મધ્ય પ્રદેશમાં 11 મુસ્લિમોનાં ઘર પર ‘બુલડોઝર ઍક્શન’નું સત્ય શું છે? – ગ્રાઉન્ડ રિપોર્ટ

ઇમેજ સ્રોત, SALMAN RAVI/BBC
- લેેખક, સલમાન રાવી
- પદ, બીબીસી સંવાદદાતા, મંડલા, મધ્ય પ્રદેશથી
મધ્ય પ્રદેશના મંડલા જિલ્લા મુખ્યાલયથી ભૈંસવાહી લગભગ 45 કિલોમીટર દૂર છે.
આ જગ્યા પર ઈદગાહ ટોલા પણ છે, જ્યાં 30 મકાનો હતાં. આ જગ્યા હવે એક ખંડેરમાં ફેરવાઈ ગઈ છે.
દરેક જગ્યાએ કાટમાળના ઢગલા, તૂટેલી દીવાલો અને આ કાટમાળમાં પોતાનો સામાન શોધતાં બાળકો અને મહિલાઓ. બાળકો પોતાનાં રમકડાં શોધી રહ્યાં છે અને મહિલાઓ કિંમતી સામાન, જે કાટમાળ હેઠળ દબાઈ ગયો છે.
રોશની બીની આંખોમાં આસું છે. તેઓ બોલ્યાં, "કોઈ વ્યક્તિએ કરેલા ગુનાની સજા બીજા લોકોને આપવામાં આવી રહી છે. અમારા ઘરમાંથી કાંઈ જ નથી મળ્યું. અમારું ઘર અચાનક જ તોડી નાખ્યું."
તેમણે કહ્યું, "અમને જાણકારી આપી હોત તો અમે ખાવા-પીવાનો સામાન તો કાઢી શક્યાં હોત. ચાર દિવસ થઈ ગયા છે અને ખાવાનો એક દાણો નથી મળ્યો."
"અમારાં બાળકો ભૂખ્યાં છે. પતિ ક્યાં ગયા તેની ખબર નથી. હવે અમે શું કરીએ? ક્યાં જઈએ?"
રોશની બીના પતિ પણ એ દસ લોકોમાં સામેલ છે જેને પોલીસે ‘ભાગેડુ’ જાહેર કર્યા છે. તેમના પર પાંચ હજારના ઇનામની જાહેરાત પણ કરવામાં આવી છે.
70 વર્ષના અબ્દુલ રફીક કસબાના પ્રવેશદ્વાર પર તેમની ઝૂપડીમાં બેઠા છે. તેઓ બીમાર છે અને તેમને પેશાબની કોથળી લગાવેલી છે. આ વસ્તીમાં તેઓ એકમાત્ર પુરુષ હાજર છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આ વસ્તીમાં 15 અને 16 જૂને શું થયું હતું? આ સવાલ પર તેઓ કોઈ જાણકારી ન હોવાની વાત કરતા કહે છે, "હું મારી ઝૂપડીમાં હતો. શું થયું તેની મને જાણકારી નથી. અહીં કોણ શું કરે છે તેના વિશે મારા જેવા બીમાર માણસને અંદાજો નથી."
આ મહિનાની 16 તારીખે અતિક્રમણ વિરુદ્ધ ચલાવેલા અભિયાનમાં કસબાના મુસ્લિમ પરિવારોના મકાન પર બુલડોઝર ચલાવવામાં આવ્યાં હતાં.
મંડલાના વહીવટીતંત્રનું કહેવું છે કે જે 11 લોકોને ગાયની હત્યા અને ગાયની તસ્કરીના મામલામાં આરોપી બનાવવામાં આવ્યા છે તે 11 લોકોનાં મકાન તોડવામાં આવ્યાં હતાં.

પોલીસે શું દાવો કર્યો?

ઇમેજ સ્રોત, SALMAN RAVI/BBC
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
મંડલાના અધિક જિલ્લા અધિકારી રાજેન્દ્રકુમાર સિંહે કહ્યું કે આ આખો કસબો સરકારી જમીન પર ગેરકાયદેસર રીતે વસેલો છે.
તેમણે કહ્યું, "અતિક્રમણ હટાવવાની પ્રક્રિયા ચાલી રહી છે. ત્યાંના લોકો ઘણા સમય પહેલાં જ ત્યાંથી હટવા માટે કહેવામાં આવ્યું હતું. અત્યારે માત્ર 11 લોકોનાં જ મકાનો તોડ્યાં છે કે અતિક્રમણને હટાવવામાં આવ્યું છે."
