વિપક્ષની એકતાના તોડ માટે મોદી કઈ યોજના અપનાવી રહ્યા છે અને કૉંગ્રેસ-અન્ય દળો શું કરશે?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, દીપક મંડલ
- પદ, બીબીસી સંવાદદાતા
ઓમપ્રકાશ રાજભરની સુહેલદેવ ભારતીય સમાજ પાર્ટીએ એનડીએમાં સામેલ થવાનું એલાન કર્યું છે.
સુહેલદેવ ભારતીય સમાજ પાર્ટીનો મોટો જનાધાર પૂર્વ ઉત્તર પ્રદેશમાં છે. આ પાર્ટીને ઉત્તર પ્રદેશમાં રાજભર સમુદાયનું સમર્થન હાંસલ છે, જે રાજ્યની કુલ વસતિના ચાર ટકા છે.
રાજભર વર્ષ 2017માં બનેલી યોગી સરકારમાં કૅબિનેટ મંત્રી હતા પરંતુ ઉપેક્ષાના આરોપ લગાવીને તેમણે રાજીનામું આપી દીધું હતું. વર્ષ 2022ની વિધાનસભાની ચૂંટણીમાં તેઓ સમાજવાદી પાર્ટી સાથે મળીને લડ્યા હતા.
રાજભર સિવાય ઘોસીના સમાજવાદી પાર્ટીના દારાસિંહ ચૌહાણે પણ ભાજપ સાથે જવાના સંકેત આપ્યા છે. હવે તેમણે ધારાસભ્યપદેથી રાજીનામું આપી દીધું છે.
તેમણે દિલ્હીમાં ગૃહમંત્રી અમિત શાહ સાથે મુલાકાત કરી છે. એવું મનાય છે કે તેઓ ટૂંક સમયમાં જ ભાજપમાં સામેલ થવાનું એલાન કરી શકે છે.

ઇમેજ સ્રોત, Getty Images
રાજભરની માફક જ ઓબીસી સમુદાયમાંથી આવતા ચૌહણ પણ વર્ષ 2017ની યોગી સરકારમાં મંત્રી હતા. પરંતુ વર્ષ 2022ની ચૂંટણીમાં તેઓ સમાજવાદી પાર્ટીના ઉમેદવાર તરીકે લડ્યા હતા.
વર્ષ 2017માં યોગી સરકારમાંથી રાજીનામું આપી દીધા બાદ ઓમપ્રકાશ રાજભર વડા પ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ અને ઉત્તર પ્રદેશના મુખ્ય મંત્રી યોગી આદિત્યનાથ પર શાબ્દિક હુમલા કરતા રહ્યા.
રાજભરે તેમનાં ઘણાં નિવેદનોમાં તેમને ‘જૂઠા’ ગણાવ્યા પરંતુ અમિત શાહે રવિવારે ટ્વીટ કરીને રાજભર એનડીએમાં સામેલ થયા એ વાતનું સ્વાગત કર્યું હતું.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર

મોદી-શાહ જૂના ‘મિત્રો’ના દરે દસ્તક

ઇમેજ સ્રોત, Getty Images
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
મોદી, શાહ અને યોગીની કઠોર ટીકા કરતા ઓમપ્રકાશ રાજભરની પાર્ટીને એનડીએમાં સામેલ કરવાની વાત એ વાતનો સંકેત આપે છે કે ભાજપે પોતાના જૂના સહયોગીઓને ફરી વાર પોતાના પક્ષમાં લાવવાના પ્રયત્નો ઝડપી બનાવી દીધા છે.
ખાસ કરીને વિપક્ષનાં દળોની એકતા માટે પટણામાં થયેલી બેઠક બાદ ભાજપ પોતાની તૈયારીને લઈને વધુ ગંભીર જણાઈ રહ્યો છે.
અમિત શાહે વિપક્ષનાં દળોની પટણા ખાતેની આ બેઠકને ’20 લાખ કરોડ રૂપિયાના ગોટાળા કરનારી પાર્ટીઓની બેઠક’ ગણાવી. પરંતુ તે બાદ જ્યારે બૅંગ્લુરૂમાં વિપક્ષી દળોની બીજી બેઠકના સમાચારો સામે આવવા લાગતાં ભાજપ તરફથી એનડીએનાં પોતાનાં સહયોગી દળો સાથે બેઠકોની ચર્ચાએ પણ જોર પકડ્યું.
બૅંગ્લુરૂમાં વિપક્ષનાં દળોની બેઠક 17-18 જુલાઈના રોજ થવા જઈ રહી છે. તેમજ ભાજપે પણ નવી દિલ્હી ખાતે એનડીએનાં સહયોગી દળોની બેઠક 18 તારીખે રાખી છે.
ભાજપની આ બેઠક સંસદનું ચોમાસુ સત્ર શરૂ થવાના બે દિવસ પહેલાં યોજાઈ રહી છે.
કહેવાઈ રહ્યું છે કે બેઠક ગૃહમાં સહયોગી દળો વચ્ચે સમન્વયની વ્યૂહરચના અંગે મનોમંથનના હેતુસર બોલાવાઈ છે. પરંતુ એવું પણ મનાઈ રહ્યું છે કે આ ભાજપ તરફથી એનડીએનાં નવા-પુરાણા સહયોગીઓ સાથે એકતા સુનિશ્ચિત કરવાની કવાયત છે.

એનડીએની બેઠક માટે કોને આમંત્રણ?

ઇમેજ સ્રોત, @OPRAJBHAR
ઇન્ડિયન એક્સપ્રેસે સૂત્રોના હવાલાથી સમાચાર આપ્યા છે કે એનડીએના નવા-જૂના સહયોગીઓ થઈને 19 પાર્ટીઓ બેઠકમાં ભાગ લેવા બાબતે પુષ્ટિ કરી ચૂકી છે.
મેઘાલયના મુખ્ય મંત્રી અને ભાજપના સહોયગી પક્ષ નેશનલ પીપુલ્સ પાર્ટીના પ્રમુખ કોનાર્ડ સંગમા, એનડીડીપી પ્રમુખ અને નાગાલૅન્ડના મુખ્ય મંત્રી નેફ્યૂ રિયો, અપના દળ(એસ)નાં અનુપ્રિયા પટેલ, આરપીઆઈના રામદાસ અઠાવલે, શિવસેનાપ્રમુખ એકનાથ શિંદે, એનસીપીના એક જૂથના નેતા અજિત પવાર, જનસેના પાર્ટીના પવન કલ્યાણ પણ આ બેઠકમાં સામેલ થશે.
હિંદુસ્તાની અવામ મોરચાના જીતન રામ માંઝી અને લોક જનશક્તિ પાર્ટી(રામવિલાસ પાસવાન)ના પ્રમુખ ચિરાગ પાસવાને આ બેઠકમાં સામેલ થવાની વાત કરી છે.
ઉપેન્દ્ર કુશવાહાના નેતૃત્વવાળી રાષ્ટ્રીય લોક સમતા પાર્ટી, સંજય નિષાદની નિષાદ પાર્ટી, હરિયાણામાં ભાજપી સહયોગી જેજેપી, તામિલનાડુની અન્નાદ્રમુક, તમિલ માનિલા કૉંગ્રેસ, આઈએકેએમકે (તામિલનાડુ), આજસૂ, સિક્કિમની પાર્ટી એસકેએફ, જોરમ થંગાના નેતૃત્વવાળી મિઝો નેશનલ પાર્ટી અને આસમની આસમ ગણપરિષદ પણ બેઠકમાં સામેલ થઈ રહી છે.
સૂત્રો પ્રમાણે એનડીએની જૂની સહયોગી પાર્ટીઓ શિરોમણિ અકાલી દળ અને ચંદ્રબાબુ નાયડુની તેલુગુદેશમ પાર્ટીને એનડીએમાં સામેલ કરવાની કોશિશ ચાલી રહી છે.
જોકે, આ પૈકી કોઈ પણ પાર્ટીએ એવું નથી કહ્યું તે આ બેઠકમાં ભાગ લેવા જઈ રહી છે. શિરોમણિ અકાલી દળ કૃષિકાયદા વિરુદ્ધ ખેડૂતોના સમર્થનમાં સરકારમાંથી છૂટું પડ્યું હતું.

ભાજપ નાની પાર્ટીઓનો કરી રહ્યો છે મનુહાર

ઇમેજ સ્રોત, TWITTER/@RAHULGANDH
એનડીએમાં રહેલાં દળોને ફરી વાર એક સાથે લાવવાના એનડીએના વલણમાં આ વખત થોડો બદલાવ આવ્યો હોય એવું પણ જણાઈ રહ્યું છે.
લોક જનશક્તિ પાર્ટી(રામવિલાસ)ના ચીફ ચિરાગ પાસવાનને એનડીએમાં સામેલ કરવાની વાતચીત માટે કેન્દ્રીય મંત્રી નિત્યાનંદ રાય જાતે તેમની પાસે ગયા હતા.
રાય ભાજપના અધ્યક્ષ જે. પી. નડ્ડાનો પત્ર લઈને તેમની પાસે પહોંચ્યા હતા. ચિરાગને એનડીએમાં સામેલ કરવા માટે રાય તેમની પાસે બે વખત ગયા હતા.
નોંધનીય છે કે ગત વર્ષે પાસવાન પરિવાર પાસેથી નવી દિલ્હીસ્થિત 12 જનપથ ખાતેનું તેમનું સરકારી નિવાસ ખાલી કરાવી લેવાયું હતું. આ બંગલો તેમના પિતા દિવંગત રામવિલાસ પાસવાનને ફાળવાયો હતો.
ચિરાગ પાસવાને આ રીતે બંગલો ખાલી કરાવ્યાની કાર્યવાહીને ‘અપમાનજનક’ ગણાવી હતી. આ કાર્યવાહી વિરુદ્ધ કાયદાકીય મદદ લીધા હોવા છતા તેમની કોશિશ એળે ગઈ હતી.
આ ‘કડવાશ’ના એક વર્ષ બાદ ભાજપનો ચિરાગ પાસવાનની પાર્ટી સાથે ગઠબંધનમાં રસ એ વાત જણાવે છે કે ભાજપ વિપક્ષનાં દળોની એકતાની કોશિશોને ગંભીરતાપૂર્વક લઈ રહ્યો છે. પછી ભલે ને પક્ષના નેતા સાર્વજનિકપણે વિપક્ષની એકતાની કોશિશોને ખારિજ કરે.
રસપ્રદ વાત તો એ છે કે લોક જનશક્તિ પાર્ટીના બીજા જૂથના નેતા ચિરાગ પાસવાનના કાકા પશુપતિનાથ પારસને પણ એનડીએની બેઠકમાં સામેલ થવા માટે બોલાવવામાં આવ્યા છે.

વિપક્ષની વ્યૂહરચના શું છે?

ઇમેજ સ્રોત, ANI
એનડીએના જૂના અને નવા સાથીઓને ફરીથી જોડવાનો ભાજપનો પ્રયાસ શું વિપક્ષી પાર્ટીઓની એકતાના પ્રયત્ન સામેનું પગલું છે.
શું ભાજપ અને સહયોગી દળોને 2024માં પોતાની બેઠકો ઘટવાની ચિંતા થઈ રહી છે.
વરિષ્ઠ પત્રકાર અને રાજકીય વિશ્લેષક નીરજા ચૌધરીનું કહેવું છે કે, “2019ની ચૂંટણીમાં ભાજપનાં કેટલાંક રાજ્યોમાં એકતરફી જીત મળી હતી, પરંતુ દસ વર્ષ પછી એ સ્તર જાળવી રાખવું સહેલું નથી. દસ વર્ષમાં સત્તાવિરોધી માહોલ બની જાય છે. બીજી વાત એ છે કે લોકો સામે હવે રોજગારી અને મોંઘવારીના સવાલ છે જેને વિપક્ષ મુદ્દો બનાવી શકે છે.” પરંતુ સવાલ એ છે કે ભાજપના નેતૃત્વવાળા એનડીએની નબળાઈનો વિપક્ષ લાભ લઈ શકે છે, શું તેમની રણનીતિ એટલે સીધી અને સ્પષ્ટ હશે કે 2024માં તેનો લાભ થાય?
નીરજા ચૌધરી કહે છે કે, “કૉંગ્રેસ અને બીજાં વિપક્ષી દળો સામસામેના મુકાબલાની તૈયાર કરતાં દેખાય છે. એટલે જે બેઠકો પર વિપક્ષને જીતવાની સંભાવના દેખાઈ રહી હોય ત્યાં સંયુક્ત વિપક્ષના ઉમેદવાર ઊભા કરી શકે છે.”
તેઓ કહે છે કે “2019ની ચૂંટણીમાં પણ એનડીએને 37 ટકા વોટ મળ્યા હતા. 63 ટકા વોટ વિપક્ષી દળોને મળ્યા હતા. વિપક્ષ આ જ 63 ટકા વોટને એકઠા કરવાના પ્રયત્નમાં છે. તેમને લાગી રહ્યું છે કે જો તેઓ ભાજપ અને સહયોગી દળોની 70-80 બેઠકો પણ ઘટી શકે તો ચૂંટણીપરિણામ પર ભારે અસર પડશે.”
ભાજપ ત્રણ વાતો પર ધ્યાન કેન્દ્રીત કરી રહ્યો છે. પહેલી સત્તાવિરોધી લહેરની આશંકા, બીજી 2019 જેવું પ્રદર્શન ન થવાના અણસાર અને ત્રીજી 40થી 50 બેઠકોના નુકસાનનો ડર.
પાર્ટી આ ત્રણ મુદ્દા જોઈને નાની-નાની પાર્ટીઓનો પણ સહયોગ લેવાના પ્રયત્ન કરી રહી છે.
બિહારમાં હિંદુસ્તાની અવામ મોરચા, લોક જનશક્તિ પાર્ટી અને યુપીમાં સુહેલદેવ ભારતીય સમાજ પાર્ટી જેવી પાર્ટીઓનો સહયોગ લેવો એ રણનીતિનો ભાગ છે.

કોની વ્યૂહરચના કેટલી દમદાર?

ઇમેજ સ્રોત, ANI
ધ પ્રિન્ટના રાજકીય બાબતોના સંપાદક ડી.કે. સિંહ કહે છે કે, “આ પાર્ટીઓના ચાર, પાંચ કે છ ટકા વોટના સમર્થનનું ચૂંટણીપરિણામ પર ઘણો ફેર પડી શકે છે. 2014માં ભાજપે બિહારમાં નાની નાની પાર્ટીઓની મદદથી સારું પ્રદર્શન કર્યું હતું. આ વખતે તો ત્યાં વિપક્ષ ઘણું મજબૂત દેખાય છે. એવામાં આ નાની નાની પાર્ટીઓના પાંચ, છ કે સાત ટકા વોટોથી ભાજપને ઘણો લાભ થઈ શકે છે.”
જોકે, તેઓ એવું પણ કહે છે કે નાની પાર્ટીઓની તુલનામાં શિરોમણિ અકાલી દળ, તેલુગુ દેશમ પાર્ટી, અન્નાદ્રમુક જેવી મોટી પાર્ટીઓનો સાથ મળે તો તેનાથી ચૂંટણીપરિણામ પર મોટી અસર જોવા મળશે.
ડી.કે. સિંહ કહે છે કે, “એનડીએની સહયોગી પાર્ટીઓને સાથે લાવવાના પ્રયત્ન કેટલા કારગત સાબિત થશે એ તો આવનારા દિવસોમાં થનારી સોદાબાજી પર આધારિત છે.”
તેઓ કહે છે કે, “મહારાષ્ટ્રને જોઈએ તો ખબર પડશે કે ત્યાં ત્રણ અલગ-અલગ પાર્ટીઓ સરકારમાં પાર્ટનર છે. એટલે એ જોવું રહ્યું કે એકનાથ શિંદેની શિવસેના, અજિત પવારના જૂથ અને ભાજપમાં સીટો પર કઈ પ્રકારે તાલમેલ બેસે છે. તેલુગુ દેશમ પાર્ટી સાથે આવશે કે નહીં? ચિરાગ પાસવાન અને તેમના કાકામાં તાલમેલ બેસશે કે કેમ? આ બધા સવાલોના જવાબ હજુ મળ્યા નથી.”
તેમના મતે હાલ ભાજપનો આ પ્રયત્ન વિરોધીઓ પર માનસિક દબાણ લાવવાની રણનીતિ છે.
2024ની ચૂંટણીમાં અત્યારે આઠ-નવ મહિનાનો સમય છે અને જેમ-જેમ ચૂંટણી નજીક આવશે પરિસ્થિતિ સ્પષ્ટ થશે.

‘મોદી વિરુદ્ધ વિપક્ષની એકતા’

ઇમેજ સ્રોત, Getty Images
કેટલાક લોકોને લાગે છે કે વિપક્ષનાં દળોમાં નેતૃત્વ અથવા વડા પ્રધાનપદના કહેવાતા ઝઘડાને કારણે એનડીએ સામે તેમની એકતા નબળી પડી શકે છે. પરંતુ નીરજા ચૌધરી આનાથી ભિન્ન મત ધરાવે છે.
તેઓ કહે છે, “લીડરશિપના સવાલને લઈને વિપક્ષનાં દળો સાવચેતી રાખી રહ્યાં છે. તેમનું કહેવું છે કે આ ચૂંટણી મોદી વિરુદ્ધ મોદી થશે. એટલે મુકાબલો મોદી સમર્થકો અને મોદી વિરોધીઓ વચ્ચે થશે. તેઓ હાલ મોદી સામે પોતાનો કોઈ લીડર આગળ નથી કરી રહ્યા.”
નીરજા ચૌધરીનું કહેવું છે કે, “યુપીએએ ગત વખતે 17 પાર્ટીઓને સાથે લાવવાના પ્રયાસ કર્યા હતા. આ વખતે તે 24 પાર્ટીઓને સાથે લાવવાના પ્રયાસ કરી રહ્યું છે. કૉંગ્રેસ આ વખત નેતૃત્વને લઈને સતર્ક છે. કૉંગ્રેસ વિપક્ષી દળોના નેતૃત્વનો દાવો નથી કરી રહી. તેનું કહેવું છે કે વડા પ્રધાનપદના ઉમેદવાર પણ પાર્ટીઓ દ્વારા જિતાયેલી બેઠકોના આધારે નક્કી થશે.”
તેઓ કહે છે કે, “કૉંગ્રેસે વટહુકમ મુદ્દે આમ આદમી પાર્ટીના વલણનું સમર્થન કરવાનું એલાન કરી દીધું છે. તેમજ પટણામાં વિપક્ષનાં દળોની બેઠકમાં આ મુદ્દો કૉંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે વિવાદનો વિષય બની ગયો હતો. આનાથી લાગી રહ્યું છે કે વિપક્ષનાં દળો સાચવીને આગળ વધી રહ્યાં છે.”
નીરજા ચૌધરીનું કહેવું છે કે વિપક્ષની એકતા માટેની અત્યાર સુધી કોશિશો ઘણી સારી રહી છે. પરંતુ જોવાનું એ રહેશે કે આગામી સમયમાં આ પાર્ટીઓ ગઠબંધનને હજુ કેટલું મજબૂત બનાવી શકે છે. ચૂંટણીમેદાનમાં ઊતરતાં પહેલાં એકતાનાં સમીકરણોને સાધવાનું કામ તેમના માટે પડકારરૂપ હશે.














