હિંદુ-મુસ્લિમ એકતા માટે પ્રખ્યાત પીરાણામાં કોમી તણાવનો સન્નાટો કેમ છે? - ગ્રાઉન્ડ રિપોર્ટ

- લેેખક, ભાર્ગવ પરીખ
- પદ, બીબીસી ગુજરાતી માટે
અમદાવાદથી પથ્થર ફેંકીએ એટલે જ દૂર આવેલું પીરાણા થોડાં વર્ષો પહેલાં સુધી હિંદુ મુસ્લિમ એકતાનું પ્રતીક ગણાતું હતું. પરંતુ આજે અહીં એવો તણાવ છે કે આખાય ગામમાં અજંપો અને સન્નાટો પ્રસરેલો છે. અહીંની ગલીઓ સૂમસામ છે અને અહીં આવેલ સતપંથી મંદિર અને ઇમામશાહની દરગાહમાં અલ્લાહ અને ઈશ્વર જાણે પોલીસની કેદમાં છે.
બીબીસીની ટીમે આ ગામમાં કથિત દરગાહ તોડવાની અને અહીં મૂર્તિ મૂકવાને કારણે ઊભા થયેલા તણાવ બાદ પીરાણાની મુલાકાત લીધી હતી. મુલાકાત સમયે ગામમાં ઠેકઠેકાણે પોલીસની બૅરીકેડ લાગેલાં હતાં.
અહીંનાં સતપંથી પ્રેરણાતીર્થ સમાધિસ્થળના દરવાજા ભક્તો માટે હાલમાં બંધ છે. લોકો ગુલાબ લઈને દર્શન કરવા આવે તો દરવાજો બંધ કરીને બેસેલા પોલીસના જવાનો ભક્તોને દરવાજાની બહારથી જ પરત મોકલે છે.
કોઈ મંજૂરી મેળવીને અંદર પ્રવેશ કરવા પ્રયાસ કરે તો પહેલાં રજિસ્ટરમાં નામ, ફોન નંબર અને સરનામું લખી દીધા પછી ઉચ્ચ અધિકારીની લેખિત મંજૂરી મેળવવા માટે પણ રાહ જોવી પડે છે. એ અધિકારીઓ પોતે મિટિંગ અને તપાસમાં વ્યસ્ત હોવાનું કહીને પ્રવેશ આપવાનું ટાળે છે.
બીબીસીએ ગૌશાળાના અન્ય રસ્તેથી પણ પ્રવેશ મેળવવાનો પ્રયાસ કર્યો હતો. આ માટે ટીમે ગાયોનો ઘાસચારો લઈ જતા વાહનનો સહારો લીધો હતો. પરંતુ ઘાસચારા સાથે એક જ વ્યક્તિ જઈ શકશે અન્યથા અશાંતિ સર્જાવાનો ડર છે એમ કહીને પ્રવેશ ન આપવામાં આવ્યો.
અલબત્ત, પોલીસે ભક્તો જ નહીં, પરંતુ અહીંના ટ્રસ્ટીઓ તથા સાધુ-સંતોના પ્રવેશ પર પણ પાબંદી લાદી છે.
તો બીજી તરફ આવેલી મસ્જિદની બહાર પણ બૅરિકેડ લગાવી દેવામાં આવ્યાં છે અને પોલીસ તહેનાત કરવામાં આવી છે.
પીરાણામાં કેમ બે સમુદાયો વચ્ચે પથ્થરમારો થયો?

