ચંદ્રશેખર આઝાદનું મૃત્યુ પોલીસની ગોળીથી થયું હતું કે પોતાની ગોળીથી?
- લેેખક, સુનીલ રાય
- પદ, બીબીસી ગુજરાતી માટે
આઝાદનો જન્મ 23 જુલાઈ, 1906ના રોજ મધ્ય પ્રદેશના ઝાબુઆ જિલ્લામાં થયો હતો.
શિક્ષણ મેળવવા તેઓ વારાણસી ગયા અને 1921માં બનારસના સત્યાગ્રહ આંદોલનથી તેમનું જીવન હંમેશાં માટે બદલાઈ ગયું.
અલાહાબાદ મ્યુઝિયમમાં ચંદ્રશેખર આઝાદની એ પિસ્તોલ રાખવામાં આવી છે, જે 27 ફેબ્રુઆરી 1931ની સવારે તેમના હાથમાં હતી.

ઇમેજ સ્રોત, SUNIL RAI/BBC
કહેવાય છે કે આ જ પિસ્તોલમાંથી નીકળેલી ગોળીએ આઝાદનો જીવ લીધો હતો, પણ પોલીસના દસ્તાવેજથી આ વાત સાબિત થતી નથી. આઝાદનું નિધન પોલીસની ગોળીથી તો નહોતું થયું ને?
અલાહાબાદના કર્નલગંજ પોલીસસ્ટેશનમાં રાખવામાં આવેલા બ્રિટિશ પોલીસના ગુનાપત્રક પર નજર કરીએ તો આ શંકા પેદા થાય છે.
એ સમયના પોલીસના દસ્તાવેજ પ્રમાણે એ સવારે લગભગ 10.20 કલાકે આઝાદ આલ્ફ્રેડ પાર્કમાં હાજર હતા.
પોલીસના જાસૂસોએ તેમના ત્યાં હોવાની જાણકારી આપી દીધી હતી. ભારતની સ્વતંત્રતા માટે લડાઈ લડનારા ચંદ્રશેખર બ્રિટિશ પોલીસના હિટલિસ્ટમાં હતા.
કાકોરીકાંડ અને 1929ના બૉમ્બકાંડ બાદ પોલીસ આઝાદને શોધી રહી હતી, એ સમયના વધારે દસ્તાવેજ ઉપલબ્ધ નથી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
સ્વતંત્રતાની લડાઈ પર લખતા ઇતિહાસકારોએ પણ એ વાત સ્પષ્ટ કરી નથી કે આખરે એ સવારે ઘટનાક્રમ ઝડપથી કઈ રીતે બદલાયો હતો.

રજિસ્ટરમાં અથડામણનો ઉલ્લેખ

ઇમેજ સ્રોત, SUNIL RAI/BBC
ભારતની કાયદાપ્રણાલિ હજુ પણ બ્રિટિશ પરંપરા પર જ આધારિત છે.
ખાસ કરીને જો કોઈ પોલીસ અથડામણમાં મૃત્યુ પામે તો પોલીસ અથડામણની એ જ રીતે નોંધ રાખે છે, જે રીતે પોલીસ એ જમાનામાં રાખતી હતી.
ગુના રજિસ્ટરમાં ગુનાઓની સંખ્યા, આરોપીનું નામ, ધારા 307 (જીવલેણ હુમલો) અને પરિણામમાં અંતિમ રિપોર્ટનું વિવરણ હોય છે.
તેનો મતલબ એ છે કે આરોપીએ પોલીસ પર જીવલેણ હુમલો કર્યો. તેના જવાબમાં પોલીસે ગોળી ચલાવી અને આત્મરક્ષાની કાર્યવાહીમાં આરોપીનું મૃત્યુ થયું.
માનવામા આવે છે કે આઝાદ પાસે એક ગોળી બચી તો તેમણે પોતાને ગોળી મારી દીધી હતી, પરંતુ સરકારી રિપોર્ટમાં તેની કોઈ નોંધ નથી.
અલાહાબાદના જિલ્લા અધિકારી પરિસરમાં 1970 પહેલાંના દસ્તાવેજ નથી.
અલાહાબાદના પૂર્વ આઈજી ઝોનના આર. કે. ચતુર્વેદી કહે છે કે કર્નલગંજ પોલીસસ્ટેશનનું આ ગ્રામ અપરાધ રજિસ્ટર છે, જેમાં ઍન્કાઉન્ટરનો ઉલ્લેખ છે.

