સુરતમાં ગણેશ પંડાલ પર પથ્થરમારા બાદ મહાનગરપાલિકાએ શરૂ કર્યું ડિમૉલિશન

સુરતમાં ગણેશ પંડાલ પર પથ્થરમારા મામલે છ બાળકો અને 28 પુખ્ત લોકોની અટકાયત કરવામાં આવી છે

ઇમેજ સ્રોત, RUPESH SONAVANE

ઇમેજ કૅપ્શન, સુરતમાં ગણેશ પંડાલ પર પથ્થરમારા મામલે છ બાળકો અને અન્ય 28 પુખ્ત લોકોની અટકાયત કરવામાં આવી છે

ગુજરાતના ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ ટ્વીટ કરીને જણાવ્યું છે કે સુરતમાં ગણેશ પંડાલ પર પથ્થરમારાના મામલામાં છ બાળકો અને 28 પુખ્ત લોકોની અટકાયત કરવામાં આવી છે.

સમાચાર સંસ્થા પીટીઆઈએ સુરતમાં ગણેશ પંડાલ પર પથ્થરમારા બાદ ભેગી થયેલી ભીડનો એક વીડિયો સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ એક્સ પર પોસ્ટ કર્યો છે. પીટીઆઈએ લખ્યું છે કે પથ્થરમારાના અહેવાલો બાદ પ્રદર્શનો થયાં હતાં.

સમાચાર એજન્સી એએનઆઈને સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે આપેલી જાણકારી પ્રમાણે, રવિવારે રાત્રે સૈયદપુરા વિસ્તારમાં આવેલા ગણેશ પંડાલમાં પથ્થરામારાની ઘટના ઘટી હતી.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે ગણેશ પંડાલ પર રવિવારે રાતે લગભગ 9 વાગ્યા આસપાસ કેટલાંક બાળકોએ પથ્થરમારો કર્યો હતો. જોકે, સ્થળ પર તહેનાત પોલીસે બાળકોને તરત જ ત્યાંથી હટાવી લીધાં. ત્યાર બાદ લોકોનું ટોળું ભેગું થઈ ગયું હતું જેમની સાથે પોલીસની વાતચીત થઈ હતી.

તેમણે કહ્યું કે બંને તરફથી પથ્થરમારો થયો એ દરમિયાન પોલીસકર્મીઓને પણ ઈજા થઈ છે. ત્યાર બાદ તાત્કાલિક પોલીસની ટીમ ઘટનાસ્થળ પર પહોંચી હતી. આ વિસ્તારમાં જરૂર પડી ત્યાં લાઠીચાર્જ અને ટિયરગૅસના શેલ છોડવામાં આવ્યાં હતાં.

ગેહલોતે ઉમેર્યું હતું, "કૉમ્બિંગ ઑપરેશન ચાલુ છે. અમારા સૅન્ટ્રલ રૂમ અને વિસ્તારના સીસીટીવી કૅમેરામાંથી ફૂટેજની તપાસ ચાલી રહી છે. આ ઉપરાંત જેટલા પણ આરોપી છે જેને શાંતિનો ભંગ કરવાનો પ્રયત્ન કર્યો તેમને પકડવાની કામગીરી ચાલુ છે."

તેમણે કહ્યું કે આ બનાવ રાતના આઠ-સાડા આઠ વાગ્યાનો છે.

વીડિયો કૅપ્શન, Surat માં ગણેશ પંડાલ પર પથ્થરમારાનો સમગ્ર મામલો શું છે, અત્યાર સુધીમાં શું-શું થયું?

ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ શું કહ્યું?

આ ઘટના અંગે ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ પણ સમાચાર એજન્સી એએનઆઈને નિવેદન આપ્યું હતું.

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

તેમણે આ મામલે ત્રણ ટ્વીટ કર્યાં હતાં. સવારે 4.20 વાગ્યે ટ્વીટ કરીને કહ્યું હતું કે, "શહેરમાં સૂર્યોદય પહેલાં બધા આરોપીને પકડી લેવામાં આવશે. વીડિયો ડ્રોન દૃશ્યોની મદદથી મોટા પાયે કૉમ્બિંગ ઑપરેશન ચલાવવામાં આવ્યું છે. કૉમ્બિંગ ચાલુ રહૈશે."

પછી તેમણે એક વીડિયો ઍક્સ પર પોસ્ટ કર્યો હતો જેમાં તેઓ સવારે ગણેશ પંડાલમાં જઈને પૂજા કરતા જોઈ શકાય છે. તેમણે લખ્યું કે, "સુરત પોલીસ ટીમ અને ગણેશ પંડાલના આયોજકો સાથે મેં ગણેશ પંડાલમાં જ્યાં પથ્થરમારો થયો હતો ત્યાં ગણેશજીની આરતી અને પૂજા કરી."

