સુરત: આશ્રમશાળાની બાળકીઓ સાથે પ્રિન્સિપાલે જાતીય સતામણી કર્યાનો આરોપ, શું છે આખો મામલો?

ઇમેજ સ્રોત, Getty Images
સુરતના માંડવી તાલુકાના એક ગામમાં આવેલી આશ્રમશાળામાં રહેતી 'બાળકીઓ સાથે જાતીય સતામણી' થઈ હોવાના આરોપ બાદ પોલીસ ફરિયાદ નોંધાઈ છે.
આશ્રમશાળાની કેટલીક બાળકીઓએ ફરિયાદ કરી હતી કે પ્રિન્સિપાલ દ્વારા કોઈ ને કોઈ બહાને તેમને બોલાવવામાં આવે છે અને તેમની સાથે શારીરિક અડપલાં કરવામાં આવે છે.
આ રજૂઆતને પગલે છાત્રાલયનાં ગૃહમાતાએ માંડવી પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી, જેના આધારે આરોપી પ્રિન્સિપાલ યોગેશ પટેલની ધરપકડ કરાઈ છે. અદાલતે આરોપીના ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.
આરોપી વિરુદ્ધ પોલીસે ભારતીય ન્યાય સંહિતા, પ્રોટેક્શન ઑફ ચિલ્ડ્રન ફ્રૉમ સેક્સ્યુઅલ ઑફેન્સિસ ઍક્ટ તથા ઍટ્રોસિટી ઍક્ટની અલગ-અલગ કલમો હેઠળ ફરિયાદ દાખલ કરી છે.
ઘટનાના પગલે સ્થાનિકોમાં આક્રોશ ફાટી નીકળ્યો છે અને આરોપી પ્રિન્સિપાલ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાની માગ કરી છે.
વિપક્ષ કૉંગ્રેસે તાજેતરમાં વડોદરા, દાહોદ, સુરેન્દ્રનગરમાં બનેલી ઘટનાઓને ટાંકીને રાજ્ય સરકારની નીતિ પર સવાલ ઉઠાવ્યા છે, તો ગુજરાત સરકારે આરોપી વિરુદ્ધ 'કડકમાં કડક કાર્યવાહી' કરવાની વાત કહી છે.
પોલીસનું શું કહેવું છે?

ઇમેજ સ્રોત, Rupesh Sonawne
સમગ્ર ઘટનાની વાત કરીએ તો સ્થાનિક અધિકારીઓ આશ્રમશાળાની મુલાકાતે આવ્યા હતા અને સ્થિતિની તપાસ કરી હતી. દરમિયાન ગૃહમાતાએ મહિલા અધિકારીઓ સમક્ષ ફરિયાદ કરી હતી, ત્યારબાદ અધિકારીઓએ વિદ્યાર્થીઓની પૂછપરછ કરતા સમગ્ર મામલો સામે આવ્યો હતો.
સુરતસ્થિત બીબીસી ગુજરાતીના સહયોગી રૂપેશ સોનવણે પોલીસ દ્વારા આપવામાં આવેલી માહિતીને ટાંકતા જણાવે છે કે :
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
માંડવીનો અધિક પ્રભાર ધરાવતા સુરત આદિજાતિ વિકાસ અધિકારી અને ટીમે રવિવારે આશ્રમશાળાની ઓચિંતી મુલાકાત લીધી હતી. અહીં તેમણે આશ્રમશાળાના પ્રિન્સિપાલ, ગૃહમાતા, સ્ટાફ અને બાળકો સાથે મુલાકાત કરીને શિક્ષણ અને વ્યવસ્થા વિશે વાત કરી હતી.
આ દરમિયાન ગૃહમાતાએ 'પ્રિન્સિપાલ યોગેશ પટેલ દ્વારા બાળકીઓ સાથે અડપલાં કરવામાં આવે છે' એવી રજૂઆત કરી હતી. જેના પગલે મુલાકાતી અધિકારીએ ભોગ બનનારી બાળકીઓ સાથે વાત કરી હતી.
બાળકીઓએ અધિકારીઓને જણાવ્યું હતું કે 'આરોપી દ્વારા સરબત બનાવવા, થાળીઓ ગોઠવવા કે અન્ય કોઈ બહાને તેમને રસોડાંમાં બોલાવવામાં આવતાં અને ત્યાં તેમની સાથે શારીરિક અડપલાં કરવામાં આવતાં હતાં.'
સુરત ગ્રામ્યના ડીવાયએસપી જેટી સોનારાના કહેવા પ્રમાણે, "સમગ્ર ઘટનાક્રમની પૃષ્ટિ થતાં આરોપી પ્રિન્સિપાલ યોગેશ પટેલ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની કલમ 74, 75 અને 77 હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે."
"આ સિવાય પીડિત બાળકીઓ સગીરા હોવાથી તથા તેમના સંરક્ષણની જવાબદારી પ્રિન્સિપાલની હોવાથી આરોપી પર પોક્સો ઍક્ટની વિવિધ કલમો પણ લગાડવામાં આવી છે. તેમજ આરોપી વિરુદ્ધ ઍટ્રોસિટી ઍક્ટની કલમો પણ લગાડવામાં આવી છે."
ડીવાયએસપી જેટી સોનારાએ વધુમાં જણાવ્યું કે, "પાંચ વિદ્યાર્થિનીએ આચાર્ય યોગેશ પટેલ સામે ફરિયાદ કરી છે. અમે આશ્રમશાળાના સ્ટાફ અને ફરિયાદીનાં નિવેદન લઈને તપાસ શરૂ કરી છે."
તેમણે ફરિયાદ કરનારા સામે કોઈ પણ પ્રકારની કિન્નાખોરી રાખવામાં નહીં આવે, તે વાતને પણ સુનિશ્ચિત કરવાની વાત કહી છે.
રૂપેશ સોનવણેના જણાવ્યા પ્રમાણે, આરોપીને બારડોલીની સેશન્સ કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા. જ્યાં સરકારી વકીલ દ્વારા પાંચ દિવસના રિમાન્ડની માગણી કરવામાં આવી હતી, જેમાં અદાલતે ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા.
બાળકીઓ પર સતામણીના મુદ્દે આદિવાસી સમાજમાં આક્રોશ

ઇમેજ સ્રોત, Rupesh Sonawne
આ આશ્રમશાળાની સ્થાપના વર્ષ 1965માં થઈ હતી, તેનું સંચાલન સુરતસ્થિત 'શ્રી દક્ષિણ ગુજરાત પછાતવર્ગ સેવામંડળ' દ્વારા કરવામાં આવે છે.
આ આશ્રમશાળામાં 177થી વધુ છોકરા-છોકરીઓ અભ્યાસ કરે છે.
આશ્રમશાળામાં એક આચાર્ય, એક ગૃહમાતા અને ત્રણ શિક્ષકો છે. જેમના પર આરોપ છે, એ યોગેશ પટેલ આચાર્ચ તરીકે 11 વર્ષથી સેવા બજાવી રહ્યા છે. તેઓ કુલ 24 વર્ષથી આ જ આશ્રમશાળામાં કામ કરી રહ્યા છે.
સમગ્ર ઘટનાક્રમ બહાર આવતાં સ્થાનિક લોકોમાં આક્રોશ ફાટી નીકળ્યો છે.
આદિવાસી સમાજના ઉત્થાન માટે કામ કરતા આ વિસ્તારના સામાજિક કાર્યકર અમરસિંહ ચૌધરીના કહેવા પ્રમાણે, "આ ખૂબ જ જઘન્ય અને નિંદનીય કૃત્ય છે. આ વ્યક્તિ સામે કડકમાં કડક કાર્યવાહી થવી જોઈએ. આ પહેલાં દાહોદમાં પણ આદિવાસી સમાજની દીકરી સાથે બળાત્કાર કરીને હત્યા કરી નાખવામાં આવી હતી."
"સરકાર 'બેટી બચાવો, બેટી પઢાવો'ની વાત કરે છે, ત્યારે આદિવાસી કે કોઈ પણ સમાજની દીકરી સલામત નથી. તંત્રે આ દિશામાં પગલાં લેવા જોઈએ."
ચૌધરીએ ઉમેર્યું હતું કે જો અમારા સમાજની દીકરીઓને ન્યાય નહીં મળે, તો અમારો સમાજ રસ્તા ઉપર ઊતરશે. જે ગાંધીચીંધ્યા કે ક્રાંતિના માર્ગે પણ હોઈ શકે છે.
તો સ્થાનિક અરવિંદ વસાવાએ જણાવ્યું, "આ કેસ ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચલાવવો જોઈએ અને આરોપીને વહેલી તકે સજા મળે તેવી અમારી માગ છે. જો અમારી માગ નહીં સ્વીકારાય તો અમે આંદોલન કરીશું."
હિતેન્દ્ર ચૌધરી જનજાતિ કલ્યાણ આશ્રમમાં મંત્રી છે. તેમના કહેવા પ્રમાણે, "બાળકીઓ સાથે અડપલાંની ઘટના વિશે માહિતી મળતા અમે ઘટનાસ્થળે પહોંચ્યા હતા. મા-બાપ પછી ગુરુનું સ્થાન હોય છે, ત્યારે ગુરુને ન શોભે એવું કૃત્ય કરનાર સામે કડકમાં કડક કાર્યવાહીમાં આવે એવી અમારી માગણી છે."
ગામ અને આશ્રમશાળામાં ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવાયો

ઇમેજ સ્રોત, NIRAV KANSARA
ઘટના બાદ દક્ષિણ ગુજરાતના આદિવાસી સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે ગામમાં મોટી સંખ્યામાં પોલીસ તહેનાત કરવામાં આવી છે.
બીબીસી સહયોગી નીરવ કંસારાએ જણાવ્યું, "ગામના મુખ્ય માર્ગો અને આશ્રમશાળામાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત રાખવામાં આવ્યો છે. આશ્રમશાળામાં મહિલા પોલીસ પણ તહેનાત કરવામાં આવી છે. હાલ તો સમગ્ર ગામ પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયું હોય તેવો માહોલ છે."
આ ઘટનાથી ગામલોકો પણ આઘાતમાં છે. ગામલોકો અનુસાર, 24 વર્ષથી યોગેશ પટેલ શાળામાં ફરજ બજાવતાં હોવાથી તેમની પર બધા લોકો ભરોસો મૂકતા હતા.
નીરવ કંસારા સાથે વાત કરતાં એક સ્થાનિક વ્યક્તિ કહે છે, "અમે ક્યારેય વિચાર્યું પણ નહોતું કે આશ્રમશાળાના આચાર્ય આવું કૃત્ય કરશે. આ વિસ્તારમાં આશ્રમશાળાની એક શાખ છે એટલે વાલીઓ કોઈ પણ વિચાર કર્યા વગર તેમની દીકરીનું અહીં ઍડમિશન કરાવતાં હતા."
વિપક્ષ કૉંગ્રેસના આરોપ

ઇમેજ સ્રોત, Getty Images
ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી બહાર આવેલી મહિલાઓ પરના અત્યાચારની ઘટના બાદ વિપક્ષ કૉંગ્રેસે પણ વર્તમાન સરકાર સામે નિશાન સાધ્યું છે.
ગુજરાતમાંથી રાજ્યસભાના સંસદસભ્ય અને કૉંગ્રેસના નેતાના શક્તિસિંહ ગોહિલે સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ પર લખ્યું કે 'શિક્ષક ટૉર્ચ લઈને વિદ્યાર્થિનીઓના રૂમમાં જતો, નાહતી છોકરીઓ પર નજર રાખતો અને દવા આપવાના બહાને છેડછાડ કરતો.'
'સ્કૂલનું સંચાલન કોણ કરી રહ્યું છે? સરકારની કોઈ જવાબદારી નથી? શું આ જ બેટી બચાવો, બેટી પઢાવો છે?'
કૉંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ જિજ્ઞેશ મેવાણીએ બીબીસી ગુજરાતીના જયદીપ વસંત સાથે વાત કરતા કહ્યું, "આવી દુર્ભાગ્યપૂર્ણ ઘટનાઓ ગુજરાતમાં હવે નવાઈ નથી રહી. જેવું પોલીસતંત્રનું વર્તન અને વલણ છે, તેના કારણે મોટા ભાગના કિસ્સામાં ન્યાય નથી મળતો."
"અમુક દીકરીના કિસ્સા નિર્ભયાની જેમ ખૂબ જ ચર્ચાય છે, પરંતુ અમુકમાં સમાજ, સરકાર અને મીડિયામાં મૌન જોવા મળે છે."
અનુસૂચિત જનજાતિ માટે અનામત માંડવીની બેઠકના ધારાસભ્ય અને રાજ્યકક્ષાના આદિજાતિ વિકાસ, શ્રમ અને રોજગારમંત્રી કુંવરજી હળપતિએ આ ઘટનાને "નિંદનીય" ગણાવી હતી.
હળપતિના કહેવા પ્રમાણે, "મેં હર્ષભાઈ (ગુજરાતના ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી) સાથે ફોન પર વાત કરી છે અને આરોપી પ્રિન્સિપાલને કડકમાં કડક સજા થાય તે માટે રજૂઆત કરી છે. આદિજાતિ મંત્રાલયના અધિકારીઓને પણ આશ્રમશાળાએ જઈને વધુ માહિતી મેળવવા માટે નિર્દેશ અપાયા છે."
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