ઇમેજ સ્રોત, BHARGAV PARIKH
આઠ મેના દિવસે સવારે અચાનક વૉટ્સઍપ પર પીરાણામાં કબરો તોડી નાખ્યાના મૅસેજ, ફોટો અને વીડિયો વાઇરલ થયા હતા. આ સાથે જ હિંદુ અને મુસ્લિમ સમુદાયના લોકો વચ્ચે પથ્થરમારો શરૂ થઈ ગયો હતો.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આ પથ્થરમારાની ઘટનામાં પોલીસ સહિત 15 લોકોને ઈજા થઈ છે. સતપંથી સમાજના હિંદુ ટ્રસ્ટીઓએ મુસ્લિમ સમુદાયના 40થી વધુ લોકો સામે ફરિયાદ નોંધાવી છે, તો મુસ્લિમ સમુદાયના લોકોએ હિંદુ ટ્રસ્ટીઓએ રિનોવેશનના નામે 14 કબર તોડી મુસ્લિમ યુવકોને હથિયારથી ઈજા પહોંચાડી હોવાની પોલીસ ફરિયાદ નોંધાવી છે.
આ અંગે અમદાવાદ રૂરલ પોલીસના એસ.પી. ઓમપ્રકાશ જાટે બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં કહ્યું કે, “અમને સવારે જ્યારે મૅસેજ મળ્યો કે પીરાણા દરગાહ પર આવેલા ધાર્મિક સ્ટ્રક્ચર તૂટ્યાં છે ત્યારે અમે ત્યાં પહોંચ્યા હતા. એ સમયે ત્યાં ભારે પથ્થરમારો થઈ રહ્યો હતો. જેમાં પોલીસને પણ ઈજા થઈ છે. પોલીસે પરિસ્થિતિને કાબૂમાં લીધા પછી 40 લોકોની ધરપકડ કરી હતી અને તપાસ ચાલુ છે.”
બંને પક્ષોનો શું દાવો છે?

ઇમેજ સ્રોત, Bhargav Parikh / BBC
અખિલ ભારતીય સંત સમિતિના મહામંત્રી મહામંડલેશ્વર રાધે રાધે બાબાએ બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું કે, “આ કબર નથી અને સતપંથીની સમાધિ જ છે તથા ત્યાં સંત હંસદેવ મહારાજની ચરણ પાદુકાઓ પણ છે. એને દરગાહ ગણાવી તોડી નાખવાની વાત ખોટી છે. અહીં મંદિર બનવું જોઈએ એટલે રિનોવેશનનું કામ કરતા હતા ત્યારે રાત્રે અન્ય ધર્મના લોકોએ આ તોડફોડ કરી હુમલો કર્યો છે.”
તો મહંત પ્રેમ સ્વરૂપજી મહારાજે બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું હતું કે, “આ 600 વર્ષ જૂની સંસ્થા છે અને સદગુરુ હંસતેજજી મહારાજના સતપંથી અનુયાયીઓનું મંદિર છે. એમના અડિયા, કડવા પાટીદાર સમેત અન્ય જ્ઞાતિના સંખ્યાબંધ હિંદુ અનુયાયીઓ છે. અહીં કલકી નારાયણ મંદિર છે, અહીં કોઈ કુરાન નહીં પરંતુ સતપંથી ધર્મના 100 નિયમોની શિક્ષાપત્રીને અનુસરવામાં આવે છે."

ઇમેજ સ્રોત, Bhargav Parikh / BBC
તેમણે વધુમાં કહ્યું, "લઘુમતીઓ સહિત અન્ય સમાજના ટ્રસ્ટી અહીં કબજો જમાવવાની કોશિશ કરે એ યોગ્ય નથી. અહીં પહેલાં તારની વાડ હતી, જ્યારે દીવાલ કરી ત્યારે પણ આ લોકોએ વિરોધ કર્યો હતો. હવે અમે મંદિરના રિનોવેશનનું કામ કરીએ છીએ ત્યારે અમારા પર કબર તોડ્યાનો આરોપ મૂકી સમાધિનું કામ અટકાવવાનો પ્રયાસ કરે છે.”
તો ઇમામ શાહ બાવા વંશજ શૌકત હુસેન સૈયદે બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું હતું કે, “આ જગ્યા ઇમામશાહ બાવાની છે. 600 વર્ષ જૂની જગ્યા છે. અહીં ટ્રસ્ટના નિયમ મુજબ તમામનો એકસમાન અધિકાર છે. પરંતુ મોટી દીવાલ કરીને તેઓ ઇમામશાહ બાવાની દરગાહ પર જવા નથી દેતા. વારંવાર ઝઘડા થાય છે. જેના કારણે હિંદુ મુસ્લિમ એકતાનું પ્રતીક ગણાતું પીરાણા હવે ધર્મના નામે વહેંચાઈ રહ્યું છે એનું અમને દુઃખ છે.”
ગામલોકોનું શું કહેવું છે?

ઇમેજ સ્રોત, Bhargav Parikh / BBC
પીરાણામાં મોટાભાગના લોકો ખેતી અને નાનામોટા ધંધા કરીને પોતાનો રોજગાર મેળવે છે. અહીં છેલ્લે થયેલી કોમી હિંસા બાદ મંદિર અને મસ્જિદ બંધ હોવાથી લોકોનો ફૂલ અને ચાદરનો ધંધો બંધ થઈ ગયો છે. અહીં સૌથી પ્રખ્યાત આશાપુરી પૂજાપાની દુકાન ધરાવતા નાસિરના પિતા આઠ મેના દિવસે થયેલી હિંસા પછી ગામમાં નથી .
નાસિર દરરોજ સવારે 24 કિલોમીટર દૂર અમદાવાદના જમાલપુરથી ગુલાબનાં ફૂલ લઈને આવે છે. રોજ એમનો અંદાજે ત્રણ હજારનો ધંધો થતો હતો પરંતુ હવે તેઓ નુકશાન ભોગવી રહ્યા છે.
મંદિર અને મસ્જિદના રસ્તે નારિયેળ પાણી, શેરડીનો રસ અને દુકાન ખોલીને બેઠેલા વિનોદ દુબેનો ધંધો પણ શ્રદ્ધાળુઓ નહીં આવતા ઠપ થઈ ગયો છે.
આઠ મહિનાથી અહીં ધંધો કરી રહેલા વિનોદ કહે છે કે, “રોજ મંદિર-દરગાહમાં શ્રદ્ધાળુઓ આવે એટલે 600 રૂપિયા કમાઈ લેતો હતો. પરંતુ ત્રણ દિવસથી ધંધો બંધ પડ્યો છે. હજુ જો થોડા દિવસ આમ જ ચાલ્યું તો બાળકોને શું ખવડાવવું એ સવાલ ઊભો થઈ જશે.”
આવી જ હાલત ગામના બીજા લોકોની છે.
પીરાણાનો ઇતિહાસ શું છે?

ઇમેજ સ્રોત, LAXMI PATEL
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
અમદાવાદથી માત્ર 21 કિલોમીટર દૂર આવેલા પીરાણા ગામના લગભગ દરેક મહોલ્લામાં દર ત્રીજું ઘર મુસ્લિમનું છે.
600 વર્ષ જૂનો ઇતિહાસ ધરાવતા પીરાણાની આ દરગાહ હિંદુ-મુસ્લિમ એકતાનું પ્રતીક ગણાતી રહી છે.
1939માં આ જગ્યાએ પીરાણા ઇમામશાહ બાવા રોઝા ટ્રસ્ટ બન્યું હતું જેમાં 11 ટ્રસ્ટીઓમાંથી આઠ હિંદુ અને ત્રણ મુસ્લિમ છે. હિંદુ ટ્રસ્ટીઓ સતપંથી તરીકે ઓળખાય છે જ્યારે મુસ્લિમ સૈયદ ટ્રસ્ટીઓ સદાત તરીકે ઓળખાય છે.
હજરત પીર ઇમામશાહ બાવા વિશે અનેક કથાઓ છે પણ એમના જીવન વિશે 'સતપંથ શાસ્ત્ર ', 'તવારીખે -એ -પીર ' અને ' ગુજરાતના ઑલિયાઓ' એમ ત્રણ પુસ્તકોમાંથી સંકલિત કરીને ઇમામશાહી સાદાત કમિટીએ પ્રકાશિત કરેલા પુસ્તક ફુરકે ઇરાકી અલ હુસૈનીમાં ઉલ્લેખ છે કે 600 વર્ષ પહેલાં ઇમામશાહ બાવા સતપંથના પ્રચાર માટે ગુજરાત આવ્યા હતા અને મહમદ બેગડાએ એમની સાથે ગુસ્તાખી કરી ત્યારે એમની નારાજગીથી ડરેલા મહમદ શાહ બેગડાએ એમને એક બળદગાડું આપ્યું હતું.
આ જ પુસ્તકમાં આગળ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે, “એમણે જ્યાં મુકામ કર્યો ત્યાં સતપંથી ધર્મના લોકો વધતા ગયા અને એમની પીર તરીકે ખ્યાતિ થઈ. પીરના નામ પરથી આ જગ્યાનું નામ પીરાણા પડ્યું હોવાનું નોંધવામાં આવ્યું છે. એમના વંશજોની એક દરગાહ ખંભાતના નારંગેસર તળાવ પાસે આવેલી છે. જેના અનુયાયીઓ કુંભાર, ગોળ, કાછીયા અને કડિયાઓ છે. પાટણની દરગાહમાં મોઢ ઘાંચી, કંદોઈ અને ભાવસારો અનુયાયીઓ છે.
સ્વયંસેવી સંસ્થા 'સિટીઝન ફૉર પીસ ઍન્ડ જસ્ટિસે' 2022માં પીરાણા પાસે મોટી દીવાલ બંધાતી હતી, ત્યારે હિંદુ મુસ્લિમ એકતાના પ્રતીક સમા પીરાણાના ભૂતકાળમાં ડહોળાયેલા વાતાવરણની એક ટાઇમલાઇન અહીંના રહેવાસી અઝહર સૈયદ સાથે મળીને બહાર પાડી હતી.
- 1992માં દેશમાં થયેલી હિંસા બાદ પીરાણાના મુસ્લિમોને 1993માં દરગાહમાં પ્રવેશ કરતા રોકવામાં આવ્યા હતા. જેની સામે કોર્ટમાં કેસ થયો હતો અને મુસ્લિમોને પ્રવેશ નહીં આપવા પર સ્ટે ઑર્ડર આપ્યો હતો.
- 2002ની હિંસા પછી અહીં તારની વાડ બનાવવામાં આવી હતી.
- 2020માં બાબા રોઝા સંસ્થાએ રિનોવેશનની મંજૂરી માંગી હતી. તત્કાલીન કલેક્ટરે સ્ટ્રક્ચરના ઢાંચામાં કોઈ ફેરફાર કાર્ય વગર રિપેર કરવાની મંજૂરી આપી હતી.
- 20 જાન્યુઆરી, 2022માં અહીં તારની વાડની જગ્યાએ દીવાલ બનવાનું શરૂ થતાં વાતાવરણ તંગ બન્યું હતું.
ત્યાર બાદ સુન્ની સ્વમી ફોરમે ગુજરાત હાઈકોર્ટમાં પબ્લિક લિટિગેશન કરી હતી કે પીરાણાનો 600 વર્ષનો ઇતિહાસ ભૂંસીને હિંદુ સંસ્થાન બનાવવામાં આવી રહ્યું છે. તેને ગુજરાત હાઇકોર્ટનાં ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલ અને અનિરુદ્ધ મોયેની ડિવિઝન બૅન્ચે ફગાવતાં કહ્યું હતું કે આ હિંદુ-મુસ્લિમનો મામલો કોર્ટમાં ન લાવવો જોઈએ. આ અંગે ટ્રસ્ટના લોકોએ સંબંધિત ઑથોરિટી ચૅરિટી કમિશ્નર પાસે જવું જોઈએ.
સતપંથી સમુદાય શું છે અને પીરાણામાં વિવાદો કેમ થતા રહે છે?

ઇમેજ સ્રોત, HARSHAD PATEL
ગુજરાતી વિશ્વકોશમાં જણાવ્યા અનુસાર સતપંથ એ એક ઇસ્માઇલી નિજારી સંપ્રદાય છે. તે નૂરસતગર દ્વારા શરૂ થયો. 12મી સદીમાં નિજારી ઇસ્માઇલી ઇમામોએ આ સંપ્રદાયનો ભારતમાં પ્રચાર કરવા માંડ્યો. આ સંપ્રદાયના પીર હસકબીરુદ્દીનને ત્યાં ઇ.સ. 1452માં ઇમામ શાહનો જન્મ થયો. તેઓ ગુજરાતમાં ધર્મપ્રચાર કરવા આવ્યા.
શાક્તપંથી લોહાણાઓને આ ઇસ્માઇલી સંપ્રદાય સ્વીકાર્ય બને તે માટે તેમણે તેમના સંપ્રદાયોમાં હિંદુ ધર્મને અનુકૂળ ફેરફારો કર્યા. હિંદુ ધર્મની માન્યતા પ્રમાણે વિષ્ણુના દસમા અને છેલ્લા કલ્કી અવતાર અલમુતના ઇમામ ‘મેહદી’ હોવાનો પ્રચાર શરૂ કરાયો. તેમણે શાક્તપંથીઓની ઉપાસના પદ્ધતિ અને ક્રિયાકાંડ અપનાવ્યાં.
સતપંથને ગુજરાતમાં વિશેષ પ્રચલિત કરનારા પીર સદરુદ્દીન ખોજા ત્રીજા ખ્યાતનામ પીર મનાય છે. તેમણે પોતાના પંથને વધુ સ્વીકૃત બનાવવા કયામત પહેલાં આવનારા છેલ્લા ઇમામ મેહદીને જળપ્રલય અગાઉ થનારા કલ્કી-અવતાર તરીકે વર્ણવ્યા. તેમણે પોતાના પંથને સતપંથ નામ આપ્યું. પહેલાં તેઓ આ પંથને શાક્તપંથ તરીકે ઓળખાવતા.
જોકે, સતપંથ પર ‘હિંદુ દેવી-દેવતાઓના અવતારને આગળ ધરીને હિંદુઓને મુસ્લિમ બનાવવાના’ આરોપ પણ લાગતા રહે છે. જેને સતપંથ હંમેશાં નકારે છે.
જોકે, સતપંથ સંપ્રદાયની નિષ્કલંકીધામની વેબસાઇટ પર જણાવ્યા અનુસાર તેની સ્થાપના 500 વર્ષ અગાઉ થઈ હતી. અમદાવાદના દસક્રોઈ તાલુકાના પીરાણામાં ઇમામશાહ મહારાજે તેની સ્થાપના કરી હોવાનું સતપંથ સમાજના અનુયાયીઓ જણાવે છે.
આ જ પીરાણા ખાતે આવેલા નિષ્કલંકીધામ પ્રેરણાપીઠ સંસ્થા અને તેની બાજુમાં આવેલા તેમના જ સ્થાપક ઇમામશાહ બાવાની દરગાહ/સમાધિ સ્થળ વચ્ચે વિવાદ છે. પ્રેરણાપીઠની બાજુમાં જ ઇમામશાહની આ દરગાહ અને ઇમામશાહી મસ્જીદ પણ છે.
થોડા વર્ષો પહેલાં સતપંથી સમાજ (કચ્છી કડવા પાટીદાર) અને સૈયદ સમાજ વચ્ચે ઇમામશાહ દરગાહ/સમાધિસ્થળ વચ્ચે દીવાલ બનાવવા મુદ્દે વિવાદ પણ થયો હતો. આ સિવાય આ જ પરિસરમાં મૂર્તિઓ મૂકવાનો વધુ એક વિવાદ થયો હતો.
ઇમામશાહ એક સૂફી સંત હતા. બંને સમાજના લોકો અહીં દરગાહ પર આસ્થા પ્રમાણે ઇબાદત કરે છે.












