વિપક્ષી દળોનું ગઠબંધન 'ઇન્ડિયા' શું છે અને તે કેવી રીતે કામ કરશે?

વિપક્ષી દળોની બૅંગ્લુરૂ ખાતેની બેઠક પહેલાં રસ્તા પર ટોચના નેતાઓનાં પોસ્ટર લગાવાયાં હતાં

ઇમેજ સ્રોત, ANI

ઇમેજ કૅપ્શન, વિપક્ષી દળોની બૅંગ્લુરૂ ખાતેની બેઠક પહેલાં રસ્તા પર ટોચના નેતાઓનાં પોસ્ટર લગાવાયાં હતાં

આવતા વર્ષે લોકસભાની ચૂંટણી યોજાવાની છે, જેને અનુસંધાને ભાજપ અને વિપક્ષનાં દળો એમ બંને મોરચે જોરશોરથી તૈયારીઓ શરૂ થઈ હોય એવો માહોલ સર્જાયો છે.

દેશની ગ્રાન્ડ ઑલ્ડ પાર્ટી કૉંગ્રેસ સહિતના વિપક્ષે ‘ભાજપ અને નરેન્દ્ર મોદી’ને પડકારવા માટે બૅંગલુરુ ખાતે મળેલી વિપક્ષની બેઠકમાં આગામી લોકસભા ચૂંટણી માટે વિપક્ષનાં દળોના ગઠબંધન – ઇન્ડિયન નેશનલ ડેવલપમૅન્ટલ ઇન્ક્લુસિવ ઍલાયન્સ એટલે કે INDIAની જાહેરાત કરી હતી.

મંગળવારે મળેલી બે દિવસીય બેઠકમાં વિપક્ષ તરફથી આ જાહેરાત સાથે આગામી ચૂંટણી માટે કમર કસી હોય એવું લાગી રહ્યું છે.

સામેની બાજુએ ભાજપે પણ પોતાનાં NDAનાં સાથી દળોનું સમર્થન સુનિશ્ચિત કરવા માટે દિલ્હીમાં મંગળવારે બેઠક યોજી હતી.

ભાજપ અને સાથી દળો તેમજ કૉંગ્રેસ અને વિપક્ષનાં દળોએ બંને બાજુના પ્રયાસોને લઈને શાબ્દિક પ્રહાર પણ કર્યા હતા. બંને પક્ષોની બેઠકો સાથે જ દેશમાં ચૂંટણીની તૈયારીનું બ્યુગલ ફૂંકાઈ ગયું છે એવું કહેવામાં કોઈ અતિશયોક્તિ નથી.

પરંતુ વિપક્ષનાં દળોના નવા ગઠબંધનને લઈને હાલ કેટલાક પ્રશ્નો પણ જોવા મળી રહ્યા છે. જેમ કે, આ નવું ગઠબંધન શું છે? તેમાં કોણ-કોણ સામેલ છે? આખરે આ ગઠબંધનનો ચહેરો કોણ હશે? વગેરે.

આ અહેવાલમાં અમે આ પ્રશ્નો અંગે સ્પષ્ટતા કરવાનો પ્રયાસ કરીશું.

ગ્રે લાઇન

INDIA શું છે?

વર્ષ 2024ની લોકસભા ચૂંટણીમાં ભાજપ સામે મોરચો માંડવા સોમવાર અને મંગળવારના રોજ મળેલ બે દિવસીય બેઠકમાં વિપક્ષનાં દળો દ્વારા “બંધારણમાં વ્યક્ત કરાયેલ ભારતના વિચારની સુરક્ષા” માટે એક ગઠબંધનની જાહેરાત કરી હતી.

આ ગઠબંધનની ટૂંકાક્ષરવાળું નામ INDIA રાખવામાં આવ્યું છે.

ટાઇમ્સ ઑફ ઇન્ડિયાના એક અહેવાલ અનુસાર ભારતીય રાષ્ટ્રીય કૉંગ્રેસના ભૂતપૂર્વ અધ્યક્ષ અને સાંસદ રાહુલ ગાંધીએ આ નામ સૂચવ્યું હતું, જેને મિટિંગમાં હાજર રહેલી ગઠબંધનની 26 સભ્ય પાર્ટીઓ દ્વારા અપનાવી લેવાયું હતું.

જોકે, કેટલાંક સૂત્રો દ્વારા તૃણમૂલ કૉંગ્રેસનાં અધ્યક્ષા અને પશ્ચિમ બંગાળનાં મુખ્ય મંત્રી મમતા બેનરજીને પણ આનું શ્રેય અપાયું હતું.

અખબારમાં થયેલી નોંધ પ્રમાણે INDIA ગઠબંધનના નીચે પ્રમાણેના હેતુઓ નક્કી કરાયા છે.

  • વર્ષ 2024ની લોકસભા ચૂંટણીમાં ભાજપને હરાવવો
  • બંધારણને બચાવવું
  • સમાવેશી વિકાસને પ્રોત્સાહન
  • ભારતનાં બિનસાંપ્રદાયિક મૂલ્યોનું જતન
ગ્રે લાઇન

આ જૂથ કેવી રીતે કામ કરશે અને તેના નેતા કોણ હશે?

બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, ANI

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

કૉંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ પત્રકારો સાથેની વાતચીતમાં નવા ગઠબંધન અંગે કહ્યું હતું કે સંકલન માટે 11 સભ્યોની સમિતિ રચાશે. તેમજ મુંબઈમાં જૂથની આગામી મિટિંગ વખતે જૂથના કન્વીનરની નિમણૂક કરાશે.

ખડગેએ કહ્યું કે, “દિલ્હી ખાતે ગઠબંધનના કૅમ્પેનના વ્યવસ્થાપનના હેતુસર સચિવાલય બનાવાશે તેમજ ગઠબંધનના જુદા જુદા મુદ્દા માટે અલગઅલગ સમિતિ રચવામાં આવશે.”

મળી રહેલ માહિતી મુજબ વિપક્ષના ગઠબંધનની આગામી બેઠક મુંબઈ ખાતે ક્યારે યોજાશે એ અંગે આગામી સમયમાં જાહેરાત કરાશે.

સ્વાભાવિક છે કે વિપક્ષી દળોની આ મુલાકાત બાદ વડા પ્રધાન મોદી સામે આગામી ચૂંટણીમાં નેતાનો ચહેરો કોણ હશે એ અંગે સવાલ કરાઈ રહ્યા હતા.

જોકે, આ અંગે ખડગેએ ‘જવાબ આપવાનું ટાળ્યું’ હતું.

અગાઉ ખડગેએ જણાવ્યું હતું કે, “કૉંગ્રેસને વડા પ્રધાનપદ કે સત્તામાં કોઈ રસ નથી.”

ઘણાને લાગે છે કે વિપક્ષનાં દળોમાં નેતૃત્વ કે વડા પ્રધાનપદ માટે કહેવાતા ઝઘડાને કારણે NDA વિરુદ્ધ પડકાર ઊભો કરવા માગતાં દળોના ગઠબંધનને કમજોર બનાવી શકે છે.

વરિષ્ઠ પત્રકાર અને રાજકીય વિશ્લેષક નીરજા ચૌધરી આ વાત સાથે સંમત થતાં નથી.

તેઓ કહે છે કે, “નેતૃત્વના પ્રશ્નને લઈને વિપક્ષનાં દળો ખૂબ સારી રણનીતિ અનુસરી રહ્યા છે. તેમનું કહેવું છે કે આ ચૂંટણીમાં મોદી વિરુદ્ધ મોદીની હશે. એટલે કે મોદી સમર્થકો અને મોદી વિરોધીઓ વચ્ચે હશે. તેઓ હાલ મોદી સામે પોતાના કોઈ નેતાનું નામ નથી સૂચવ્યું.”

નીરજા ચૌધરી કહે છે કે, “UPA ગત વખતે 17 પક્ષોને સાથે લાવવાની કોશિશ કરી રહ્યું હતું. આ વખત તેઓ વધુ પક્ષોને સાથે લાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે. કૉંગ્રેસ આ વખત નેતૃત્વના દાવાને લઈને સતર્ક વલણ અપનાવી રહી છે. તેઓ વિપક્ષનાં દળોના નેતૃત્વનો દાવો નથી કરી રહી. તેનું કહેવું છેકે વડા પ્રધાનપદના ઉમેદવારનું નામ પાર્ટીઓ દ્વારા જિતાયેલી બેઠકોના આધાર નક્કી કરાશે.”

નોંધનીય છે કે INDIAમાં 26 વિપક્ષી દળો ગઠબંધનમાં હશે.

આમાં કૉંગ્રેસ, ટીએમસી, ડીએમકી, આપ, જદ (યુ) આરજેડી, જેએમએમ, એનસીપી (શરદ પવાર), શિવસેના (યુબીટી), સમાજવાદી પાર્ટી, નેશનલ કૉન્ફરન્સ, પીડીપી, સીપીએમ, સીપીઆઇ, આરએલડી, એમડીએમકે, કોંગુનાડુ મક્કલ દેસિયા કાચ્છી (કેએમડીકે), વીસીકે, આરએસપી, સીપીઆઇ-એમએલ (લિબરેશન), ફૉરવર્ડ બ્લૉક, આઇયુએમએલ, કેરાલા કૉંગ્રેસ (જોસેફ), કેરાલા કૉંગ્રેસ (મણિ), અપના દળ (કામેરાવાદી) અને મનીથનેયા મક્કલ કાચ્છી (એમએમકે) સામેલ છે.

બીબીસી ગુજરાતી

વિરોધપક્ષના નેતાઓની પ્રતિક્રિયા

બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, ANI

ફ્રન્ટલાઇનના એક અહેવાલ અનુસાર INDIAની જાહેરાત બાદ વિરોધ પક્ષના નેતાઓએ આ પ્રયાસ અંગે જુદી જુદી પ્રતિક્રિયા આપી હતી.

કૉંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ NDA દ્વારા સાથી દળોનો સહકાર મેળવવાના પ્રયાસ શરૂ કરાયાની વાતને ‘વિરોધપક્ષની વધતી જતી તાકત સામે વડા પ્રધાનના ભયનું’ સૂચક ગણાવ્યું હતું.

પશ્ચિમ બંગાળનાં મુખ્ય મંત્રી મમતા બેનરજીએ પણ ભાજપ વિપક્ષના INDIA ગઠબંધન સામે ટકી શકશે કે કેમ એ અંગે સીધો સવાલ કર્યો હતો.

દિલ્હીના મુખ્ય મંત્રી અરવિંદ કેજરીવાલ વિપક્ષની આ મિટિંગમાં સામેલ રહ્યા હતા. તેમણે આ ગઠબંધનને ‘ભારતને બચાવવા માટેનું ગઠબંધન’ ગણાવ્યું હતું.

મહારાષ્ટ્રના ભૂતપૂર્વ મુખ્ય મંત્રીએ “દેશ બચાઓ, જે આપણો પરિવાર છે”ના નારા સાથે વિવિધ દળો વચ્ચે રહેલા સહકાર પર ભાર મૂક્યો હતો.

કૉંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ આને “ભારતના બે વિચારોની લડાઈ” ગણાવી હતી.

રેડ લાઇન
રેડ લાઇન