નવરાત્રી : મધ્ય પ્રદેશમાં મુસ્લિમ યુવાનોને ગરબાથી દૂર રાખવા પાછળ સરકારનો હાથ?

મુસ્લિમોને ગરબામાંથી બહાર કાઢવામાં આવ્યા

ઇમેજ સ્રોત, Getty Images

    • લેેખક, સલમાન રાવી
    • પદ, બીબીસી સંવાદદાતા

નવરાત્રી દરમિયાન ગરબાનું આયોજન થાય છે અને આ પરંપરા ગુજરાત સાથે એટલી સંકળાયેલી છે કે ગરબાનું નામ સાંભળતાં જ મનમાં ગુજરાતનો ખ્યાલ આવે, જોકે છેલ્લાં કેટલાંક વર્ષોમાં ગરબાની લોકપ્રિયતા એટલી વધી છે કે ગુજરાત બહાર પણ તેનું આયોજન થઈ રહ્યું છે.

ગરબા હવે માત્ર ગુજરાત પૂરતા સીમિત રહ્યા નથી અને બિનગુજરાતીઓ પણ નવરાત્રીની ધામધૂમથી ઉજવણી કરે છે. મહારાષ્ટ્રમાં તો નવરાત્રીની ઉજવણી ઘણાં વર્ષોથી થાય છે. હવે મધ્ય પ્રદેશમાં પણ ગરબા મહોત્સવ યોજાઈ રહ્યા છે.

ગુજરાતમાં છેલ્લાં કેટલાંક વર્ષોથી ગરબા દરમિયાન કોમી તણાવની ઘટનાઓ પણ નોંધાઈ છે. ગુજરાતમાં ગરબામાં બિનહિંદુ લોકોના પ્રવેશને લઈને વિવાદની ઘટનાઓ બની હતી. ગુજરાતની બહાર પણ કેટલીક જગ્યાઓએ મુસલમાનોને ગરબા રમવાથી રોકવામાં આવતા હોવા અંગે પણ ચર્ચા થઈ રહી છે.

મધ્ય પ્રદેશ સરકાર અને ગૃહમંત્રી નરોત્તમ મિશ્રા પર મુસલમાનવિરોધી વલણ અપનાવા અંગે આરોપ લાગી રહ્યા છે. ખરગૌનમાં શોભાયાત્રા દરમિયાન થયેલી હિંસા બાદ જે રીતે મુસલમાનોનાં ઘરો પર બુલડોઝર ચલાવવામાં આવ્યાં તેને લઈને રાજ્ય સરકારે ટીકાનો સામનો કરવો પડ્યો હતો.

મુસ્લિમોને ગરબામાંથી બહાર કાઢવામાં આવ્યા

ઇમેજ સ્રોત, Getty Images

આ જ રીતે મધ્ય પ્રદેશ સરકારે નવરાત્રી શરૂ થતાં પહેલાં જ એ સ્પષ્ટ કરી દીધું હતું કે, આ નવ દિવસ દરમિયાન જે સ્થળોએ ગરબાનું આયોજન થશે, ત્યાં ઓળખપત્ર સાથે જ પ્રવેશ આપવામાં આવશે.

આ સરકારી આદેશ હતો અને આનું પાલન ગરબાના આયોજકોએ કર્યું. આમ છતાં આ રાજ્યમાં ઉજ્જૈન અને ઇન્દોર બે એવાં મુખ્ય શહેર રહ્યાં, જ્યાં ગરબાસ્થળ પર પ્રવેશ કરનારા અથવા તે માટે પ્રયત્ન કરનારાઓને પકડીને પોલીસના હવાલે કરાયા હતા.

આ અંગે રાજ્યના ગૃહમંત્રી નરોત્તમ મિશ્રાએ પ્રદેશભરના તંત્રને સ્પષ્ટ આદેશ આપ્યો હતો, જે બાદ ભોપાલ, ઇન્દોર, ઉજ્જૈન અને લગભગ બધા જિલ્લામાં ઓળખપત્ર વગર ગરબા રમવા પર પ્રતિબંધ લાદવામાં આવ્યો હતો.

રાજ્ય સરકારે માત્ર ઓળખપત્ર ચેક કરવાનો આદેશ આપ્યો હતો, એવું નહોતું કહ્યું કે મુસલમાનોને પ્રવેશ આપવામાં ન આવે. જે લોકોના ઓળખપત્રમાં તેઓ મુસલમાન હોવાનું દર્શાવ્યું હતું એ લોકોને રોકવામાં આવ્યા હતા, ક્યાંક તેમને પકડીને માર મારવામાં આવ્યો હતો, અને પોલીસસ્ટેશને પણ લઈ જવામાં આવ્યા હતા.

line

કેટલાંક મુસ્લિમ યુવકોને પકડવામાં આવ્યા

મુસ્લિમોને ગરબામાંથી બહાર કાઢવામાં આવ્યા

ઇમેજ સ્રોત, Getty Images

ઇન્દૌર અને ઉજ્જૈનમાં લગભગ 14 મુસ્લિમ યુવકોને ગરબાના સ્થળ પર પ્રવેશ કરતા રોકવામાં આવ્યા અને પ્રવેશદ્વાર પર હાજર કાર્યકર્તાઓ સાથે તેમની ઝપાઝપી થઈ હતી. આ ઘટનામાં કોઈને પણ ધરપકડ કરવામાં આવ્યા ન હતા અને બધાને છોડી મૂકવામાં આવ્યા હતા.

રાજ્યના ગૃહમંત્રીએ પત્રકારોના સવાલોના જવાબ આપતા કહ્યું હતું કે, "નવરાત્રી દરમિયાન યોજાયેલા મહોત્સવોનાં સ્થળો પાસે સામાન વેચનારા ફેરિયાઓ અંગે કોઈ આદેશ આપવામાં આવ્યા ન હતા કારણ કે બહાર કોઈ પણ પોતાનો સામાન વેચી શકે છે. સરકારનો આદેશ માત્ર ગરબાના આયોજનમાં પ્રવેશને લઈને જ હતો."

સમાજના કેટલાય વર્ગોમાં સરકારના આ આદેશની ટીકા પણ થઈ રહી છે. સામાજિક કાર્યકર્તાઓનું કહેવું છે કે, "તહેવાર બધાએ હળીમળીને મનાવવાનો હોય છે, જેની ખુશીમાં બધાએ સામેલ થવું જોઈએ."

પરંતુ ગૃહમંત્રીએ આના જવાબમાં કહ્યું કે, "જેમને આસ્થા છે તેઓ પોતપોતાના સમાજમાં અલગથી ગરબાનું આયોજન કરી લે, જેનાથી એક સારો સંદેશ પણ જશે. લોકો ગરબાનાં આયોજન સ્થળે જઈ શકે છે પરંતુ તેમણે ઓળખપત્ર બતાવવું પડશે."

મુસ્લિમોને ગરબામાંથી બહાર કાઢવામાં આવ્યા

ઇમેજ સ્રોત, Getty Images

જોકે સરકારે જિલ્લા અધિકારીઓને આદેશમાં ક્યાંય પણ એવું કહ્યું ન હતું કે, "આયોજનમાં મુસ્લિમ સમુદાયના લોકોને પ્રવેશ ન કરવા દેવામાં આવે, પરંતુ આ આદેશને જે રીતે લાગુ કરવામાં આવ્યો તેના પર વાંધો ઉઠાવાઈ રહ્યો છે."

જે લોકો મુસલમાન હતા તેમને પ્રવેશ કરતા રોકવામાં આવ્યા, પકડીને રાખવામાં આવ્યા અને ત્યારબાદ પોલીસે તેમને જવાનું કહ્યું.

કેટલાંક આયોજનસ્થળ પર પોસ્ટર પણ લગાવામાં આવ્યાં કે બિનહિન્દુઓ માટે પ્રવેશ નિષેધ છે.

આ ઘટના શનિવારની ઇન્દૌરના ખજરાના વિસ્તારની છે. અભિવ્યક્તિ નામની સંસ્થાએ શહેરમાં મોટાપાયે આયોજન કર્યું હતું. એજ રાત્રે નજીકના શહેર ઉજ્જૈનમાં પણ કંઈક આવું જ થયું.

ઇન્દૌરની ઘટના અંગે બજરંગદળના કાર્યકર્તાઓનો આરોપ હતો કે "ત્રણ મુસલમાન યુવક ગરબાના સ્થળના ગેટ પાસે ઊભા રહીને કૉમેન્ટ કરી રહ્યા હતા અને સૅલ્ફી લઈ રહ્યા હતા."

line

યુવકોની મારપીટનો આરોપ

મુસ્લિમોને ગરબામાંથી બહાર કાઢવામાં આવ્યા

ઇમેજ સ્રોત, Getty Images

પોલીસનું કહેવું છે કે, "ત્યાં હાજર કાર્યકર્તાઓએ આ યુવકોનાં ઓળખપત્ર જોયાં અને તેમને માર પણ માર્યો હતો. તેમણે હસ્તક્ષેપ કર્યો અને એ યુવકોને ત્યાંથી બચાવીને પોલીસસ્ટેશન લઈ આવ્યા. ત્યારબાદ તેમને છોડી દેવામાં આવ્યા."

આવું જ કંઈક ઉજ્જૈનના માધવનગર પોલીસસ્ટેશન વિસ્તારના એક ગરબા સ્થળમાં પણ થયું, જ્યાંનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ પણ થયો. આ વીડિયોમાં કેટલાક યુવકોને લોકો મારતા જોવા મળી રહ્યા છે, જે લોકો યુવકોને મારી રહ્યા હતા, એ લોકો બજરંગદળના કાર્યકર હોવાનું કહેવાય છે. અહીં પણ પોલીસે પહોંચીને યુવકોને ભીડમાંથી બચાવ્યા અને પોતાની સાથે પોલીસસ્ટેશન લઈ ગઈ.

ગૃહમંત્રી નરોત્તમ મિશ્રાના આદેશ પહેલાં જ પ્રદેશનાં સંસ્કૃતિ અને પ્રવાસન મંત્રી ઊષા ઠાકુરે ગ્વાલિયરમાં પત્રકારો સાથે વાત કરતાં આરોપ લગાવ્યો હતો કે, "ગરબાના આયોજન સ્થળ લવ-જેહાદનાં મોટાં કેન્દ્રો બની ચૂક્યાં છે."

તેમણે ગરબાના આયોજકોને કહ્યું કે, "સતર્ક રહે કે, કોઈ પણ પોતાની ઓળખ છુપાવીને ગરબામાં સામેલ થાય નહીં."

વીડિયો કૅપ્શન, ગુજરાતનું એ નગર જ્યાં નવરાત્રિમાં હિન્દુ-મુસ્લિમ બાળાઓ સાથે ગરબે રમે છે

ઇન્દોરમાં બજરંગદળના સંયોજક તનુ શર્માએ બીબીસી સાથે વાત કરતાં કહ્યું કે, તેમણે પોતાના કાર્યકર્તાઓને આયોજનસ્થળના પ્રવેશદ્વારો પર તહેનાત કર્યા હતા.

વાતચીત દરમિયાન તેમણે કહ્યું કે, "ઇન્દોરની ઘટના હોય કે ઉજ્જૈનની, અમારા જૂના અનુભવ સારા રહ્યા નથી. તેથી આ વખતે અમારે વધુ સતર્કતા રાખવી પડી. સૌથી મોટી વાત એ છે કે જે લોકો હિન્દુ ન હોવા છતાં હાથમાં કડુ અને માથા પર તિલક લગાવીને હિન્દુઓના વેશમાં પ્રવેશ કરે છે. આ આયોજનો દરમિયાન કેટલીય ઘટનાઓ એવી ઘટી છે, જેમાં હિન્દુ યુવતીઓ તેમનામાં ફસાઈ જાય છે અથવા બ્લૅકમેલ અને લવજેહાદનો શિકાર બને છે. આ લોકો વીડિયો બનાવે છે અને સોશિયલ મીડિયા પર અપલોડ કરી દે છે. આવી કેટલીય ઘટનાઓમાં અમારે વચ્ચે પડવું પડ્યું.''

આ દાવા અથવા આરોપો કેટલા સાચા છે તેની કોઈ સચોટ સાબિતી અથવા મિસાલ આપવામાં આવી રહી નથી, તેમણે એ ન જણાવ્યું કે આવી ઘટના ક્યારે અને ક્યાં થઈ.

બદલો X કન્ટેન્ટ
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

X કન્ટેન્ટ પૂર્ણ

ગરબામાં બધા જ વર્ગના લોકોને સામેલ થવા દેવા કે નહીં, તે અંગેના વિચાર પણ અલગ-અલગ છે. તે દરમિયાન 'ઑપ ઇન્ડિયા' પોર્ટલનના મુખ્ય સંપાદક નૂપુર શર્માનું ટ્વીટ પણ વાઇરલ થયું. આ ટ્વીટમાં તેમણે લખ્યું, "મુસલમાનોએ ગરબાથી દૂર રહેવું જોઈએ." ત્યારબાદ તેમણે એક લેખના માધ્યમથી જણાવવાની કોશિશ કરી કે તેમણે આવું કેમ લખ્યું.

તેમનું કહેવું હતું, "ગરબા કોઈ નૃત્યનો ઉત્સવ નથી, પણ એક ધાર્મિક આયોજન છે. જેમાં મા દુર્ગાના નવ રૂપોની નવ દિવસ ઉપાસના કરવામાં આવે છે. નૃત્યના માધ્યમથી જ ઉપાસના કરવામાં આવે છે અને જે લોકો દેવીની પૂજા કરતા નથી અથવા જેના ધર્મમાં મૂર્તિપૂજા નથી તેમના આવા આયોજનોમાં ભાગ લેવાનું કોઈ ધાર્મિક કારણ હોઈ શકે નહી.''

તેમના આ ટ્વીટ અને લેખ પર ચર્ચા પણ થઈ રહી છે, મધ્ય પ્રદેશનો ઇતિહાસ અને સંસ્કૃતિને લઈને શોધ કરી રહેલા ભોપાલના સિકંદર મલિક તેમની વાત સાથે સહમત પણ છે. બીબીસી સાથે વાત કરતા તેમણે ગરબા જેવા ધાર્મિક આયોજનોમાં મુસ્લિમ યુવાનોની હાજરીને અનુચિત કરાર આપ્યો.

line

ગરબા બન્યા ચર્ચાનો વિષય

મુસ્લિમોને ગરબામાંથી બહાર કાઢવામાં આવ્યા

ઇમેજ સ્રોત, Getty Images

સિકંદર કહે છે, 'કેટલીક ઘટનાઓ એવી થઈ ચૂકી હોવાના કારણે આવા પ્રતિબંધો થઈ શકે છે, જ્યાં હિન્દુ યુવતીઓ અને મુસ્લિમ યુવકોએ આ આયોજન દરમિયાન મિત્રતા કરી અને લગ્ન પણ કરી લીધાં. કૉલેજ દરમિયાન તેમના ત્યાં ગરબા થતા હતા પરંતુ મોટાપાયે નહીં. તેમાં બધા લોકો ભાગ લેતા હતા. પરંતુ હવે જ્યારે બધું બદલાઈ રહ્યું છે, ત્યારે મુસલમાનોએ પણ વિચારવું જોઈએ કે મતલબ વગર બીજાના ધાર્મિક કાર્યક્રમમાં જબદસ્તી કેમ જવું છે.''

સિકંદર જણાવે છે કે, ''રમઝાનનો મહિનો ચાલતો હોય ત્યારે ક્યારેક નવરાત્રી પણ એવા સમયે આવી હતી.''

તેઓ કહે છે, "હવે તમે જણાવો કે રમઝાનમાં સાંજે તરાવી પઢવા અને ઇબાદત કરવાના બદલે ગરબામાં આ યુવકોનું નાચવું કેટલું બરાબર છે."

જાહિદ અનવર શહેરના જૂના બાશિંદા છે અને તેઓ 10 વર્ષ પહેલાંના સમયને યાદ કરતા કહે છે કે તેઓ પોતાના મિત્રો અને પરિવાર સાથે ગરબા અને દુર્ગાપૂજાના આયોજનમાં ભાગ લેતા હતા.

તેઓ કહે છે, "હવે સ્થિતિ બદલાઈ ગઈ તો અમે પણ જવાનું છોડી દીધું. જ્યારે કોઈને ખરાબ લાગે છે તો પછી જબરદસ્તી બેઇજ્જત થવા માટે કેમ જવું જોઈએ."

મધ્ય પ્રદેશના બીજા કેટલાક મુસલમાનો છે, જેઓ માને છે કે ઇસ્લામમાં નિરાકાર ભગવાનની કલ્પના છે, જ્યાં દેવીની ઉપાસના અથવા પૂજા ઘણી સાદાઈથી અને ધાર્મિક ભાવનાઓ સાથે થઈ રહી હોય, ત્યાં કોઈએ દખલ કરવી સારું ન કહેવાય. તેઓ કહે છે કે તમે શુભેચ્છા પાઠવો ઘરે-ઘરે જઈને.

મધ્ય પ્રદેશની સંસ્કૃતિ પર લાંબા સમયથી કામ કરી રહેલા ધ્રુવ શુક્લાએ 10થી વધુ પુસ્તકો લખ્યાં છે. તેઓ પ્રદેશની સંસ્કૃતિ અને ધાર્મિક પરંપરા પર લખે છે.

line

ક્યારથી શરૂ થઈ આ સમસ્યા?

મુસ્લિમોને ગરબામાંથી બહાર કાઢવામાં આવ્યા

ઇમેજ સ્રોત, Getty Images

બીબીસી સાથે વાતચીત દરમિયાન તેઓ કહે છે, "જ્યારથી ગરબાનું વ્યવસાયીકરણ થયું ત્યારથી આ સમયસ્યા શરૂ થઈ. ગરબા મધ્ય પ્રદેશની ધાર્મિંક સંસ્કૃતિનો ભાગ ન હતા. છેલ્લાં 20 વર્ષથી અહીં શરૂ થયાં, પરંતુ જ્યારથી પ્રદેશના સૌથી મોટા વ્યવસાયિક સમૂહે આનું આયોજન ભોપાલ અને ઇન્દોરમાં શરૂ કર્યું, ત્યારથી આનું ચલણ દરેક જગ્યાએ થઈ ગયું છે.''

શુક્લા કહે છે કે ''ગરબાના આયોજનમાં બજારને જોડવામાં આવ્યું અને આયોજનની ભારે ભરખમ ટિકિટ રાખીને સારી કમાણી થવા લાગી છે.''

તેમનું કહેવું છે કે ''મધ્ય પ્રદેશમાં મુખ્ય ત્રણ ધાર્મિક પંથ જ રહ્યા છે. જેમકે શિવ, જે ભગવાન શિવની ઉપાસના કરે છે અને દેશમાં ફેલાયેલા જ્યોર્તિલિંગોમાંથી બે મધ્ય પ્રદેશમાં છે જે સૌથી મોટા આસ્થાનાં કેન્દ્રો રહ્યાં છે. એક ઉજ્જૈનમાં મહાકાલનું જ્યોતિર્લિગ અને બીજું ઓંકારેશ્વરનું જ્યોતિર્લિંગ.''

તેઓ જણાવે છે કે, ''બીજો પંથ શાક્ત પંથ છે, જેમાં શકિતની દેવીની પૂજા અને ઉપાસના થાય છે. જ્યારે ત્રીજો પંથ વૈષ્ણવ છે જે ભગવાન રામ અને શ્રીકૃષ્ણની પૂજા કરે છે.''

મુસ્લિમોને ગરબામાંથી બહાર કાઢવામાં આવ્યા

ઇમેજ સ્રોત, Getty Images

ભોપાલસ્થિત ભારત ભવનમાં પણ લાંબા સમયથી જોડાઈ રહેલા ધ્રુવ શુક્લા પણ કહે છે કે, ''પ્રદેશની ચાર મુખ્ય બોલી છે- માલવી, નિમાડી, બઘેલખંડી અને બુંદેલખંડી. આ બધી ભાષાઓની લોકગાથાઓમાં ભક્તિગીત ગવાઈ રહ્યાં છે.''

તેઓ જણાવે છે કે, ''ઓરછા રિયાસતમાં 17મી શતાબ્દીમાં રામ રાજાનું મંદિર બન્યું છે, જેના પર લોકોની આસ્થા છે. વિસ્તારમાં આજે પણ ભગવાન રામને ભગવાન નહીં પણ પોતાના રાજા માનવામાં આવે છે. તેમના મુજબ મધ્ય પ્રદેશમાં વધુ પડતા હિન્દુ ધર્મના અનુયાયી સતના મૈયા, શીતલામાતા અને શારદામાતાની જ પૂજા કરતા આવ્યા છે.''

મધ્ય પ્રદેશની સંસ્કૃતિ પર કામ કરનારા રાજેન્દ્ર કોઠારી કહે છે કે, ''જે રીતે પંજાબમાં ભાંગડાનું વ્યવસાયીકરણ થયું, તે જ રીતે રાજસ્થાનના ઘૂમર અને ગરબાનું પણ વ્યવસાયીકરણ થઈ ગયું છે.''

તેઓ જણાવે છે, ''મારો જન્મ ઇન્દોરમાં થયો છે. એ સમયે અમારા ત્યાં ત્રણ મુખ્ય તહેવાર હતા, એક રક્ષાબંધન, બીજો ગણેશચતુર્થી અને ત્રીજો હોળી. દશેરા પણ ઉજવાતો હતો. લોકો નવરાત્રિમાં ઉપવાસ કરતા હતા. આ બધુ પછીથી શરૂ થયું. જ્યારે હું ભોપાલ નોકરી કરવા 1965માં આવ્યો, તો આ બધુ હતું નહીં.''

બજરંગદળના સંયોજક તનુ શર્મા પણ ગરબાના વ્યવસાયીકરણની વાતનો સ્વીકાર કરે છે.

તેઓ કહે છે, "જ્યારથી આ આયોજનો પર ટિકિટ લાદવામાં આવી અને લોકો તેમાંથી કમાણી કરવા લાગ્યા, ત્યારથી ધાર્મિંક ભાવનાઓ અને આસ્થાઓને હઠાવીને એક-એક હજારની ટિકિટો વેચવામાં આવી રહી છે.''

''વધુથી વધુ પૈસા કમાવવા માટે કોઈને પણ પ્રવેશ આપવામાં આવી રહ્યો છે. પ્રશાસનના આદેશની અવહેલના ખુલ્લેઆમ થતી, તેથી બજરંગદળના કાર્યકર્તાઓએ જાતે જ ગરબાના આયોજન સ્થળની બહાર પોતાના કાર્યકર્તાઓને તૈનાત કર્યા."

મુસ્લિમોને ગરબામાંથી બહાર કાઢવામાં આવ્યા

ઇમેજ સ્રોત, Getty Images

ભોપાલ શહેરમાં જ્યાં શેરીગરબાનું આયોજન થાય છે, ત્યાં આ રીતનું કોઈ આયોજન નથી. શાહપુરા પોલીસસ્ટેશનના રોહિતનગરમાં થઈ રહેલા ગરબાના આયોજકોમાંથી એક જ્યોતિ કહે છે કે, શેરીમાં બધા એકબીજાને ઓળખે છે અને વધુ પડતાં લોકો પોતાના પરિવાર સાથે આવે છે, તેથી વધુ સમસ્યા ઊભી થતી નથી.

આવી જ રીતે કોઇ એક શૈક્ષણિક સંસ્થાઓમાં જે ગરબા થાય છે, તે વિદ્યાર્થીઓ સુધી સીમિત રહે છે, પછી ભલે તે ગમે તે ધર્મના હોય. બહારથી કોઈને પણ આમાં ભાગ લેવા માટે નિમંત્રણ આપવામાં આવતું નથી. બાવડિયા કલાંની એક સ્કૂલમાં પણ ગરબાનું આયોજન કરાયું છે. પરંતુ તેમણે જે પાસ આપ્યા હતા, એ વિદ્યાર્થીઓ અને તેમના પરિવાર માટે હતા.

વરિષ્ઠ પત્રકાર રાકેશ દીક્ષિત આ રાજકીય પરિસ્થિતિને આ માટે જવાબદાર ગણે છે. તેમનું કહેવું છે કે, જ્યારથી ધાર્મિંક આયોજનોમાં રાજનીતિ ઘૂસ્યું છે, ત્યારથી સામાજિક સમરસતા બગડવા માંડી છે જે પહેલાં ક્યારેય હતી નહીં.

ભોપાલમાં કોઈ પણ પ્રકારની ઘટના રિપોર્ટ ન થઈ હોય, પરંતુ શહેરના જૂના લોકો, જેઓ સાથે મળીને બધા તહેવારો ઉજવી રહ્યા હતા, તેમને લાગે છે કે, હવે માહોલ એવો પહેલાં જેવો રહ્યો નથી.

તેઓ કહે છે કે, સમાજમાં અશાંતિ ન ફેલાય તેથી બધાએ એ નક્કી કરી લેવું જોઈએ કે લોકો એવું કંઈ જ ન કરે જેનાથી કોઇને તકલીફ થાય.

લાઇન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો

લાઇન