જિલ્લા અધિકારી સલોની સિડાનાએ બીબીસી સાથે વાત કરતાં સ્પષ્ટ કર્યું કે અતિક્રમણની વિરુદ્ધ કાર્યવાહી વર્ષ 2022થી ચાલી રહી છે.
તેમણે કહ્યું, "ભૈંસવાહીમાં મુસ્લિમોની વસ્તી રહે છે અને ઈદ-ઉલ-અઝ્હાને કારણે માત્ર એ 11 લોકોએ અતિક્રમણ કરેલાં મકાનો હટાવવામાં આવ્યાં છે જેમનાં ઘરો પર પોલીસે દરોડા પાડ્યા હતા."
તેમણે કહ્યું કે, "પોલીસ અને વહીવટીતંત્રના લોકો માટે ભૈંસવાહીમાં પ્રવેશ કરવો ખૂબ જ જોખમી છે. કારણ કે તેમના પર ઘણી વખત હુમલાઓ કરવામાં આવ્યા હતા." તેમણે બધી જ કાયદાકીય પ્રક્રિયાઓનું પાલન કરવાનો દાવો કર્યો હતો.
પોલીસનો દાવો છે કે જૂનની 15 તારીખે સ્થાનિક પોલીસ સ્ટેશનને ભૈંસવાહીમાં ગાયનું માંસ હોવાની જાણકારી મળી હતી. ત્યારબાદ વધારાનાં દળોને બોલાવીને નૈનપુર પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ અને સબ ડિવિઝનલ પોલીસ અધિકારી નેહા પચ્ચીસિયાના નેતૃત્વમાં દરોડો પાડવામાં આવ્યો હતો.
પોલીસનો દાવો છે કે બધા જ 11 આરોપીનાં ઘરેથી ગાયની હત્યાના પુરાવા મળ્યા છે.
મંડલાના પોલીસ અધિકારીએ શું કહ્યું?

ઇમેજ સ્રોત, SALMAN RAVI/BBC
રજત સકલેચા મંડલાના પોલીસ અધીક્ષક છે. તેમણે કહ્યું કે ગાય હત્યા અને ગાયની તસ્કરીની વિરુદ્ધ કરવામાં આવેલી કાર્યવાહી અને અતિક્રમણ હટાવવાની કાર્યવાહી અલગ-અલગ વાત છે.
સકલેચાએ કહ્યું, "આરોપીઓનાં ઘર પર દરોડા દરમિયાન અલગ-અલગ રૂમમાં ફ્રિઝમાં ગાયનું માંસ મળ્યું હતું. આ ઉપરાંત કાપવા માટે ઉપયોગ કરવામાં આવેલાં હથિયાર પણ મળી આવ્યાં હતાં. રૂમની અંદર ગાયો પણ બાંધેલી હતી."
સકલેચાએ જણાવ્યું કે ઘરની પાછળ લગભગ 150 ગાયો હાજર હતી. પોલીસે આ ગાયોને પોતાની સુરક્ષામાં લઈ લીધી.
પોતાના કાર્યાલયમાં બીબીસી સાથે વાત કરતાં સકલેચાએ જણાવ્યું, "અમને ત્યાં અલગ-અલગ ઘરમાંથી અને ઘરની બહારથી હાડકાંના ઢગલા મળ્યા હતા. કેટલાંક એવાં ઘરો છે જેમાંથી ગાયના માંસ ઉપરાંત ચરબી અને ખાલો પણ મળી હતી. જે પ્રથમદર્શી પુરાવા સામે આવ્યા છે તેના આધારે 11 એફઆઈઆર નોંધવામાં આવી છે. માંસના નમૂના પણ ટેસ્ટિંગ માટે હૈદરાબાદ મોકલવામાં આવ્યા છે."
ભૈંસવાહી મંડલાથી પિંડરાઈના રસ્તે જતા આઠ કિલોમીટર જમણી તરફ આવેલું છે. ભૈંસવાહીમાં ત્રણ કસબા છે – મસ્જિદ કસબો, કિસાની કસબો અને ઈદગાહ કસબો.ઈદગાહ કસબામાં મોટેભાગે કુરૈશી સમાજના લોકો રહે છે. જ્યારે કિસાની કસબામાં આદિવાસી લોકોની વસ્તી વધારે છે.
