આરએસએસ પ્રમુખ મોહન ભાગવતે વિજયાદશમીના સંબોધનમાં આંબેડકર વિશે શું કહ્યું?

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંઘચાલક દશેરાના દિવસે આગામી સમયમાં સંઘના વલણ અંગે વક્તવ્ય આપશે.

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંઘચાલક દશેરાના દિવસે આગામી સમયમાં સંઘના વલણ અંગે વક્તવ્ય આપશે.

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ્રમુખ મોહન ભાગવતે વિજયાદશમીના અવસરે કહ્યું છે કે મહિલાઓ આગળ વધ્યા વગર દેશ આગળ ના વધી શકે.

આ સાથે જ તેમણે પોતાના ભાષણમાં મહાત્મા ગાંધી અને ડૉ. ભીમરાવ આંબેડકરનો ઉલ્લેખ પણ કર્યો

તેમણે કહ્યું કે શિક્ષણપદ્ધતિ બદલવાની સાથોસાથ સામાજિક બદલાવ પણ કરવો પડશે. ગાંધી ગુરુકુલમાં નહોતા ભણ્યા, અંગ્રેજી માધ્યમમાં શિક્ષણ મેળવ્યા બાદ પણ ગાંધી, તિલક અને હેડગેવાર જેવા લોકો દેશભક્ત બન્યા. સામાજિક વાતાવરણ આ પાછળનું મુખ્ય કારણ હતું.

આ ઉપરાંત તેમણે કહ્યું કે ડૉ. ભીમરાવ આંબેડકરે આપણે ચેતવ્યા હતા કે બંધારણથી સામાનતાનો માર્ગ પ્રશસ્ત થશે પણ ખરો બદલાવ સમાજ અને આપણી અંદરના પરિવર્તનથી જ શક્ય બનશે.

તેમણે કહ્યું, "જનસંખ્યા નિયંત્રણ પ્રત્યે જાગરુકતા અને એ લક્ષ્યની પ્રાપ્તિની દિશામાં આપણે નિરંતર અગ્રેસર છીએ. એવામાં બે પ્રશ્ન વિચાર માટે ઊભા છે."

"સમાજવિજ્ઞાની અને મનોવૈજ્ઞાનિકોના મત અનુસાર બહુ નાના પરિવારોને લીધે બાળક-બાળકીઓને સ્વસ્થ સમગ્ર વિકાસ, પરિવારમાં અસુરક્ષાનો ભાવ, સામાજિક તણાવ, એકાકી જીવન વગેરે પડકારોનો સામનો કરવો પડે છે અને આપણા સમાજની સંપૂર્ણ વ્યવસ્થાનું કેન્દ્ર એવી પરિવારવ્યવસ્થા પર જ એક પ્રશ્નચિહ્ન ઊભું થઈ ગયું છે. "

"એવામાં એક બીજો મહત્ત્વનો પ્રશ્ન જનસાંખ્યિકી અસંતુલનનો પણ છે. 75 વર્ષ પૂર્વે આપણે આનો અનુભવ કર્યો છે અને એકવીસમી સદીમાં જે ત્રણ નવા દેશોનું વિશ્વમાં અસ્તિત્વ સર્જાયું એ ઇસ્ટ તિમોર, દક્ષીણ સુદાન અને કોસોવો, એ ઇન્ડોનેશિયા, સુદાન અને સર્બિયાના એક ભૂભાગમાં જનસંખ્યાનું સંતુલન બગડવાનું જ પરિણામ છે."

"જ્યારેજ્યારે કોઈ દેશમાં જનસંખ્યામાં અસંતુલન થાય, ત્યારેત્યારે એ દેશની ભૌગોલિક સરહદોમાં પરિવર્તન આવે છે."

આ વખત આ આયોજન એટલા માટે પણ મહત્ત્વપૂર્ણ છે કે પ્રથમ વખત સંઘના આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે એક મહિલાને બોલાવાયાં છે. આ વખત ભારતનાં પર્વતારોહક સંતોષ યાદવને મુખ્ય અતિથિ તરીકે આમંત્રિત કરાયાં છે.

નોંધનીય છે કે તેઓ મૂળ હરિયાણાનાં છે અને બે વખત માઉન્ટ ઍવરેસ્ટ સર કરી ચૂક્યાં છે. આ ઉપલબ્ધિને ધ્યાને રાખીને તેમને વર્ષ 2000માં પદ્મશ્રીથી નવાજાયાં હતાં.

નિકટના ભૂતકાળમાં ભાજપ પણ અવારનવાર મહિલા મતદારોને આકર્ષવા માટે પ્રયત્નો કરતો હોય તેવું ભાજપની સરકારોની યોજના પરથી લાગતું રહ્યું છે.

વર્ષ 1925માં દશેરાના દિવસે નાગપુરમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની સ્થાપના થઈ હતી. આ દિવસે દર વર્ષે સરસંઘચાલક દેશના કેટલાક મહત્ત્વના મુદ્દે સંઘનો દૃષ્ટિકોણ રજૂ કરે છે. તે સંઘ માટે એક વાર્ષિક અને મહત્ત્વપૂર્ણ આયોજન હોય છે.

line

મોહન ભાગવતના સંબોધનના મુદ્દા

  • શક્તિ તમામનો આધાર છે, શાંતિનો પણ આધાર છે. શુભ કામો કરવા માટે પણ શક્તિ જોઈએ. અમે આ મંચ પર માતૃશક્તિને સ્થાન આપતા આવ્યા છીએ.
  • ભારતીય મહિલા પરિષદનાં અધ્યક્ષા અમૃતકોર પણ અમારાં મુખ્ય અતિથિ રહી ચૂક્યાં છે.
  • પુરુષ શ્રેષ્ઠ કે મહિલા શ્રેષ્ઠ એવા અહીં વાદ નથી, બંનેનાં કામ પૂરક છે.
  • અડધો ભાગ માતૃશક્તિનો છે તેની ઉપેક્ષા ન થઈ શકે.
  • વિદેશી આક્રમણોની પરિસ્થિતિમાં સ્ત્રી બંધનમાં જકડાઈ.
  • માતૃશક્તિને શશક્ત કરવાનું, તેમને બરાબરીનો અધિકાર આપીને સક્રિય કરવાની આવશ્યકતા છે.
  • 2017માં વિવિધ સંગઠનોમાં કામ કરતી અમારી મહિલા કાર્યકરોએ માતૃશક્તિ (મહિલાઓ)નો એક સર્વે કર્યો હતો.
  • ભારતભરમાં આટલો વિસ્તૃત સર્વે પહેલીવાર થયો. સર્વે પ્રગટ પણ થયો અને તેને ભારત સરકારને પણ સોંપવામાં આવ્યો.
  • એ સર્વેનો નિષ્કર્ષ એવો છે કે દરેક કાર્યો જે પુરુષ કરે છે તે માતૃશક્તિ કરી શકે છે પરંતુ જે દરેક કાર્યો માતૃશક્તિ કરી શકે છે તે પુરુષ નથી કરી શકતા.
  • તેમનું સશક્તીકરણ કરવું અને તેમને કામ કરવાની સ્વતંત્રતા આપવી અને કાર્યોમાં સમાન સહભાગિતા આપવી.
  • દુનિયાભરમાં મહિલાવાદી આંદોલનો ચાલે છે તેનો છઠ્ઠો તબક્કો ચાલી રહ્યો છે અને તેઓ પણ અનુભવ આધારિત પોતાના દૃષ્ટિકોણને બદલીને આ રસ્તે આવી રહ્યા છે.
  • માતૃશક્તિના જાગરણનું મહત્વનું કામ પોતાના પરિવારથી શરૂ કરવું પડશે.
  • શ્રીલંકાના સંકટમાં આપણે જે રીતે સહાય કરી, યુક્રેન યુદ્ધમાં જે ભૂમિકા આપણે ભજવી, આપણી વાત સાંભળવામાં આવી છે, આપણને મહત્ત્વ આપવામાં આવી રહ્યું છે.
  • રાષ્ટ્રીય સુરક્ષા મામલે આપણે ઉત્તરોત્તર સ્વાવલંબી થઈ રહ્યા છે.
  • કોરોનાની વિપદામાંથી બહાર આવ્યા પછી હવે આપણી અર્થવ્યવસ્થા ધીમેધીમે સુધરી રહી છે.
  • તાજેતરમાં જ દિલ્હીમાં કર્તવ્યપથનું ઉદ્ઘાટન થયું તેમાં વડા પ્રધાને જે ભાષણ કર્યું હતું તેમાં આત્મનિર્ભર ભારતનો અણસારો સંભળાયો.
  • કોઈ પણ રસ્તો સીધો નથી હોતો, રસ્તો કાઢનારે લવચીકપણું ધારણ કરવું પડે. ત્યારે અવિશ્વાસ ન આવે અને પરસ્પર સમજદારીભર્યું વાતાવરણ બને.
  • કેટલું લવચીકપણું ધારણ કરવું તેની સ્પષ્ટતા જરૂરી છે. બધાને સાથે લઈને ચાલવાનું છે.
  • પરિવર્તન સંસારનો નિયમ છે એની સાથે ચાલવું પડે પણ તેની સાથે ચાલતા ચરણ ભટકી ન જાય એ માટે સનાતનને સાથે રાખીને ચાલવાનું છે.
  • સનાતન મૂલ્યોના યુગાનુકુલ, દેશાનુકુલ વલણને અપનાવવું પડશે.
  • જાતિ, વર્ણના નામે જેઓ આપણને પાંખમાં લે એમની ચુંગાલમાં ફસાવું નહીં.
  • રાષ્ટ્રવિરોધી વાતોનો નિર્ભયતા પૂર્વક, નિર્મોહી થઈને નિષેધ, પ્રતિકાર કરવો પડશે.
  • નવી શિક્ષા નીતિમાં ધીરેધીરે ઉચ્ચ શિક્ષા સુધી માતૃભાષા આવશે. પણ શું આપણે આપણા બાળકોને માતૃભાષામાં ભણાવવા મોકલીએ છીએ?

ઇન્ડિયન એક્સપ્રેસના એક અહેવાલ અનુસાર હવે આરએસએસે પણ મહિલાઓને સંઘ તરફ આકર્ષવા ઝંપલાવવા પ્રયત્નો હાથ ધર્યા હોય તેવું લાગી રહ્યું છે.

નોંધનીય છે કે અમુક મહિના પહેલાં સંઘન જનરલ સેક્રેટરી દત્તાત્રેય હોસબલએ સંઘની સભામાં મહિલાઓની પાંખી હાજરી અંગે દુ:ખ વ્યક્ત કર્યું હતું. આ બનાવના અમુક દિવસો બાદ જ આ જાહેરાત સામે આવી હતી.

આ પ્રસંગે મહારાષ્ટ્રના પૂર્વ મુખ્ય મંત્રી અને વર્તમાન કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી પણ નાગપુર પહોંચ્યા છે.

વિજયાદશમીએ આરએસએસનું મુખ્ય આયોજન નાગપુર ખાતે થતું હોય છે. આ સિવાય સંઘની જુદી જુદી પાંખોમાં પણ સ્વતંત્રપણે આયોજન કરાતાં હોય છે, જેમાં શસ્ત્રપૂજાની વિધિ પણ થતી હોય છે.

નોંધનીય છે કે વર્ષ 1936થી મહિલાકેન્દ્રી રાષ્ટ્રસેવિકા સમિતિ ધરાવતા હોવા છતાં સંઘની મોટા ભાગની પ્રવૃત્તિઓમાં મહિલાઓની હાજરી નગણ્ય રહેતી. તેમજ વર્ષો સુધી ખાખી પાટલૂન અને અર્ધ-પાટલૂનમાં પુરુષ સ્વયંસેવકો જ તેની ઓળખ રહી હતી.

આરએસએસ દ્વારા હવે મહિલાઓને પોતાની તરફ આકર્ષવા માટે મહેનત કરાઈ રહી છે. આરએસએસના વર્ષ 2021-22ના રિપોર્ટની વિગતોમાં જણાવાયું હતું કે રાજ્યમાં તેમના 41 સંપર્ક વિભાગોમાં મહિલાઓને પ્રતિનિધિત્વ અપાયું છે.

લાઇન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો

લાઇન