ઓડિશા: પોલીસ સ્ટેશનની અંદર આર્મી ઑફિસર અને તેમની મંગેતરની જાતીય સતામણીનો આરોપ, શું છે સમગ્ર મામલો?

ઓડિશા જાતીય શોષણનો મામલો, આર્મી ઑફિસર, મહિલાઓ, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, પ્રતીકાત્મક તસવીર
    • લેેખક, સંદીપ સાહુ
    • પદ, બીબીસી માટે, ભુવનેશ્વરથી

ઓડિશાની રાજધાની ભુવનેશ્વરના એક પોલીસ થાણામાં ભારતીય સેનાના એક અધિકારી અને તેમની મંગેતરની સાથે પોલીસે કથિત રીતે મારપીટ કરી અને દુર્વ્યવહાર કર્યો તેવો આરોપ છે. આ મામલે 20 સપ્ટેમ્બરે ફરિયાદ દાખલ થઈ છે. 14મી સપ્ટેમ્બરે આ ઘટના બની હતી.

(ચેતવણીઃ આ અહેવાલમાં એવી કેટલીક વિગતો છે જે તમને વ્યથિત કરી શકે છે.)

ઓડિશા પોલીસની ક્રાઇમ બ્રાન્ચે ભરતપુર થાણાના પાંચ પોલીસ કર્મચારીઓ સામે કેસ નોંધ્યો છે. જોકે, પોલીસે પોતાની સામેના આરોપો નકારી કાઢ્યા છે અને પોતાના તરફથી આખી ઘટનાની અલગ માહિતી આપી છે.

જેમની સામે ફરિયાદ થઈ છે તે પાંચ પોલીસ કર્મચારી પોલીસ ઇન્સ્પેક્ટર દીનકૃષ્ણ મિશ્ર, સબ ઇન્સ્પેક્ટર વૈશાલિની પંડા, આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર (એએસઆઈ) શૈલમયી સાહુ, સાગરિકા રથ અને કૉન્સ્ટેબલ બલરામ હાંસદાને પહેલેથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

આ દરમિયાન સીસીટીવીનાં ફૂટેજ પણ આવી ગયાં છે.

આ મામલાએ હવે રાજકીય વિવાદનું રૂપ ધારણ કર્યું છે. રાજ્યમાં વિપક્ષ અને ભૂતપૂર્વ મુખ્ય મંત્રી નવીન પટનાયકે શુક્રવારે આ કેસની ન્યાયિક તપાસની માંગણી કરી છે. કૉંગ્રેસે પણ આ મામલે મોહન માઝી સરકારની આકરી ઝાટકણી કાઢી છે.

બીજી તરફ મુખ્ય મંત્રી મોહનચરણ માઝીએ આશ્વાસન આપ્યું છે કે કોઈ પણ ગુનેગારને છોડવામાં નહીં આવે અને યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે.

પોલીસ સામે શું આરોપ છે?

ઓડિશા જાતીય શોષણનો મામલો, આર્મી ઑફિસર, મહિલાઓ, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, પ્રતીકાત્મક તસવીર
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

14 સપ્ટેમ્બરે મોડી રાતે આ અધિકારી અને તેમનાં મંગેતર ભરતપુર થાણામાં એક રિપોર્ટ નોંધાવવાં આવ્યાં હતાં. તેમનો આરોપ હતો કે કેટલાક છોકરાઓએ તેમની છેડતી અને ગેરવર્તન કર્યું છે.

આ મામલે પોલીસ પર આરોપ લગાવાયો છે કે પોલીસ કર્મચારીઓએ ફરિયાદ નોંધવાના બદલે આર્મી ઑફિસર અને તેમનાં મંગેતરને બરહેમીથી ફટકાર્યા અને યુવતીની સાથે જાતીય હિંસા કરી.

આ મામલે મહિલાએ પોલીસના વર્તનનું જે વર્ણન કર્યું છે તે બિભત્સ છે.

19 સપ્ટેમ્બરે મીડિયા સમક્ષ પહેલી વખત પોતાની વાત રજૂ કરતાં મહિલાએ એમ પણ કહ્યું કે તેને માત્ર મારવામાં આવ્યા ન હતા, પરંતુ તેમની સાથે જાતીય હિંસા પણ થઈ હતી.

એવો આરોપ છે કે પોલીસે તેમને કસ્ટડીમાં પૂરી દીધા, તથા સૈન્ય અધિકારીનાં મંગેતરની સામે એફઆઈઆર નોંધીને તેમની ધરપકડ કરવામાં આવી.

બીજી તરફ પોલીસનો આરોપ છે કે સૈન્ય અધિકારી અને તેમનાં મંગેતર જ્યારે ભરતપુરના પોલીસ થાણે આવ્યાં, ત્યારે તેઓ નશામાં ધુત હતાં. તેમણે થાણામાં ધમાલ મચાવી અને ત્યાં હાજર પોલીસ અધિકારીઓ સાથે ખરાબ વર્તન કર્યું.

આ મામલે સેનાના ઉચ્ચ અધિકારીઓના હસ્તક્ષેપ પછી 10 કલાકે આર્મી ઑફિસરને તો છોડી મૂકવામાં આવ્યા, પરંતુ તેમનાં મંગેતરને પોલીસે પોતાની કસ્ટડીમાં રાખ્યા. ત્યાર પછી તેમને એક સ્થાનિક અદાલતમાં રજૂ કરવામાં આવ્યાં જ્યાં તેમની જામીન અરજી નકારી કાઢવામાં આવી.

ઓડિશા હાઇકોર્ટે 18 સપ્ટેમ્બરે નીચલી કોર્ટના ચુકાદાની સામે ફટકાર લગાવી અને તાત્કાલિક તેમની જામીન અરજી મંજૂર કરી દીધી. મહિલાને ભુવનેશ્વરના એઈમ્સમાં ઈલાજ કરાવવાના આદેશ આપ્યા.

પીડિત મહિલાનો આરોપ

ઓડિશા જાતીય શોષણનો મામલો, આર્મી ઑફિસર, મહિલાઓ, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, BISWRANJAN MISHRA

ઇમેજ કૅપ્શન, પોલીસસ્ટેશનના સસ્પેન્ડેડ પ્રભારી દીનકૃષ્ણ મિશ્ર

મહિલા જણાવે છે કે 14 સપ્ટેમ્બરની રાતે લગભગ એક વાગ્યે તેઓ પોતાની રેસ્ટોરાં બંધ કરીને પોતાના મંગેતર સાથે પરત જઈ રહ્યાં હતાં, ત્યારે કેટલાક યુવકોએ તેમનો પીછો કર્યો અને તેમની સાથે ગેરવર્તણૂક કરી.

તેમનો આરોપ છે કે આ મામલે એફઆઈઆર નોંધાવવા માટે તેઓ ભરતપુર થાણે પહોંચ્યાં ત્યારે ત્યાં ઉપસ્થિત પોલીસ અધિકારી ફરિયાદ નોંધવાના બદલે તેના પર તૂટી પડ્યા.

આ ઘટના વિશે મીડિયાને વિસ્તૃત માહિતી આપતા તેમણે કહ્યું કે, "તે લોકોએ સૌથી પહેલાં તો મારા મંગેતરને હવાલાતમાં પૂરી દીધા. મેં તેને વિરોધ કર્યો તો એક મહિલા પોલીસ ઑફિસરે મને બેફામ મારવાનું શરૂ કર્યું. તેઓ મારા વાળ પકડીને મને ઘસડવાં લાગ્યાં તેથી મેં મારી જાતને બચાવવા માટે તે ઑફિસરના હાથ પર બચકું ભરી લીધું. ત્યાર પછી ત્યાં હાજર બધા પોલીસવાળાઓ ગુસ્સે ભરાયા અને ત્રણ મહિલા અધિકારીઓએ મને મારવાનું શરૂ કર્યું."

તેમણે એવો આરોપ પણ લગાવ્યો છે કે, "મારા બંને હાથ પર બે પુરુષ ઑફિસરોએ પોતાના હાથ રાખ્યા હતા જ્યારે એક મહિલા ઑફિસરે મારા હાથ પકડી રાખ્યાં હતાં. અન્ય એક મહિલા અધિકારી મને છાતી અને પેટ પર લાતો મારતી હતી. એકે મારું ગળું દબાવવાની કોશિશ કરી. થોડા સમય પછી એક પુરુષ અધિકારીએ મારા જૅકેટથી મારા બંને હાથ બાંધી નાખ્યા અને એક મહિલા અધિકારીએ સ્કાર્ફથી મારા પગ બાંધી નાખ્યાં. ત્યાર પછી મને ઢસડીને એક ઓરડામાં લઈ જઈને ત્યાં પૂરી દીધી. ત્યાં મારી સાથે જાતીય હિંસા પણ થઈ અને મને પૂછવામાં આવ્યું કે "ક્યાં સુધી ચૂપ રહીશ?'"

એઈમ્સના મેડિકલ રિપોર્ટ પ્રમાણે પીડિત મહિલાના આખા શરીર પર મારપીટના નિશાન છે, તેમનો એક દાંત તૂટી ગયો છે અને જડબાંમાં પણ ઈજા થઈ છે. તેમના એક હાથનું હાડકું પણ તૂટી ગયું છે.

પીડિત મહિલા કહે છે કે, "બીજા દિવસે સવારે લગભગ છ વાગ્યે થાણા પ્રભારી (સ્ટેશન હાઉસ ઑફિસર) આવ્યા ત્યારે મારાં મનમાં થોડી આશા જાગી. પરંતુ થાણા પ્રભારીએ મારાં મોઢાં પર લાત મારી અને જાતીય હિંસા કરી. હું ચીસો પાડતી રહી, પરંતુ કોઈએ મારી વાત ન સાંભળી."

પોલીસનું શું કહેવું છે?

ઓડિશા જાતીય શોષણનો મામલો, આર્મી ઑફિસર, મહિલાઓ, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, BISWRANJAN MISHRA

ઇમેજ કૅપ્શન, ઘટના સામે પ્રદર્શન કરી રહેલા પૂર્વ સૈનિકો

17 સપ્ટેમ્બરે ભુવનેશ્વરના ડેપ્યુટી પોલીસ કમિશનર પ્રતિક સિંહે દાવો કર્યો હતો કે રવિવારે સૈન્ય અધિકારી અને તેમનાં મંગેતર સાથે જ્યારે ભરતપુર થાણે આવ્યાં ત્યારે બંને જણે શરાબ પીધો હતો અને નશામાં ધૂત હતાં.

તેમનો દાવો છે કે, "તેમણે પોલીસ થાણામાં ધમાલ મચાવી હતી, ઉપરી અધિકારીઓ સાથે દુર્વ્યવહાર કર્યો હતો. એક મહિલા અધિકારીએ તેમને અટકાવવાની કોશિશ કરી તો તેમના હાથ પર બચકું ભરી લીધું. આ ઉપરાંત તેમણે થાણામાં તોડફોડ કરી અને એક કોમ્પ્યુટરને પણ નુકસાન પહોંચાડ્યું. તેથી તેમની સામે કેસ દાખલ કરવામાં આવ્યો અને તેમને અટકાયતમાં લેવાયાં હતાં."

પોલીસે એવો પણ દાવો કર્યો કે સૈન્ય અધિકારીની કારમાંથી શરાબની બે બૉટલો મળી આવી હતી. બંનેએ શરાબ માટે કરવામાં આવતો "બ્રેથ એનલાઈઝર ટેસ્ટ" કરાવવાનો પણ ઇન્કાર કર્યો હતો.

આ મામલાનો વીડિયો જાહેર થયો છે.

બીજી તરફ પોલીસ સ્ટેશનમાં ઘટનાની રાતે જે થયું તેનો વીડિયો વાયરલ થયો છે.

આ વીડિયોમાં જોઈ શકાય છે કે આર્મીના ઑફિસર એક કાગળ પર ફરિયાદ લખે છે જ્યારે તેમનાં મંગેતર તેમની નજીક ઊભાં છે.

બીજા એક વીડિયોમાં પીડિત મહિલા એવું કહેતાં સાંભળવા મળે છે કે, "તમે એક આર્મી ઑફિસરને આ રીતે લૉક-અપમાં નાખી ન શકો."

આ દરમિયાન રાષ્ટ્રીય મહિલા આયોગે આ મામલાની નોંધ લીધી છે અને ઓડિશાના પોલીસવડા વાઈ. બી. ખુરાનિયાને એક પત્ર લખીને ત્રણ દિવસની અંદર "ઍક્શન ટેકન રિપોર્ટ" સોંપવા કહ્યું છે.

સેનાનો હસ્તક્ષેપ

આ મામલે સેના અને તેના રિટાયર્ડ અધિકારીઓએ હસ્તક્ષેપ કર્યો છે.

આ ઘટના પછી સેન્ટ્રલ કમાન્ડે સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ પર એક નિવેદન આપીને જણાવ્યું છે કે આર્મી આ ઘટનાને ઘણી ગંભીરતાથી લે છે તથા યોગ્ય કાર્યવાહી થાય તે માટે રાજ્યના અધિકારીઓ સાથે સંપર્કમાં છે.

બીજી તરફ આ મામલે રિટાયર્ડ આર્મી ઑફિસરોએ દોષિત પોલીસ કર્મચારીઓ સામે કાર્યવાહી કરવાની માંગણી સાથે પોલીસ કમિશનરની ઑફિસ સામે વિરોધપ્રદર્શનો કર્યાં હતાં. ત્યાર પછી આ કેસની તપાસ ક્રાઇમ બ્રાન્ચને સોંપવામાં આવી અને પાંચેય પોલીસ કર્મચારીઓ સામે કેસ નોંધવામાં આવ્યો હતો.

આર્મીના સેન્ટ્રલ કમાન્ડના કમાન્ડર લેફ્ટનન્ટ જનરલ પી. એસ. શેખાવતે ઓડિશા હાઇકોર્ટના ચીફ જસ્ટિસ સી. એસ. સિંહને પત્ર લખીને આ મામલે હસ્તક્ષેપ કરવા અને પીડિત આર્મી ઑફિસર તથા તેમની મંગેતરને ન્યાય અપાવવાની માંગણી કરી છે.

અગાઉ પણ આરોપો લાગ્યા

આ મામલામાં સસ્પેન્ડ થયેલા થાણા પ્રભારી (એસએચઓ) દીનકૃષ્ણ મિશ્ર વિરુદ્ધ અગાઉ પણ ફરિયાદો થયેલી છે.

ગયા વર્ષે કટકમાં થયેલી બાલી યાત્રા દરમિયાન એક વીડિયો વાયરલ થયો હતો, જેમાં તેમણે એક સાઇકલસ્ટેન્ડ વાળા પાસેથી રૂપિયા પડાવવાની કોશિશ કરી હતી તેવો આરોપ મૂકાયો હતો. જોકે, તેમની સામે કોઈ કાર્યવાહી નહોતી થઈ અને તેમને ભુવનેશ્વરના ભરતપુર થાણામાં પ્રભારી (એસએચઓ) તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા.

'મૉડલ પોલીસ સ્ટેશન'માં સીસીટીવી નથી

ઓડિશા જાતીય શોષણનો મામલો, આર્મી ઑફિસર, મહિલાઓ, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, પ્રતીકાત્મક તસવીર

ભરતપુરના જે પોલીસ સ્ટેશનનો આ મામલો છે તેના ઉદ્ઘાટન વખતે કમિશનર સંજીવ પંડાએ કહ્યું હતું કે આ એક "મૉડલ" પોલીસ સ્ટેશન છે જ્યાં સીસીટીવી સહિત દરેક પ્રકારની આધુનિક સુવિધા હાજર છે.

પરંતુ 17 સપ્ટેમ્બરે મામલાની તપાસ કરવા માટે ક્રાઇમ બ્રાન્ચની ટીમ જ્યારે પોલીસ સ્ટેશને પહોંચી ત્યારે ત્યાં કોઈ સીસીટીવી ન હતા.

હવે સવાલ એ છે કે પોલીસ સ્ટેશનમાં પહેલેથી સીસીટીવી ઇન્સ્ટોલ કરાયા ન હતા કે પછી આરોપી પોલીસ કર્મચારીઓને બચાવવ માટે ઘટના પછી જાણી જોઈને સીસીટીવી ગાયબ કરી દેવાયા?

આ એક સંવેદનશીલ ઘટના છે જેના પર રાજકીય ગરમાવો વધ્યો છે. આ ઘટના પછી રાજ્યના મુખ્ય મંત્રી મોહન ચરણ માઝીએ કહ્યું કે, "આ કેસ જાણમાં આવતા જ અમે ક્રાઇમ બ્રાન્ચને તપાસ સોંપી છે અને આરોપી પોલીસ કર્મચારીઓને સસ્પેન્ડ કર્યા છે. ક્રાઈમ બ્રાન્ચને એક નિર્ધારિત સમયમર્યાદામાં રિપોર્ટ આપવા માટે કહેવાયું છે. રિપોર્ટ મળતા જ અમે તમામ દોષિતો સામે આકરી કાર્યવાહી કરીશું. મહિલાઓ પર અત્યાચારના મામલે અમારી સરકારે 'ઝીરો ટોલરન્સ'ની નીતિ અપનાવી છે અને મહિલાઓ વિરુદ્ધ હિંસા કરનારાઓ સામે સખ્ત કાર્યવાહી થશે."

આ દરમિયાન કૉગ્રેસના નેતા રાહુલ ગાંધીએ શુક્રવારે જ ઍક્સ પર પોસ્ટ કરીને ભાજપ સરકારની ઝાટકણી કાઢી છે.

રાહુલ ગાંધીએ કહ્યું કે, "ભાજપ સરકારમાં મહિલાઓ વિરુદ્ધ અપરાધ બેકાબૂ અને નિરંકુશ થઈ ચુક્યા છે. સરકારી તંત્રની અંદર જ જ્યારે અન્યાયને આશરો મળે ત્યારે સામાન્ય નાગરિકો મદદ માટે કોની પાસે આશા રાખે?"

(બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન)

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.