ગુજરાત વિધાનસભા ચૂંટણી : ગુજરાતમાં પ્રવાસી મજૂરોનો મુદ્દો ચૂંટણીમાં કેમ ચર્ચાતો નથી અને તેમની સમસ્યાઓ શું છે?

ગુજરાત સરકારે સુપ્રીમ કોર્ટને આપેલી માહિતી અનુસાર, ગુજરાતમાં કોરોના પહેલા 23 લાખ જેટલા પ્રવાસી મજૂરો હતા

ઇમેજ સ્રોત, SAMIRATMAJ MISHRA/BBC

ઇમેજ કૅપ્શન, ગુજરાત સરકારે સુપ્રીમ કોર્ટને આપેલી માહિતી અનુસાર, ગુજરાતમાં કોરોના પહેલા 23 લાખ જેટલા પ્રવાસી મજૂરો હતા
    • લેેખક, લક્ષ્મી પટેલ
    • પદ, બીબીસી ગુજરાતી માટે

ગુજરાતમાં પ્રવાસી મજૂરો અને તેમના પાયાના સવાલો ક્યારેય ચર્ચામાં આવતા નથી કે ન તો તે ચૂંટણી પ્રચારના મુદ્દા બને છે. અનેક પ્રવાસીઓ પેટિયું રળવા ગુજરાતમાં આવે છે અને મજૂરી ન મળે તો પરત પોતાના પ્રદેશમાં જતાં રહે છે. આથી તેમનાં આરોગ્ય, આવાસ, લઘુતમ વેતન સહિતના પાયાના પ્રશ્નોનો ઉકેલ આવતો નથી.

ગુજરાત જ નહીં પણ દેશભરમાં પ્રવાસી મજૂરોને વેઠવી પડેલી હાલાકી મુદ્દે પહેલી વાર વ્યાપક ચર્ચા કોરોના મહામારી વખતે અચાનક લાદવામાં આવેલા લૉકડાઉન દરમિયાન ઊઠી હતી. જોકે બાદમાં એ ચર્ચા ત્યાં જ પૂરી થઈ ગઈ હતી.

લૉકડાઉન વખતે ગુજરાતમાંથી હજારો મજૂરો ચાલતાં પોતાના પ્રાંત તરફ જઈ રહ્યા હતા અને તે વખતે પ્રવાસી મજૂરોનો મુદ્દે સુપ્રીમ કોર્ટમાં પણ ગયો હતો.

ગુજરાત સરકારે સુપ્રીમ કોર્ટને આપેલી માહિતી અનુસાર, ગુજરાતમાં કોરોના પહેલાં 23 લાખ જેટલા પ્રવાસી મજૂરો હતા.

જોકે, હાલની સ્થિતિએ ભારત સરકારની પહેલથી ઇ-શ્રમ પોર્ટલ ઉપર ગુજરાત સહિત દેશભરના સંગઠિત ક્ષેત્રના મજૂરોની નોંધણી થાય છે. જોકે આજે પણ અસંગઠિત ક્ષેત્રના મજૂરોની ક્યાંય નોંધણી થતી નથી અને તેથી હાલમાં ગુજરાતમાં કેટલા પ્રવાસી મજૂરો કામ કરી રહ્યા છે તેનો ચોક્કસ આંકડો મળવો મુશ્કેલ છે.

અલગઅલગ સંગઠનો અલગઅલગ આંકડા રજૂ કરે છે.

મજૂરો દૂરથી આવતા હોવાથી તેમના માલિક સામે અવાજ ઉઠાવી શકતા નથી અને માલિકો વધુ નફો રળવા માટે માપદંડોનું પાલન કરતા નથી

ઇમેજ સ્રોત, SAM PANTHAKY

ઇમેજ કૅપ્શન, મજૂરો દૂરથી આવતા હોવાથી તેમના માલિક સામે અવાજ ઉઠાવી શકતા નથી અને માલિકો વધુ નફો રળવા માટે માપદંડોનું પાલન કરતા નથી

બાંધકામ મજદૂર સંગઠનના સેક્રેટરી વિપુલ પંડ્યા બીબીસી સાથે વાત કરતા કહે છે, "ગુજરાતમાં પ્રવાસી મજૂરો માટે આવાસ, પીવાનું પાણી, ટૉયલેટ, સોશિયલ સિક્યૉરિટી અને લઘુતમ વેતન જેવા મૂળભૂત પાયાના પ્રશ્નો ઠેરના ઠેર છે. આ મુદ્દે સંગઠનો દ્વારા વારંવાર રજૂઆત પણ કરવામાં આવે છે."

"પ્રવાસી મજૂરો માટે આવાસની વ્યવસ્થા હોતી નથી, તેઓ એક નાનકડી ઓરડીમાં 10થી 12 લોકો સાથે રહે છે. તેમના આવાસના સ્થળે સ્વચ્છતાનો પણ ખૂબ જ મોટો પ્રશ્ન હોય છે. મજૂરો માટે પીવાનું સ્વચ્છ પાણી મળતું નથી. શૌચાલય હોતાં નથી અથવા તો બહુ ગંદાં હોય છે."

મજૂરોને કામ પર કાયમી ધોરણે નહીં રખાતા હોવાથી તેમની સામાજિક સુરક્ષા, આર્થિક સુરક્ષાના ખૂબ મોટા પ્રશ્નો છે. બીમાર પડે તો તેઓ તેમની દવાનો ખર્ચ પણ ઉપાડી શકે તેમ હોતા નથી.

વિપુલ પંડ્યાનું કહેવુ છે કે સરકાર એક તરફ અઠવાડિયામાં માત્ર ચાર દિવસ કામ કરીને ઉત્પાદકતા વધારવાની વાત કરે છે, જ્યારે બીજી તરફ મજૂરો પાસે અઠવાડિયાના સાતે દિવસ 12 કલાક કરતાં પણ વધુ સમય કામ કરાવે છે અને તેમને લઘુતમ વેતન પણ ચૂકવાતું નથી.

ગુજરાતમાં કૃષિ ઉદ્યોગ, બાંધકામ, પાવર હાઉસ, હીરા ઉદ્યોગ, જીઆઇડીસી, શિપિંગ વગેરે ઉદ્યોગોમાં પ્રવાસી મજૂરો કામ કરી રહ્યા છે.

અસંગઠિત ક્ષેત્રે લગભગ બે કરોડ જેટલા મજૂરો કામ કરી રહ્યા છે જેમાંથી 70 લાખ જેટલા મજૂરો કૃષિકામ અને 20 લાખ જેટલા મજૂરો બાંધકામ ક્ષેત્ર સાથે સંકળાયેલા છે.

શેરીઓમાં રેકડી ચલાવીને પેટિયું રળતા, કૉમેસ્ટિક, ફિશરીઝ, ગૃહ ઉદ્યોગ, હોટલ બિઝનેસ વગેરે ક્ષેત્રમાં પણ પ્રવાસી મજૂરો કામ કરી રહ્યા છે.

લાઇન

ગુજરાતમાં કયા ક્ષેત્રમાં કયાં રાજ્યોમાંથી મજૂરો આવે છે?

લાઇન

આજીવિકા સંસ્થાના મહેશ ગજેરાના જણાવ્યા અનુસાર:

  • ગુજરાતમાં ચણતર અને પ્લાસ્ટરના મજૂરો રાજસ્થાન અને મધ્યપ્રદેશથી આવે છે
  • પીઓપી અને કલર કામ માટે ઓડિશાના મજૂરો આવે છે
  • સેન્ટિંગ અને પિલરના કામ માટે પશ્ચિમ બંગાળ અને ઓડિશાના મજૂરો આવે છે
  • હોટલ ઉદ્યોગમાં વેઇટર્સ તરીકે કામ કરતા મજૂરો રાજસ્થાની, નેપાળી, ઉત્તરાખંડ અને પશ્ચિમ બંગાળના હોય છે
  • ટેક્સટાઇલ, પ્રોસેસિંગ, કલર અને વૉશિંગનું કામ રાજસ્થાનના બાડમેર અને જાલોર જિલ્લાના મજૂરો કરે છે
  • સિલાઈકામ માટે બિહાર અને ઉત્તરપ્રદેશના મજૂરો આવે છે
  • ઘરઘાટી માટે ડુંગરપુરના મજૂરો આવે છે
  • આઈસ્ક્રીમની લારીમાં જે મજૂરો હોય છે તે રાજસ્થાનના રેલમગારાના હોય છે
  • સુરતમાં પાવરલૂમ ક્ષેત્ર સાથે 8 લાખ માઇગ્રન્ટ વર્કર જોડાયેલા છે જે ઓડિશામાંથી આવે છે
લાઇન

દર અઠવાડિયે બે મજૂરનું અકસ્માતે મૃત્યુ

શ્રમ અધિકારીએ મજૂરોના આરોગ્ય અને સલામતી ન જોખમાય તે માટે તપાસ કરવાની હોય છે પરંતુ તેમના દ્વારા આ પ્રકારનું ચેકિંગ કરવામાં આવતું નથી

ઇમેજ સ્રોત, NURPHOTO/GETTY IMAGES

ઇમેજ કૅપ્શન, શ્રમ અધિકારીએ મજૂરોના આરોગ્ય અને સલામતી ન જોખમાય તે માટે તપાસ કરવાની હોય છે પરંતુ તેમના દ્વારા આ પ્રકારનું ચેકિંગ કરવામાં આવતું નથી

મજૂર અધિકાર મંચના પ્રમુખ અશોક સમ્રાટ બીબીસી ગુજરાતી સાથે વાત કરતા કહે છે, "ગુજરાતમાં રાજસ્થાન, મહારાષ્ટ્ર, ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ, બિહાર, પશ્ચિમ બંગાળ વગેરે રાજ્યમાંથી પ્રવાસી મજૂરો આવે છે. પ્રવાસી મજૂરોને રહેવા માટેની વ્યવસ્થા હોતી નથી."

"તેમને ભાડે મકાન પણ મળતાં નથી અથવા ભાડે મકાન મળે તો તેમને પરવડે તેવાં હોતાં નથી. બીજી તરફ જો તેઓ સાઈટ પર રહે છે તો તેમને નાકાના મજૂર કરતાં 50% ઓછી મજૂરી આપવામાં આવે છે. તેમની પાસે વધુ કામ કરાવવામાં આવે છે. સાઇટ પર તેમની સલામતીની વ્યવસ્થા હોતી નથી. આરોગ્યનું પણ ધ્યાન રાખવામાં આવતું નથી."

તેમના જણાવ્યા અનુસાર, "શ્રમ અધિકારીએ મજૂરોના આરોગ્ય અને સલામતી ન જોખમાય તે માટે તપાસ કરવાની હોય છે પરંતુ તેમના દ્વારા આ પ્રકારનું ચેકિંગ કરવામાં આવતું નથી."

"શ્રમ અધિકારીએ બાંધકામની સાઈટ પર જોવાનું હોય છે કે ત્યાં મજૂરોના સુરક્ષા જળવાય તે રીતે નેટ, બાસ્કેટ, હેલ્મેટ વગેરેનો ઉપયોગ થાય છે કે નહીં. શ્રમ અધિકારીઓ બાંધકામની સાઈટ પર તપાસ કરવા જતા નથી. જેના કારણે અકસ્માતમાં મજૂરોનાં મોત થાય છે."

મજૂરો દૂરથી આવતા હોવાથી તેમના માલિક સામે અવાજ ઉઠાવી શકતા નથી અને માલિકો વધુ નફો રળવા માટે માપદંડોનું પાલન કરતા નથી. પૂરતી સુરક્ષા વ્યવસ્થા ઊભી કરતા નથી. બાંધકામ સાઇટ ઉપર બાળકો માટે પણ કોઈ વ્યવસ્થા કરવામાં આવતી નથી તેવું જાણવા મળ્યું છે.

ઉલ્લેખનીય છે કે અમદાવાદની નિર્માણાધીન 'એસ્પાયર ટુ' બિલ્ડિંગમાં એક લિફ્ટની હોનારતમાં સાત મજૂરોએ જીવ ગુમાવ્યા હતા.

કર્મશીલ વિપુલ પંડ્યાની ગુજરાતનાં પોલીસ સ્ટેશનોમાં કરેલી એક માહિતી અધિકાર અંતર્ગતની અરજીના જવાબમાં તેમને જાણવા મળ્યું છે કે છેલ્લાં પાંચ વર્ષમાં દર અઠવાડિયે બે કામદારોનું જે તે અકસ્માતને કારણે મૃત્યુ નીપજે છે. જો 2017થી 2021માં સમગ્ર ગુજરાતમાં બાંધકામ મજૂરોના અકસ્માતને કારણે થયેલાં મૃત્યુની વાત કરીએ તો કુલ 499 લોકોનાં મૃત્યુ થયાં છે અને 62 લોકોને ગંભીર ઈજાઓ થઈ છે.

જોકે છેલ્લાં 14 વર્ષમાં ગુજરાતમાં ઓછામાં ઓછા 1,285 મજૂરો વિવિધ અકસ્માતોમાં મૃત્યુ પામ્યાં છે અને 500 જેટલા લોકોને ગંભીર ઈજાઓ થઈ છે.

આ વિશે બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં વિપુલ પંડ્યા કહે છે કે, "આ માહિતી મેં વિવિધ પોલીસ સ્ટેશનમાં અરજીઓ કરીને મેળવી છે. ઘણાં પોલીસ સ્ટેશનોએ માહિતી આપી નથી. માટે જો તમામ આંકડા મળે તો મરનાર લોકોની સંખ્યાનો આંકડો હજુ વધારે હોય તેવું બની શકે."

line

સહાયથી પણ વંચિત

મૃત્યુ બાદ પોસ્ટમોર્ટમ કરાવવામાં આવતું નથી તેથી મૃતક શ્રમિકના પરિવારને સરકારી સહાય પણ મળતી નથી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, મૃત્યુ બાદ પોસ્ટમોર્ટમ કરાવવામાં આવતું નથી તેથી મૃતક શ્રમિકના પરિવારને સરકારી સહાય પણ મળતી નથી

અશોક સમ્રાટે વધુમાં જણાવ્યું હતું કે, "આંતર-રાજ્ય સ્થળાંતરિત પ્રવાસી મજૂરોની નોંધણી થતી નથી. જેથી મજૂરોનું અકસ્માતે મોત થાય તો સરકાર દ્વારા શ્રમિક મૃત્યુ પામે તો જે ત્રણ લાખની સહાય આપવામાં આવે છે તે પણ તેમને મળતી નથી."

"ખાનગી માલિકો કોઈ મજૂરનું મૃત્યુ થાય તો તેને ખાનગી હૉસ્પિટલમાં લઈ જાય છે અને મૃત્યુ બાદ તેમનું પોસ્ટમૉર્ટમ કરાવવામાં આવતું નથી. આમ મૃતક શ્રમિકના પરિવારને સરકારી સહાય મળતી નથી."

આજીવિકા સંસ્થાના મહેશ ગજેરાએ બીબીસી ગુજરાતી સાથે વાત કરતા જણાવ્યું હતું, "અહી કામ કરતા પ્રવાસી મજૂરોના પરિવારના કેટલાક સભ્યો તેમના વતન રહેતા હોય છે અને કેટલાક સભ્યો કામ કરવા માટે આવ્યા હોય છે અને પરિવારના સભ્યોનું એક જ રાશનકાર્ડ હોય છે. જેથી તેમને વન નેશન વન રાશનનો લાભ મળતો નથી."

"જો તેઓ કામના સ્થળ પર રાશનનો લાભ લે તો તેમના ગામમાંથી રાશનકાર્ડમાંથી તેમનું નામ નીકળી જાય. આમ તેમને અન્ય યોજનાઓના લાભ લેવામાં પણ તકલીફ ઊભી થાય છે અને તેઓ આ લાભોથી વંચિત રહી જાય છે."

તેઓ ઉમેરે છે કે બાંધકામ ક્ષેત્રમાં કામ કરતાં સ્થળાંતરિત મજૂરો મોટા ભાગના કિસ્સામાં સાઇટ પર રહેતા હોય છે. સાઇટ પર મજૂરો સસ્તા પડે છે. અમદાવાદમાં કડિયાનાકાના મજૂરને દૈનિક 500 રૂપિયા મજૂરી મળે છે, જ્યારે સાઇટ પરના મજૂરને દૈનિક 400 રૂપિયા મજૂરી મળે છે.

ઉપરાંત તેઓ વધુ સમય સુધી કામ કરે છે. રજા માગતા નથી. સંગઠિત થતા નથી. મજૂરોનું ફેક્ટરી કે સાઈટ પર મૃત્યુ થાય અને મૃત્યુ થાય તેવા કેસમાં પણ યોગ્ય વળતર ચૂકવવામાં આવતું નથી.

line

સરકાર શું કહે છે?

શ્રમ મંત્રાલય અનુસાર, ભારત સરકારના ઈ-શ્રમ પોર્ટલ ઉપર છેલ્લા એક વર્ષથી મજૂરોની નોંધણી કરવામાં આવી રહી છે. જોકે, અસંગઠિત સેકટરમાં કામ કરતા મજૂરો અંગે હાલ રાજ્ય પાસે કોઈ આંકડો નથી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, શ્રમ મંત્રાલય અનુસાર, ભારત સરકારના ઈ-શ્રમ પોર્ટલ ઉપર છેલ્લા એક વર્ષથી મજૂરોની નોંધણી કરવામાં આવી રહી છે. જોકે, અસંગઠિત સેકટરમાં કામ કરતા મજૂરો અંગે હાલ રાજ્ય પાસે કોઈ આંકડો નથી

રાજ્ય સરકારના શ્રમ કમિશનર અનુપમ આનંદ બીબીસી ગુજરાતી સાથે વાત કરતા કહે છે, "ભારત સરકારના ઇ-શ્રમ પોર્ટલ ઉપર છેલ્લા એક વર્ષથી મજૂરોની નોંધણી કરવામાં આવી રહી છે. તેમાં મજૂરોના આધાર કાર્ડ, મોબાઈલ નંબર તેમજ તેમના વતનની માહિતી એકત્ર કરવામાં આવે છે. જોકે, અસંગઠિત સેકટરમાં કામ કરતા મજૂરો અંગે હાલ રાજ્ય પાસે કોઈ આંકડો નથી."

તેઓ પ્રવાસી મજૂરોના આવાસના પ્રશ્ન અંગે વાત કરતા કહે છે, "પ્રવાસી મજૂરો માટે હોસ્ટેલ બનાવવા માટે સરકાર દ્વારા જીઆઇડીસીને મદદ કરવામાં આવશે. ત્યાર બાદ જીઆઇડીસીએ આ હોસ્ટલો ચલાવવાની રહેશે. અમારા અધિકારી મજૂરોની ફરિયાદનું સ્થળ પર જ નિરાકરણ લાવશે. આ માટે એક સરળ મોબાઈલ ઍપ્લિકેશન પણ બનાવવામાં આવી છે."

રાજકીય વિશ્લેષક હરિ દેસાઈ ચૂંટણીમાં પ્રવાસી શ્રમિકોના મુદ્દા ક્યારેય ન ચર્ચાતા હોવા પાછળ પ્રવાસી શ્રમિકો અસંગઠિત હોવાનું કારણ આપે છે. તેઓ કહે છે, "ગુજરાતમાં જુદાં જુદાં ક્ષેત્રોમાં કામ કરતા શ્રમિકો અસંગઠિત છે. આથી ક્યારેય તેમની સમસ્યાઓ કે મુદ્દા એક મંચ પરથી સરકાર સુધી પહોંચતા નથી અને સરકાર પણ તેમને પોતાની વોટબૅન્ક તરીકે ગણતી નથી."

લાઇન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો

લાઇન