અંગ્રેજોના હાથમાં નહીં આવવાની શપથ

ઇમેજ સ્રોત, SUNIL RAI/BBC
તેઓ કહે છે, "જો તેને પોલીસ રેકર્ડની દૃષ્ટિએથી જોઈએ તો પોલીસ તરફથી કેસ તો અથડામણનો જ નોંધવામાં આવશે."
"પ્રથમ દૃષ્ટિએ એવું લાગે છે કે તેમણે અંતિમ ગોળી પોતાને મારી લીધી હતી, કેમ કે તેઓ જીવિત પકડાવવા માગતા નહોતા."
અલાહાબાદ વિશ્વવિદ્યાલયના પ્રોફેસર યોગેશ્વર તિવારી માને છે કે બ્રિટિશ પોલીસે જે ગુનો રજિસ્ટરમાં નોંધ્યો હતો, તે વાહવાહી લૂંટવા માટે હતો.
આઝાદ વિરુદ્ધ કર્નલગંજ પોલીસસ્ટેશનમાં બ્રિટિશ પોલીસે કલમ 307 લગાવી અને પોલીસ પાર્ટી પર જીવલેણ હુમલો કરવાનો કેસ દાખલ કરવામાં આવ્યો હતો.
ઉર્દૂમાં લખાયેલું આ રજિસ્ટર એકમાત્ર દસ્તાવેજ છે કે જેની મદદથી કોઈ જાણકારી મળે છે. પ્રતિવાદી તરીકે ચંદ્રશેખર આઝાદ અને એક અજ્ઞાત વ્યક્તિનો ઉલ્લેખ છે.
અલાહાબાદ સંગ્રહાલયમાંથી મળતી જાણકારી આધારે 27 ફેબ્રુઆરી, 1931ના રોજ જ્યારે આલ્ફ્રેડ પાર્કમાં ચંદ્રશેખર આઝાદ જાંબુના ઝાડ નીચે એક સાથી સાથે કંઈક વાતચીત કરી રહ્યા હતા, ત્યારે જ એક જાસૂસે આપેલી માહિતી આધારે ડેપ્યુટી એસપી ઠાકુર વિશ્વેશ્વર સિંહ અને પોલીસ અધીક્ષક સર જૉન નૉટ બાવરે પાર્કની ઘેરાબંધી કરી લીધી હતી.

આઝાદનો પ્રતિકાર

ઇમેજ સ્રોત, TWITTER @PIB_INDIA
પોલીસ અધિકારી બાવરે ચંદ્રશેખર આઝાદ પર ગોળી ચલાવી, જે તેમની જાંઘને ચીરીને નીકળી ગઈ. બીજી ગોળી વિશ્વેશ્વર સિંહે ચલાવી, જે તેમના જમણા ખભામાં વાગી હતી.
ઘાયલ થયા બાદ આઝાદ સતત ડાબા હાથથી ગોળી ચલાવતા રહ્યા હતા. આઝાદે જવાબી હુમલામાં જે ગોળી ચલાવી તે વિશ્વેશ્વર સિંહના જડબામાં વાગી હતી.
આઝાદે કોઈ પોલીસકર્મી પર નિશાન સાધ્યું નહોતું.
અલાહાબાદ સંગ્રહાલયના નિદેશક રાજેશ પુરોહિત પણ માન્યતાને સાચી ગણાવે છે, પરંતુ તેઓ એ પણ માને છે કે આ મામલે તથ્યોનો અભાવ છે.
સંગ્રહાલયમાં રખાયેલા પુસ્તક 'અમર શહીદ ચંદ્રશેખર આઝાદ'ના લેખક વિશ્વનાથ વૈશમ્પાયન આઝાદના સાથી રહ્યા હતા.
તેઓ લખે છે, "મારી ધરપકડના 15 દિવસ બાદ આઝાદ આલ્ફ્રેડ પાર્કમાં શહીદ થયા હતા, એ સમયે હું બહાર નહોતો. આથી જે સમાચારોમાં પ્રકાશિત થયું, તેના જ આધારે લખી રહ્યો છું."

