આસામની 1,281 સરકારી મદરેસાઓ હવે બની ગઈ ‘મિડલ ઇંગ્લિશ સ્કૂલ’, શું છે વિવાદ?

ઇમેજ સ્રોત, DILIP SHARMA/BBC
- લેેખક, દિલીપકુમાર શર્મા
- પદ, ગૌહાટીથી બીબીસી માટે
આસામ સરકારે રાજ્યમાંની 1,281 મદરેસાઓનું નામ બદલીને ‘મિડલ ઇંગ્લિશ’ અર્થાત એમઈ સ્કૂલ કરી નાખ્યું છે.
આસામના પ્રાથમિક શિક્ષણ નિયામકની ઓફિસે બુધવારે એક આદેશ બહાર પાડીને સરકાર સંચાલિત અને સરકારી સહાયતાપ્રાપ્ત આ તમામ એમએ મદરેસાઓ (મિડલ સ્કૂલ મદરેસા)ને તાત્કાલિક અસરથી સામાન્ય સ્કૂલોમાં પરિવર્તિત કરવાનો આદેશ આપ્યો હતો.
આસામના શિક્ષણ પ્રધાન રનોજ પેગુએ પણ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પરની એક પોસ્ટમાં જણાવ્યું હતું કે “આસામ માધ્યમિક શિક્ષણ બોર્ડ હેઠળ તમામ સરકારી અને પ્રાંતીય મદરેસાઓને સામાન્ય સ્કૂલોમાં પરિવર્તિત કરવાના પરિણામ સ્વરૂપે આજે એક નોટિફિકેશન મારફત 1,281 એમઈ મદરેસાઓનું નામ બદલીને એમઈ સ્કૂલ કરવામાં આવ્યું છે.”
વાસ્તવમાં આસામમાં અનેક દાયકાઓથી ચાલતી મદરેસાઓને બંધ કરવા બાબતે મોટો વિવાદ સર્જાયો છે એટલું જ નહીં, પરંતુ એક મોટો વર્ગ ભારતીય જનતા પાર્ટીના વડપણ હેઠળની સરકાર પર ધ્રુવીભવનનો આક્ષેપ કરી રહ્યો છે.
ઓલ આસામ મદરેસા સ્ટુડન્ટ ઍસોસિયેશનના ભૂતપૂર્વ અધ્યક્ષ વહિદુઝમાનના જણાવ્યા અનુસાર, આ મદરેસાઓ બંધ કરવાનો અર્થ અહીં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને અન્યાય કરવાનો છે.
વિવાદ અને રાજકારણ

ઇમેજ સ્રોત, DILIP SHARMA/BBC
વહિદુઝમાન કહે છે, “મદરેસાઓ બાબતે ખોટી માહિતી ફેલાવવામાં આવી છે. સરકારે જે મદરેસાઓને શાળાઓમાં પરિવર્તિત કરી છે તેમાં ધાર્મિક શિક્ષણની સાથે-સાથે વિજ્ઞાન, ગણિત, અંગ્રેજી અને સામાજિક વિજ્ઞાન જેવા સામાન્ય વિષયોનું શિક્ષણ પણ આપવામાં આવતું હતું.”
તેમના જણાવ્યા મુજબ, આ મદરેસાઓમાં અભ્યાસ કરીને ઘણા વિદ્યાર્થી ડૉક્ટર તથા વકીલથી માંડીને મોટા વ્યવસાયમાં આગળ વધ્યા છે.
તેઓ કહે છે, “આ નિર્ણય એક પ્રકારના રાજકારણ સંબંધે લેવામાં આવ્યો છે, કારણ કે હેમંત બિસ્વા સરમા અગાઉની કૉંગ્રેસ સરકારમાં શિક્ષણ પ્રધાન હતા ત્યારે તેમણે મદરેસાઓના વિકાસ માટે કરોડો રૂપિયા ખર્ચ્યા હતા, પરંતુ બીજેપીમાં જોડાયા પછી તેઓ તદ્દન બદલાઈ ગયા છે.”
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
હકીકતમાં આસામમાં બીજેપીના નેતૃત્વ હેઠળની સરકારે સરકાર સંચાલિત તમામ મદરેસા બંધ કરવાનો નિર્ણય 2020માં જ કરી લીધો હતો.
‘પ્રાંતીય’ મદરેસાઓને હાઈસ્કૂલમાં પરિવર્તિત કરવાનો અને તેમાંથી ધાર્મિક વિષયોનું શિક્ષણ પાછું ખેંચી લેવાનો નિર્ણય આસામના પ્રધાનમંડળે 2020ની 13 નવેમ્બરે કર્યો હતો.
વર્તમાન મુખ્યપ્રધાન હેમંત બિસ્વા સરમા કૅબિનેટના એ નિર્ણય વખતે રાજ્યના શિક્ષણ પ્રધાન હતા.
એ પછી 2021માં મદરેસા શિક્ષણ સંબંધી અધિનિયમો પર પૂર્ણવિરામ મૂકવા માટે એક કાયદો બનાવીને તમામ સરકારી તથા પ્રાંતીય મદરેસાઓને બંધ કરવાના પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી.
આ રીતે 2021ની 27 જાન્યુઆરીએ આસામના રાજ્યપાલની સહમતિ બાદ આસામ મદરેસા શિક્ષણ (પ્રાંતીયકરણ) અધિનિયમ – 1995 અને આસામ મદરેસા શિક્ષણ (શિક્ષકોની સેવાનું પ્રાંતીયકરણ તથા શૈક્ષણિક સંસ્થાઓની પુનર્રચના) અધિનિયમ – 2018ને રદ્દ કરવામાં આવ્યા હતા.
મદરેસાઓની કાયદાકીય યોગ્યતા
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
આસામમાં સરકારી મદરેસાઓને બંધ કરવા સંબંધી રાજ્યના કાયદાકીય અને કૅબિનેટના નિર્ણયને પડકારતી અરજી ગૌહાટી હાઈકોર્ટમાં દાખલ કરવામાં આવી હતી.
તેની સુનાવણી પછી 2022ની ચોથી ફેબ્રુઆરીએ આ અરજીને ફગાવી દેતાં હાઈકોર્ટે જણાવ્યું હતું કે આસામ સરકારે બનાવેલો આસામ રિપીલ એક્ટ – 2020 માન્ય છે.
હાલ આ મામલો સુપ્રીમ કોર્ટમાં છે.
ગૌહાટી હાઈકોર્ટમાં અરજદારો તરફથી રજૂઆત કરી ચૂકેલા વકીલ એ આર ભુઈયાં કહે છે, “જે મદરેસાઓને સ્કૂલમાં પરિવર્તિત કરવામાં આવી છે તે સંપૂર્ણપણે મદરેસા ન હતી. આ મદરેસાઓમાં અરબી અભ્યાસક્રમની સાથે હાઈસ્કૂલના તમામ વિષયોનો અભ્યાસ કરાવવામાં આવતો હતો, પરંતુ સરકારનું કહેવું એમ છે કે સરકારી પૈસાથી ધાર્મિક શિક્ષણ આપી શકાય નહીં. એ કારણસર મદરેસાઓને સામાન્ય સ્કૂલમાં પરિવર્તિત કરવામાં આવ્યા છે.”
તેઓ કહે છે, “ખાસ કરીને ભારતીય બંધારણના અનુચ્છેદ 25, 29 અને 30 હેઠળ જે અધિકાર આપવામાં આવ્યા છે, તેનું સરકાર હનન કરી રહી છે. મદરેસાઓમાં શું ભણાવવું જોઈએ તેને સરકાર નિયંત્રિત કરી શકે નહીં. આ મામલામાં હવે સુપ્રીમ કોર્ટ દાખલ થઈ ગઈ છે અને અમે સુનાવણીની રાહ જોઈ રહ્યા છીએ.”
તમામ સરકારી મદરેસાઓ ઉપરાંત સરકાર સંચાલિત સંસ્કૃત ટોલ્સ એટલે કે સંસ્કૃત કેન્દ્રોને બંધ કરવાનો નિર્ણય પણ આસામ સરકારે કર્યો છે.
ભુઈયાં કહે છે, “રાજ્ય સરકારે તમામ સંસ્કૃત કેન્દ્રોને કુમાર ભાસ્કર વર્મા સંસ્કૃત અને પ્રાચીન અધ્યયન યુનિવર્સિટીમાં ભેળવી દીધા છે, જ્યારે સંસ્કૃત ટોલ્સના અભ્યાસક્રમમાં કોઈ ખાસ ફેરફાર કરવામાં આવ્યો નથી.”
મદરેસાના મુદ્દા પાછળનું રાજકારણ

ઇમેજ સ્રોત, DILIP SHARMA/BBC
આસામમાં બે પ્રકારની મદરેસાઓ છે. એક સરકારી મંજૂરીપ્રાપ્ત મદરેસા છે, જે સંપૂર્ણપણે સરકારી અનુદાન વડે ચાલતી હતી અને બીજી ખેરાજી મદરેસા છે, જેને ખાનગી સંગઠનો ચલાવે છે.
આસામના શૈક્ષણિક અભ્યાસક્રમમાં મદરેસા શિક્ષણને 1934માં સામેલ કરવામાં આવ્યું હતું અને એ જ વર્ષે રાજ્ય મદરેસા બોર્ડની રચના કરવામાં આવી હતી, પરંતુ 2021ની 12 ફેબ્રુઆરીએ એક નોટિફિકેશન બહાર પાડીને રાજ્ય મદરેસા બોર્ડને ભંગ કરવામાં આવ્યું હતું.
આસામમાં સરકારે મદરેસાઓનું 1995માં સરકારીકરણ કર્યું હતું. સરકારી અનુદાન મેળવતી મદરેસાઓને પ્રો-સીનિયર અને ટાઇટલ મદરેસાઓમાં વિભાજિત કરવામાં આવી હતી.
પ્રો-સીનિયર મદરેસાઓમાં છઠ્ઠાથી આઠમા ધોરણ સુધીનું શિક્ષણ આપવામાં આવતું હતું. સીનિયર મદરેસાઓમાં આઠમાથી બારમા ધોરણ સુધીનું, જ્યારે ટાઇટલ મદરેસાઓમાં સ્નાતક તથા સ્નાતકોત્તર સ્તરનો અભ્યાસ કરાવવામાં આવતો હતો.
એ સિવાય રાજ્યમાં ચાર અરબી કૉલેજ પણ હતી, જેમાં છઠ્ઠા ધોરણથી સ્નાતકોત્તર સ્તર સુધીનો અભ્યાસ કરાવવામાં આવતો હતો.
આસામ સરકાર દ્વારા 2020માં લાવવામાં આવેલા રિપીલ એક્ટની આ તમામ મદરેસાઓ અને અરબી કૉલેજોને અસર થઈ હતી. સરકાર આ મદરેસાઓ પર દર વર્ષે અંદાજે રૂ. ત્રણથી ચાર કરોડ ખર્ચતી હતી.
આસામમાં અત્યારે સાત બોર્ડ હેઠળ કુલ 2,250 ખાનગી મદરેસા ચાલે છે. ઓલ આસામ તંઝીમ મદારિસ કોમિયા હેઠળ સૌથી વધુ 1,503 મદરેસાઓ ચાલે છે.
ઓલ આસામ તંઝીમ મદારિસના સચિવ મૌલાના અબ્દુલ કાદિર કાસમીએ બીબીસીને કહ્યું હતું, “ખાનગી મદરેસાઓમાં વિજ્ઞાન, ગણિત જેવા વિષયો ભણાવવા જોઈએ, એવું મુખ્યપ્રધાન કહે છે ત્યારે તેઓ પોતાની જ વાતનુ ખંડન કરે છે. જે સરકારી મદરેસાઓને તેઓ બંધ કરી રહ્યા છે તેમાં અરબી-ઉર્દૂ સિવાય તમામ સામાન્ય વિષય પણ ભણાવવામાં આવે છે.”
“સરકાર મદરેસાઓમાં મુલ્લા-મૌલવીઓ નહીં બનાવે, એવું મુખ્યપ્રધાન કહે છે ત્યારે બહુ તકલીફ થાય છે. તેઓ જાણે છે કે દેશના સૌપ્રથમ શિક્ષણ પ્રધાન મૌલાના અબ્દુલ કલામ આઝાદ હતા અને તેમણે દેશમાં શિક્ષણ માટેની નીતિ બનાવી હતી. મદરેસાઓને મુદ્દો બનાવવા પાછળનું રાજકારણ શું છે તે બધા જાણે છે.”
મદરેસાઓ વિશેનો વિવાદ અને નવા નિયમ

ઇમેજ સ્રોત, DILIP SHARMA/BBC
મુખ્યપ્રધાન સરમા મદરેસાઓ સંબંધી અનેક આયોજનોમાં 2020થી આક્રમક નિવેદનો આપતા રહ્યા છે.
કર્ણાટકના બેલગાવીમાં આ વર્ષના માર્ચમાં બીજેપીની સંકલ્પ યાત્રાને સંબોધન કરતા તેમણે કહ્યું હતું, “મેં 600 મદરેસા બંધ કરી દીધી છે, પરંતુ મારો ઇરાદો બધી મદરેસાઓને બંધ કરવાનો છે, કારણ કે આપણને મદરેસાઓની નહીં, પરંતુ ડૉક્ટરો, એન્જિનિયરો બનાવવા માટે સ્કૂલો, કૉલેજો અને યુનિવર્સિટીઓની જરૂર છે.”
આ મદરેસાઓમાં કરાવવામાં આવતા અભ્યાસ બાબતે પહેલાં પણ કેટલાક વિવાદ બહાર આવ્યા છે. કટ્ટરપંથી હિન્દુ સંગઠનોનો આક્ષેપ છે કે જે અંતરિયાળ વિસ્તારોમાં રેગ્યુલર સ્કૂલ નથી ત્યાંના કેટલીક મદરેસાઓમાં કટ્ટરપંથી ઇસ્લામનો અભ્યાસ કરાવવામાં આવે છે.
આસામમાં રાષ્ટ્રવિરોધી અને જેહાદી ગતિવિધિઓમાં કથિત સંડોવણીના આરોપસર ગયા વર્ષે ચાર મદરેસાઓને તોડી પાડવામાં આવી હતી.
આ વર્ષે ફેબ્રુઆરીમાં આસામના પોલીસ વડાએ ખાનગી મદરેસાઓનું સંચાલન કરતા લોકો સાથે બેઠક યોજીને કેટલાક નિયમો નક્કી કર્યા હતા.
એ નિયમ મુજબ, દરેક પાંચ કિલોમીટર વિસ્તારમાં એક જ મદરેસા હોવી જોઈએ. જે મદરેસામાં 50થી ઓછા વિદ્યાર્થીઓ હોય તેને નજીકની કોઈ મોટી મદરેસામાં સમાવી લેવામાં આવશે.
એ સિવાય મદરેસામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ, તેમના માતા-પિતા અને હેડ માસ્ટર સહિતના તમામ શિક્ષકોની સંપૂર્ણ માહિતી સમયાંતરે રાજ્ય સરકારને આપવાની રહેશે.
બીજેપી શું કહે છે

ઇમેજ સ્રોત, DILIP SHARMA/BBC
રાજ્યમાં મદરેસાઓ બંધ કરવાના મુદ્દે આસામ પ્રદેશ બીજેપીના વરિષ્ઠ નેતા પ્રમોદ સ્વામીએ જણાવ્યું હતું કે સરકારી અનુદાનથી ધાર્મિક શિક્ષણ આપી શકાય નહીં.
તેમના કહેવા મુજબ, “તેથી સરકારી મદરેસાઓને આસામ માધ્યમિક શિક્ષણ બોર્ડ હેઠળ સ્કૂલમાં પરિવર્તિત કરવામાં આવી છે.”
તેઓ કહે છે, “અમારો હેતુ મુસ્લિમ બાળકોને ગુણવત્તાસભર શિક્ષણ ઉપલબ્ધ કરાવવાનો છે, જેથી આગળ જતાં તેઓ અન્ય બાળકોની માફક ડૉક્ટર, એન્જિનિયર બનીને દેશની સેવા કરે. સરકારે લઘુમતી બાળકોના હિતમાં આ નિર્ણય કર્યો છે.”
રાજકીય ઇરાદાઓ વિશેના સવાલો બાબતે તેઓ કહે છે, “અમારો પક્ષ મુસલમાન સમુદાયનો ઉપયોગ વોટ બૅન્કના રાજકારણ માટે કરતો નથી. આ નિર્ણયમાં કોઈ રાજકારણ નથી.”
તેમના કહેવા મુજબ, સરકારે ખાનગી મદરેસા બાબતે કોઈ પગલું લીધું નથી. “ધાર્મિક શિક્ષણ માટે ખાનગી મદરેસાઓ ચાલતી રહેશે.”
આસામમાં જે 1,281 સરકારી મદરેસાઓને સ્કૂલમાં પરિવર્તિત કરવામાં આવી છે, તે કુલ 19 જિલ્લામાં હતી.
બાંગ્લાદેશની સીમાને અડીને આવેલા આસામના ઘુબરી જિલ્લામાં સૌથી વધુ 269 મદરેસાઓને સામાન્ય સ્કૂલમાં પરિવર્તિત કરવામાં આવી છે.
નૌગાંવ જિલ્લામાં 165 અને બારપેટામાં 158 મદરેસાઓને સામાન્ય સ્કૂલમાં ભેળવી દેવામાં આવી છે.














