ મહિને સરકાર મોંઘવારીનો દર વધારે એટલે તેનો લાભ મળે
- આ ઉપરાંત સરકાર પગારપંચનો લાભ આપે તો તે અનુસાર પેન્શનમાં પણ વધારો થાય
- કર્મચારીનું નોકરી પરથી નિવૃત્ત થયા પહેલાં મૃત્યુ થાય તો મૃત્યુનાં 10 વર્ષ સુધી તેના પરિવારને મૃતક કર્મચારીને મળવાપાત્ર (બેઝિકના 50 ટકા + તેમજ 50 ટકા મોંઘવારી) પૂરેપૂરું પેન્શન મળે
- જો કર્મચારી નિવૃત્ત થયાનાં સાત વર્ષમાં મૃત્યુ પામે તો સાત વર્ષ સુધી તેમના પરિવારને તેમને મળવાપાત્ર (બેઝિકના 50 ટકા + તેમજ 50 ટકા મોંઘવારી) પૂરેપૂરું પેન્શન મળે
ત્યારબાદ તેના પતિ કે પત્નીને બેઝિક પગારની 30 ટકા રકમ તેમજ તેના પર 50 ટકા મોંઘવારી મળીને થતી કુલ રકમ મળે છે.
નવી પેન્શન યોજનાની ગણતરી કેવી રીતે થાય?
નવી પેન્શન યોજનામાં કર્મચારીના પગારમાંથી દર મહિને તેના બેઝિક પગાર તેમજ તેની મોંઘવારીની કુલ રકમમાંથી 10 ટકા રકમ કપાત કરવામાં આવે છે. તેમજ તેની સામે 14 ટકા રકમ સરકાર તેના ખાતામાં ઉમેરે છે.
કર્મચારીના પૈસા જે ઍન્ટિટી (સર્વિસ પ્રોવાઇડર) છે, જેમ કે એસબીઆઈ લાઇફ, એચડીએફસી, એલઆઈસીમાં પૈસા રોકવામાં આવે છે. આ માટે કર્મચારીને ઍન્ટિટીની પસંદગી આપવામાં આવે છે.
દા.ત., કોઈ કર્મચારીના પગાર બેઝિક અને મોંઘવારી ભથ્થાની રકમ 1 લાખ રૂપિયા થાય તો આ રકમની 10 ટકા રકમ એટલે 10 હજાર રૂપિયા તેમજ સરકાર તેમાં 14 ટકા રકમ ઉમેરે છે. એટલે કે કર્મચારીના ખાતામાં દર મહિને 10,000 + 14,000 = 24,000 રૂપિયા જમા થાય.
કર્મચારી નિવૃત્ત થાય ત્યારે જમા થયેલી કુલ રકમના 60 ટકા રૂપિયા કર્મચારીને વ્યાજ સહિત પરત મળે છે.
જ્યારે 40 ટકા રકમ કર્મચારીએ નક્કી કરેલી ઍન્ટિટીમાં જમા રહે છે. દર મહિને આ રકમનું વ્યાજ કર્મચારીને પેન્શન સ્વરૂપે મળે છે.
જો કર્મચારીનું મૃત્યુ થાય તો પતિ કે પત્નીને પેન્શનની રકમ મળે છે. તેમના મૃત્યુ બાદ જમા રહેલી રકમ (જે 40 ટકા રકમ જમા હોય તે) તેના સ્પાઉસને મળી જાય છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન














