બાળગંગાધર ટિળક જયંતી : શું લોકમાન્ય ટિળક ખરેખર હિંદુવાદી નેતા હતા?

લોકમાન્ય ટિળક

ઇમેજ સ્રોત, PIB

ઇમેજ કૅપ્શન, લોકમાન્ય ટિળક
    • લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
    • પદ, નવી દિલ્હી

"આવું મૃત્યુ આજ લગી આ જમાનામાં કોઈ લોકનાયકને ભાગે નથી આવ્યું. દાદાભાઈ ગયા, ફીરોજશાહ ગયા, ગોખલે પણ ગયા. બધાની પાછળ હજારો સ્મશાને ગયા હતા, પણ ટિળકે અવધિવાળી! તેની પાછળ તો આખું જગત ગયું. મુંબઈ રવિવારે ઘેલું થઈ ગયું હતું."

ગાંધીજીએ આ શબ્દો 1920માં આઠમી ઑગસ્ટે બાળ ગંગાધર ટિળકને શ્રદ્ધાંજલિ આપતાં 'નવજીવન'માં લખ્યા હતા.

1 ઑગસ્ટ, 1920એ લોકમાન્ય ટિળકનું મૃત્યુ થયું અને ન માત્ર મહારાષ્ટ્ર પરંતુ આખો દેશ શોકમાં હતો.

ગાંધીજી આગળ લખે છે, “લોકમાન્ય તો એક જ હતા. રાજાએ આપેલાં ઇલકાબ કરતાં લાખ ગણી કિંમત ટિળક મહારાજને લોકોએ આપેલા ઇલકાબની હતી એ દેશે સાબિત કરી આપ્યું છે."

"આખું મુંબઈ લોકમાન્યને વળાવવા રવિવારે નીકળી ગયું હતું એમ કહેવામાં અતિશયોક્તિ નહીં ગણાય.”

“ફ્રાન્સમાં કહે છે ‘રાજા મુવા, રાજા ઘણું જીવો.’ તે વિચાર ઇંગ્લૅન્ડ વિશ્વના બધા દેશોમાં પ્રસરેલો છે અને રાજાનું મરણ થાય ત્યારે આ કહેવતનું ઉચ્ચારણ થાય છે."

"તેનો ભાવાર્થ તો એ છે કે રાજા તો મરતો જ નથી. રાજતંત્ર એકઘડી પણ બંદ થતું નથી. ટિળક મહારાજ પણ કાંઈ મરતાં નથી, મર્યા નથી. જીવે છે ને ઘણું જીવશે એમ મુંબઈની મેદનીએ બતાવી આપ્યું.”

મહાત્મા ગાંધીએ 4 ઑગસ્ટે યંગ ઇન્ડિયામાં લખ્યું હતું, “આપણે ટિળક વિના કોઈ અન્ય નેતાને નહીં જોઈએ જે આટલા લોકોના દિમાગ પર રાજ કરતો હોય.”

બાળ ગંગાધર ટિળકનો જન્મ 23 જુલાઈ, 1856એ મહારાષ્ટ્રના રત્નાગિરીમાં થયો હતો.

ટિળક દેશસેવા માટે બીજા કાર્યક્રમો ઉપરાંત મરાઠીમાં 'કેસરી' અને અંગ્રેજીમાં 'મરાઠા' જેવાં છાપાં ચલાવતા હતા.

જેલમાંથી છૂટ્યા પછી લોકમાન્ય ટિળકે અને થિયોસૉફિકલ સોસાયટીનાં અધ્યાત્મવાદી ઍની બેસન્ટે 1915-16માં પોતપોતાની રીતે 'હોમરૂલ લીગ'ની સ્થાપના કરી.

ભારતના પ્રથમ વડા પ્રધાન જવાહરલાલ નહેરુએ ટિળકને ‘ભારતીય ક્રાંતિના નવસર્જક’કહ્યા હતા.

ભારતીય સ્વતંત્રતા સંગ્રામ માટે નાણાકીય મદદ મેળવવા માટે ગાંધીજી દ્વારા એક અભિયાન શરૂ કરવામાં આવ્યું, જેનું નામ 'સ્વરાજ્ય ટિળકકોષ' આપવામાં આવ્યું.

1 ઑગસ્ટ, 1921 સુધી ટિળકના પહેલાં સ્મારક દિવસ પહેલાં તેમણે 1 કરોડ રૂપિયા એકઠા કરવાનો લક્ષ્ય રાખ્યો હતો. ટિળક એક ઉગ્ર મિજાજના નેતા હોવા છતાં, મવાળવાદી નેતાઓને તેમના પ્રત્યે સન્માન હતું.

line

શું ટિળક હિંદુવાદી નેતા હતા?

અમદાવાદમાં લાલ દરવાજા પાસે આવેલો 'ટિળકબાગ' ક્યારેક 'વિક્ટોરિયા ગાર્ડન'ના નામે ઓળખાતો હતો.

ઇમેજ સ્રોત, Kalpit S Bhachech

ઇમેજ કૅપ્શન, અમદાવાદમાં લાલ દરવાજા પાસે આવેલો 'ટિળકબાગ' અગાઉ 'વિક્ટોરિયા ગાર્ડન'ના નામે ઓળખાતો હતો.

લોકમાન્ય ટિળક પર '100 યર્સ ઑફ ટિળક-ઝિન્ના પૅક્ટ' પુસ્તક લખનાર સુધીન્દ્ર કુલકર્ણીઆને દુખની વાત કહે છે.

જેના વિશે બીબીસી સંવાદદાતા અનંત પ્રકાશ તેમના અહેવાલમાં સુધીન્દ્ર કુલકર્ણીને ટાંકીને લખે છે.

સુધીન્દ્ર કુલકર્ણી કહે છે, "ટિળક ક્યારેય પણ હિંદુત્વના પ્રણેતા ન હતા, સામ્યવાદીઓ ટિળકજીના સ્વરૂપને યોગ્ય રીતે સમજી શકતા નથી."

"ભારતમાં હિંદુ સમાજ સૌથી મોટો સમાજ છે. ટિળકજીનો ઉદ્દેશ્ય હતો કે ગણેશચતુર્થી અને શિવાજીજયંતી દ્વારા આ સમાજમાં નવી જાગૃતિ લાવીને બ્રિટિશ રાજની સામે વિરોધ ઊભો કરવામાં આવે."

તેઓ લખે છે, "એમાં મુસ્લિમવિરોધી વિચારનું પરીણામ ન હતું. તે મહોર્રમ જેવાં આયોજનોમાં પણ સામેલ થયા હતા."

"લખનૌ અધિવેશનમાં તેમણે ત્યાં સુધી કહ્યું કે મારે બ્રિટિશ શાસનનો અંત કરવો છે અને એવામાં જો સત્તા અસ્થાયી રીતે મુસ્લિમોના હાથમાં ચાલી જાય તો પણ મને સ્વીકાર્ય છે, કારણ કે તે આપણા પોતાના છે. એવામાં તેમને હિંદુત્વાદી કહેવા ખોટી વાત છે."

line

જ્યારે ઝીણા ટિળકનો કેસ લડ્યા

મોહમ્મદ અલી ઝીણા

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, મોહમ્મદ અલી ઝીણા

ટિળકે વર્ષ 1908થી 1914 સુધીનો સમય રાજદ્રોહના કેસમાં માંડલે (હાલમાં મ્યાનમાર)ની જેલમાં પસાર કર્યો.

ખરેખર, ટિળકે પોતાના અખબાર 'કેસરી'માં મુઝફ્ફરપુરમાં ક્રાંતિકારી ખુદીરામ બોઝ અને પ્રફુલ્લ ચાકીના કેસ પર લખતાં સ્વરાજની માગ ઉઠાવી હતી, આ બંને પર બે યુરોપીય મહિલાઓની હત્યા કરવાનો આરોપ હતો.

કેસની સુનાવણી એક પારસી જજ જસ્ટિસ દિનશૉ ડાવર કરી રહ્યા હતા અને ટિળકના વકીલ ઝીણા હતા.

ઝીણાએ ટિળકને જામીન અપાવવાના પ્રયત્નો કર્યા, પરંતુ આ કોશિષ સફળ ન થઈ શકી અને ટિળકને છ વર્ષ માટે જેલમાં મોકલામાં આવ્યા.

સુધીન્દ્ર કુલકર્ણી કહે છે, "તમામ મહાપુરુષોની જેમ ટિળકના જીવનમાં પણ અનુભવના આધારે ચિંતનમાં ફેરફાર આવ્યો. શરૂઆતના ટિળક અલગ હતા અને પછીના ટિળક અલગ હતા."

"જેલમાંથી પરત ફર્યા પછી ટિળકના વિચારો અને રાજકારણ બદલાઈ ગયા હતા."

line

ટિળક રહ્યા અમદાવાદની જેલમાં

1908માં રાજદ્રોહની સજા બદલ ટિળકને અમદાવાદની સાબરમતી જેલમાં રાખવામાં આવ્યા હતા.

ઇમેજ સ્રોત, Kalpit S Bhachech

ઇમેજ કૅપ્શન, રાજદ્રોહની સજા બદલ ટિળકને અમદાવાદની સાબરમતી જેલમાં રાખવામાં આવ્યા હતા.

રાજદ્રોહની સજા બદલ ટિળકને થોડા વખત માટે અમદાવાદની સાબરમતી જેલમાં રાખવામાં આવ્યા હતા.

કેસ તો મુંબઈમાં ચાલ્યો હતો પણ સજાના ભાગરૂપે ટિળકને અમદાવાદ લાવવામાં આવ્યા હતા.

કલ્પિત ભચેચ બીબીસી માટે લખેલા અહેવાલમાં ટિળકના પ્રપૌત્ર દીપક ટિળકને ટાંકતાં લખે છે, "મુંબઈમાં ચાલેલી ટ્રાયલમાં ટિળકને સજા થઈ હતી અને આ સમાચારના પગલે મુંબઈમાં કાયદો-વ્યવસ્થાની સ્થિતિ વણસવાની શક્યતા હતી."

"આ દહેશતને લઈ તેમને અમદાવાદની સાબરમતી જેલમાં મોકલવામાં આવ્યા હતા."

line

ટિળક-ઝીણા અને ભારતના ભાગલા

ઝીણા અને ગાંધીજી

ઇમેજ સ્રોત, Hulton archive

બ્રિટિશ રાજમાંથી આઝાદી મળ્યાનાં 70 વર્ષ પછી પણ ભારત અને પાકિસ્તાન બંને દેશો વિભાજનની સમસ્યાને સહન કરી રહ્યા છે.

પરંતુ સુધીન્દ્ર કુલકર્ણી માને છે કે જો લોકમાન્ય ટિળક કંઈક વધારે વર્ષ જીવિત રહ્યા હોત તો ભારતનું ભવિષ્ય કંઈક અલગ હોત.

તેઓ કહે છે, “ટિળકજી જો થોડાં વધારે વર્ષો જીવતા રહ્યા હોત તો ભારત કદાચ વિભાજનની સમસ્યાનો સામનો કરવાથી બચી ગયું હોત."

"આનું કારણ એ છે કે વર્ષ 1916માં થયેલા ટિળક-ઝીણા પૅક્ટમાં ટિળકે હિંદુ-મુસ્લિમ એકતા અને બંને સમાજોની સત્તામાં ભાગીદારીની ફૉર્મ્યૂલા કાઢી હતી. જો ફૉર્મ્યૂલા ટકી હોત તો આગળ ચાલીને ભારતનું વિભાજન ન થયું હોત અને થયું હોત તો પણ આ સ્થિતિ સમસ્યામાં પરિવર્તિત ન થઈ હોત.”

line

ઝીણા ટિળકની નજીક પરંતુ ગાંધીજી દૂર

ગાંધીજી

ઇમેજ સ્રોત, Getty Images

ઝીણાને સામાન્ય રીતે મુસ્લિમ નેતાના રૂપમાં જોવામાં આવે છે.

કુલકર્ણી કહે છે કે ઝીણા પોતાને મુસ્લિમ નેતા માનતા ન હતા અને રાજકારણમાં ધર્મ વચ્ચે લાવવા માગતા ન હતા, એટલા માટે ગાંધીજીએ ખિલાફત આંદોલનને આપેલું સમર્થન ઝીણાને પસંદ આવ્યું ન હોતું.

પરંતુ આ જ ઝીણા ટિળકના છેલ્લાં દિવસમાં તેમની નજીક આવી ગયા હતા અને બંનેમાં હિંદુ-મુસ્લિમ સમાજમાં રાજકીય ભાગીદારી પર એક સમજણ વિકસિત થઈ હતી, પરંતુ વર્ષ 1920માં ટિળકના મૃત્યુ પછી ઝીણા પણ કૉંગ્રેસથી દૂર જતા રહ્યા.

લાઇન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો

લાઇન
બદલો YouTube કન્ટેન્ટ
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો