ફૉક્સકૉન - વેદાંતા : મહારાષ્ટ્રના હાથમાંથી છટકીને ગુજરાતમાં કેમ આવી રહ્યા છે મોટા પ્રોજેક્ટ?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, દીપાલી જગતાપ
- પદ, બીબીસી મરાઠી સંવાદદાતા
વેદાંતા-ફૉક્સકૉન પ્રોજેક્ટ બાદ મહારાષ્ટ્રના હાથમાંથી વધુ એક મોટો ડ્રગ પાર્ક પ્રોજેક્ટ પણ છટકે તેમ છે.
અગાઉની યોજના અનુસાર કેન્દ્ર સરકાર ત્રણ રાજ્યોમાં આ પ્રોજેક્ટ શરૂ કરવા માગતી હતી.
મહારાષ્ટ્ર તેમાં એક પ્રતિદ્વંદ્વી રાજ્ય હતું. પરંતુ હવે એ પ્રોજેક્ટ ગુજરાત, આંધ્ર પ્રદેશ અને હિમાચલ પ્રદેશમાં શરૂ કરાશે.
રાજ્યના હાથમાંથી મોટા રોકાણવાળા પ્રોજેક્ટ એક પછી એક અન્યત્રે શિફ્ટ થવાના કારણે રાજકારણ પણ ગરમાવા લાગ્યું છે. જોકે, ઘણા મોટા પ્રોજેક્ટ માટે મહારાષ્ટ્રનું નામ વિચારણામાં હતું અને રાજ્ય એક અગ્રણી પ્રતિસ્પર્ધી પણ હતું. આના કારણે ઘણા પ્રશ્નો ઊભા થયા છે.
પાછલાં અમુક વર્ષોમાં એક બાદ એક પ્રોજેક્ટ મહારાષ્ટ્રના હાથમાંથી કેમ છટકી રહ્યા છે? શું હવે રાજ્યમાં રોકાણ ઓછું થતું જઈ રહ્યું છે? જે રાજ્ય એક સમયે ઔદ્યોગિક વિકાસની દૃષ્ટિએ સૌથી આગળ હતું તે પાછું પડી રહ્યું છે? આ અંગે કયાં કારણો જવાબદાર છે?

બલ્ક ડ્રગ પાર્ક પ્રોજેક્ટનું શું થયું?
મહારાષ્ટ્રના ભૂતપૂર્વ મંત્રી આદિત્ય ઠાકરે અને ભૂતપૂર્વ ઔદ્યોગિકમંત્રી શુભાષ દેસાઈએ આરોપ લગાવ્યો છે કે મહારાષ્ટ્રને બલ્ક ડ્રગ પ્રોજેક્ટ મળી શકતો હતો પરંત હવે તે બીજાં રાજ્યોને અપાયો છે.
તેમણે પૂછ્યું છે કે, "હવે આ પ્રોજેક્ટ ત્રણ રાજ્યો અપાઈ રહ્યો છે. શું ઔદ્યોગિકમંત્રી સમજે છે કે બહેતર સુવિધાઓ હોવા છતાં મહારાષ્ટ્રે આ પ્રોજેક્ટ ગુમાવી દીધો?"
મહાવિકાસ અઘાડી સરકાર આ પ્રોજેકટ પર વર્ષ 2020થી કામ કરી રહી હતી. આ પ્રોજેક્ટ દિલ્હી-મુંબઈ કૉરિડૉર પર મહારાષ્ટ્રમાં સ્થાપિત કરવાને લઈને પણ ચર્ચા પણ હતી. આ પ્રોજેક્ટ માટે રાયગઢ જિલ્લામાં મુરુડ અને રોહાની પસંદગી કરાઈ છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
પૂર્વ સરકારની કૅબિનેટ બેઠકમાં ભૂતપૂર્વ મંત્રી શુભાષ દેસાઈએ આ પ્રોજેક્ટને પ્રસ્તાવિત પણ કર્યો હતો. એવું જણાવવામાં આવ્યું હતું કે બલ્ક ડ્રગ પ્રોજેક્ટમાં 2,500 કરોડ રૂપિયા રોકાણ કરાશે.
મહારાષ્ટ્ર ઔદ્યોગિક વિકાસ પરિષદ (એમઆઈડીસી)એ જણાવ્યું હતું કે પ્રોજેક્ટ ફાર્મા ક્ષેત્રના નિર્માતાઓને વિશ્વ સ્તરીય સુવિધાઓ અપાશે.
એવું પણ જણાવાયું હતું કે કેન્દ્ર સરકાર આ પ્રોજેક્ટ માટે એક હજાર કરોડ રૂપિયાનું રોકાણ કરશે. જોકે, કેન્દ્ર સરકારનો આ પ્રોજેક્ટ હવે ગુજરાત, આંધ્ર પ્રદેશ અને હિમાચલ પ્રદેશમાં સ્થાપિત કરાશે.
આ પ્રોજેક્ટ લગભગ 30 હજાર કરોડ રૂપિયાનો હતો. એવું મનાતું હતું કે આ પ્રોજેક્ટથી 75 હજાર નવી નોકરીઓ પેદા થશે.
સરકારની ટીકા બાદ ઉદ્યોગમંત્રી ઉદય સામંતે જાહેરાત કરી હતી કે પ્રોજેક્ટ મહારાષ્ટ્રમાં જ શરૂ થશે. તેમણે કહ્યું, "મહારાષ્ટ્ર પોતાના પૈસાથી બલ્ક ડ્રગ પાર્ક સ્થાપિત કરશે. સાથે જ નાગપુરમાં ઍરબસ-ટાટા પ્રોજેક્ટ પણ શરૂ થશે."
બલ્ક ડ્રગ પાર્કમાં ફાર્મા ક્ષેત્રની દિગ્ગજ કંપનીઓ યુનિટ સ્થાપશે, જ્યાં દવા અને કૅપ્સૂલ બનાવવામાં આવશે. બલ્ક ડ્રગ પાર્કને ઍક્ટિવ ફાર્મા ઇન્ગિડિએન્ટ (એપીઆઈ) પણ કહેવાય છે.

મહારાષ્ટ્રમાં ઘટ્યું વિદેશી રોકાણ

ઇમેજ સ્રોત, Getty Images
જો મહારાષ્ટ્રમાં વિદેશી રોકાણની વાત કરવામાં આવે તો એવું કહી શકાય કે પાછલાં પાંચ વર્ષમાં ખાસ કરીને કોરોના સંકટ બાદ રાજ્યમાં વિદેશ રોકાણમાં ભારે ઘટાડો થયો છે.
એમઆઈડીસીની વેબસાઇટ પર ઉપલબ્ધ જાણકારી પ્રમાણે વર્ષ 2016-17માં થયેલા 1,32,000 કરોડ રૂપિયાના વિદેશી રોકાણમાં 65.7 હજાર કરોડ રૂપિયાનું રોકાણ મહારાષ્ટ્રમાં થયું છે.
વર્ષ 2017-18માં રાજ્યમાં 87,412 કરોડ રૂપિયાનું રોકાણ થયું, જ્યારે વર્ષ 2018-19માં 77,847 કરોડ રૂપિયાનું રોકાણ થયું.
વર્ષ 2019-20માં રાજ્યમાં 76,617 કરોડ રૂપિયાનું રોકાણ થયું હતું. પરંતુ કોરોના મહામારી બાદ રાજ્યનું ઔદ્યોગિક ક્ષેત્ર ખરાબ રીતે પ્રભાવિત થયું છે. આથી રાજ્યમાં વર્ષ 2020-21માં માત્ર 26,220 કરોડ રૂપિયાનું રોકાણ થયું છે.
વર્ષ 2016-17ની સરખામણીએ પાછલાં પાંચ વર્ષોમાં રાજ્યમાં રોકાણ 70 ટકા સુધી ઘટ્યું છે.
એમઆઈડીસી પ્રમાણે પાછલાં 20 વર્ષોમાં 2000-20 વચ્ચે દેશમાં થનાર કુલ વિદેશી રોકાણ બાબતે 29 ટકા માત્ર મહારાષ્ટ્રમાં થયું છે.
એમઆઈડીસીનો દાવો છે કે ઘણાં ક્ષેત્રોમાં ઉત્પાદન મામલે મહારાષ્ટ્ર સમગ્ર દેશમાં સૌથી આગળ પડતું છે. એમઆઈડીસી અનુસાર પાંચલાં પાંચ વર્ષમાં રાજ્યમાં કુલ વિદેશી રોકાણમાંથીના 28 ટકા રોકાણ થયું છે.

ઇઝ ઑફ ડુઇંગ બિઝનેસ મામલે મહારાષ્ટ્ર?

ઇમેજ સ્રોત, Facebook
કેન્દ્ર સરકારના ઇન્ડસ્ટ્રિયલ પૉલિસી ઍન્ડ પ્રમોશન (ડીઆઈપીપી) વિભાગના વર્ષ 2015માં આરબીઆઈ દ્વારા પ્રકાશિત સર્વે પ્રમાણે મહારાષ્ટ્ર આ સૂચકાંકમાં દેશમાં આઠમા નંબર પર હતું.
વર્ષ 2016માં આ જ સૂચકાંકમાં મહારાષ્ટ્ર દસમા ક્રમે હતું. પરંતુ વર્ષ 2017 અને 18માં મહારાષ્ટ્ર ટોચનાં દસ રાજ્યોની યાદીમાંથી બહાર થઈને 13મા ક્રમે આવી ગયું હતું.
નોંધનીય વાત એ છે કે આ સર્વેમાં વર્ષ 2019 સુધી આંધ્ર પ્રદેશ બીજા નંબર પર હતું. જો મહારાષ્ટ્ર અને ગુજરાતની તુલના કરવામાં આવે તો વર્ષ 2015માં ગુજરાત પ્રથમ નંબર પર હતું. વર્ષ 2016માં ગુજરાત ત્રીજા ક્રમે, વર્ષ 2017માં પાંચમા અને 2018માં દસમા ક્રમે હતું.

એમઆઈડીસી પ્રમાણે મહારાષ્ટ્રની તાકત શું છે?

ઇમેજ સ્રોત, MIDC WEBSITE
જો કોઈ કંપની મહારાષ્ટ્રમાં રોકાણ વિચાર કરે તો પ્રોજેક્ટ તૈયાર કરવામાં મહારાષ્ટ્ર ઘણાં બિંદુઓ પર તૈયારી કરે છે.
આ પ્રક્રિયામાં એમઆઈડીસીની મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે, કારણ કે એમઆઈડીસી જ પ્રોજેક્ટ માટે પ્લૉટ (જમીન), સડક, પાણી, ડ્રેનેજ સિસ્ટમ, વીજળી, સ્ટ્રીટ લાઇટ વગેરે ઉપલબ્ધ કરાવે છે. આ સિવાય ઇન્ફ્રાસ્ટ્રક્ચર સુવિધાઓ પણ એમઆઈડીસી જ પૂરી પાડે છે.
એમઆઈડીસી મહારાષ્ટ્ર સરકાર અંતર્ગત નોડલ એજન્સી સ્વરૂપે કામ કરે છે. એમઆઈડીસીનો મુખ્ય ઉદ્દેશ રાજ્યમાં રોકાણ વધારનારા યોજનાઓ તૈયાર કરવાનો જ છે.
એમઆઈડીસીની સત્તાવાર વેબસાઇટ પર પ્રકાશિત કાર્યકારી અધિકારી ડૉ. એપી અનબલગાનના નિવેદનમાં કહેવાયું છે કે, "અમે સમગ્ર રોકાણપ્રક્રિયા દરમિયાન ઉદ્યોગની મદદ કરવા માટે અને પડકારોનું સમાધાન કરવા માટે પ્રતિબદ્ધ છીએ. અમારો ઉદ્દેશ ઉદ્યોગને પ્રોત્સાહન આપનારો માહોલ તૈયાર કરવાનો અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો વિકાસ કરવાનો છે."
જ્યારે મહારાષ્ટ્રમાં ઔદ્યોગિક રોકાણ માટે કંપનીઓ સાથે વાતચીત કરાય છે તો તેમને જણાવાય છે કે મહારાષ્ટ્રમાં શું-શું સુવિધાઓ અને સરકાર તરફથી કયા પ્રકારની છૂટ આપવામાં આવશે.
એમઆઈડીસી કંપનીઓને અપીલ કરતાં કહે છે કે રાજ્યમાં જમીન અને સુવિધાઓ હાંસલ કરવામાં તેમને કોઈ પરેશાની નહીં થાય.
એમઆઈડીસીનું મુખ્ય કામ જ રાજ્યમાં ઉદ્યોગ લાવવાનું, લઘુ, મધ્યમ ઉદ્યોગોને પ્રોત્સાહન આપવાનું અને રાજ્યના લોકો માટે રોજગારની વધુ તકો પેદા કરવાનું છે.
એમઆઈડીસી કહે છે કે આનો હેતુ ક્ષેત્રીય સ્વરૂપે સમાવેશક પર્યાવરણ માટે અનુકૂળ અને તમામ માટે સમાવેશક ઔદ્યોગિક વિકાસ કરવાનો છે.
કંપનીઓ સાથે વાતચીત વખતે સંબંધિત ક્ષેત્ર સાથે જોડાયેલા નિયમો અને જરૂરિયાતો પર પણ ચર્ચા કરવામાં આવે છે. મહારાષ્ટ્રની સરકાર કંપનીઓને એવું સમજાવવા પ્રયત્ન કરે છે કે આ તેમના માટે સૌથી સારી પસંદગી છે અને મહારાષ્ટ્ર આવા પ્રોજેક્ટ ચલાવવા સક્ષમ છે.

મહારાષ્ટ્ર સાથે જોડાયેલાં કેટલાંક મહત્ત્વનાં બિંદુઓ પર નજર કરીએ

- મહારાષ્ટ્ર વિકાસ બાબતે દેશમાં સૌથી વધુ યોગદાન કરે છે. દેશની જીડીપીમાં 15 ટકા ફાળો મહારાષ્ટ્રનો છે
- મહારાષ્ટ્રમાં દેશમાં થનાર વિદેશી રોકાણ પૈકીનું 31.4 ટકા રોકાણ થયું છે
- મહારાષ્ટ્રનું લક્ષ્ય વર્ષ 2022 સુધી 4.5 કરોડ લોકોને રોજગાર માટે પ્રશિક્ષિત કરવાનું છે
- મહારાષ્ટ્રમાં ત્રણ આંતરરાષ્ટ્રીય, આઠ રાષ્ટ્રીય ઍરપૉર્ટ અને 20 અન્ય રનવે છે
- મહારાષ્ટ્રમાં 24 કલાક વીજળી પુરવઠો, બે મોટાં અને 53 નાનાં બંદરો છે
- મહારાષ્ટ્રમાં 9.1 કરોડ સ્માર્ટફોન અને 3.2 કરોડ ઇન્ટરનેટ યૂઝર છે

વિશેષજ્ઞોનું શું કહેવું છે?

ઇમેજ સ્રોત, Getty Images
બીબીસી ઇન્ડિયાના બિઝનેસ સંવાદદાતા નિખિલ ઇનામદાર કહે છે કે, "એ સત્ય છે કે મહારાષ્ટ્રને એક ઔદ્યોગિક રાજ્ય માનવામાં આવતું હતું. પરંતુ હવે અન્ય રાજ્યો પાસેથી ભારે ટક્કર મળી રહી છે."
"આંધ્ર પ્રદેશ અને તેલંગણા આ મામલે આગળ નીકળી રહ્યાં છે. આ રાજ્ય અત્યંત આક્રમક ઢબે ઉદ્યોગોને પોતાની તરફ આકર્ષિત કરી રહ્યાં છે. તેમણે ઉદ્યોગોને આકર્ષિત કરવા માટે રાજ્યની એક હકારાત્મક છબિ બનાવી લીધી છે."
"જો આપ હૈદરાબાદનું ઉદાહરણ ધ્યાને લેશો તો માઇક્રોસૉફ્ટ અને ગૂગલ જેવી મોટી કંપનીઓ ત્યાં છે. ત્યાં સ્ટાર્ટઅપ અને આઈટી ક્ષેત્રની કંપનીઓમાં પણ રોકાણ થઈ રહ્યું છે."
"વડા પ્રધાન નરેન્દ્ર મોદી ઘણાં વર્ષોથી વાઇબ્રન્ટ ગુજરાત મૉડલને પ્રોત્સાહન આપી રહ્યાં છે. પરંતુ સવાલ એ છે કે રોકાણ કેટલું છે અને તેનાથી કેટલો ફાયદો મળી રહ્યો છે? પરંતુ છબિનિર્માણના કારણે રોકાણકારોને એવું જરૂર લાગે છે કે રાજ્ય ઉદ્યોગ માટે યોગ્ય છે."
ઇનામદાર કહે છે કે રોકાણને આકર્ષિત કરવા માટે કોઈ પણ રાજ્યનાં તંત્ર અને સરકાર સમાનપણે સક્ષમ અને આક્રમક હોવાં જોઈએ.
જાણકારોનું કહેવું છે કે ઇન્ડસ્ટ્રીમાં વિકાસ રાજ્યમાં રાજકીય સ્થિરતા, રાજકારણ અને પ્રશાસનિક વ્યવસ્થા કેટલી મજબૂત છે તેના પર નિર્ભર કરે છે.
મહારાષ્ટ્રમાં ફૉક્સકૉન પ્રોજેક્ટ ન સ્થપાવા વિશે વાત કરતાં રાષ્ટ્રીય કૉંગ્રેસ પાર્ટીના અધ્યક્ષ શરદ પવારે કહ્યું કે, "હવે જો કોઈ રોકાણ કરવા માગે છે તો મહારાષ્ટ્ર પહેલી પસંદ રહેતું. જ્યારે અમે સત્તામાં હતા ત્યારે યશવંત ઘરે નામના એક અધિકારી હતા. તેમનું એક જ કામ હતું, ઇન્ડસ્ટ્રીને પ્રમોટ કરવાનું. હવે આખી સિસ્ટમ સુસ્ત થઈ ચૂકી છે. રોકાણ માટે માહોલ બનાવવો પડશે. હવે રાજ્ય વિશે વિચારવું પડશે. મને લાગે છે કે સત્તા પક્ષ અને વિપક્ષે એકમેક સાથે લડવાનું બંધ કરવું પડશે."
હૉસ્પિટાલિટી સૅક્ટરમાં રાજ્ય સરકારે લાઇસન્સની સંખ્યા 70થી ઘટાડીને દસ કરી દેવાઈ છે અને આવું અન્ય ક્ષેત્રો માટે પણ કરવું જરૂરી છે.
વરિષ્ઠ પત્રકાર વિનય દેશપાંડે કહે છે કે, "ઇન્ડસ્ટ્રિયલ સૅક્ટર માટે એ જણાવું અત્યંત જરૂરી છે કે મહારાષ્ટ્રમાં ઇન્ડસ્ટ્રિયલ સૅક્ટરની શું છબિ છે. શું રાજ્યમાં સત્તા બદલ્યા બાદ નીતિઓ બદલાઈ જશે? શું કોઈ નવી નીતિ અમારા માટે નુકસાનકારક સાબિત થશે? શું ઉદ્યોગપતિઓને શંકા છે? મને લાગે છે કે આ વાતો પર વિચાર થવો જોઈએ."
તેમણે કહ્યું, "આ સિવાય અમુક જગ્યાએ વીજળી અને પાણીની ક્રૉસ સબસિડીથી રોકાણકારો કે કંપનીઓને એવું અનુભવાય છે કે તેમની સાથે છેતરપિંડી કરાઈ રહી છે. શું આના કારણે નકારાત્મક છબિ બને છે? આ મુદ્દે ધ્યાન આપવાની જરૂર છે."
વિનય દેશપાંડેએ કહ્યું, "મહારાષ્ટ્રમાં રોકાણ કરવા માટે પ્રોત્સાહિત કરવા માટેના પ્રોગ્રામ લાવવામાં આવે છે, પરંતુ શું માત્ર આવા પ્રોગ્રામ છે જેના થકી વિજ્ઞાપન કરાઈ રહ્યાં છે. આ પ્રોગ્રામનાં પરિણામ શું છે? આપણે એ વાત પર પણ ધ્યાન આપવાની જરૂરિયાત છે કે તેનાથી કેટલું રોકાણ હાંસલ થયું છે."

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ












