'બુલડોઝર ઍક્શન' પર સુપ્રીમ કોર્ટનો પ્રતિબંધ, ડિમૉલિશનની કાર્યવાહી સામે અનેક સવાલો - ગ્રાઉન્ડ રિપોર્ટ

ઇમેજ સ્રોત, ANI
- લેેખક, સૈયદ મોઝિઝ ઇમામ
- પદ, બીબીસી સંવાદદાતા
દેશમાં કેટલાક સમયથી બુલડોઝર બહુ ચર્ચામાં છે. કેટલાંક રાજ્યોમાં આરોપીઓની મિલ્કતોને ગેરકાયદે ગણાવીને તેને બુલડોઝરથી ધ્વસ્ત કરી નાખવામાં આવે છે. તેમાં મોટા ભાગે લઘુમતી કોમને નિશાન બનાવવામાં આવે છે તેવા આરોપ થયા છે.
બુલડોઝર દ્વારા મિલ્કતો તોડી પાડવા વિરુદ્ધ કોર્ટમાં ઘણી અરજીઓ દાખલ થઈ છે. તાજેતરમાં આવી અરજીઓ પર સુનાવણી કરતી વખતે સુપ્રીમ કોર્ટે દેશમાં આ પ્રકારની કાર્યવાહી પર પ્રતિબંધ મૂક્યો છે.
દેશની સૌથી મોટી કોર્ટે પોતાના વચગાળાના આદેશમાં જણાવ્યું કે અમુક સ્થળો પર અતિક્રમણના કેસમાં આ પ્રતિબંધ લાગુ નહીં થાય. જસ્ટિસ બી.આર. ગવઈ અને જસ્ટિસ કે.વી. વિશ્વનાથનની બૅન્ચે કહ્યું કે જાહેર રસ્તા, ફૂટપાથ, રેલવે લાઇનો અને જળાશયો પર થયેલા ગેરકાયદે બાંધકામ માટે આ આદેશ લાગુ નહીં થાય. એટલે કે આવી જગ્યાએ બુલડોઝરથી ઍક્શન લઈ શકાશે.
હવે પહેલી ઑક્ટોબરે કેસની આગામી સુનાવણી થવાની છે. ગત સુનાવણી દરમિયાન પણ જસ્ટિસ ગવઈ અને જસ્ટિસ વિશ્વનાથનની બૅન્ચે રાજ્ય સરકારોની 'બુલડોઝર ઍક્શન' સામે સવાલો ઉઠાવ્યા હતા.
કાયદાકીય મામલાના અહેવાલ આપતી વેબસાઇટ લાઇવ લૉ પ્રમાણે જસ્ટિસ વિશ્વનાથને કહ્યું કે "ગેરકાયદે ડિમૉલિશનની એક પણ ઘટના બને તો તે બંધારણની વિરુદ્ધ હોય છે."
સુપ્રીમ કોર્ટમાં કરાયેલી અરજીમાં શું છે

ઇમેજ સ્રોત, ANI
આ મામલે જમિયત ઉલેમા-એ-હિંદે દાખલ કરેલી અરજીમાં કહેવામાં આવ્યું હતું કે લઘુમતી અને નબળા લોકોને ડરાવવા માટે રાજ્ય સરકારો બુલડોઝરનો ઉપયોગ કરી રહી છે. વહીવટીતંત્ર કોઈ પણ જાતની સુનાવણી વગર, અપીલનો સમય આપ્યા વગર મકાનો તોડી પાડે છે. તે એવી કાર્યવાહી કરે છે જે ગેરકાયદે અને ન્યાયિક પ્રણાલીની વિરુદ્ધ છે.
ઉત્તર પ્રદેશ સરકારના બુલડોઝર ઍક્શન પર વિપક્ષ અને ઘણા નિષ્ણાતોએ એવો આરોપ પણ લગાવ્યો કે સરકાર બુલડોઝર દ્વારા લઘુમતીને નિશાન બનાવી રહી છે.
સુપ્રીમ કોર્ટે આ મામલે સુનાવણી કરતા ચોથી સપ્ટેમ્બર, બુધવારે કહ્યું કે, "કોઈ વ્યક્તિ દોષિત હોય તો પણ કાયદાની નક્કી થયેલી પ્રક્રિયાને અનુસર્યા વગર તેનું ઘર તોડી ન શકાય."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
કોર્ટે એમ પણ કહ્યું કે, "કોઈ વ્યક્તિ કોઈ કેસમાં આરોપી છે માત્ર એવા કારણથી તેના ઘરને કેવી રીતે તોડી શકાય?"
જોકે, ઉત્તર પ્રદેશ સરકાર વતી હાજર થયેલા સૉલિસિટર જનરલ તુષાર મહેતાએ કહ્યું કે, "કોઈ વ્યક્તિ કોઈ કેસમાં આરોપી હોય માત્ર એ કારણથી ઘર તોડી પાડવામાં નથી આવ્યાં. અમે ઍફિડેવિટ દ્વારા બતાવ્યું છે કે ઘણા સમય પહેલેથી નોટિસો મોકલવામાં આવી હતી."
ઉત્તર પ્રદેશ સરકારની બુલડોઝર કાર્યવાહી

ઉત્તર પ્રદેશના પ્રયાગરાજના જાવેદ મોહમ્મદ પાસે બે વર્ષ પહેલાં બે માળનું મકાન હતું. આજે તેની આસપાસ કાટમાળનો ઢગલો અને ઝાડી-ઝાંખરા ઊગી ગયા છે.
જાવેદ અને તેમનાં પત્ની હવે ભાડાના મકાનમાં રહે છે અને ક્યારેક અહીં આવીને પોતાનું જૂનું ઘર યાદ કરે છે.
જૂન 2022માં મોહમ્મદ પયગંબર સાહેબ વિશેની ભાજપના નેતા નૂપુર શર્માની કથિત વાંધાજનક ટિપ્પણી સામે વિરોધપ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું.
પોલીસનો આરોપ છે કે આ પ્રદર્શન દરમિયાન શહેરના અટાલા વિસ્તારમાં હિંસા અને પથ્થરમારાની ઘટના બની હતી, જેમાં જાવેદ મોહમ્મદ પણ સામેલ હતા. જોકે, જાવેદે આ આરોપોને નકારી કાઢ્યા છે અને પ્રદર્શનમાં ભાગ લેવાની વાતનો પણ ઇન્કાર કર્યો હતો.
પરંતુ ત્યાર પછી જાવેદ મોહમ્મદનું બે માળનું મકાન બુલડોઝર વડે તોડી પાડવામાં આવ્યું હતું.
'મેં જેલમાંથી ટીવી પર મારું ઘર તૂટી પડતું જોયું'

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
પ્રયાગરાજમાં પોતાના રૂમમાં બેઠેલા જાવેદ મોહમ્મદ કહે છે, "પહેલાં મને પોલીસનો ફોન આવ્યો કે, 'અટાલામાં પરિસ્થિતિ બગડી રહી છે, તમે આવો અને સ્થિતિ સંભાળો.' મેં ના પાડી દીધી. ત્યાર પછી મને સ્થાનિક પોલીસ સ્ટેશનમાંથી ફોન આવ્યો, 'મેં ફરીથી ત્યાં જવાની ના પાડી.' રાત્રે પોલીસ મારા ઘરે આવી અને અમને લઈ ગઈ, ત્યાંથી અમને પોલીસ લાઇનમાં લઈ જવાયા. અમને જેલમાં ધકેલી દીધા. બીજા દિવસે અમે જેલમાં જ ટીવી પર અમારું ઘર તૂટી પડતું જોયું."
પરંતુ જ્યારે જાવેદના ઘર પર બુલડોઝર ચલાવાયું ત્યારે પ્રયાગરાજ ડેવલપમેન્ટ ઑથૉરિટી (પીડીએ) એ કહ્યું હતું કે તેમનું ઘર ગેરકાયદે રીતે બાંધવામાં આવ્યું હતું અને મે મહિનામાં જ જાવેદને નોટિસ પણ આપવામાં આવી હતી.
જાવેદે પોતાને કોઈ નોટિસ મળ્યાનો ઇન્કાર કર્યો હતો. તેમનાં પત્ની પરવીન ફાતિમાએ ઘર તોડી પાડવાની કાર્યવાહીને કોર્ટમાં પડકારી છે અને આ મામલો કોર્ટમાં ચાલી રહ્યો છે.
બીબીસી સાથે વાત કરતા જાવેદે કહ્યું કે આ ઘર મારા નામે નહીં પણ મારાં પત્નીના નામે છે. જાવેદે કોર્ટમાં પણ પોતાનો પક્ષ રજૂ કરતા આ વાત કહી છે.
જાવેદના તોડી પાડવામાં આવેલા ઘરની બાજુમાં રહેતા ફૈઝાન બીબીસીને કહે છે, "અમે શું કહી શકીએ? એક સમુદાયને નિશાન બનાવવામાં આવી રહ્યો છે. આ મકાન પર રાત્રે નોટિસ ચોંટાડવામાં આવી હતી અને બીજા દિવસે તેને તોડી પાડવામાં આવ્યું. અમને સામાન પણ બહાર કાઢવાની તક આપવામાં આવી ન હતી."
જો કે, પ્રયાગરાજના તત્કાલીન જિલ્લા અધિકારી સંજય ખત્રીએ તે સમયે કહ્યું હતું કે, "પીડીએએ ગેરકાયદે બાંધકામો ઓળખ્યા છે, અને તેમની સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ કાર્યવાહી પણ આ જ અભિયાન હેઠળ કરવામાં આવી હતી."
જોકે, જાવેદના વકીલ કે કે રૉયે વહીવટીતંત્ર પર આરોપ લગાવ્યો છે કે જાવેદ એક સામાજિક કાર્યકર અને રાજકીય વ્યક્તિ છે તેથી તેની સામે આવી કાર્યવાહી કરવામાં આવી છે.
ઉત્તર પ્રદેશમાં એવી ઘણી મિલ્કતો પર બુલડોઝર ચલાવી દેવાયું છે જેમાં મિલ્કતના માલિકનું નામ કોઈ વિવાદ અથવા કોઈ ફોજદારી કેસ સાથે જોડાયેલું હતું.
થોડા દિવસો પહેલાં ફતેહપુરમાં સમાજવાદી પાર્ટીના નેતા હાજી રઝાના ચાર માળના શૉપિંગ કૉમ્પ્લેક્સ પર બુલડોઝરની કાર્યવાહી કરવામાં આવી હતી.
હાજી રઝા પર લોકસભા ચૂંટણી દરમિયાન વડા પ્રધાન મોદી વિરુદ્ધ કથિત રીતે વાંધાજનક ટિપ્પણી કરવાનો આરોપ હતો.
આ કૉમ્પ્લેક્સ બુલડોઝરથી તોડી પાડવામાં આવી રહ્યું હતું, ત્યારે ફતેહપુરના એસપીએ જણાવ્યું હતું કે હિસ્ટ્રીશીટરની ઇમારત તોડી પાડવામાં આવી રહી છે.
ફતેહપુરના એસપી ધવલ જયસ્વાલે આ કાર્યવાહીના દિવસે મીડિયાને જણાવ્યું કે, "હાજી રઝા ડી-69 ગેંગનો લીડર છે અને તેના ગેરકાયદે બાંધકામની ઓળખ કરવામાં આવી છે. હવે તેને તોડી પાડવામાં આવી રહ્યું છે. હાજી રઝા સામે 24 કેસ નોંધાયેલા છે."
પરંતુ હાજી રઝાના પરિવારજનોએ કહ્યું કે તેઓ સમાજવાદી પાર્ટી સાથે સંકળાયેલા હોવાથી તેમની સામે આ કાર્યવાહી કરવામાં આવી છે. આ અગાઉ માર્ચ 2023માં ઉત્તર પ્રદેશના શક્તિશાળી નેતા અતીક અહમદના ઘણા નજીકના સંબંધીઓનાં ઘરો પર પણ બુલડોઝર ચલાવવામાં આવ્યું હતું.
જૂન 2020માં ગૅંગસ્ટર વિકાસ દુબેના ઘર પર બુલડોઝર ચલાવવામાં આવ્યું હતું. વિકાસ દુબે વિરુદ્ધ અનેક ગંભીર ફોજદારી કેસ નોંધાયેલા હતા.
એ અગાઉ પોલીસ ગૅંગસ્ટર વિકાસ દુબે અને તેના સાથીઓને પકડવા કાનપુર દેહાત જિલ્લાના બિકારુ ગામમાં પહોંચી હતી. બંને તરફથી સામસામે ગોળીબાર થયો હતો, જેમાં આઠ પોલીસકર્મીઓ માર્યા ગયા. ત્યાર પછી વિકાસ દુબે ફરાર થઈ ગયા હતા.
પરંતુ બુલડોઝરનો ઉપયોગ કરવામાં આવી રહ્યો હોય તેવું ઉત્તર પ્રદેશ એ એકમાત્ર રાજ્ય નથી. તેવી જ રીતે માત્ર જાવેદ અને હાજી રઝાની આંખો સામે તેમની મિલ્કતો પર બુલડોઝર ચલાવવામાં આવ્યું છે એવું પણ નથી.
મધ્ય પ્રદેશમાં બુલડોઝર કાર્યવાહી

મધ્યપ્રદેશના છતરપુરમાં 22 ઑગસ્ટે હાજી શહઝાદનું નિર્માણાધીન મકાન તોડી પાડવામાં આવ્યું હતું.
21મી ઑગસ્ટે મુસ્લિમ સમુદાયના લોકોએ એક વિવાદાસ્પદ ટિપ્પણી વિરુદ્ધ પ્રદર્શન કર્યું હતું તેવો આરોપ છે. આ દરમિયાન પોલીસને આવેદનપત્ર આપવા આવેલા ટોળાએ પોલીસ સ્ટેશન પર પથ્થરમારો કર્યો હતો.
ટોળામાં હાજી શહજાદ પણ સામેલ હતા, પરંતુ હાજી શહજાદના પરિવારજનોનું કહેવું છે કે શહજાદ તો માત્ર સમાધાન કરાવવાનો પ્રયાસ કરતા હતા.
શહજાદ હજુ જેલમાં છે. તેમનાં પુત્રી ફાતિમા ખાતૂન કહે છે, "મારા ઘરે બે લોકો આવ્યા, તેમાંથી એક મહિલા પોલીસ હતી. તેમણે અમને પૂછ્યું કે શું કોઈ નવું ઘર બની રહ્યું છે તો અમે હા પાડી. ત્યાર પછી તેઓ અમને નવા ઘરે લઈ ગયા. સાંજે અધિકારીઓ બુલડોઝર લઈને આવ્યા હતા. મારા પિતાના મોટા ભાઈ અને મારા કાકાનું ઘર પણ તોડી પાડવામાં આવ્યું હતું."
ફાતિમાનો દાવો છે કે સ્થાનિક વહીવટીતંત્ર દ્વારા તેમના ઘરને ક્યારેય ગેરકાયદે જાહેર કરવામાં આવ્યું ન હતું, તેમ જ કોઈ નોટિસ પણ આપવામાં આવી ન હતી.
તેઓ કહે છે કે પ્રશાસન સાથે તેમના પિતાના સારા સંબંધો હતા. તેઓ શાળાનાં બાળકો માટે કાર્યક્રમોનું આયોજન કરતા હતા જેમાં ઘણા ઉચ્ચ અધિકારીઓ પણ હાજર રહેતા હતા, પરંતુ આ ઘટના બાદ દરેકનું વલણ બદલાઈ ગયું છે.
તેમના પાડોશી રુખસારે કહ્યું, "ઘર તોડી પાડવાનું કામ ચાલતું હતું ત્યારે અડોશપડોશના લોકોને પણ તેમના ઘરની બહાર નીકળવા ન દેવાયા જેથી કરીને તેમને અમુક સામાન બહાર કાઢવાની તક મળી શકે."
પરંતુ જે દિવસે બુલડોઝરની આ કાર્યવાહી થઈ તે દિવસે છતરપુરના એસપી અગમ જૈને કહ્યું હતું કે, "આ ઘર ગેરકાયદે હતું અને તેથી તેને તોડી પાડવામાં આવી રહ્યું છે. પ્રશાસને ગેરકાયદે તરીકે ઓળખ્યું હતું. અંદાજે 10 કરોડ રૂપિયાની મિલકત હતી. તમામ કાર્યવાહી નિયમો અનુસાર કરવામાં આવી હતી."
દિલ્હીથી ઍડવોકેટ મહમૂદ પરચા પણ હાજી શહજાદની તરફેણમાં છતરપુર પહોંચ્યા હતા અને તેમણે સ્થાનિક વહીવટીતંત્ર પાસેથી આ સમગ્ર કાર્યવાહીનો વીડિયો માંગ્યો હતો. તેમનો દાવો છે કે કાયદા અનુસાર આવા કેસની વીડિયોગ્રાફી કરવી જરૂરી છે.
ભાજપ શાસિત ન હોય તેવાં રાજ્યોમાં પણ બુલડોઝર

ઇમેજ સ્રોત, Mursalin Khan
કૉંગ્રેસે બુલડોઝરરાજની ટીકા કરી છે, પરંતુ કૉંગ્રેસ શાસિત રાજ્ય તેલંગણામાં પણ કથિત તળાવ પર દબાણ હટાવવાના નામે બુલડોઝરનો ઉપયોગ કરવામાં આવ્યો છે.
તેલંગણામાં જૂન મહિનામાં જ 43 એકર જમીન ખાલી કરાવવામાં આવી હતી, જેમાં 164 બાંધકામો તોડી પાડવામાં આવ્યાં હતાં. હૈદરાબાદ ડિઝાસ્ટર રિસ્પૉન્સ અને એસટી પ્રૉટેક્શન એજન્સી દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી છે.
બીઆરએસના નેતા કે.ટી. રામારાવે આ અંગે સવાલ ઉઠાવ્યો ત્યારે મુખ્યમંત્રી રેવન્ત રેડ્ડીએ તેનો બચાવ કર્યો અને કહ્યું કે આ તળાવોને તેનું અસલી રૂપ પાછું અપાવવા માટે આ કાર્યવાહી થઈ રહી છે.
દિલ્હીના ઓલ્ડ રાજિંદર નગરમાં કૉચિંગ સેન્ટરમાં પાણી ભરાવાને કારણે યુપીએસસીની તૈયારી કરી રહેલા ત્રણ વિદ્યાર્થીઓનાં મોત થયાં હતાં. ત્યાર બાદ બુલડોઝરનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.
સરકાર વિરુદ્ધ વિપક્ષ

ઇમેજ સ્રોત, ANI
ઉત્તર પ્રદેશ સરકારની બુલડોઝર કાર્યવાહીની ટીકા કરતા સમાજવાદી પાર્ટીના નેતા અખિલેશ યાદવે કહ્યું કે, "સરકાર અંગત ફાયદા માટે બુલડોઝરનો દુરુપયોગ કરી રહી છે. તેને જેની સામે બદલો લેવો છે તેની વિરુદ્ધ બુલડોઝરનો ઉપયોગ કરી રહી છે. બુલડોઝરનું મગજ નથી હોતું, માત્ર સ્ટિયરિંગ વ્હીલ હોય છે. ઉત્તર પ્રદેશની જનતા ક્યારે કોનું સ્ટિયરિંગ ઘુમાવી દે તેની આગાહી કરવી મુશ્કેલ છે."