સરપંચના પતિ રમેશ મરાવી સાથે અમારી મુલાકાત પંચાયત કાર્યાલયની બહાર થઈ હતી. તેમનું કહેવું છે કે પંચાયતવાળા ગાયની તસ્કરીની જાણકારી પોલીસને આપે છે. જોકે તેમણે કહ્યું, "જે કાર્યવાહી કરવામાં આવી છે તે ખૂબ જ મોડી કરવામાં આવી છે અને હું પણ મકાન તોડવાના પક્ષમાં નથી."
સમીના બાનો ત્યાં જ રહે છે. તેમનો આરોપ છે કે પોલીસને જે કોઈ વસ્તુ મળી તે વાહિદ કુરૈશીના ઘરેથી મળી હતી, પરંતુ પોલીસે બીજા લોકોને પણ આ મામલે ફસાવ્યા હતા.
તેમનાં પાડોશી રઝિયા કહે છે કે તેઓ પોતાની દીકરીનાં લગ્નની તૈયારીઓમાં લાગેલાં હતાં અને લગ્ન માટે જે પણ સામાન ખરીદ્યો હતો તે મકાન તોડવાને કારણે બરબાદ થઈ ગયો.
કસબાની કેટલીક મહિલાઓએ પોલીસ પર તેમની મરઘીઓ અને પૈસા લઈ જવાનો આરોપ લગાડ્યો હતો. જોકે, પોલીસ અધિકારીએ આ વાતનું ખંડન કર્યું હતું.
કાયદાના જાણકારો અતિક્રમણને હટાવવા વિશે શું કહે છે?

ઇમેજ સ્રોત, SALMAN RAVI/BBC
ડૉક્ટર અશોક મર્સકોલે મંડલાથી કૉંગ્રેસના ધારાસભ્ય હતા. તેમણે કહ્યું કે ગાયની તસ્કરી કરનાર લોકો સામે કાર્યવાહી જરૂરી છે. કારણ કે તેની સાથે બધાની આસ્થા જોડાયેલી છે.
તેમણે કહ્યું કે પોલીસે આમાં સંડોવાયેલા લોકોને કડકમાં કડક સજા મળે તે માટે કોર્ટમાં પ્રયત્નો કરવા જોઈએ. જોકે, મર્સકોલે મકાન પર બુલડોઝર ચલાવવાનો વિરોધ કર્યો હતો.
મર્સકોલે કહ્યું, "તમારે જો બુલડોઝર જ રાખવાં હોય તો ન્યાયાલયમાં મામલા જવા જ ન જોઈએ. ન્યાયાલયોની બંધ કરી દેવા જોઈએ. સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસે આદેશ આપવો જોઈએ કે જો વહીવટીતંત્ર જ બધા નિર્ણય લેશે અને સત્તા પાસે જ બધા નિર્ણય છે તો પછી કોર્ટ બંધ કરી દેવી જોઈએ."
કાયદાના જાણકારો પણ કહે છે કે વહીવટીતંત્રની કાર્યવાહી આરોપીઓને પકડીને તેમને સજા અપાવવાની છે. જોકે, વહીવટીતંત્રને પણ કાયદો હાથમાં લેવાનો અધિકાર નથી.
મંડલાના જાણીતા વકીલ મનોજકુમાર સાગ્વાની કાયદા વિશે ચર્ચા કરતા કહે છે, "જો કોઈનું મકાન સરકારી જમીન પર છે તો મધ્ય પ્રદેશ ભૂ-રાજસ્વ સંહિતા 248 હેઠળ તહસીલદારના સ્તરના અધિકારી તેમને નોટીસ આપે છે અને સુનવણીનો મોકો પણ આપે છે. આ બધી પ્રક્રિયાઓ થાય પછી જ અતિક્રમણને હટાવવાની કાર્યવાહી કરવામાં આવે છે."
તેમણે કહ્યું કે કોઈને જાણકારી આપ્યા વગર અચાનક તેમનું ઘર કે સંપત્તિને તોડવામાં આવે તો તે કાયદા પ્રમાણેની કાર્યવાહી નથી.
ભૈંસવાહીમાં વહીવટીતંત્રની કાર્યવાહીને આ લોકો સાચી કેમ ઠેરવે છે?

ઇમેજ સ્રોત, SALMAN RAVI/BBC
નૈનપુર એક નાનકડો કસબો છે, જ્યાં મુસ્લિમોની પણ વસ્તી છે. શેખ ઝફર મંસૂરી ત્યાંની એક મોટી મસ્જીદના સદર છે.
બપોરની નમાજ પછી નમાજી એક-એક કરીને બહાર આવી રહ્યા છે, જેમાંથી થોડાક લોકો સાથે વાતચીત પણ થઈ હતી. મંસૂરીએ વાતચીત દરમિયાન કહ્યું કે ભૈંસવાહીમાં જે પ્રકારનાં કામો થઈ રહ્યાં હતાં તેને કારણે મુસ્લિમો પણ શરમાય છે.
અબ્દુલ વહાબ અલીના મત પ્રમાણે, વહીવટીતંત્રએ ભૈંસવાહીમાં જે કાર્યવાહી કરી તે સાચી છે.
તેમણે કહ્યું, "આ કેટલાક લોકોએ સમાજનું નામ બદનામ કર્યું છે. હિંદુઓની આસ્થાને ઠેસ પહોંચી રહી છે. અમે હિંદુ ભાઈઓ સાથે છીએ. વહીવટીતંત્રએ જે કર્યું તે યોગ્ય કર્યું અને તેની જરૂર કેટલાંક વર્ષોથી હતી."
જોકે, વહીવટી અધિકારીઓ પાસે એ વાતનો જવાબ નથી કે આ 11 મકાનોમાંથી ત્રણ મકાનો કેન્દ્ર સરકારની રહેણાંક યોજનાઓ હેઠળ બનાવવામાં આવ્યાં હતાં.
આસિયાનું મકાન પણ તે પૈકી એક છે. તેમણે કહ્યું, "‘ઇન્દિરા આવાસ યોજના’ વાળા અમારી પાસે બે મકાન હતાં અને જે સરકાર રાજ્યમાં છે તે સરકારે જ અમને આ મકાન ફાળવ્યાં હતાં."
સરકાર પોતાની આ કાર્યવાહીને યોગ્ય ગણાવે છે. વહીવટી અધિકારી કહે છે કે માત્ર એ જ આરોપીઓનાં મકાન તોડવામાં આવ્યાં છે જે ગેરકાયદેસર રીતે બનાવેલાં હતાં અને જેમના પર એફઆઈઆર દાખલ કરવામાં આવી છે.
અધિક જિલ્લા અધિકારી રાજેન્દ્રકુમાર સિંહે બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું કે જે લોકોનાં મકાનો તોડવામાં આવ્યાં છે તે પ્રક્રિયાનું પાલન કરીને જ તોડવામાં આવ્યાં છે.
તેમણે કહ્યું, "જે આરોપીઓ છે તેમની વિરુદ્ધ એફઆઈઆર દાખલ કરવામાં આવી છે. આ કારણે તેમના પર અતિક્રમણ હટાવવાની કાર્યવાહી કરવામાં આવી હતી. ત્યાં રહેણાંક યોજનાનાં મકાન પણ હતાં એવું કોઈ તથ્ય અમારા ધ્યાનમાં આવ્યું નથી. ચાલો માની લઈ કે કોઈ સરકારી યોજનાનું મકાન છે તો પણ ત્યાં કોઈ ગુનાહિત પ્રવૃત્તિઓનું સંચાલન થોડું કરી શકાય."
પોલીસના દસ્તાવેજો અને સ્થાનિક લોકો દાવા કરે છે કે ભૈંસવાહીમાં છેલ્લા કેટલાક દાયકાઓથી ગાયોની તસ્કરીના મામલાઓ સામે આવતા રહ્યા છે.
આ જગ્યા પર વર્ષ 2016માં દરોડા પાડવા ગયેલા પોલીસના એક જવાનની હત્યા કરવામાં આવી હતી. આ સ્થિતિમાં સવાલ પોલીસ પર પણ છે કે જો કોઈ ગેરકાયદેસર ધંધો ચાલી રહ્યો હતો તો તેને કોનું સંરક્ષણ હતું.
મંડલાના પોલીસ અધિકારીની કહેવું છે કે આ વિષયની પણ તપાસ થઈ રહી છે. આ સાથે જ સતત સવાલ ઊઠી રહ્યા છે કે ન્યાયાલયના આદેશ વગર પણ બુલડોઝરનો ઉપયોગ કરીને ઘરને તોડી નાખવાનો વહીવટીતંત્રનો નિર્ણય સાચો છે?












