ગુજરાતથી પણ પહેલાં કયું રાજ્ય હતું હિન્દુત્વની પ્રયોગશાળા?

શિવરાજસિંહ અને અન્ય ભાજપ નેતા

ઇમેજ સ્રોત, ANI

    • લેેખક, સલમાન રાવી
    • પદ, બીબીસી સંવાદદાતા, ભોપાલથી

વર્ષ 1956ની પહેલી નવેમ્બરની આ વાત છે, જ્યારે 337 સભ્યો સાથે મધ્ય પ્રદેશની ‘એકીકૃત’ અને પહેલી વિધાનસભાનું ગઠન થયું હતું. એ પહેલાં આ વિસ્તાર મધ્ય પ્રદેશ, મધ્ય ભારત, વિન્ધ્ય પ્રદેશ અને ભોપાલ એમ ચાર પ્રાંતોમાં વહેંચાયેલો હતો. ત્યારબાદ તેના વિલય પછી મધ્ય પ્રદેશ રાજ્યનું ઔપચારિક રીતે ગઠન થયું હતું.

ચૂંટણીપંચના આંકડા પ્રમાણે નવી વિધાનસભામાં એ સમયનો સૌથી પ્રમુખ રાજકીય પક્ષ એટલે કે કૉંગ્રેસના 258 ધારાસભ્યો હતા. આ ગૃહમાં સૌથી મોટો વિપક્ષ સમાજવાદી પાર્ટી હતી, જેના 16 ધારાસભ્યો હતા. પરંતુ આ નવી વિધાનસભાના સદનની સૌથી મહત્ત્વપૂર્ણ વાત એ હતી કે તેમાં હિંદુ મહાસભાના 12 ધારાસભ્યો હતા, જ્યારે ભારતીય જનસંઘના છ હતા.

આ પ્રદેશની પહેલી વચગાળાની સરકાર હતી.

વરિષ્ઠ પત્રકાર અને લેખક ગિરિજાશંકર કહે છે કે નાગપુરથી નજીક હોવાને કારણે સંઘે મધ્ય પ્રદેશમાં આઝાદી પહેલાં જ પ્રવેશ મેળવવાનું શરૂ કરી દીધું હતું. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અને હિન્દુત્વવાદી સંગઠનોનો પ્રભાવ માલવાના વિસ્તારોમાં રહ્યો હતો. ત્યાર પછી ભીંડ અને ચંબલના અન્ય ભાગોમાં પણ તેનો પ્રભાવ ઝડપથી ફેલાઈ રહ્યો હતો.

આ સાથે મધ્ય પ્રદેશની એક છબિ બની ગઈ અને કહેવામાં આવી રહ્યું હતું કે સમગ્ર ભારતમાં હિન્દુત્વની આ ‘સૌથી જૂની’ પ્રયોગશાળા છે.

‘હિન્દુત્વવાદી રાજકીય’ સંગઠન જેવા કે હિન્દુ મહાસભા, રામરાજ્ય પરિષદ અને ભારતીય જનસંઘ આ ત્રણેય અહીં સંપૂર્ણપણે કામ કરી રહ્યાં હતાં.

તેઓ ચૂંટણી પણ લડતા હતા, જ્યારે રાજનીતિથી પોતાને અલગ રાખવાનો દાવો કરતું સંગઠન રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ જમીની સ્તરે હિન્દુઓને ગતિશીલ કરવાનું કામ કરી રહ્યું હતું અને લોકોને ‘હિન્દુ રાષ્ટ્રવાદ’ તરફ પ્રેરિત કરી રહ્યું હતું.

બીબીસી ગુજરાતી

હિન્દુ મહાસભા

અમિત શાહ

ઇમેજ સ્રોત, Getty Images

ગિરિજાશંકર કહે છે કે શરૂઆતમાં હિન્દુ મહાસભા એક બિનરાજકીય સંગઠન હતું, જેની સાથે કૉંગ્રેસના પણ ઘણા મોટા નેતા જોડાયેલા હતા. વર્ષ 1930માં હિન્દુ મહાસભાએ રાજકીય પક્ષ સ્વરૂપે રજિસ્ટર કરાવી લીધું હતું.

ગિરિજાશંકર કહે છે કે નવા મધ્ય પ્રદેશમાં સામેલ જૂના પ્રાંતોમાંથી મધ્ય ભારત એવો પ્રાંત હતો, જ્યાં હિન્દુ મહાસભાએ પહેલાંથી જ સારો પ્રવેશ મેળવી લીધો હતો.

હિન્દુ મહાસભાને મધ્ય ભારતમાં વિધાનસભાની ચૂંટણીમાં મળેલી સફળતાને કારણે સિંધિયા રાજઘરાના અને બીજા રજવાડાઓનું તેને ઘણું સમર્થન પણ મળ્યું હતું.

બીબીસી ગુજરાતી

રામરાજ્ય પરિષદ

હિન્દુત્વવાદી સંગઠન રામરાજ્ય પરિષદની સ્થાપના 1948માં સ્વામી કરપાત્રીએ કરી હતી અને સંગઠને 1952માં થયેલી સામાન્ય ચૂંટણીમાં મધ્ય પ્રદેશ, વિન્ધ્ય પ્રદેશ અને મધ્ય ભારતમાં તેમના ઉમેદવાર ઊભા રાખ્યા હતા, જેમનું પ્રદર્શન સારું રહ્યું હતું.

ગિરિજાશંકર કહે છે કે સ્વામી કરપાત્રીને એ રજવાડાઓનું ભરપૂર સમર્થન હાંસલ થયું હતું, જે તેમના અનુયાયી હતા અને વિધાનસભાની ચૂંટણીમાં રામરાજ્ય પરિષદને મધ્ય ભારતમાં બે, વિન્ધ્ય ભારતમાં બે અને મધ્ય પ્રદેશમાં ત્રણ બેઠક પર સફળતા મળી હતી.

જોકે મધ્ય પ્રદેશની જે ત્રણ બેઠકો પર રામરાજ્ય પાર્ટીના ઉમેદવારો જીત્યા હતા, તેઓ હાલના છત્તીસગઢના રજવાડાઓના વિસ્તારમાંથી હતા, જેવા કે પંડરિયા, કવર્ધા અને જશપુર. આ ઉપરાંત લોકસભાની ચૂંટણીમાં રામરાજ્ય પરિષદના ઉમેદાવરોનું સારું પ્રદર્શન રહ્યું હતું, જેમાં છ બેઠકો પર તેમના ઉમેદવારો બીજા સ્થાને રહ્યા હતા.

બીબીસી ગુજરાતી

ભારતીય જનસંઘ

જનસંઘ

ઇમેજ સ્રોત, Getty Images

1952ની વિધાનસભા ચૂંટણીમાં મધ્ય પ્રદેશ અને ભોપાલમાં ભારતીય જનસંઘનું ખાતું ખૂલ્યું ન હતું. અલબત્ત મધ્ય ભારતમાં તેને ચાર અને વિન્ધ્ય પ્રદેશમાં બે બેઠક મળી હતી.

ગિરિજાશંકરે તેમના પુસ્તકમાં પણ તેનો ઉલ્લેખ કર્યો છે. તેઓ લખે છે કે, "1952ની લોકસભા ચૂંટણીમાં દેશમાં જે ત્રણ બેઠકો પર ભારતીય જનસંઘને સફળતા મળી હતી, તેમાંથી એક બેઠક રાજસ્થાનાના ચિતૌડની હતી, પરંતુ ત્યાંથી ચૂંટણી લડનારા સાંસદ ઉમાશંકર ત્રિવેદી મધ્ય ભારતના મંદસૌરના હતા."

આ ચૂંટણીમાં ત્રણેય હિન્દુત્વવાદી પક્ષ એક-બીજાના હરિફ હતા, પરંતુ વિધાનસભાની ચૂંટણીમાં જનસંઘને મધ્ય ભારતના ગ્વાલિયરમાં હિન્દુ મહાસભાના મોટા પ્રભાવને કારણે સફળતા મળી ન હતી.

મધ્ય પ્રદેશમાં કૉંગ્રેસના પ્રભાવને કારણે જનસંઘનું ખાતું ખૂલ્યું ન હતું, પરંતુ માલવામાં તેમની પકડ સારી હતી, જેના કારણે તેમને સાત બેઠક મળી હતી.

બીબીસી ગુજરાતી

આખરે હિન્દુવાદી સંગઠનોએ મૂળિયાં જમાવી જ લીધાં

હિન્દુવાદી સંગઠન

ઇમેજ સ્રોત, Getty Images

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

આ સંગઠનોએ કૉંગ્રેસનો ગઢ રહેલા મધ્ય પ્રદેશમાં તેમનાં મૂળિયાં એટલાં મજબૂત કરી લીધાં હતાં કે 1990માં પહેલી વાર એવું થયું કે જ્યારે ભારતીય જનતા પાર્ટીએ ભારે બહુમત સાથે પ્રદેશમાં સરકાર બનાવી લીધી હતી.

ગિરજાશંકર ‘સમકાલીન રાજનીતિ: મધ્ય પ્રદેશ’ નામના પુસ્તકમાં લખે છે કે, "1990ની વિધાનસભા ચૂંટણી પહેલાં કૉંગ્રેસના સદનમાં 250 ધારાસભ્ય હતા. જનતાદળના ગઠબંધનથી ચૂંટણી લડતા ભારતીય જનતા પક્ષે તમામ સમીકરણો ઊલટા કરી દીધાં હતાં અને ભારતીય જનતા પક્ષને 220 બેઠકો પર જીત મળી હતી, જ્યારે કૉંગ્રેસ 56 બેઠકો પર સમેટાઈ ગઈ હતી."

ગિરિજાશંકર કહે છે કે હિન્દુત્વને લઈને દક્ષિણપંથી સંગઠનોએ જે કામ કર્યું એ 1990ની વિધાનસભાની ચૂંટણીમાં પહેલી વાર ભારે બહુમત મળવાનું જ પરિણામ હતું.

તેઓ કહે છે કે, "આ અર્થમાં ભાજપને મળેલી જીત ઐતિહાસિક હતી કે તેમના ઉમેદવારોનો જીતનો આંકડો 82 ટકા હતો, જે પોતે જ એક રેકૉર્ડ હતો. આ પરિણામો કૉંગ્રેસ માટે કટોકટી પછીની વિધાનસભા ચૂંટણીનાં પરિણામો કરતાં પણ વધુ નિરાશાજનક હતાં."

રાજકીય વિશ્લેષક માને છે કે આ ભારે જીત પછી ભારતીય જનતા પક્ષ અને સંઘને હિન્દુત્વના પોતાના એજન્ડાનો વિસ્તાર કરવા માટે ‘એક પ્રકારે ખુલ્લું મેદાન’ મળી ગયું અને જોતજોતામાં હિન્દુત્વવાદી સંગઠનોએ દૂર-દૂરના ગ્રામીણ વિસ્તારો સુધી તેમનો પ્રવેશ મજબૂત કરવાનું શરૂ કરી દીધું હતું.

મધ્ય પ્રદેશમાં મુસલમાનોની વસતી 6થી 7 ટકા વચ્ચે છે.

વિશ્લેષક એ પણ કહે છે કે 90ના દાયકાથી સતત હિન્દુત્વવાદી સંગઠનોના કામનું ભારતીય જનતા પક્ષ ભરપૂર ફાયદો ઉઠાવતો આવ્યો છે અને તેણે સત્તામાં તેમનો મજબૂત પ્રવેશ બનાવી લીધો છે, જેનો ભેદ પાડવો મુશ્કેલ થઈ ગયો હતો.

હિન્દુવાદી સંગઠન

ઇમેજ સ્રોત, Getty Images

જ્યાં સુધી હિન્દુત્વ અને હિન્દુ રાષ્ટ્રવાદીની વાત છે, તો માર્ક્સવાદી કૉમ્યુનિસ્ટ પાર્ટીના વરિષ્ઠ નેતા જસવિંદર સિંહ કહે છે કે,"મધ્ય પ્રદેશ હિન્દુત્વનો સૌથી મોટો ગઢ રહ્યું છે, જ્યાં હિન્દુત્વવાદી સંગઠનોએ દરેક પ્રકારના પ્રયોગ કર્યા છે. આ હિન્દુત્વની ગુજરાતથી પણ જૂની પ્રયોગશાળા રહી છે."

"મહારાષ્ટ્રના માલેગાવના બૉમ્બબ્લાસ્ટની ઘટનાના તાર પણ મધ્ય પ્રદેશ સાથે જોડાયેલા છે."

તેઓ કહે છે કે, "સમાજવાદી સંગઠનોને છોડીને મધ્ય પ્રદેશમાં બીજા રાજકીય પક્ષોએ પણ હિન્દુત્વ દ્વારા જ ચૂંટણીની રણનીતિ બનાવવાનું શરૂ કરી દીધું છે."

બીબીસી સાથેની વાતચીત દરમિયાન જસવિંદર સિંહે 1993માં થયેલી વિધાનસભાની ચૂંટણીને ટાંકીને કહ્યું છે કે,"જ્યારે આ ચૂંટણીમાં કૉંગ્રેસની જીત થઈ ત્યારે એ સમયના સંઘના પ્રભારી રજ્જુભૈયાનું નિવેદન દેશભરમાં ઘણુ ચર્ચામાં રહ્યું હતું."

સિંહ કહે છે કે, "રજ્જુભૈયાએ ચૂંટણીનાં પરિણામો પછી ટિપ્પણી કરી હતી કે ભારતીય જનતા પક્ષને બેશક હારનો સામનો કરવો પડ્યો હોય, પરંતુ આ હિન્દુત્વની જીત એ અર્થમાં છે કે પહેલી વાર આવું થયું છે કે કોઈ મુસ્લિમ ધારાસભ્ય આ વિધાનસભામાં ચૂંટાઈને નથી આવ્યા."

કૉંગ્રેસના દિગ્વિજયસિંહના નેતૃત્વમાં જ્યારે 1993માં 14 ડિસેમ્બરે સરકારનું ગઠન થયું, ત્યારે તેમને એક મુસ્લિમ નેતા ઇબ્રાહીમ કુરેશીને મંત્રીમંડળમાં સામેલ કરવા પડ્યા હતા, જ્યારે કુરેશી ધારાસભ્ય પણ ન હતા.

કુરેશી મંત્રી તો બની ગયા હતા, પરંતુ છ મહિનાની અંદર તેઓ કોઈ પણ વિધાનસભાની બેઠક પરથી ચૂંટાયા નહીં અને તેમને રાજીનામું આપવું પડ્યું હતું.

બીબીસી ગુજરાતી

‘આવા તો ન હતા સરકાર’

દિગ્વિજય સિંહ

ઇમેજ સ્રોત, Getty Images

જાણીતા લેખક અને ટિપ્પણીકાર લજ્જાશંકર હરદેનિયાનું માનવું છે કે દોઢ દાયકા પહેલાં સુધી હિન્દુવાદી સંગઠનોમાં આટલી આક્રમકતા ન હતી, જેટલી હવે જોવા મળી રહી છે.

તેમનું કહેવું છે કે, "દોઢ દાયકા કે એક દાયકા પહેલાં સુધી લઘુમનતી સાથે ભારતીય જનતા પક્ષના નેતાઓના સંબંધો સામાન્ય હતા. હિન્દુત્વવાદી સંગઠન પણ આક્રમક થયા વિના તેમનું કામ કરતા અને સંગઠનનો વિસ્તાર કરતા હતા."

હરદેનિયા કહે છે કે ભાજપની રણનીતિ પહેલાં સૉફ્ટ હિન્દુત્વની હતી.

તેઓ કહે છે કે, "પહેલાં તો મુખ્ય મંત્રી શિવરાજસિંહ ચૌહાણ ઈદના દિવસે ઈદગાહ જતા અને લોકોને શુભેચ્છા પાઠવતા હતા. ભારતીય જનતા પાર્ટીના અન્ય નેતાઓ પણ આજ કરતા રહ્યા છે."

"પરંતુ 2018થી ભારતીય જનતા પક્ષના વલણમાં બદલાવ સ્પષ્ટ ઝલકવા લાગ્યો. હોઈ શકે છે કે વિધાનસભાની ચૂંટણીમાં હાર્યા બાદ શિવરાજસિંહ ચૌહાણે પણ યોગી આદિત્યનાથ જેવા બનવાનું શરૂ કર્યું હતું, કદાચ તેઓ એવું વિચારતા હતા કે કટ્ટર છબિના કારણે તેમને ચૂંટણીનો લાભ મળશે."

હરદેનિયા કહે છે કે, "શિવરાજસિંહ ચૌહાણની છબિ એક ‘ઉદારવાદી નેતા’ની હતી. તેમના ગૃહમંત્રી નરોત્તમ મિશ્ર પણ રમજાનમાં ઇફ્તારમાં જતા હતા. મુખ્ય મંત્રી આવાસમાં પણ ઇફ્તારનું આયોજન થતું હતું, પરંતુ તે પણ છેલ્લાં બે વર્ષથી બંધ છે."

તેમનું કહેવું હતું કે,"અલબત્ત હવે જે પ્રકારનું નિવેદન શિવરાજસિંહ ચૌહાણ આપી રહ્યા છે કે જેવી કાર્યવાહી તેઓ કરી રહ્યા છે, એ તેમની એટલે કે શિવરાજસિંહ ચૌહાણની પહેલાંની છબિથી સાવ વિપરીત છે. જોકે આક્રમકતાનું બીડું હવે તેમના મંત્રીમંડળના લગભગ દરેક મંત્રીએ ઉઠાવી લીધું છે, જેમ કે ગૃહમંત્રી નરોત્તમ મિશ્ર અને સંસ્કૃતિ મિશ્ર ઉષા ઠાકુર."

હરદેનિયા કહે છે કે, "હવે આક્રમકતા વધી ગઈ છે અને તેમણે રાજ્ય સરકાર પર જ તેને પ્રોત્સાહન આપવાનો આરોપ લગાવ્યો છે."

બીબીસી ગુજરાતી

અન્ય ઘણી ઘટનાઓ

ઇન્દોરમાં કટલરીવાળા સાથે મારઝૂડનો એક વીડિયો વાઇરલ થયો હતો

ઇમેજ સ્રોત, SHURAIH NIYAZI/BBC

જાણકારોનું માનવું છે કે છેલ્લાં ત્રણ વર્ષમાં કોરોના મહામારી સમયે તબલીગી જમાતના લોકોની ધરપકડના કારણે આ બધું શરૂ થયું હતું.

ભોપાલના સ્થાનિક પત્રકાર કાશિફ કાકવી કહે છે કે, ત્યારબાદ સરકારે ઘણા એવા વિવાદાસ્પદ નિર્ણયો લીધા, જેનાથી અલ્પસંખ્યકો વચ્ચે અસુરક્ષાની ભાવના ઊભી થવા લાગી અને તેમને લાગવા માંડ્યું કે ‘તેમને રાજકીય રીતે હેરાન’ કરવામાં આવી રહ્યા છે.

બુલડોઝરનો એકતરફી ઉપયોગનો આરોપ હોય કે પછી મદરેસાનો સરવે કે પછી જેમના પર હુમલા થયા તેમના જ વિરુદ્ધ એફઆઈઆર દાખલ કરીને જેલમાં મોકલવા અને ઘર તોડી દેવાના આરોપ હોય. મધ્ય પ્રદેશની સરકાર અને ખાસ કરીને મુખ્ય મંત્રી શિવરાજસિંહ ચૌહાણની બદલાયેલી છબિની ટીકા થવા લાગી.

નીમચ- ગયા વર્ષે 21 મેના રોજ એક વીડિયો વાઇરલ થયો હતો. જેમાં એક વૃદ્ધને કેટલાક લોકો મારતા જોવા મળી રહ્યા હતા. ઉગ્ર ટોળાએ વૃદ્ધ પાસે આધાર કાર્ડ માગી રહી હતી. વીડિયોમાં જે લોકો જોવા મળી રહ્યા હતા, તેમાંથી એક વ્યક્તિ પૂછતા જોવા મળી રહ્યા હતા કે, "તમારું નામ મોહમ્મદ છે."

આટલો જ વીડિયો હતો. એક દિવસ પછી વૃદ્ધનો મૃતદેહ ત્યજી દેવાયેલી હાલતમાં મળી આવ્યો હતો અને તેમની ઓળખ માનસિક રીતે અશક્ત ભંવરલાલ તરીકે થઈ હતી.

છિંદવાડા- ગયા વર્ષે સપ્ટેમ્બર મહિનામાં એક ટોળાએ વાજિદ અલી નામના યુવક અને તેમનાં માતા પર હુમલો કર્યો હતો. આ ઘટના ઓરિયા ગામની હતી.

ગૌ-તસ્કરીનો આરોપ લગાવતા વાજિદ અલીને મોટરસાઇકલ પાછળ બાંધીને ઘસડીને લઈ ગયા અને તેમની પાસે ધાર્મિક નારા લગાવડાયા હતા. પોલીસે ગુનો નોંધ્યો હતો.

મંદસૌર- ઑક્ટોબરમાં 14 વર્ષના એક બાળકને ખરાબ રીતે ગાડી ચલાવવાના વિવાદના કારણે બે જૂથો વચ્ચે અથડામણ થઈ હતી. ત્યારબાદ 24 કલાકની અંદર મુસ્લિમ પક્ષના ત્રણ ઘરો પર બુલડોઝર ચઢાવી દેવાના સમાચાર મળ્યા હતા.

‘સિટીઝન્સ ઍન્ડ લૉયર્સ ઇનિશિએટિવ’ નામની સંસ્થાના રિપોર્ટની પ્રસ્તાવના સુપ્રીમ કોર્ટના પૂર્વ જજ રોહિંટન નરીમને લખી છે, જેમાં દેશના અલગ-અલગ ભાગોમાં હિન્દુવાદી સંગઠનોની આક્રમકતાની ઘટનાઓને સંકલિત કરવામાં આવી છે.

આ રિપોર્ટમાં ઘણી ઘટનાઓની ચર્ચા કરવામાં આવી છે, જેમાં 10 માર્ચે ખરગોનની ઘટના પણ છે, જ્યારે તળાવ ચોકની એક મસ્જિદમાં કથિત રીતે ફટાકડા ફેંકવામાં આવ્યા હતા. રિપોર્ટ અનુસાર આ વિજયની રેલી ભાજપની ચાર રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીમાં જીતની ખુશીમાં કાઢવામાં આવી હતી.

ખરગોનની મસ્જિદ કમિટીના પ્રમુખ હિદાયતુલ્લાહ મંસૂરીએ ન્યૂઝ પોર્ટલ ‘ધ વાયર’ સાથેની વાતચીતમાં કહ્યું હતું કે, એક વર્ષ દરમિયાન આવી ઘણી ઘટનાઓ ઘટી છે, જ્યાં મસ્જિદ પર હુમલા થયા હોય. પરંતુ તેમનો આરોપ છે કે કોઈ પણ મામલામાં સ્થાનિક પ્રશાસને દોષીઓ વિરુદ્ધ કોઈ કાર્યવાહી કરી નથી.

રિપોર્ટમાં દેવાસની ઘટનાનો પણ ઉલ્લેખ છે, જ્યારે કથિત રીતે હિન્દુ યુવાવાહિની બજરંગદળ અને વિશ્વ હિન્દુ પરિષદના નેતાઓ અને કાર્યકર્તાઓએ બોહરા સમુદાયને હિન્દુ દેવી-દેવતાઓની તસવીરોવાળા ફટાકડા વેચવાથી અટકાવ્યા હતા.

આ રિપોર્ટમાં 2021ના જાન્યુઆરી મહિનામાં ઇન્દોરની એ ઘટનાનો પણ ઉલ્લેખ છે, જ્યારે કટલરી વેચતા એક વ્યક્તિ પર હિન્દુવાદી સંગઠનોએ હુમલો કર્યો અને તેમને જેલમાં પણ જવું પડ્યું હતું.

રિપોર્ટમાં ‘સ્ટૅન્ડઅપ કૉમેડિયન’ મુન્નવર ફારુકી પર બજરંગ દળના હુમલા અને તેમના વિરુદ્ધ એફઆઈઆર પણ નોંધવામાં આવી હતી.

2021માં રાજ્ય સરકારે ‘મધ્ય પ્રદેશ લોક અને ખાનગી સંપત્તિને નુકસાનનું વસૂલી અધિનિયમ પાસ કરી લીધું. રાજ્યના ગૃહ મંત્રી નરોત્તમ મિશ્રાએ તેની માહિતી આપતા કહ્યું હતું કે આ કાયદા અંતર્ગત ‘પથ્થર ફેંકનારા’ અસામાજિક તત્વો અને રમખાણો કરનારા પર કાર્યવાહી કરવામાં આવશે.’

‘સિટિઝન્સ ઍન્ડ લૉયર્સ ઇનિશિએટિવ’ ના રિપોર્ટમાં આરોપ લગાવ્યો છે કે આ નવા કાયદાને કારણે માત્ર અલ્પસંખ્યકોને નિશાનો બનાવવામાં આવી રહ્યા છે.

મધ્ય પ્રદેશમાં આરોપ લાગી રહ્યા છે કે સરકારી અમલો સંપૂર્ણ રીતે ‘સંઘના પ્રભાવ’ માં કામ કરી રહ્યા છે.

સરકારી અધિકારી ‘સંઘની શાખાઓમાં સામેલ’ થઈ રહ્યા છે. રાજ્યસભાના સાંસદ વિવેક તનખાએ તાજેતરમાં જ એક ટ્વીટ કર્યું છે, જેમાં સતના જિલ્લાના કલેક્ટર અને મ્યુનિસિપલ કમિશનરને સંઘના એક કાર્યક્રમમાં ‘ધ્વજ પ્રણામ’ કરતા બતાવ્યા છે.

બીબીસી ગુજરાતી

સિદ્ધાંતો પ્રત્યે નિષ્ઠાની કમી

સાંસદ સાધ્વી પ્રજ્ઞા

ઇમેજ સ્રોત, Getty Images

જોકે સંઘ સાથે જોડાયેલા જૂના કાર્યકર્તાનું માનવું છે કે આક્રમકતા તેમના મૂળ સિદ્ધાંતો વિરુદ્ધ છે. રઘુનંદન શર્મા 60ના દાયકામાં સંઘ સાથે જોડાયા હતા અને ઘણાં વર્ષો સુધી પ્રચારક રહ્યા હતા. તેઓ ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય અને સાંસદ પણ રહ્યા હતા. તે સિવાય તેમણે પ્રદેશમાં પાર્ટીના સંગઠનમાં ઘણી મહત્ત્વપૂર્ણ જવાબદારીઓ નિભાવી હતી. પ્રદેશના સંગઠન મંત્રી અને ઉપાધ્યક્ષ પણ રહ્યા હતા.

બીબીસી સાથેની વાતચીતમાં તેઓ ગુસ્સામાં દેખાતા હતા. તેમનું કહેવું છે કે મૂળ સિદ્ધાંતોથી હટીને હિન્દુત્વ અને પાર્ટી પર પણ અસર પડી છે. આ જ કારણ છે, તેઓ કહે છે કે ‘એવી નોબત આવી ગઈ છે’ જ્યાં પ્રદેશમાં પાર્ટી માટે સાત નેતાઓને પ્રભારી બનવું પડ્યું છે.

તેઓ કહે છે કે સંઘ અને ભારતીય જનતા પાર્ટી બંનેમાં નિષ્ઠાની કમી સ્પષ્ટ દેખાઈ રહી છે. તેઓ કહે છે કે, “મૂલ્યોની રાજનીતિ તરીકેની અમારી ઓળખ છે. હવે બધું બદલાઈ રહ્યું છે. સ્વયંસેવક પણ સુવિધાભોગી બની રહ્યા છે અને ભાજપના નેતાઓ અને અન્ય રાજકીય પક્ષના નેતાઓમાં મધ્ય પ્રદશમાં તો અંતર કરવું મુશ્કેલ જ થઈ ગયું છે.”

શર્મા કહે છે કે, મધ્ય પ્રદેશમાં રામ વન ગમન પથની પરિયોજના 2007થી બાકી છે.

તેઓ કહે છે કે, “રામના નામના સહારે સરકાર બનાવવામાં આવી, એ જ શ્રીરામને ભૂલી ગયા. જ્યારે કૉંગ્રેસ શાસિત છત્તીસગઢે રામ વન ગમન પથને વિકસિત કરવા માટે ઘણું કામ કર્યું છે. હવે માત્ર નિવેદનબાજીનો સમય છે. મંત્રી અને નેતા કંઈ પણ બોલી રહ્યા છે. તેના કારણે હિન્દુઓમાં પણ પ્રતિષ્ઠા નબળી પડવા લાગી છે.”

રાજકીય વિશ્લેષક ગિરિજાશંકર પણ માને છે કે જે પ્રકારની આક્રમકતા હિન્દુવાદી સંગઠનોના સોશિયલ મીડિયા પર લોકો જોઈ રહ્યા છે, તેનાથી હિન્દુઓ વચ્ચે પણ તેમની છબિ ખરાબ થઈ રહી છે.

તેમનું કહેવું હતું કે, “જે નિવેદનવીર નેતાઓ પર વડા પ્રધાનને નારાજગી વ્યક્ત કરવી પડી છે, તેમનામાં મધ્ય પ્રદેશના જ નેતા પ્રમુખ છે. ભોપાલના સાંસદના એક નિવેદન પર વડા પ્રધાને કહેવું પડ્યું હતું કે, હું તેમને માફ નહીં કરું.”

ઉજ્જૈન સ્થિત ‘મધ્ય પ્રદેશ ઇન્સ્ટિટ્યૂટ ફૉર સોશિયલ સાયન્સ ઍન્ડ રિસર્ચ’ના નિદેશક યતિંદર સિંહ સિસોદિયાને લાગે છે કે તમામ આક્રમકતા સાથે જે હિન્દુત્વના એજન્ડાને લઈને ભારતીય જનતા પક્ષ એટલો બેફિકર રહ્યો છે, હવે તેને પરિસ્થિતિ બદલાતી પણ જોવા મળી રહી છે.

તેઓ માને છે કે, મધ્ય પ્રદેશમાં મુસલમાનો અને ખ્રિસ્તીઓની બહુ વસતી નથી, તેથી વાંધો નથી. માત્ર ભોપાલની બે બેઠકો અને બુરહાનપુર જ છે, જ્યાં મુસલમાનોના મતો મહત્ત્વ ધરાવે છે. આટલી બેઠકોવાળી વિધાનસભામાં રાજકીય પક્ષો માટે તેનું કોઈ ખૂબ મોટું મહત્ત્વ નથી.

સિસોદિયાને લાગે છે કે સત્તાવિરોધી લહેરથી ખાસ ફરક પડવાનો નથી, કારણ કે ઘણા વખત સુધી એક જ વસ્તુ ‘મતદારોને વેચી’ ન શકાય.

તેમની જ વાત આગળ વધારતા ભોપાલના વરિષ્ઠ પત્રકાર અને રાજકીય વિશ્લેષક રાજેશ જોશી કહે છે કે ભાજપને જ્યારે પણ રાજકીય પડકારનો સામનો કરવો પડે છે, ત્યારે તેઓ હિન્દુત્વનું દામન પકડવાનો પ્રયાસ કરે છે.

તેમ છતાં તેઓ કહે છે કે, સંઘના પ્રમુખ મોહન ભાગવતે હિન્દુ હોવાની પરિભાષા ઘણી વાર બતાવી છે.

તેઓ કહે છે કે, "મોહન ભાગવતનું કહેવું છે કે ભારતમાં રહેતા તમામ લોકો હિન્દુ છે. પછી ભલે તે ગમે તે ધર્મના હોય."

જોશીના જણાવ્યા અનુસાર, "મધ્ય પ્રદેશના લોકો શરૂઆતથી જ ધાર્મિક પ્રવૃત્તિના રહ્યા છે. પરંતુ રાજકીય રીતે એટલા સાવચેત નથી, જેવા અન્ય રાજ્યના લોકો છે, તેથી આસ્થાનો ઉપયોગ કરીને પક્ષ રાજકીય લાભ લેતો રહ્યો છે. લોકો એટલા સીધા છે કે જ્યારે આસ્થાનો સવાલ આવે તો બેરોજગારી, મોંઘવારી અને કાયદા વ્યવસ્થા તેમના માટે વધુ મહત્ત્વની નથી રહેતી. તેનો જ ફાયદો નેતાઓ ઉઠાવી રહ્યા છે."

બીબીસી ગુજરાતી

ભાજપની હાર-જીતથી સંઘને આંકી ન શકાય

ભાજપ

ઇમેજ સ્રોત, Getty Images

સંઘના જાણકાર અને લેખક રાજીવ તુલીએ કેરળનું ઉદાહરણ આપતા કહ્યું છે કે એ દક્ષિણ ભારતીય રાજ્યમાં સંઘની સૌથી વધુ સંસ્થાઓ કામ કરી રહી છે, પરંતુ ત્યાં ભાજપની સરકાર નથી અને રાજનીતિમાં તેનો બહુ વધારે પ્રભાવ પણ તેનો નથી.

તેમણે બીબીસીને કહ્યું હતું કે, “સંઘ નબળો છે કે હિન્દુત્વનો ઍજન્ડા નબળો પડી રહ્યો છે, તે ભાજપની જીત કે હાર પર નિર્ભર કરતું નથી. ગુજરાતમાં હિન્દુત્વનું વધુ કામ રહ્યું નથી,પરંતુ ત્યાં ભારતીય જનતા પક્ષના મૂળિયા મજબૂત છે. દિલ્હીનું ઉદાહરણ જ જોઈ લો, જ્યાં છેલ્લાં 24 વર્ષોથી ભાજપની સરકાર નથી, જ્યારે સંઘનું કામ વ્યાપક છે. ભાજપની હાર સંઘના કામોનું રિપોર્ટ કાર્ડ ન હોઈ શકે.”

રાજીવ તુલી માને છે કે ભાજપની જીત અને હાર તેના કામ પર નિર્ભર છે. સંઘ એ જ ઇચ્છે છે કે કોઈ પણ રાજકીય વિચારધારાનો પક્ષ સત્તામાં આવે, હિન્દુઓના મુદ્દાઓને નજરઅંદાજ ન કરે. ભલે તે કોઈ પણ પક્ષ હોય.

હિન્દુત્વ પર સખત વલણ રાખતા સંગઠનો સ્વીકાર નથી કરતા કે તેઓ અલ્પસંખ્યકો વિરુદ્ધ ‘વધુ આક્રમક’ થયા છે. આ પક્ષ માને છે કે તેમના જ ‘કામ અને સમર્પણથી હિન્દુત્વ અને હિન્દુ બચ્યા છે.’

વિશ્વ હિન્દુ પરિષદના રાષ્ટ્રીય પ્રવક્તા અને મધ્ય પ્રદેશના પ્રભારી વિનોદ બંસલ કહે છે કે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના પ્રયાસોથી જ હિન્દુઓમાં ચેતના જાગી છે, નહીં તો તેમનું વ્યાપક ધર્માતરણ થઈ ગયું હોત. તેઓ ગોધનની રક્ષામાં આ સંગઠનોનું ‘મહત્ત્વના યોગદાન’ ની ચિંતા પણ કરે છે.

હિન્દુત્વવાદી સંગઠનોના વધતા હુમલાના આરોપ અંગે તેઓ કહે છે કે,"જે કામ કરશે તેમની પર આરોપો પણ લાગશે. અમે સંસ્કૃતિ અને અસ્મિતા બચાવવાનું કામ કરી રહ્યા છે."

"કોઈ કંઈ પણ આરોપો લગાવે, પરંતુ ગોકશી, લવજેહાદ અને ધર્માતરણ વિરુદ્ધ અમારું વલણ જેવું ભારતમાં છે, તેવું જ મધ્ય પ્રદેશમાં પણ છે."

"જ્યાં સુધી હિંસાની વાત છે, ત્યારે વિશ્વ હિન્દુ પરિષદ કે પછી બજરંગદળ પર આરોપ લાગતા રહ્યા છે, પરંતુ હકીકત એ છે કે હિન્દુ જ હિંસાના વધુ શિકાર બન્યા છે."

બીબીસી ગુજરાતી
બીબીસી ગુજરાતી