તેના જવાબમાં ઉત્તર પ્રદેશના મુખ્ય મંત્રી યોગી આદિત્યનાથે કહ્યું કે, "બુલડોઝરને ગમે તે ચલાવી શકતું નથી. તેના માટે દિલ અને દિમાગ બંનેની જરૂર પડે છે. બુલડોઝર ચલાવવાની ક્ષમતા અને દૃઢ નિશ્ચય હોય તે જ તેને ચલાવી શકે. તોફાનીઓ સામે ઝૂકી જતા લોકો બુલડોઝર સામે આમેય ધ્વસ્ત થઈ જશે."
કાનૂની પ્રક્રિયા શું કહે છે?

ઇમેજ સ્રોત, Getty Images
આવા મોટા ભાગના કિસ્સામાં વહીવટીતંત્રની દલીલ છે કે ગેરકાયદે બાંધકામ સામે જ બુલડોઝરનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.
પરંતુ એ પણ સવાલ ઊભો થાય છે કે ઇમારત ગેરકાયદે હોવા છતાં તેને તોડતા પહેલાં નિયત પ્રક્રિયાનું પાલન કરવું જોઈએ કે નહીં? બુલડોઝર વડે રાતોરાત ઘર તોડી શકાય? કાયદાના જાણકારોના મતે શું ઘર તોડતા પહેલાં દંડની જોગવાઈ છે?
લખનૌમાં હાઈકોર્ટનાં વકીલ સાયમા ખાન કહે છે, "રહેણાક મકાનોને તોડી પાડતાં અગાઉ યોગ્ય કાનૂની પ્રક્રિયાનું પાલન કરવું જરૂરી છે. તેમાં સંબંધિત લોકોને નોટિસ આપવી અને તેમને અપીલ કરવાની તક આપવાનો સમાવેશ છે. તેમાં કોઈના મિલકતના અધિકારોનું ઉલ્લંઘન નથી થતું તે સુનિશ્ચિત કરવાનું હોય છે."
બુલડોઝર કાર્યવાહી સામે સવાલો
માનવાધિકાર સંગઠન ઍમ્નેસ્ટી ઇન્ટરનેશનલના જણાવ્યા અનુસાર, એપ્રિલથી જૂન 2022 વચ્ચે આસામ, દિલ્હી, ગુજરાત, મધ્ય પ્રદેશ અને ઉત્તર પ્રદેશમાં લગભગ 128 મિલ્કતોને સજા તરીકે બુલડોઝરથી ધ્વસ્ત કરવામાં આવી હતી.
રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે આ જગ્યાઓ પર કોમી તણાવ બાદ આ કાર્યવાહી કરવામાં આવી છે. તેનાથી કુલ 617 લોકોને અસર થઈ હતી.
ઍમ્નેસ્ટી ઇન્ટરનેશનલના જણાવ્યા મુજબ તેમાંથી ઘણા કેસમાં નિર્ધારિત કાનૂની પ્રક્રિયાનું સંપૂર્ણ પાલન કરવામાં આવ્યું ન હતું.
બુલડોઝિંગની આ કાર્યવાહી મોટા ભાગે ભાજપ શાસિત રાજ્યોમાં થઈ હતી.
હાઉસ ઍન્ડ લૅન્ડ રાઇટ્સ નૅટવર્કના અહેવાલ પ્રમાણે 2023-2024માં લગભગ પાંચ લાખ લોકોને બળજબરીથી તેમનાં ઘરોમાંથી બહાર કાઢવામાં આવ્યા છે. હવે આ આંકડો વધી ગયો છે. જેમાં અતિક્રમણ અને બ્યુટીફિકેશન સિવાય આવા કિસ્સાઓ પણ સામેલ છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