ઘાયલ આઝાદ...

ઇમેજ સ્રોત, SUNIL RAI/BBC
સુખદેવ રાજના હવાલાથી વૈશમ્પાયન લખે છે, "જે દિવસે આ ઘટના ઘટી ત્યારે આઝાદ ભારતથી બર્મા જવા અંગે ચર્ચા કરી રહ્યા હતા, ત્યારે જ વીરભદ્ર જતા દેખાયા હતા."
"બન્ને લોકો (સુખદેવ અને આઝાદ) વીરભદ્ર વિશે ચર્ચા જ કરી રહ્યા હતા કે એક મોટર આવીને રોકાઈ અને તેમાંથી એક અંગ્રેજ ઑફિસરે ઊતરીને નામ પૂછ્યું."
"તેમણે નામ પૂછ્યું, ત્યાં જ બન્ને લોકોએ ગોળી ચલાવી. અંગ્રેજ ઑફિસરે પણ ગોળી ચલાવી. આ દરમિયાન ઘાયલ થયા બાદ આઝાદે સુખદેવને ત્યાંથી નીકળી જવા કહ્યું અને સુખદેવ ત્યાંથી ગમે તે રીતે નીકળી જવામાં સફળ રહ્યા."
આ પુસ્તકમાં વૈશમ્પાયને પોલીસ અધિકારીએ પ્રેસને આપેલું નિવેદનને નોંધ્યું છે.
"નૉટ બાવરે પોતાના નિવેદનમાં કહ્યું છે કે ઠાકુર વિશ્વેશ્વર સિંહ (ડેપ્યુટી એસપી) પાસેથી મને સંદેશ મળ્યો હતો કે તેમણે એક વ્યક્તિને આલ્ફ્રેડ પાર્કમાં જોઈ છે, જેમનો ચહેરો આઝાદ સાથે મળે છે, જે ભાગી ગયેલા ક્રાંતિકારી છે."
"હું મારી સાથે જમાન અને ગોવિંદ કૉન્સ્ટેબલને લઈ ગયો. થોડે દૂર ઊભા રહીને મેં પૂછ્યું કોણ છે? જવાબમાં તેમણે પિસ્તોલ કાઢીને ગોળીઓ ચલાવી દીધી."
નૉટ બાવરે કહ્યું હતું, "મારી પિસ્તોલ તૈયાર જ હતી. જ્યારે મેં જોયું કે એક જાડી વ્યક્તિ પિસ્તોલ કાઢી રહી છે. તે ગોળી ચલાવે તે પહેલાં મેં ગોળી ચલાવી દીધી."
"મારી સાથે જે ત્રણ વ્યક્તિ હતી તેમણે પણ એ જાડી વ્યક્તિ તેમજ બીજા લોકો પર ગોળીઓ ચલાવી હતી."
"જ્યારે હું બીજી ગોળીઓ ભરી રહ્યો હતો, ત્યારે મને એક જાડી વ્યક્તિએ ગોળી મારી અને મારા હાથમાંથી પિસ્તોલ પડી ગઈ. જાડી વ્યક્તિએ જે ગોળી ચલાવી તે વિશ્વેશ્વર સિંહના મોઢા પર લાગી હતી."
તેઓ આગળ લખે છે, "હું પિસ્તોલ ભરી ન શક્યો. જ્યારે-જ્યારે હું દેખાતો એ જાડી વ્યક્તિ મારા પર ગોળી ચલાવતી."
"હું કહી શકતો નથી કે તેમના પર કોઈએ ગોળી ચલાવી હતી કે તેઓ જૂના ઘાના કારણે મૃત્યુ પામ્યા હતા. એટલામાં લોકો એકત્ર થઈ ગયા અને એક વ્યક્તિ ભરેલી બંદૂક લઈને આવી."
"હું એ જાણતો નથી કે જાડી વ્યક્તિ ખરેખર મૃત્યુ પામી હતી કે નાટક કરી રહી હતી. એ માટે મેં એ વ્યક્તિના પગનું નિશાન લઈ ગોળી મારવા કહ્યું."
"ત્યારબાદ હું એ જાડી વ્યક્તિ પાસે ગયો તો તે મૃત્યુ પામી હતી અને તેમના સાથી ભાગી ગયા હતા."

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો













