2024થી પહેલાં ભાજપ નાના પક્ષોને એનડીએમાં કેમ સામેલ કરી રહ્યો છે?

નરેન્દ્ર મોદી

ઇમેજ સ્રોત, @BJP4INDIA/Twitter

    • લેેખક, કીર્તિ દુબે
    • પદ, બીબીસી સંવાદદાતા

ભાજપના નેતૃત્ત્વવાળા રાષ્ટ્રીય લોકતાંત્રિક ગઠબંધન એટલે કે એનડીએની દિલ્હીમાં બેઠક થઈ.

ભાજપ અધ્યક્ષ જે.પી.નડ્ડાએ કહ્યું કે એનડીએની આ બેઠકમાં 38 પક્ષોએ હાજરીની પુષ્ટિ કરી હતી.

આ બેઠકની અધ્યક્ષતા ભાજપના અધ્યક્ષ જે.પી.નડ્ડા કરી રહ્યા છે અને તેમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી પણ સામેલ છે.

ભાજપની આ બેઠક માતરફતે નવી પાર્ટીઓ સાથે પોતાનું ગઠબંધન બનાવવાની તકો શોધશે. બેઠકમાં એ પક્ષ તો સામેલ થઈ જ રહ્યા છે, જે એનડીઓનો ભાગ છે પરંતુ કેટલાક એવા પણ પક્ષ પણ આવી રહ્યા છે જેઓ એનડીએનો ભાગ નથી.

બેઠકના એક દિવસ પહેલાં એનડીએમાં ચિરાગ પાસવાનની ઍન્ટ્રી થઈ ગઈ છે. રામવિલાસ પાસવાનના નિધન બાદ એલજેપીમાં વિભાજન થઈ ગયું હતું.

ચિરાગ પાસવાન સિવાય બિહારથી આ બેઠકમાં રાષ્ટ્રીય લોક સમતા પાર્ટીના ઉપેન્દ્ર કુશવાહા, વિકાસશીલ ઇન્સાન પાર્ટીના મુકેશ સાહની અને હમ પાર્ટીના જીતન રામ માંઝી સામેલ થશે.

એનડીએમાં સામેલ થયેલ એનસીપીનું અજિત પવાર જૂથ પણ આ બેઠકમાં સામેલ થશે.

ગ્રે લાઇન

બદલાયેલા એનડીએમાં નાના પક્ષોની જગ્યા

નરેન્દ્ર મોદી

ઇમેજ સ્રોત, Getty Images

વર્ષ 1998માં જ્યારે એનડીએ બન્યું હતું, તો તેમાં 24 પાર્ટીઓ સામેલ હતી. પરંતુ એ સમયના અને આજના એનડીએમાં ઘણો બદલાવ આવી ચૂક્યો છે. આજે ભાજપ સાથે શિવસેના (અવિભાજિત), જનતા દળ યુનાઇટેડ, અકાલી દળ જેવા તેમના સહયોગી રહેલા પક્ષો સાથે નથી.

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

એવામાં આગામી વર્ષે થનારી લોકસભા ચૂંટણી પહેલાં ભાજપ એનડીએને એક વાર ફરી બનાવવા અને એનું વિસ્તરણ કરવામાં એકજૂથ થઈ ગયું છે.

ભાજપની હાલની કોશિશ ઉત્તર પ્રદેશમાં રંગ લાવી જ્યાં પૂર્વાંચલની રાજનીતિમાં મોટું નામ એવા ઓમ પ્રકાશ રાજભરે લોકસભા ચૂંટણી પહેલાં એક વાર ફરી વલણ બદલી લીધું છે અને હવે તેઓ ફરીથી એનડીએમાં સામેલ થઈ ચૂક્યા છે.

રાજભાર દલિતોના એવા નેતા છે જેમનું કદ ઉત્તર પ્રદેશના પૂર્વીય વિસ્તારોની રાજનીતિમાં ઘણું મોટું છે. આવા જ વિસ્તારમાં નિષાદોના મોટા નેતા સંજય નિષાદ પહેલાંથી જ એનડીએનો ભાગ છે.

4 વર્ષ પહેલાં ઓમ પ્રકાશ રાજભરની પાર્ટી સેહેલદેવ ભારતીય સમાજ પાર્ટીએ એનડીએ સાથે છેડો ફાડી લીધો હતો પરંતુ લોકસભા ચૂંટણી પહેલાં ભાજપ આ જૂના સાથીને મનાવવામાં સફળ રહ્યો હતો.

ઓમ પ્રકાશ રાજભરની એનડીએમાં ઍન્ટ્રી ન માત્ર એ બતાવે છે કે જાતીય સમીકરણની રાજનીતિમાં તેઓ કેટલો દમ રાખે છે પરંતુ એ પમ માલૂમ પડે છે કે કેવી રીતે ભાજપ નાના નાના પક્ષોને પોતાની નજીક લાવવામાં જોતરાઈ છે.

જાણકારો માને છે કે ભાજપ નાની ક્ષેત્રપી પાર્ટીઓને આવનારી ચૂંટણીમાં સાધવાની કોશિશ કરી રહ્યો છે. કર્ણાટકમાં થયેલી હાર પછી ભાજપ એ સમજી ચૂક્યો છે કે તેને પક્ષોના સાથની જરૂર છે.

ખાસ કરીને દક્ષિણમાં જ્યાં ભાજપ ઉત્તર ભારતની સરખામણીએ નબળો છે અને ક્ષેત્રીય દળ ઘણા મજબૂત છે.

દક્ષિણમાં 130 લોકસભા બેઠકો છે. અહીં ભાજપની મુખ્ય સહયોગી પાર્ટી એઆઈએડીએમકે છે જેણે 2019ની લોકસભા ચૂંટણીમાં તામિલનાડુમાં 39 બેઠકો જીતી હતી. સમાચાર એવા પણ છે કે તેલંગણામાં ભાજપ અને ટીડીપી વચ્ચે ગઠબંધનને લઈને વાતચીત ચાલી રહી છે.

ભાજપે ગત લોકસભા ચૂંટણીમાં ખુદના દમ પર 303 બેઠકો જીતી હતી. ભાજપનો વોટ શેર 37 ટકા હતો. એવામાં તેને આખરે ગઠબંધનની જરૂર કેમ છે?

વરિષ્ઠ પત્રકાર નીરજા ચૌધરી આ સવાલનો જવાબ આપતા કહે છે, "ભાજપ આજે પણ એ સ્થિતિમાં નજરે પડે છે કે તે સરકાર બનાવી શકે છે પરંતુ સૌથી મહત્ત્વની વાત એ છે કે વિપક્ષ જે રીતે એકજૂથ થઈ રહ્યો છે તેને જોઈને ભાજપ એનડીએનું વર્ચ્યુઅલ પુનર્ગઠન કરી રહ્યો છે."

"ભાજપ કોઈ જોખમ લેવા નથી માગતો. તેને ખબર છે કે નરેન્દ્ર મોદી જેટલી લોકપ્રિયતાવાળા નેતા દેશમાં કોઈ બીજા નથી છતાં પણ તેઓ તમામ નાના પક્ષોને દિલ્હીની બેઠકમાં બોલાવી રહ્યો છે. તેમાંથી કેટલાક પાર્ટીઓ પાસે લોકસભામાં એક-બે બેઠકો છે અથવા કેટલાક પાસે એક પણ બેઠક નથી."

"ભાજપનું કહેવું છે કે 38 પક્ષો તેની ડિનર મિટિંગમાં સામેલ થઈ રહી હતી. પટનામાં બેઠક પછી ભાજપે ગતિવિધિ તેજ કરી દીધી. રાજનીતિ દૃષ્ટિકોણનો ખેલ છે. એ સંદેશ આપવો મહત્ત્વનો છે કે કોઈ પાસે કેટલા પક્ષો છે."

"ભાજપ માટે એનડીએ સાથે નવા પક્ષોને જોડવાની સાથે સાથે એ પણ સંદેશ આપવો મહત્ત્વ છે કે જો વિપક્ષની બેઠકમાં 26 દળ સામેલ થયા છે, તો ભાજપની બેઠકમાં 38 પક્ષો આવી રહ્યા છે."

ગ્રે લાઇન

નાના પક્ષો ભાજપ પાસે કેમ આવી રહ્યા છે?

અમિત શાહ

ઇમેજ સ્રોત, Getty Images

જોકે કેટલાંક રાજ્યોમાં ભાજપ એકલા લડવા માગે છે. જેમ કે હરિયાણામાં. અહીં અમિત શાહે રેલીમાં કહ્યું હતું કે 10 બેઠકો ભાજપને આપો.

અહીં મનોહરલાલ ખટ્ટરની સરકાર જનનાયક જનતા પાર્ટી સાથે ગઠબંધનમાં છે. પરંતુ અટકળો છે કે લોકસભા ચૂંટણી બે પાર્ટી અલગ અલગ લડી શકે છે.

કર્ણાટકમાં જેડીએસ ભાજપ સાથે લોકસભા ચૂંટણી લડી શકે છે.

ઉત્તર પ્રદેશ અને બિહારમાં કેટલાક પક્ષો એવા છે જેમાં લોકસભા ચૂંટણી એનડીએના સાથી તરીકે લડ્યા પરંતુ રાજ્યની વિધાનસભા ચૂંટણીમાં તે વિપક્ષી દળમાં બન્યા અથવા ચૂંટણી પછી જૂથ બદલી લીધું. જેડીયુ અને એલજેપી એનું ઉદાહરણ છે.

લોકનીતિ-સીએસડીએસના ડિરેક્ટર સંજયકુમાર કહે છે, "એ સમજવું પડશે કે જે પક્ષો ભાજપથી દૂર ગયા એ કોઈ વિચારધારાના લીધે નથી ગયા. ઓમપ્રકાશ રાજભરની વાત કરે તો તેમણે ઉત્તર પ્રદેશમાં વિધાનસભા ચૂંટણી પહેલા એનડીએ એ વિચારીને છોડ્યું હશે કે અખિલેશ યાદવે ચૂંટણી જીતવા પર તેમને કોઈ મહત્ત્વનું પદ મળી જાય."

"વિધાનસભા ચૂંટણીમાં ક્ષેત્રીય પાર્ટીઓનું અલગ થવું સામાન્ય વાત છે કેમ કે વિધાનસભામાં બેઠક વધુ હોય છે અને તેમાં જાતિ તથા ઓળખની રાજનીતિ કરતી પાર્ટીઓ માટે જીતવાની તક વધુ હોય છે."

"30 વર્ષનો ઇતિહાસ જોઈએ તો માલૂમ પડે છે કે વિધાનસભા ચૂંટણીમાં ક્ષેત્રીય પાર્ટીઓનો વોટ શેર વધ્યો છે અને લોકસભા ચૂંટણીમાં આ જ પાર્ટીઓનો વોટ શેર ઘટે છે."

રાજકીય વિશ્લેષક એ પણ કહે છે કે ગત બે ચૂંટણીઓમાં જોવામાં આવ્યું છે કે જનતા નરેન્દ્ર મોદીના નામ પર વોટ માગે છે અને તેમની લોકપ્રિયતામાં કોઈ મોટો બદલાવ નથી આવ્યો. એવામાં ક્ષેત્રીય પાર્ટી પણ આ વાતને સમજીને એનડીએમાં જાય છે.

ગ્રે લાઇન

‘નાના પક્ષોને કંટ્રોલ કરવું ભાજપ માટે સરળ’

મોદી અને અપના દલના નેતા અનુપ્રિયા પટેલ

ઇમેજ સ્રોત, Getty Images

આ વર્ષે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ભાજપ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે બેઠક કરી હતી, આ બેઠકમાં એક ખાસ સંદેશ આપવામાં આવ્યો કે ક્ષેત્રીય દળો વચ્ચો ભાજપને લઈને એક ધારણા બની રહી છે કે આ પાર્ટીઓને ભાજપ તેના સાથી પક્ષ તરીકે જોડવા ઇચ્છુક નથી. આ ધારણાને તોડવી પડશે.

વર્ષ 2014થી અત્યાર સુધી એનડીએથી જે રીતે જૂના અને મોટા પક્ષો દૂર થયા છે તે જોતા એવું લાગે કે ક્ષેત્રીય પક્ષોના આ વિચાર પાછળનો તર્ક સમજી શકાય છે.

વર્ષ 2014થી અત્યાર સુધી એનડીએમાંથી શિરોમણી અકાલી દળ, તેલુગુ દેશમ પાર્ટી, શિવસેના (એકજૂથ) અને જેડીયુ અલગ થઈ ચૂકી છે.

નીરજા ચૌધરી કહે છે, "ભાજપના સંદર્ભમાં નાના પક્ષોને એક ડર છે કે જો તેઓ પોતાના દમ પર વધુ બેઠકો લાવી દેશે તો તેને આ પક્ષોની જરૂર નહીં રહે. ભૂતકાળમાં તમામે જોયું છે કે પોતાના જૂના અને ઘનિષ્ઠ સાથીને પણ તેણે સાથે રાખવાની કોશિશ નથી કરી."

"ભાજપ પાસે નાના પક્ષોને જોડવા મામલેનો એક મોટો ફાયદો એ છે કે નાના પક્ષોને કંટ્રોલ કરવું સરળ છે. જ્યારે બદલામાં આ પક્ષોને રાષ્ટ્રીય પ્લેટફૉર્મ મળે છે."

સંજય કુમાર પણ એ માને છે કે એ સમજવું પડશે કે આ ગઠબંધન જે થઈ રહ્યું છે અથવા થવા જઈ રહ્યું છે તે વિચારધારાનું ગઠબંધન નથી પણ તકને ધ્યાને લઈને કરવામાં આવી રહ્યું છે. એટલે જે આપણને જોવા મળે છે કે કઈ રીતે પક્ષો સહયોગી બદલી લે છે. આ 90નો દાયકો નથી કે જેમાં વૈચારિક સ્તર પર ગઠબંધન કરવામાં આવતા હતા.

રાજકીય સમીકરણ ઝડપથી બદલાઈ રહ્યા છે. વિપક્ષે પટના અને બેંગ્લુરૂમાં થયેલી બેઠકે ભાજપમાં હલચલ મચાવી દીધી છે.

રાજકીય જાણકાર માને છે કે ભાજપ માટે ચૂંટણી જીતવું હજુ સુધી તો ઘણું મુશ્કેલ નથી લાગી રહ્યું પરંતુ તેના માટે પડકાર એ છે કે તે બેઠકો ન ઘટે.

નીરજા કહે છે, "જો ભાજપની 40-50 બેઠકો ઓછી થઈ જાય છે, તો તેમાં દેશની તમામ સંસ્થાઓમાં એ સંદેશ જાય છે કે ભાજપને લઈને હવે એ માહોલ નથી રહ્યો જે 2014થી 2019ની ચૂંટણીમાં હતો. ભાજપ આવું થવાના જોખમને ઓછું કરવા માટે પૂરજોર કોશિશ કરી રહ્યો છે."

"વિપક્ષ માટે આ લોકસભા ચૂંટણી કરો અથવા મરોવાળી સ્થિતિ છે કેમ કે જો ત્રીજા વખત ભાજપ સત્તામાં આવશે, તો પાર્ટી ખતમ થવાના આરે આવી જશે."

ગ્રે લાઇન

‘કટ્ટર ભ્રષ્ટાચારી સંમેલન’

નરેન્દ્ર મોદી

ઇમેજ સ્રોત, @MEAINDIA

બૅંગલુરુમાં વિપક્ષની 26 પાર્ટીઓની બે દિવસની બેઠક થઈ હતી જેમાં INDIA નામના નવા ગઠબંધનનું એલાન કરાવમાં આવ્યું.

ત્યારે વિપક્ષના સંમેલન વિશે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું, “લોકો આ સંમેલનને કટ્ટર ભ્રષ્ટાચારી સંમેલન તરીકે જુએ છે. આ પક્ષો એકબીજાનો ભ્રષ્ટાચાર ઉઘાડો પડે ત્યારે તેઓ એકબીજાને ઢાંકે છે.”

આંદામાન અને નિકોબાર ટાપુના પોર્ટ બ્લેર ખાતે નવા વીર સાવરકર આંતરરાષ્ટ્રીય હવાઈમથકના નવા ઇન્ટિગ્રેટેડ ટર્મિનલ બિલ્ડિંગના ઉદ્ધાટન પ્રસંગે પીએમ મોદી સંબોધન કરી રહ્યા હતા.

તેમણે વિપક્ષી દળો માટે ‘જમાત’ અને ‘કુનબો’ શબ્દ વાપરીને કટાક્ષ કર્યો હતો.

તેમણે વિપક્ષના સંમેલન વિશે કહ્યું, “(વિપક્ષ)ની બેઠકની વિશેષતા એ છે કે, જો કોઈ કરોડો રૂપિયાના ભ્રષ્ટાચારના કેસમાં જામીન પર બહાર હોય, તો તેને ખૂબ જ સન્માન આપવામાં આવે છે. જો આખોય પરિવાર જામીન પર હોય તો તેનું એથીય વધુ સન્માન થાય છે. જો કોઈ સમુદાયની મજાક ઉડાવે અથવા અપમાન કરે અને કોર્ટ તેને સજા આપે, તો તેનું પણ સન્માન થાય છે.”

“આ લોકોને એક જ ફ્રેમમાં જુઓ એટલે વિચાર એક જ આવે કે – હજારો કરોડનો ભ્રષ્ટાચાર.”

“લોકશાહીનો મંત્ર છે, લોકોનું, લોકો માટે, લોકો દ્વારા. પણ પરિવારવાદની રાજનીતિ કરતી પાર્ટીઓનો મંત્ર છે, પરિવારનું, પરિવાર માટે, પરિવાર દ્વારા. પહેલા પરિવાર પછી દેશે. તેમની દુકાનો પર જાતિવાદનું ઝેર અને અત્યંત ભ્રષ્ટાચારની ગેરંટી છે. હવે એ લોકો બેંગ્લુરુમાં ભેગા થયા છે.”

રેડ લાઇન
રેડ લાઇન