"અલીગઢને હરિગઢમાં બદલવાથી સમસ્યાઓ હલ થઈ જશે?" ભાજપના પ્રસ્તાવ સામે અલીગઢના મુસ્લિમોનો સવાલ

અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટી
    • લેેખક, શકીલ અખ્તર
    • પદ, બીબીસી ઊર્દૂ, નવી દિલ્હી

ઉત્તર પ્રદેશના અલીગઢ શહેરમાં સત્તાધારી પક્ષ ભારતીય જનતા પાર્ટીનું સમર્થન ધરાવતા મ્યુનિસિપલ બોર્ડે અલીગઢનું નામ બદલીને હરિગઢ કરવાનો એક પ્રસ્તાવ પાસ કર્યો છે.

આ પ્રસ્તાવ હવે અંતિમ મંજૂરી માટે રાજ્ય સરકારને મોકલવામાં આવી રહ્યો છે. રાજ્ય સરકાર આ પહેલાં પણ મુસ્લિમોનાં નામ પર હતાં તેવાં ઘણાં શહેરોનાં નામ બદલી ચૂકી છે .

પ્રસ્તાવની મંજૂરી પછી સત્તાધારી પક્ષ ભારતીય જનતા પાર્ટીના મેયર પ્રશાંત સિંઘલે જણાવ્યું કે શહેરનું નામ બદલીને હરિગઢ કરવાનો પ્રસ્તાવ બોર્ડના ભાજપના એક સદસ્યએ રજૂ કર્યો હતો, જેનો સર્વસંમતિથી સ્વીકાર કરી લેવામાં આવ્યો.

તેમણે કહ્યું હતું કે અલીગઢનું નામ હરિગઢ કરવાની માંગણી લાંબા સમયથી કરવામાં આવી રહી હતી. પ્રશાંત સિઁઘલે કહ્યું, “આપણી જે પૌરાણિક સભ્યતા કે સંસ્કૃતિ છે, હિંદુ ધર્મની પરંપરા છે, તેને જ આગળ વધારવા માટે આ નામ બદલવાનો પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો છે.”

પ્રશાંત સિંઘલે આશા વ્યક્ત કરી હતી કે બહુ જલદી જ આ શહેર હરિગઢના નામે જાણીતું થશે. ભાજપના એક નેતા નીરજ શર્માએ અલીગઢનું નામ હરિગઢ કરવા માટે લાંબા સમયથી એક અભિયાન ચલાવ્યું હતું.

તેમણે નામ બદલવાનો પ્રસ્તાવ પસાર થવા પર કહ્યું હતું કે, “હરિ એક ઐતિહાસિક નામ છે. આ નામ અહીંની સભ્યતા, સંસ્કૃતિ અને હિંદુ પરંપરાઓ સાથે જોડાયેલું છે.”

નીરજ શર્માએ કહ્યું, “અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીની 1920માં સ્થાપના કરવામાં આવી હતી. શું તે પહેલા આ શહેર ન હતું? તેના પહેલા આ શહેર તેની સંસ્કૃતિ અને વિરાસત પર જ ઊભું હતું. તો આનાથી બહેતર બીજું શું હોઈ શકે? જો હરિનાં બાળકોને હરિગઢ નહીં મળે તો શું સાઉદી અરેબિયાનાં બાળકોને મળશે? કઝાકિસ્તાનનાં બાળકોને મળશે કે પાકિસ્તાનનાં બાળકોને મળશે? ”

‘આ ધાર્મિક ભાવનાઓ ભડકાવવાનું ષડ્યંત્ર’

અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટી

ઇમેજ સ્રોત, Getty Images

અલીગઢ શહેરના જ એક યુવક હૈદર ખાન મ્યુનિસિપલ બોર્ડના આ પ્રસ્તાવથી ખુશ નથી.

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

તેઓ કહે છે, "હું નથી ઇચ્છતો કે આ શહેરનું નામ હરિગઢ રાખવામાં આવે. જો તમે આ સવાલ ભાજપના લોકોને પૂછો તો સારું રહેશે કે આ શહેરની સ્થાપના થઈ ત્યારથી જ તેનું નામ અલીગઢ રાખવામાં આવ્યું છે. હવે આ નવી- નવી વાતો થઈ રહી છે કે અગાઉ આ નામ હતું, તે નામ હતું, વગેરે વગેરે."

"જો નામ બદલવાથી સમસ્યાઓનું સામધાન થઈ જાય છે તો બદલો. એવું કહેવાય છે કે ભૂતપૂર્વ મુખ્ય પ્રધાનો અખિલેશ યાદવ અને માયાવતીએ પણ નામ બદલ્યાં છે. તો શું વર્તમાન મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ પણ તેમના પગલે ચાલી રહ્યા છે?"

અલીગઢ મુસ્લિમ બોર્ડમાં વિપક્ષી સમાજવાદી પાર્ટીના સભ્ય મુશર્રફ હુસૈન મહઝરનું કહેવું છે કે ભાજપના સભ્યોએ વિપક્ષની ગેરહાજરીમાં આ ઠરાવને છેતરપિંડીથી પસાર કર્યો છે.

તેઓ કહે છે, "આ ભાજપની જબરદસ્તી કરવાની નીતિનો એક ભાગ છે. તેઓ છેલ્લાં 15 વર્ષથી અલીગઢનું નામ બદલવાનો પ્રયાસ કરી રહ્યા હતા."

તેમણે કહ્યું, "જ્યાં સુધી અમારો પક્ષ મ્યુનિસિપલ બોર્ડમાં હાજર છે, ત્યાં સુધી અલીગઢનું નામ અલીગઢ જ રહેશે. આ અલીગઢ હતું, છે અને રહેશે."

અલીગઢ શહેરના એક વૃદ્ધ નાગરિક અને પૂર્વ નગરપાલિકા સભ્ય મુઝફ્ફર સઈદે નામ બદલવાના પ્રસ્તાવને ષડ્યંત્ર ગણાવ્યું છે.

તેમણે કહ્યું, "શું અલીગઢને હરિગઢમાં બદલવાથી સમસ્યાઓ હલ થઈ જશે? શું તેનાથી કોઈને ફાયદો થશે? આ 2024ની ચૂંટણી પહેલા ધાર્મિક લાગણીઓને ભડકાવવાનું ષડ્યંત્ર છે."

અલીગઢ પહેલાં ક્યા શહેરોનાં નામ બદલવામાં આવ્યાં?

અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટી

ઇમેજ સ્રોત, Getty Images

અલીગઢનું નામ બદલીને હરિગઢ કરવાનો પ્રસ્તાવ ઉત્તર પ્રદેશ સરકારને મોકલી આપવામાં આવ્યો છે, જો રાજ્ય સરકાર આ પ્રસ્તાવને સ્વીકાર કરી લેશે તો અલીગઢનું નામ બદલાઈ જશે.

મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે આ પહેલાં અલાહાબાદનું નામ પ્રયાગરાજ, મુઘલસરાયનું નામ દીનદયાળ ઉપાધ્યાય નગર અને ફૈઝાબાદનું નામ અયોધ્યા કર્યું હતું.

અનેક શહેરો અને ગામડાંઓનું નામ બદલવાનો પ્રસ્તાવ છે. મુસ્લિમ નામોને બદલવાનું આ કામ બીજા રાજ્યોમાં પણ ચાલી રહ્યું છે.

હાલમાં જ હરિયાણામાં પણ અનેક ગામડાંઓનાં નામ બદલવામાં આવ્યાં છે. મહારાષ્ટ્રમાં ઔરંગઝૈબના નામે વસેલા ઔરંગાબાદનું નામ પણ છત્રપતિ સંભાજીનગર અને ઉસ્માનાબાદનું નામ ધારાશિવ કરી દેવામાં આવ્યું છે.

દિલ્હીમાં પણ ઔરંગઝૈબ સાથે જોડાયેલી એક સડકનું નામ બદલી દેવામાં આવ્યું છે.

નામ બદલવા પાછળ ભાજપનો તર્ક એવો છે કે શહેરો, ગામડાંઓ કે સંસ્થાઓનું નામ મુસ્લિમ આક્રમણકારીઓના નામે ન રાખી શકાય.

ભાજપ અનુસાર ભારતમાં ભૂતકાળમાં આવેલા તમામ મુસ્લિમ શાસકો વિદેશી હુમલાખોરો હતા અને તેમનાં નામે શહેરો અને વિસ્તારોનાં નામ રાખવા એ ગુલામીનું પ્રતીક છે.

સમયની સાથે અલીગઢનો તાળાનો ઉદ્યોગ તો નબળો પડી ગયો પણ અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીની પ્રગતિ થતી ગઈ.

આ એક સૅન્ટ્રલ યુનિવર્સિટી છે એટલે કે તેનું ફંડ સરકારના બજેટમાંથી જ આવે છે. આ યુનિવર્સિટીનું નામ અલીગઢ શહેરના નામ પરથી જ રાખવામાં આવ્યું હતું.

અલીગઢ યુનિવર્સિટીનું ઐતિહાસિક મહત્ત્વ

અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટી

ઇમેજ સ્રોત, ANI

આ સમયે શહેરનું નામ ઔપચારિક રીતે હરિગઢ રાખવામાં આવે તો આ યુનિવર્સિટીનું જૂનું નામ અકબંધ રહેશે કે પછી તે પણ બદલાશે તે કહેવું મુશ્કેલ બનશે.

અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીની સ્થાપના ઓગણીસમી સદીના પ્રખ્યાત મુસ્લિમ સમાજ સુધારક સર સૈયદ અહમદ ખાને કરી હતી.

1857ના વિદ્રોહ પછી ભારત પર અંગ્રેજોના પૂર્ણ શાસન પછી સામ્રાજ્યવાદી સરકારે ઉત્તર પ્રદેશ, દિલ્હી અને તેની આસપાસના વિસ્તારોમાં વિદ્રોહના આરોપસર હજારો મુસ્લિમોને ફાંસી આપી હતી અને તેમની મિલકતો વગેરે જપ્ત કરવામાં આવી હતી.

આ પરિવર્તનનો સમયગાળો હતો. મુસ્લિમો આધુનિક શિક્ષણનો વિરોધ કરતા હતા. સર સૈયદ અહેમદ ખાને મુસ્લિમોને આધુનિક શિક્ષણ તરફ પ્રેરિત કરવા અને ઇસ્લામના તર્કસંગત દૃષ્ટિકોણને પ્રોત્સાહન આપવા માટે એક ચળવળનું નેતૃત્વ કર્યું.

આ ચળવળ હેઠળ, તેમણે મુસ્લિમોના ઉચ્ચ વર્ગના આધુનિક શિક્ષણ માટે 1875માં અલીગઢમાં ઍંગ્લો મોહમ્મડન ઑરિએન્ટલ કૉલેજ ખોલી, જે પાછળથી અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીમાં બદલાઈ ગઈ.

આ યુનિવર્સિટીએ ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામમાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. સામ્રાજ્યવાદી કાળમાં તે રાષ્ટ્રવાદની રાજનીતિનું કેન્દ્ર હતી તો બીજી તરફ તેણે સામ્યવાદી અભિગમની પણ પ્રશંસા કરી. આ યુનિવર્સિટી પ્રગતિશીલ વિચારધારાનું કેન્દ્ર પણ રહી છે.

આઝાદી મળ્યા બાદ અંતિમ ચરણોમાં જ્યારે દેશમાં પાકિસ્તાન આંદોલને જોર પકડ્યું તે સમયે પણ આ યુનિવર્સિટીની મહત્ત્વની ભૂમિકા રહી હતી. તે આંદોલનના મુસ્લિમ નેતાઓએ પણ અહીંથી જ શિક્ષણ પ્રાપ્ત કર્યું હતું.

આ યુનિવર્સિટી એક સૅન્ટ્રલ યુનિવર્સિટી છે એટલે તેને એક અલ્પસંખ્યક શૈક્ષણિક સંસ્થાનો દરજ્જો મળેલો છે. તેના હેઠળ વિદ્યાર્થીઓના ઍડમિશન અને શિક્ષકોની ભરતીઓ અને શૈક્ષણિક પાઠ્યક્રમમાં તેને સ્વાયત્તતા મળેલી છે.

પરંતુ ભાજપની સરકાર આવ્યા પછી યુનિવર્સિટીને મળેલા આ વિશેષ દરજ્જાને પડકારવામાં આવ્યો અને તેને અન્ય કેન્દ્રીય યુનિવર્સિટીઓની સમકક્ષ લાવવાની કોશિશ કરવામાં આવી.

અલીગઢ શહેરના ઇતિહાસ વિશે ઉત્તર પ્રદેશ સરકારની અધિકૃત વેબસાઈટ પર લખવામાં આવ્યું છે કે અઢારમી સદી પહેલાં તેનું નામ કોલ અથવા કોલી હતું અને તેમાં માત્ર વર્તમાન શહેર જ નહીં પરંતુ આસપાસના વિસ્તારોનો પણ સમાવેશ થતો હતો.

વેબસાઇટ મુજબ, તે જુદા જુદા સમયગાળામાં જુદા જુદા શાસકોનાં શાસન હેઠળ હતું. ઓગણીસમી સદીમાં તે પશ્ચિમ ઉત્તર પ્રદેશના એક મહત્ત્વપૂર્ણ શહેર તરીકે ઊભરી આવ્યું હતું.

અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટી અને શહેર છેલ્લી સદીથી મુસ્લિમ રાજકારણ, સંસ્કૃતિ અને મનોવિજ્ઞાનનું એક મહત્ત્વપૂર્ણ કેન્દ્ર રહ્યું છે. કેટલાક વિશ્લેષકોના મતે કદાચ આ જ કારણ છે કે તે ભારતના ધાર્મિક રાજકારણનો શિકાર છે.