ત્યાર બાદ તેમણે એક ટ્વીટ કરીને કહ્યું હતું, "સૈયદપુરા વિસ્તારમાં આવેલા ગણેશ પંડાલ પર થયેલા પથ્થરમારાની ઘટનામાં છ લોકોને પકડી લેવામાં આવ્યા છે. આ ઉપરાંત આ છ લોકોને ભડકાવનાર 28 લોકોની પણ અટકાયત કરવામાં આવી છે. વીડિયો અને ડ્રૉન ફૂટેજની મદદથી કૉમ્બિંગ ઑપરેશન ચાલી રહ્યું છે. કાયદો અને વ્યવસ્થાને ભંગ કરનાર એક પણ વ્યક્તિને છોડવામાં આવશે નહીં. કોઈપણ પ્રકારના ખોટા મૅસેજથી સાવચેત રહેવું. હું અને મારી સુરત પોલીસની ટીમ ઘટનાસ્થળ પર છીએ."

બપોરે એક પ્રેસ કૉન્ફરન્સમાં હર્ષ સંઘવીએ જણાવ્યું સુરતના સૈયદપુરા વિસ્તારમાં અસામાજિક તત્ત્વો દ્વારા જે પથ્થરમારો કરવામાં આવ્યો તેમાં તાત્કાલિક આરોપીઓની અટકાયત કરવામાં આવી છે.

''પોલીસની ટીમોએ આખી રાત કૉમ્બિંગ કરી છે અને જેમને બાલ્કની અને ટૅરેસ પરથી પથ્થરમારો કર્યો તેમને ડ્રૉન અને સીસીટીવીની મદદથી અટકાયત કરવામાં આવી છે. સુરત પોલીસની બધીજ ટીમો દ્વારા ખૂબ મહેનત કરવામાં આવી છે.''

તેમણે વધુમાં જણાવ્યું કે અનેક લોકો પોતાના ઘરના દરવાજામાં લૉક મારી અંદર છુપાયેલા હતા પરંતુ પોલીસની ટીમોએ તેમની અટકાયત કરી છે. પથ્થર મારનારને કોઈ પણ વ્યક્તિ હોય તે કાયદાનો જ નહીં પણ સમાજનો પણ ગુનેગાર છે.

લારી-ગલ્લા અને ફુડ સ્ટોલને ગેરકાયદેસર ગણાવીને તોડી પડવામાં આવી હતી.

ઇમેજ સ્રોત, RUPESH SONAVANE

ઇમેજ કૅપ્શન, સુરત મહાનગરપાલિકા દ્વારા બુલડોઝર ઍક્શન

સુરતના સૈયદપુરા ખાતે જ્યાં ગત રાત્રે પથ્થરમારા બાદ તંગદિલી ફેલાઈ હતી એ વિસ્તારમાં સોમવારે બુલડોઝર ચલાવામાં આવ્યું હતું. લારી,ગલ્લા અને ફૂડ-સ્ટૉલને ગેરકાયદેસર ગણાવીને તોડી પાડવામાં આવ્યાં હતાં.

સુરત મહાનગરપાલિકા દ્વારા સૈયદપુરા પોલીસ ચોકી નજીક આવેલાં કથિત ગેરકાયદેસર દબાણો દૂર કરવામાં આવ્યાં હતાં. કોઈપણ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસ ટીમને સાથે રાખીને દબાણો દૂર કરવામાં આવ્યાં હતાં.

સુરત મહાનગરપાલિકાએ જણાવ્યું કે, 'સૈયદપુરા વિસ્તારમાં ગેરકાયદેસર રીતે જે બાંધકામ થયું હતું તેના પર બુલડોઝર ચલાવીને જમીન ખુલ્લી કરવામાં આવી છે.'

27 આરોપીઓ ઉપરાંત 6 બાળકો સામે તપાસ

સુરતમાં પોલીસ ઍલર્ટ પર

ઇમેજ સ્રોત, RUPESH SONAVANE

ઇમેજ કૅપ્શન, સુરતમાં પોલીસ ઍલર્ટ પર

સોમવારે સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતએ પ્રેસ કૉન્ફરન્સમાં જણાવ્યું કે આ સમગ્ર પ્રકરણમાં ત્રણ કેસ નોંધવામાં આવ્યા છે જેમાં રાયોટીંગ અને ધાર્મિક લાગણી દુભાવવાનો ગુનો પણ છે.

''ગણેશજીની પ્રતિમા પર પથ્થરમારો કરનારાં બાળકો જે રિક્ષામાં આવ્યાં હતાં એ રિક્ષા ડ્રાઇવર અને છ બાળકો સહિત 27 લોકો સામે કાયદાકીય કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. છ બાળકો 12થી 13 વર્ષનાં છે અને તેઓ એક કિલોમીટર દૂરથી આવ્યાં હતાં.''

તેમણે વધુમાં જણાવ્યું કે આ ઘટનામાં કાયદાના સંઘર્ષમાં આવેલાં બાળકોનાં માતાપિતાની પણ પૂછપરછ કરવામાં આવી રહી છે, આ બાળકોએ કોના ઇશારે પથ્થરમારો કર્યો તે વિશે હજી તપાસ ચાલી રહી છે. સીસીટીવી અને લોકોના મોબાઇલમાં થયેલ વીડિયો રેકૉર્ડીંગના આધારે પણ તપાસ કરવામાં આવી છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.