વડા પ્રધાન મોદીના નેતૃત્વવાળા 'એનડીએ' પર 'ઇન્ડિયા' કેટલું ભારે પડશે?

ઇમેજ સ્રોત, TWITTER/@KHARGE
- લેેખક, ઈમરાન કુરેશી
- પદ, બીબીસી માટે
કૉંગ્રેસે મંગળવારે બૅંગલુરુમાં વિપક્ષી પાર્ટીઓની બેઠકનું આયોજન કર્યું અને આ દરમિયાન નિર્ણય લેવાયો કે તેમના ‘મહાગઠબંધન’નું નામ ‘ઇન્ડિયન નેશનલ ડેવલપમૅન્ટ ઇન્ક્લુસિવ અલાયન્સ’ એટલે કે INDIA રહેશે.
ભાજપના નેતૃત્વવાળા રાષ્ટ્રીય જનતાંત્રિક ગઠબંધન એટલે કે NDA વિરુદ્ધ તેને ‘વિપક્ષી એકતા’નું મહત્ત્વનું પગલું મનાઈ રહ્યું છે. બૅંગલુરુમાં 26 વિપક્ષો સાથે આવવાના નિર્ણયને રાજકીય વિશ્લેષકો એક સકારાત્મક પગલું માને છે.
જોકે, તેમનું કહેવું છે કે આ એક સારી શરૂઆત જરૂર છે, પણ હજી પણ ‘ઘણા બધા જીન’ બહાર આવવાના બાકી છે, જે 2024ની લોકસભાની ચૂંટણી શરૂ થતાં પહેલાં થશે.
દિલ્હીમાં રહેતા વરિષ્ઠ રાજકીય વિશ્લેષક આનંદ સહાય બીબીસીને કહે છે કે “પટના બાદ બૅંગલુરુમાં બીજી બેઠક માટે સાથે આવતાંની સાથે જ ગઠબંધનનું નામ કૉ-ઑર્ડિનેશન પૅનલ નક્કી કરવું એ એ વાતનો સંકેત છે કે તેઓ આ બાબતને લઈને ઘણા ગંભીર છે. એ તેમને કેટલા એક રાખશે એ તો હમણાં ખબર નથી, પરંતુ એકતાની કોશિશ સ્પષ્ટ દેખાય છે. સરખામણીમાં ભાજપના નેતૃત્વવાળા એનડીએમાં વિખવાદ દેખાય છે. આ જ બાબત દર્શાવે છે કે INDIA ધ્યેયવાળું ગઠબંધન છે.”

ઇમેજ સ્રોત, TWITTER/@KHARGE
જોકે ઘણા રાજકીય વિશ્લેષક આ વાતથી સહમત નથી. રાજકીય વિશ્લેષક ડૉ. સંદીપ શાસ્ત્રી બીબીસી હિન્દીને કહે છે કે આ એક સારી શરૂઆત છે, પણ આના પર ટકી રહેવું મહત્ત્વનું છે.
અન્ય વરિષ્ઠ રાજકીય વિશ્લેષક રાધિકા રામાસેશને બીબીસીને જણાવ્યું કે “અગાઉ કોઈ પણ સમયે લોકસભાની ચૂંટણી પહેલાં કોઈ નામ સામે નહોતું મુકાતું. રાહુલ ગાંધીએ બહુ ચતુરાઈથી ઇન્ડિયા અને ભારતને એકબીજાની સામે મૂકી દીધા, અને ઇન્ડિયા અને ભારતની વચ્ચે એ વિરોધાભાસને દૂર કરી દીધો છે, જેના પર આરએસએસ/ભાજપ હંમેશાં અભિયાન ચલાવતો હતો. પણ ચર્ચાના કેન્દ્રમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી છે.”
બૅંગલુરુમાં વિપક્ષોની બેઠકમાં 26 પક્ષ ઉપસ્થિત રહ્યા, જ્યારે ગયા મહિને પટનામાં 16 પક્ષોએ ભાગ લીધો હતો. આમ આદમી પાર્ટી પટનામાં સંવાદદાતા સંમેલનમાં સામેલ નહોતી થઈ, કારણ કે કૉંગ્રેસે દિલ્હી સાથે જોડાયેલા વિવાદાસ્પદ અધ્યાદેશનું સમર્થન નહોતું કર્યું.
કૉંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ અન્ય વિપક્ષોની ઉપસ્થિતિમાં સંવાદદાતા સંમેલનમાં કહ્યું કે “કેટલાક મતભેદો છે પણ અમે તેને બાજુમાં રાખ્યા છે” અને અમે મુંબઈમાં એક સમન્વય પૅનલ અને દિલ્હીમાં એક સચિવાલય સ્થાપિત કરવાની યોજના પર આગળ વધી રહ્યા છીએ. પશ્ચિમ બંગાળનાં મુખ્ય મંત્રી મમતા બેનરજીએ સંયુક્ત કૅમ્પેનની સલાહ આપી હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર

ઇમેજ સ્રોત, @INCIndia
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
કર્ણાટકના મુખ્ય મંત્રી સિદ્ધારમૈયા તરફથી આયોજિત ડિનરમાં પશ્ચિમ બંગાળનાં મુખ્ય મંત્રી અને કૉંગ્રેસનાં નેતા સોનિયા ગાંધી વચ્ચે હૂંફ સ્પષ્ટ દેખાઈ. બન્ને એકબીજાં સાથે સામસામે બેસીને વાત કરી રહ્યાં હતાં. આ ઉષ્મા ત્યારે વધુ સ્પષ્ટ થઈ જ્યારે રાહુલ ગાંધીએ સૂચન કર્યું કે ગઠબંધનનું નામ ‘ઇન્ડિયા’ મમતા બેનરજી રજૂ કરે.
એ વાતને લઈને મતભેદ હતો કે ગઠબંધનનું નામ ડેમૉક્રેટિક (લોકતાંત્રિક) રખાય કે ‘ડેવલપમૅન્ટ’ રખાય.
ડાબેરી પક્ષના નેતાઓએ કંઈક અલગ સૂચનો પણ કર્યાં. અને એ પણ કહેવાઈ રહ્યું હતું કે નીતીશકુમારે સવાલ ઉઠાવ્યો હતો કે ‘ઇન્ડિયા’ નામ રાખવું યોગ્ય રહેશે કે નહીં.
જોકે, કોઈ પણ પ્રકારના ગણગણાટ વગર નામ પર સહમતી થઈ ગઈ. મમતા બેનરજીએ એમ કહેતાં તેને રજૂ કર્યું કે ‘એનડીએ ઇન્ડિયા સામે પણ ટકરાઈ શકે છે?’
ખડગેએ સ્પષ્ટતા કરતા એ વાતને આગળ વધારી કે કૉંગ્રેસને સત્તા હાંસલ કરવામાં રસ નથી. પણ સામાજિક ન્યાય અને સંવિધાનની સુરક્ષા કરવામાં છે.
ખડગેના ભાષણની ઝલક સંમેલન બાદના પ્રસ્તાવમાં પણ દેખાઈ, જ્યારે કહેવાયું કે ગઠબંધન જાતિ મુજબ વસ્તીગણતરીને લાગુ કરશે.
ગઠબંધનમાં બેઠકોની વહેંચણી સૌથી મોટો મુદ્દો છે અને દિલ્હીના મુખ્ય મંત્રી અરવિંદ કેજરીવાલે આ મુદ્દો ઉઠાવ્યો હતો. જોકે, તેના પર વધુ ચર્ચા ન થઈ.
રાહુલ ગાંધીએ એ વાત પર ભાર મૂક્યો કે આ વૈચારિક લડાઈ છે અને એ મનાઈ રહ્યું છે કે આ વાતથી બેઠક સહજ થઈ ગઈ.
પ્રેસ કૉન્ફરન્સને રાહુલ ગાંધી, મલ્લિકાર્જુન ખડગે, મમતા બેનરજી અને અરવિંદ કેજરીવાલે સંબોધિત કરી. બિહારના મુખ્ય મંત્રી નીતીશકુમાર અને તામિલનાડુના મુખ્યમંત્રી એમકે સ્ટાલિન આ બેઠકમાં સામેલ ન થયા. કહેવાઈ રહ્યું છે કે ફ્લાઇટ પકડવા માટે તેમને વહેલાં નીકળવું પડ્યું હતું.

અનેક સવાલોના જવાબ મળવાના બાકી

ઇમેજ સ્રોત, @INC
ડૉક્ટર શાસ્ત્રી કહે છે કે “મને લાગે છે કે ‘ઇન્ડિયા’એ યોગ્ય રાજકીય હલચલ ઊભી કરી છે. પરંતુ તેની સાથે જોડાયેલા અનેક સવાલ બાકી છે. તમે બેઠકોની વહેંચણી માટે અલગઅલગ રાજ્યોમાં થનારી પ્રતિસ્પર્ધાનો ઉકેલ કેવી રીતે લાવશો? આ સૌથી પહેલી જટિલતા છે. સંયુક્ત કૅમ્પેનનું મમતા બેનરજીનું સૂચન ઘણું આકર્ષક લાગે છે. પણ શું વાસ્તવિક રીતે તે બધા જ અહંકારનો સામનો કરી શકે છે?”

ઇમેજ સ્રોત, @INCIndia
ડૉ. શાસ્ત્રી રાધિકા રામાસેશન સાથે સહમત છે કે "એક સામાન્ય ઍજન્ડા ભાજપનો વિરોધ છે."
શાસ્ત્રીએ કહ્યું કે પ્રતિસ્પર્ધા નેતૃત્વની જગ્યાએ પ્રાથમિકતા અને નીતિઓને લઈને થવી જોઈએ.
રામાસેશન કહે છે કે ભાજપ સ્પષ્ટપણે કહી રહ્યો છે કે તે ઇચ્છે છે કે આ ચર્ચા નેતૃત્વ પર થાય. પણ રામાસેશન આશ્ચર્ય દર્શાવે છે કે શું આ મોદી પર ધ્યાન કેન્દ્રિત કરવું વિપક્ષોની “સમજીને વિચારેલી રણનીતિ” છે.
વડા પ્રધાન મોદીની લોકપ્રિયતા

ઇમેજ સ્રોત, ANI
રામાસેશન કહે છે "એ વાત સાચી છે કે મોદીની લોકપ્રિયતા 2014 જેવી નથી. પણ આ અભિયાનમાં ફરીથી મોદીને પડકાર નહીં માનવામાં આવે. હવે સમય આવી ગયો છે કે તેઓ એક વૈકલ્પિક ઍજન્ડા અંગે વિચારે કે પીવાનું પાણી, શિક્ષણ વગેરે જેવી જીવન જરૂરિયાતની પાયાની સુવિધાઓ પહોંચાડવા માટે ગઠબંધન શું વિચારે છે."
પણ સહાયનું કહેવું છે કે અગાઉનાં ચૂંટણી પરિણામોએ એ સ્પષ્ટ કરી દીધુ છે કે કેવી રીતે મોદી પશ્ચિમ બંગાળમાં ન તો મમતાની તૃણમૂલ કૉંગ્રેસ વિરુદ્ધ સફળ થઈ શક્યા અને ન તો કર્ણાટકમાં.

ઇમેજ સ્રોત, @INCIndia
તેઓ કહે છે “તેથી સ્વાભાવિક રીતે તેઓ અલગઅલગ રાજ્યોમાં અલગ મુખ્ય ખેલાડી છે. જેમ કે રાજસ્થાન, છત્તીસગઢ કે મધ્યપ્રદેશમાં કૉંગ્રેસ ભાજપ વિરુદ્ધ છે. તેથી બેઠકોની વહેંચણી એ આધાર પર નક્કી કરાશે કે મુખ્ય ખેલાડી કોણ છે. પણ ભાજપની બેઠકો પર નજર કરીએ તો જો ચાર નેતા છે તો ચાર જૂથ પણ છે.”
સહાય મુજબ “અમેરિકાના જો બાઇડન અને ફ્રાન્સના મેક્રોની દૃષ્ટિને છોડી દઈએ તો મોદીની લોકપ્રિયતા પણ ઓછી થઈ છે. તેઓ મોદીને નહીં પણ ભારતને પસંદ કરે છે, કારણ કે ભારત હથિયારોનો સૌથી મોટો ખરીદદાર છે.”

રામાસેશને એ પણ કહ્યું કે વિપક્ષોને “ભ્રષ્ટાચાર નામના પ્રાણી સામે લડવું પડશે. વિપક્ષના અનેક નેતા આરોપોનો સામનો કરી રહ્યા છે અને કેટલાક જામીન પર છે. વિપક્ષે એ વાત પર ધ્યાન આપવું પડશે કે ભ્રષ્ટાચાર એક મોટો મુદ્દો છે. એક નામ નક્કી કરી લેવાથી અને ગઠબંધન બનાવી લેવાથી કામ પૂરું નહીં થઈ જાય.”
સહાયનું કહેવું છે કે મંગળવારની શરૂઆત મોદીની રાજકીય પક્ષોની ટીકાથી થઈ, જેની અપેક્ષા હતી. તેઓ એવા લોકો સાથે વાત કરી રહ્યા હતા જેઓ જવાબ આપવાની સ્થિતિમાં ન હતા. તેમણે કોઈ નવો મુદ્દો નથી ઉઠાવ્યો.
"આ ગુસ્સાની નિશાની છે. આપણે એ ન ભૂલવું જોઈએ કે તેઓ હંમેશાં કહેતા હતા કે વિપક્ષ એકસાથે નહીં આવી શકે. હવે જ્યારે તેમણે આ કરી દીધું છે તો એ વાતને માની લેવી જોઈએ કે ભાજપ બૅકફૂટ પર છે."














