સુરત ગૅંગરેપ કેસ: મોટરસાઇકલ કઈ રીતે માંગરોળ બળાત્કાર કેસ ઉકેલવામાં મહત્ત્વની કડી સાબિત થઈ?

ઇમેજ સ્રોત, RUPESH SONAVANE
- લેેખક, શીતલ પટેલ
- પદ, બીબીસી ગુજરાતી માટે, સુરતથી
''જે જગ્યાએ સામૂહિક બળાત્કારની ઘટના બની હતી ત્યાંથી આશરે 500 મીટર દૂર એક મોટરસાઇકલ મળી આવી હતી. સુરત પાસિંગની મોટરસાઈકલ બિનવારસી હાલતમાં મળી આવતાં અમને શંકા ગઈ હતી અને તપાસ કરતા બહાર આવ્યું કે તે બળાત્કારના આરોપીઓ દ્વારા ઉપયોગમાં લેવામાં આવી હતી.''
''રજીસ્ટ્રેશન નંબર દ્વારા અમે મોટરસાઈકલ માલિક સુધી પહોંચ્યા અને ત્યાંથી માહિતી મળી કે ઘટનાના દિવસે આ બાઇક કોની પાસે હતી. આ માહિતીના અધારે અમે ગણતરીના કલાકોમાં સમગ્ર કેસ ઉકેલી કાઢ્યો હતો. સમગ્ર ઘટનામાં આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે."
સુરત રેન્જ આઈજીપી (ઇન્સપેક્ટર જનરલ ઑફ પોલીસ) પ્રેમવીરસિંહના આ શબ્દો છે.
સુરત જિલ્લાની માંગરોળ તાલુકાના મોટા બોરસરા ગામની સીમમાં રાત્રિના સમયે 17 વર્ષીય સગીરા સાથે ત્રણ લોકોએ દુષ્કર્મ આચર્યું હતું. સમગ્ર દક્ષિણ ગુજરાતમાં ચકચારી બનેલા આ કેસની તપાસમાં સુરત પોલીસે 20 ટીમોનું ગઠન કર્યું હતું.
ટીમોમાં સામેલ 200થી પોલીસ અધિકારીઓને સીસીટીવી ફૂટેજ, પીડિતા અને સ્થાનિક લોકોનાં નિવેદનો પણ મદદરૂપ પુરવાર થયાં.
કોસંબા પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતાની કલમ 70(2), 115(2), 126(2), 352, 351(3), 309(4), તથા પૉક્સો ઍકટ 2012ની કલમ 4 અને 6 મુજબનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
અગાઉ બે આરોપીને પોલીસે પકડી પાડ્યા હતા અને હવે ત્રીજો આરોપી પણ પકડાઈ ગયો છે.
સુરત પોલીસના જણાવ્યા અનુસાર આ કેસનો ત્રીજો આરોપી રામસજીવન ટ્રેનમાં અજમેર ખાતે જઈ રહ્યો હતો ત્યારે તેને પકડી લીધો છે.
કેસ શું છે?

ઇમેજ સ્રોત, RUPESH SONAVANE
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
સુરત જિલ્લા પોલીસ સુપરિન્ટેન્ડન્ટ હિતેશ જોઇસરે સમગ્ર ઘટનાક્રમ વિશે માહિતી આપતા જણાવ્યું હતું કે સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના મોટા બોરસરા ગામની સીમમાં 17 વર્ષની એક સગીરા સાથે ગૅંગરેપની ઘટના બની હતી.
તેમના જણાવ્યા અનુસાર સગીરા અન્યત્ર અભ્યાસ કરે છે અને મંગળવારે રાત્રે સાડા દસ વાગ્યા આસપાસ તેમના મિત્રોને મળવા માટે પહોંચ્યાં હતાં, જ્યાં બધાએ મળીને આઇસક્રીમ ખાધો હતો. એ પછી સગીરા તથા તેમના મિત્ર બાઇકમાં પેટ્રોલ ભરાવવા માટે છૂટા પડ્યાં હતા.
હિતેશ જોઈસર જણાવે છે, "પેટ્રૉલ પંપના રસ્તે ઊભા રહીને તેઓ વાત કરી રહ્યા હતા ત્યારે ત્રણેક અજાણ્યા શખ્સોએ ત્યાં આવીને સગીરા સાથે શારીરિકસંબંધ બાંધવાની માગ કરી હતી."
"આથી, સગીરા અને તેમના મિત્ર સાથે આ ત્રણ ઇસમોની બોલાચાલી થઈ હતી. એ પછી બંનેએ ત્યાંથી નાસી છૂટવાનો પ્રયાસ કર્યો હતો."
હિતેશ જોઇસરના જણાવ્યા અનુસાર ત્યારબાદ પીડિતા ભાગવા જતાં પડી ગયાં હતાં અને પછી એ ત્રણેય ઇસમોએ તેમનું અપહરણ કરીને ગૅંગરેપ કર્યો હતો.
પોલીસના જણાવ્યા અનુસાર બળાત્કારની ઘટના બાદ પીડિતા અને તેમના મિત્રએ સ્થાનિક લોકોની મદદ માગી હતી અને કોસંબા પોલીસને તેની જાણ કરી હતી.
સ્થાનિક લોકોને પીડિતાને હૉસ્પિટલ લઈ ગયા હતા અને ત્યાં તેની સારવાર હાથ ધરવામાં આવી હતી.
સુરત પોલીસે જણાવ્યું કે સમગ્ર કેસની તપાસ ઝડપથી પૂર્ણ કરીને ચાર્જશીટ દાખલ કરવામાં આવશે. કેસ કોર્ટમાં ઝડપથી ચાલે તે માટે સ્પેશિયલ પ્રૉસિક્યૂટરની નિમણૂક કરવામાં આવશે.
કેવી રીતે ઝડપાયા આરોપીઓ?

ઇમેજ સ્રોત, RUPESH SONAVANE
મોટા બોરસરા ગામે બનેલી આ ઘટનાની તપાસ માટે સુરત ગ્રામ્ય અને સુરત શહેર પોલીસે સાથે મળીને કામ કર્યું હતું.
નાયબ પોલીસ અધિક્ષક આર. આર. સરવૈયા આ કેસની તપાસ કરનાર ટીમોને લીડ કરે છે.
બીબીસી સાથે વાત કરતા સરવૈયાએ જણાવ્યું, ''તપાસ દરમિયાન ઘટના બની એ જગ્યાથી ટૅક્નિકલ રીતે ચોક્કસ દિશામાં તપાસ હાથ ધરવામાં આવી હતી, સીસીટીવી ફૂટેજ અને આજુબાજુના વિસ્તારમાં લોકોની પૂછપરછ કરાઈ હતી. બળાત્કારની આ ઘટનામાં બાઇકનો ઉપયોગ કરાયો હતો એ વાત સામે આવી હતી.''
''મોટરસાઇકલ ઘટનાથી થોડે દૂર મળી આવી હતી. આ બાઇક સાલ 2005માં સુરતના કોઈ વ્યક્તિએ ખરીદી કરી હોવાનું બહાર આવ્યું હતું. અમે સુરત શહેર પોલીસ કમિશનરનો સંપર્ક કર્યો અને ઘટનામાં સામેલ આરોપીઓને ઓળખી કાઢવામાં આવ્યા હતા.''
પોલીસના જણાવ્યા પ્રમાણે આ આરોપીઓમાં મુન્ના પાસવાન, શિવશંકર ચોરસીયા અને રામસજીવન વિશ્વકર્માનો સમાવેશ થાય છે.
પ્રેમવીરસિંહ જણાવ્યું કે, ''ત્રણેય આરોપીઓ ગુનાઈત ઇતિહાસ ધરાવે છે. મુન્ના પાસવાન અગાઉ ત્રણ ગુનાઓમાં પકડાઈ ચૂક્યો છે અને બે ગુનાઓમાં વૉન્ટેડ છે. શિવશંકર ચોરસીયા આઠ ગુનાઓમાં વૉન્ટેડ હતો. 15 દિવસ પહેલાં રાજસ્થાનથી જામીન પર છૂટીને ગુજરાત આવ્યો હતો. ત્રણેય આરોપીઓ છૂટક મજૂરી કરે છે.''
આરોપીનું પોલીસ કસ્ટડી દરમિયાન મૃત્યુ થતાં તપાસ સોંપાઈ
ગુરૂવારે શિવશંકર ચોરસીયાને શ્વાસની તકલીફ હોવાથી પોલીસે તેને હૉસ્પિટલમાં દાખલ કર્યો હતો.
લોકલ ક્રાઈમ બ્રાન્ચ ઇન્સપેક્ટર આર. બી. ભટોળે જણાવ્યું કે, ''શિવશંકરને પહેલા કામરેજ સારવાર અર્થે લઈ જવામાં આવ્યો હતો અને ત્યાંથી સુરતની સિવિલ હૉસ્પિટલમાં લઈ જવાયો હતો જ્યાં સારવાર દરમિયાન તેનું મૃત્યુ થયું હતું.''
શુક્રવારે ન્યૂ સિવિલ હૉસ્પિટલ ખાતે ચોરસિયાના મૃતદેહનું ફૉરેન્સિક પૉસ્ટમૉર્ટમ હાથ ધરવામાં આવશે.
ન્યૂ સિવિલ હૉસ્પિટલના આરએમઓ ડૉ. કેતન નાયકે પત્રકારપરિષદ ભરીને સમગ્ર ઘટનાક્રમ વિશે માહિતી આપી હતી. જેને ટાંકતા પટેલ જણાવે છે, "આરોપી શિવશંકર ચોરસિયાની શ્વાસની ફરિયાદને પગલે સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આરોપીને ગુરૂવારે બપોરે 108 મારફત ન્યૂ સિવિલ હૉસ્પિટલ લઈ જવાયા હતા."
"108માં પણ આરોપીને સારવાર આપવામાં આવી હતી. ન્યૂ સિવિલ હૉસ્પિટલ ખાતે ચોરસિયાને સીપીઆર આપવામાં આવ્યું હતું અને વૅન્ટિલેટર ઉપર પણ મૂકવામાં આવ્યા હતા. દોઢેક કલાકની સારવાર બાદ તેમને મૃત જાહેર કરવામાં આવ્યા હતા."
નાયકે જણાવ્યું હતું કે 'પ્રથમદર્શીય' આરોપીનું મૃત્યુ કાર્ડિયાક ઍરેસ્ટથી થયું હોવાનું જણાય રહ્યું છે, છતાં ખરું કારણ પૉસ્ટમૉર્ટમના રિપોર્ટમાં સ્પષ્ટ થશે.
બીબીસી ગુજરાતી દ્વારા આરોપીના પરિવારજનોનો સંપર્ક કરવાનો પ્રયત્ન થઈ રહ્યો છે. તેમના તરફથી જે વિગતો મળશે તે અહીં અપડેટ કરવામાં આવશે.
એક આરોપીને પકડવા માટે ફાયરિંગ કરવામાં આવ્યું

ઇમેજ સ્રોત, RUPESH SONAVANE
આરોપી મુન્ના પાસવાનને પકડવા માટે પોલીસે એક રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું પરંતુ તેને ગોળી વાગી નહોતી.
પોલીસ અનુસાર દુષ્કર્મ કર્યા બાદ બે આરોપી ઝાડી ઝાંખરાવાળા વિસ્તારમાં છુપાયા હતા અને પોલીસને જોઈ ભાગવાનો પ્રયાસ કર્યો હતો. તેમને પકડવા માટે પોલીસે ફાયરિંગ કર્યું હતું.
આર. આર. સરવૈયાએ જણાવ્યું, ''તડકેશ્વર કૅનાલ રોડ પર ઝાડી ઝાંખરા પાસેથી આરોપીઓ ભાગવા જતા હતા તે દરમિયાન ત્યાં હાજર પોલીસ અધિકારીએ તેમને ઝડપી પાડવા એક રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. આ ફાયરિંગ મુન્ના પાસવાન પર કરવામાં આવ્યું હતું. બાદમાં મુન્ના અને શિવશંકર ચોરસીયાને પકડી પાડવામાં આવ્યો હતો. ત્રીજો આરોપી રામસજીવન વિશ્વકર્મા ભાગવામાં સફળ રહ્યો હતો.''
જોકે બાદમાં રામસજીવન વિશ્વકર્માને પણ પોલીસે ઝડપી પાડ્યો હતો.
સ્થાનિક લોકોનું શું કહેવું છે?

ઇમેજ સ્રોત, RUPESH SONAVANE
ઘટના બની એ સ્થળ થી અડધો કિલોમીટર દૂર બોરસરા ગામ આવેલું છે. સૂમસામ અને ખેતરાડીવાળા આ માર્ગ પર રાત્રિના સમયે ભાગ્યે જ કોઈ જોવા મળે છે. એવામાં સગીરા અને તેમના મિત્ર સાથે બનેલી ઘટના બાદ સગીરાનો મિત્ર અડધો કિલોમીટર દૂર બોરસરા ગામે મદદ માગવા માટે પહોંચ્યો હતો.
બોરસરા ગામના આગેવાન હિતેન્દ્રસિંહે બીબીસી સાથે વાત કરતા જણાવ્યું, ''રાત્રિના સમયે એક યુવક નદી કિનારે બેઠેલા ગામના માછીમારો પાસે મદદ માટે આવ્યો હતો અને તે અર્ધનગ્ન હાલતમાં હતો, જેને તેમણે કપડાં આપ્યાં અને બાદમાં તુરંત માછીમારો એ ગામમાં આવી મને હકીકત જણાવી હતી.''
''ગામમાં ગરબા ચાલી રહ્યા હોય આ વતાની જાણ થતાં જ બધા જ લોકો ભેગા મળી ખેતર બાજુ દોડ્યા હતા, અને આજુબાજુનાં ગામડામાં પણ ફોન મારફતે જાણ થતા ત્યાંના લોકો પણ સ્થળ પર દોડી આવ્યા હતા. અમે જ્યારે છોકરાએ બતાવેલી જગ્યા પર પહોંચ્યા ત્યારે તેની બાઇક પડી હતી પરંતુ ત્યાંથી 700 મીટર દૂર આવેલા મારા શેરડીના ખેતરમાં તેઓ છોકરીને ઉઠાવીને લઈ ગયા હતા.''
તેમણે વધુમાં જણાવ્યું, ''અંધારું હોય ગ્રામજનો પણ અંદર જતા ગભરાઈ રહ્યા હતા પરંતુ અમે બધાએ હિંમત કરીને આગળ વધ્યા અને તેમને પકડવા માટેનો બૂમો પાડી, જે અવાજ સાંભળી ત્રણેય ઇસમો ભાગી છૂટ્યા હતા.''
''છોકરી ખૂબ જ અસ્વસ્થ હાલતમાં હતી અને ગભરાયેલી હતી. બાદમાં મેં પોલીસને જાણ કરી. આ સમગ્ર ઘટના 10:45થી 11:30 વાગ્યાની વચ્ચે બની હતી''
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન








