ગુજરાતમાં સેમિકન્ડક્ટર ઉત્પાદનની 19.5 અબજ ડૉલરની સમજૂતી રદ થવાથી વડા પ્રધાન મોદીના ‘મોટા સપના’ને ઝટકો લાગશે?

ઇમેજ સ્રોત, Getty Images
ગુજરાતમાં સેમિકન્ડક્ટરના ઉત્પાદન માટે પ્લાન્ટ સ્થાપવાના 19.5 અબજ ડૉલરના પ્રોજેક્ટને મોટો ઝાટકો લાગ્યો છે.
તાઇવાનની ફૉક્સકૉન ટેકનૉલૉજીએ ભારતના વેદાંતા સમૂહ સાથે ગુજરાતમાં સેમિકન્ડક્ટરના ઉત્પાદન માટે પ્લાન્ટની સ્થાપના માટે 19.5 અબજ ડૉલરની સમજૂતીને રદ કરી દીધી છે.
આ નિર્ણયથી વડા પ્રધાન નરેન્દ્ર મોદીની ભારતને સેમિકન્ડક્ટર નિર્માણનું હબ બનાવવાની મહત્ત્વકાંક્ષી યોજનાને પણ ફટકો પડ્યો છે.
જોકે ભારતે કહ્યું છે કે ફૉક્સકૉનના વેદાંતા સાથેની સમજૂતીમાંથી પાછળ હટી જવાથી ભારતના સેમિકન્ડક્ટર લક્ષ્યોમાં કોઈ બદલાવ નહીં આવે.
ભારત સરકારના ઇલેક્ટ્રૉનિક્સ અને સૂચના પ્રસારણ રાજ્ય મંત્રી રાજીવ ચંદ્રશેખરને કહ્યું છે કે આ નિર્ણયથી બન્ને કંપનીઓ સ્વતંત્ર રૂપથી પોતાની રણનીતિ ઉપર કામ કરી શકશે.
એક ટ્વીટમાં રાજીવ ચંદ્રશેખરને કહ્યું છે કે ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં પાછલાં નવ વર્ષોમાં ઇલેક્ટ્રૉનિક્સના ઉત્પાદનમાં અને પાછલા 18 મહિનાઓમાં સેમીકૉનના ઉત્પાદનમાં મહત્ત્વની પ્રગતિ હાંસલ કરી છે.
તાઇવાનની પ્રમુખ કંપની ફૉક્સકૉને ભારતના ધાતુથી લઈને તેલ સુધીનો કારોબાર કરનારા સમૂહ વેદાંતાની સાથે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના ગૃહ રાજ્ય ગુજરાતમાં સેમિકન્ડક્ટર પ્લાન્ટ સ્થાપવાની સમજૂતી કરી હતી.
19.5 અબજ ડૉલરની આ સમજૂતીને સેમિકન્ડક્ટર ઉત્પાદન માટેની દુનિયાની સૌથી મોટી સમજૂતી માનવામાં આવી રહી હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર

શું કહ્યું ફૉક્સકૉન અને વેદાંતાએ?

ઇમેજ સ્રોત, Getty Images
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
સોમવારે એક નિવેદનમાં ફૉક્સકૉને કહ્યું કે, "ફૉક્સકૉને નક્કી કર્યું છે કે તેઓ ભારતમાં વેદાંતાની સાથે પોતાના સંયુક્ત ઉપક્રમને આગળ નહીં વધારે."
ફૉક્સકૉને કહ્યું તેમ તેમણે વેદાંતા સાથે મળીને 'એક સેમિકન્ડક્ટર આઇડિયાને વાસ્તવિક રૂપ આપવા માટે કામ કર્યું' પરંતુ હવે બન્નેએ અંદરોઅંદર સહમતીથી નક્કી કર્યું છે કે તેઓ આગળ સાથે કામ નહીં કરે.
ફૉક્સકૉને જણાવ્યું કે તેઓ હવે સંપૂર્ણ રીતે વેદાંતાની માલિકીના હકવાળા આ એકમમાંથી પોતાની ભાગીદારી પાછી ખેંચે છે.
જોકે વેદાંતાએ પોતાના નિવેદનમાં કહ્યું છે કે કંપની સેમિકન્ડક્ટર ઉત્પાદનને લઈને પોતાના લક્ષ્યો માટે સંપૂર્ણ રીતે કટિબદ્ધ છે અને ભારતમાં પ્રથમ સેમિકન્ડક્ટર ઉત્પાદન એકમની સ્થાપના માટે અન્ય સાથીદારો સાથે વાતચીત કરી રહી છે.
વેદાંતાએ પોતાના નિવેદનમાં કહ્યું છે કે વડા પ્રધાન મોદીના લક્ષ્યોને હાંસલ કરવા માટે તેમણે પોતાના પ્રયાસ બમણાં કરી દીધા છે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ઇલેક્ટ્રૉનિક્સ ઉત્પાદનનો ‘નવો યુગ’ શરૂ કરવા માટે ભારતની આર્થિક રણનીતિમાં સેમિકન્ડક્ટર ઉત્પાદનને પ્રાથમિકતા આપી છે. ભારત સરકારે આ ક્ષેત્રમાં વિદેશી રોકાણ હાંસલ કરવા માટે ખાસ પ્રયત્ન પણ કર્યા હતા.
ફૉક્સકૉનના આ નિર્ણયને એટલા માટે જ ભારતની મહત્ત્વકાંક્ષાઓ માટે મોટો ઝટકો માનવામાં આવી રહ્યો છે.

વિપક્ષની પ્રતિક્રિયા પર સરકારનો જવાબ

ઇમેજ સ્રોત, Getty Images
કૉંગ્રેસ નેતા જયરામ રમેશે આ સમાચાર ઉપર પ્રતિક્રિયા આપતા એક ટ્વીટ કર્યું કે, 'આ પ્રોજેક્ટની ઘોષણાના સમયે પ્રચારને યાદ કરો? ગુજરાતના મુખ્યમંત્રીએ તો દાવો કર્યો હતો કે આ પ્રોજેક્ટથી એક લાખ નોકરી પેદા થશે.'
જયરામ રમેશે કહ્યું કે, 'વાઇબ્રન્ટ ગુજરાત સમ્મેલનમાં દર વર્ષે થતી રહેતી સમજૂતીનો આજ અંજામ આવે છે. આની જ નકલ પર યુપીમાં થનારી ગ્લોબલ ઇન્વૅસ્ટર સમિટનો પણ આ જ અંજામ થશે. પછી એ ગુજરાત મૉડલની વાત હોય કે ન્યૂ ઇન્ડિયાની, ક્યારેય પ્રાયોજિત હેડલાઇન ઉપર વિશ્વાસ ન કરવો.'
કૉંગ્રેસના આરોપો ઉપર પ્રતિક્રિયા આપતા કેન્દ્રીય રાજ્ય મંત્રી રાજીવ ચંદ્રશેખરને કહ્યું કે, "કૉંગ્રેસ જેણે ત્રણ દાયકાઓ સુધી ભારતમાં ઇલેક્ટ્રૉનિક્સ અને સેમિકૉન માટે કશું જ નથી કર્યું અને આ દરમિયાન ચીન આગળ વધતું રહ્યું. કૉંગ્રેસના હાયકારો કરવાથી ભારતની પ્રગતિ ધીમી નહીં થાય”
રાજીવ ચંદ્રશેખરને એ પણ કહ્યું કે આ સરકારનું કામ નથી કે એ જુએ કે "બે પ્રાઇવેટ કંપનીઓ કેવી રીતે અને કેમ સાથે આવે છે અથવા અલગ થઈ જાય છે."

ફૉક્સકૉન-વેદાંતા સમજૂતી આટલી મહત્ત્વની કેમ?

ઇમેજ સ્રોત, PIB
ફૉક્સકૉન દુનિયાની સૌથી મોટી ઇલેક્ટ્રૉનિક ઉત્પાદન કંપનીઓમાંથી એક છે અને એપલ કે આઇફોનના નિર્માણ માટે પ્રખ્યાત છે. હાલનાં વર્ષોમાં તાઇવાનની આ કંપની સેમિકન્ડક્ટર નિર્માણના ક્ષેત્રમાં પણ આગળ વધવાનો પ્રયત્ન કરી રહી છે.
દુનિયાભરમાં સેમિકન્ડક્ટર ચિપનું ઉત્પાદન તાઇવાન જેવા અમુક દેશો સુધી જ સીમિત છે. ભારતે બહુ મોડેકથી પણ આ ક્ષેત્રમાં પગલું માંડી કોશિશ શરૂ કરી છે.
પાછલા વર્ષે સપ્ટેમ્બરમાં વેદાંતા અને ફૉક્સકૉને, વડા પ્રધાન નરેન્દ્ર મોદીના ગૃહ રાજ્ય ગુજરાતમાં સેમિકન્ડક્ટર ઉત્પાદન પ્લાન્ટ સ્થાપવા માટે સમજૂતીની જાહેરાત કરી હતી.
આ સમજૂતી સમયે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આને ભારતમાં સેમિકન્ડક્ટર નિર્માણની દિશામાં મહત્ત્વનું પગલું ગણાવ્યું હતું.
ભારત સરકારે આના માટે પીએલઆઈ એટલે કે ઉત્પાદન સાથે સંકળાયેલ પ્રોત્સાહન યોજના પણ શરૂ કરી હતી.
આ યોજના વિશે જાણકારી આપતા કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવ કહ્યું કે, "ઇલેક્ટ્રૉનિક્સની પાછળ સૌથી અગત્યની વસ્તુ હોય છે સેમિકન્ડક્ટર ચિપ. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ઐતિહાસિક નિર્ણય લીધો છે, જેનાથી સેમિકન્ડક્ટર ચિપના નિર્માણની સંપૂર્ણ ઇકૉસિસ્ટમ ભારતમાં વિકસિત થઈ શકે. આ નિર્ણયમાં લગભગ 76 હજાર કરોડ રૂપિયાના રોકાણની સમજૂતી થઈ છે."
કેન્દ્ર સરકારની આ પ્રોત્સાહન યોજના લગભગ દસ અબજ ડૉલરની છે.

ઇમેજ સ્રોત, PIB
સમાચાર એજન્સી રૉયટર્સે સૂત્રોના હવાલેથી જણાવ્યું છે કે ભારત સરકાર તરફથી પીએલઆઈ આપવામાં વાર થઈ એ પણ આ સમજૂતી તૂટવા પાછળનું એક કારણ હોઈ શકે છે.
ભારત સરકારે વર્ષ 2026 સુધી સેમિકન્ડક્ટર ઉત્પાદનને 63 અબજ ડૉલર સુધી લઈ જવાનું લક્ષ્ય રાખ્યું છે.
સમાચાર એજન્સી રૉયટર્સ પ્રમાણે ભારત સરકારની પ્રોત્સાહન યોજના હેઠળ ગત વર્ષે ત્રણ કંપનીઓએ પ્લાન્ટ સ્થાપિત કરવા માટે અરજી કરી હતી.
આ અરજી ફૉક્સકૉન-વેદાંતા સંયુક્ત ઉદ્મ, સિંગાપુરસ્થિત આઈજીએસસ વેંચર્સ અને વૈશ્વિક ઉદ્યોગ સમૂહ આઈસીએમસી તરફથી હતી.
આઈસીએમસીની તકનીકી સાથી કંપની ટાવર સેમિકન્ડક્ટરના ઇન્ટેલ તરફથી અધિગ્રહણ પછી આઈસીએમસીનો ત્રણ અબજ ડૉલરનો પ્રોજેક્ટ હાલ પાછળ ઠેલવામાં આવ્યો છે.
ત્યાં આઈજીએસસની યોજના પણ પાછી ઠેલવામાં આવી છે કારણ કે કંપની પોતાના આવેદનને ફરી રજૂ કરવા ઇચ્છે છે.
ભારતે સેમિકન્ડક્ટર પ્લાન્ટ લગાવવા માટે કંપનીઓ પાસેથી ફરીથી અરજી માગી છે.
ભારત પાસે ચિપ ઉત્પાદનમાં કોઈ અનુભવ નથી અને નિષ્ણાતોનું માનવું છે કે આ સેમિકન્ડક્ટર ઉત્પાદન પ્લાન્ટ યોજનાનો સૌથી મોટો પડકાર એજ હતો કે આમાં સામેલ બન્ને કંપનીઓ પાસે પણ ચિપ ઉત્પાદનનો કોઈ ખાસ અનુભવ નહોતો.
અમેરિકાના અખબાર વૉલ સ્ટ્રીટ જર્નલ સાથે વાત કરતી વખતે કાઉન્ટર પૉઇન્ટ રિસર્ચના વાઇસ પ્રૅસિડેન્ટ નીલ શાહે કહ્યું કે, "બન્ને જ કંપનીઓ આ ક્ષેત્રમાં નવી છે. તેમણે પહેલાં ચિપ ઉત્પાદન નથી કર્યું. મેં ક્યારેય નથી જોયું કે ઇન્ડસ્ટ્રીમાં આને લઈને ક્યારેય ઉત્સાહ રહ્યો હોય."
શાહે એમ પણ કહ્યું કે આ પ્રોજેક્ટ શરૂઆતના સ્તરે જ નિષ્ફળ થઈ જાય એ પરોક્ષ રૂપે ફાયદામાં જ રહેશે કારણ કે આનાથી અન્ય પ્રયત્નો માટે રસ્તો સાફ થઈ જશે.
નીલ શાહ કહે છે કે, "ભારતને માઇક્રોન જેવાં અનુભવી સેમિકન્ડક્ટર ઉત્પાદકો ઉપર પોતાના રોકાણ કાર્યક્રમને કેન્દ્રીત કરવો જોઈએ."
પાછલાં મહિને જ વડા પ્રધાન નરેન્દ્ર મોદીની અમેરિકા યાત્રા દરમિયાન અમેરિકાની પ્રમુખ ચિપ નિર્માતા કંપની માઇક્રોને ભારતમાં રોકાણ કરવાનો નિર્ણય કર્યો હતો.
માઇક્રોને કહ્યું હતું કે તે ભારતમાં 82.5 કરોડ ડૉલરનું રોકાણ કરશે. જોકે રોકાણ ચિપ ટેસ્ટિંગ અને પૅકેજિંગ ક્ષેત્રમાં હશે, ઉત્પાદનમાં નહીં હોય. ભારતની કેન્દ્ર સરકાર અને ગુજરાતની રાજ્ય સરકારના આર્થિક સહયોગથી આ રોકાણ વધીને 2.75 અબજ ડૉલર સુધી પહોંચી જશે.














