શું અમદાવાદનું નામ કર્ણાવતી કરવા પાછળ રાજકીય સ્ટન્ટ છે?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, મેહુલ મકવાણા
- પદ, બીબીસી ગુજરાતી
તાજેતરમાં જ ઉત્તર પ્રદેશના મુખ્ય મંત્રી યોગી આદિત્યનાથે અલાહાબાદનું પ્રયાગરાજ અને ફૈઝાબાદનું શ્રી અયોધ્યા નામકરણ કર્યું છે.
જે બાદ હવે ગુજરાતમાં પણ અમદાવાદ શહેરનું નામ બદલીને કર્ણાવતી કરવાની ચર્ચા શરૂ થઈ છે.
સૌથી પહેલાં ઉપમુખ્ય મંત્રી નીતિન પટેલે કહ્યું હતું કે સરકાર અમદાવાદનું નામ બદલવાનું વિચારી રહી છે.
જે મુખ્ય મંત્રી વિજય રૂપાણીએ કહ્યું કે સરકાર આ મામલે ગંભીર છે અને લોકસભાની ચૂંટણી પહેલાં જ અમદાવાદનું નામ બદલાઈ જશે.
આ ચર્ચા બાદ સવાલો એ ઊભા થયા છે કે અમદાવાદનું નામ કઈ રીતે બદલી શકાય? નામ બદલવાથી શું ફેરફાર થશે? સરકારે આ મામલે અગાઉ શું કર્યું?
ઉપરાંત એ જાણવું પણ રસપ્રદ રહેશે કે આખા મામલાની સામાજિક, રાજકીય અને કાયદાકીય સ્થિતિ શું છે.

'છેલ્લાં પાંચ વર્ષથી સરકારે જ દરખાસ્ત કરી નથી'

ઇમેજ સ્રોત, Getty Images
આ મામલે બીબીસી ગુજરાતીએ રાજકીય નિષ્ણાંત ચંદુભાઈ મહેરિયા સાથે વાત કરી હતી.
ચંદુભાઈએ કહ્યું કે આ લોકોને મૂર્ખ બનાવવા માટે ઊભો કરવામાં આવેલો રાજકીય મુદ્દો છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તેઓ કહે છે, "હકીકત એ છે કે ગુજરાત સરકારે છેલ્લાં પાંચ વર્ષમાં નામ બદલવાની કોઈ જ દરખાસ્ત કેન્દ્રમાં કરી નથી."
"વિધાનસભા સત્રમાં નિર્ઝરના ધારાસભ્ય સુનિલભાઈ ગામીતે પૂછેલા પ્રશ્નના જવાબમાં 18 મે 2018ના રોજ સરકારે જ ખુદે જ આ માહિતી આપી હતી."
"આ છેલ્લાં પાંચ વર્ષોમાં નરેન્દ્રભાઈ, આનંદીબહેન અને વિજયભાઈની સરકારો રહી છે."
"સરકાર વિધાનસભાના ફ્લોર પર જે જવાબ આપે છે એનાથી આ સાવ વિપરીત વાત છે."

તમે આ વાંચ્યું કે નહીં?

ચંદુભાઈ નામની વાત કરતા આગળ કહે છે કે જો નામ બદલવું જ હોય તો કર્ણાવતી જ શું કામ? આશા ભીલની નગરી આશાવલ્લી કેમ ના કરવું જોઈએ?
તેઓ કહે છે, "આજે પણ અમદાવાદ કૉર્પોરેશનની ઑફિસની બાજુમાં આશા ભીલનો ટેકરો છે."
"અમદાવાદના મુખ્ય એસ.ટી. બસમથકના બગીચાને આશાવલ્લી બાગ નામ આપવામાં આવેલું છે."

'નામ બદલીને ઇતિહાસ બદલી શકાતો નથી'

ઇમેજ સ્રોત, Getty Images
અમદાવાદ શહેરના ઐતિહાસિક પૃષ્ઠભૂમિ અંગે બીબીસી ગુજરાતીએ અમદાવાદ શહેર પર સફરનામા પુસ્તકના લેખિકા અને જાણીતાં કવયિત્રી ડૉ. સરૂપ ધ્રુવ સાથે વાત કરી.
ડૉ. સરૂપ કહે છે કે અમદાવાદની મહાનગરપાલિકામાં જ્યારથી ભાજપનો દબદબો વધ્યો ત્યારથી કર્ણાવતીનો મુદ્દો ઉછાળવાની શરૂઆત કરવામાં આવી છે.
તેમણે કહ્યું, "આવા મુદ્દા ઊભા કરવાની કોઈ જરૂર નથી શહેરના નામની એક ગરિમા હોય છે. જેની આમને ખબર નથી."
"આ શહેર મહાગુજરાત અને નવનિર્માણ આંદોલનોનું સાક્ષી છે, શહેરના વિવિધ ક્ષેત્રના દિગ્ગજોએ પણ આવા મુદ્દા મામલે ક્યારેય મથામણ કરી નથી."


તેમણે કહ્યું, "જે લોકોને અમદાવાદનો પરિચય 2002નાં રમખાણોને લીધે થયો તેઓ નામને અહેમદાબાદ કરવા માગે છે."
"બીજી તરફ હિંદુ રાજનીતિ કરનારા લોકો તેને કર્ણાવતી કરવા માગે છે અથવા આશાવલ્લી કરવા માગે છે."
"આ શહેર અમદાવાદીઓનું છે અને લોકજીભે અમદાવાદ થયેલું છે અને એજ યોગ્ય છે, નામ બદલવાથી ઇતિહાસ બદલી શકાતો નથી."
આ મામલે ચંદુ મહેરિયા કહે છે કે વર્લ્ડ હેરિટેજ સિટીના સ્ટેટસ પાછળ મુસ્લિમ સ્થાપત્ય અને લોકોની પોળોમાં જીવાતી આગવી મિશ્ર જીવનશૈલી છે.
તેઓ કહે છે, "હવે જો અમદાવાદનું કર્ણાવતી કરશો તો મુસ્લિમ સ્થાપત્યોનું શું કરશો? એ સિવાય સ્થાપત્યમાં તો ફકત હઠીસિંહનાં દેરાં જ બચશે."

રાજ્ય સરકાર નામ બદલી શકે ખરી?

ઇમેજ સ્રોત, Getty Images
બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં ઍડ્વોકેટ આનંદ યાજ્ઞિક કહે છે કે રાજ્ય સરકારને નામ બદલવાનો અધિકાર નથી.
યાજ્ઞિક કહે છે, "આમ છતાં રાજ્ય સરકાર ઇચ્છે તો તેમને કેન્દ્ર સરકારમાં રજૂઆત કરવી પડે."
"અમદાવાદનું નામ બદલીને કર્ણાવતી કરવાની આખી વાત લોકોને મૂળ મુદ્દાઓથી ભટકાવવાની છે."
"1998-2004 દરમિયાન આ મુદ્દો આવ્યો ત્યારે લોક અધિકાર સંઘ વતી ગિરીશભાઈ પટેલે પિટિશન કરી હતી.
"એ વખતે કેન્દ્ર સરકારે આવી કોઈ રજૂઆત ન હોવાનું હાઈકોર્ટને જણાવ્યું હતું."
આનંદ યાજ્ઞિક જણાવે છે, "આ લોકશાહીને નામે તાનાશાહી છે. સરકાર ઇતિહાસ બદલવા માગે છે પણ સૌથી પહેલાં તો સરકારે એ કહેવું પડે કે 1998-2004 દરમિયાન બે વખત કેન્દ્ર અને રાજયમાં
ભાજપની સરકાર હોવા છતાં નામ બદલવાની દરખાસ્ત પાછી મોકલાઈ હતી. તેનું શું કારણ હતું."
"હકીકતમાં તેમના બધા પ્રયાસો નિષ્ફળ નીવડયા છે. બંધારણીય ફરજ મુજબ નામને આધારે સમાજને વિભાજીત કરવાનો સરકારને અધિકાર નથી."
"સવાલ એ છેકે જયારે બે વાર ભારત સરકાર ના પાડી ચૂકી છે ત્યારે સરકાર કયા આધાર પર નામ બદલવા માગે છે? ને નામ બદલીને શું કરશો?"
"330 મસ્જિદો છે એ તોડી પાડશો?, જેને લીધે વિશ્વ ધરોહરનું સ્ટેટસ મળ્યું છે."
"નામ એ ફકત નામ નથી એ પણ વિશ્વ ધરોહર છે. ઐતિહાસિક દમનની વાત માની લઈએ તો પણ એ પણ ધરોહર છે અને એમાંથી શીખવાનું એ હોય કે એવું દમન કદી ન કરીએ."
"સ્વચ્છતાથી લઈને નાગરિક સુવિધાઓ સુધી શહેરની સુરત બદલવાની જરૂર છે શિકલ બદલ કે કયા કરોગે? "
સામાજિક કાર્યકર અને ઍલાયન્સ ફૉર પીસ એન્ડ જસ્ટિસના સંયોજક રફીભાઈ જણાવે છે, "આ નામનું રાજકારણ છે. લોકોને રોજગારી જોઈએ છે, ખેડૂતોનાં અનેક સવાલો છે પણ આ રાજકારણમાં વાસ્તિવક સવાલો દબાવીને ભ્રામક સવાલોને ઉત્તેજન આપવામાં આવે છે."

'કર્ણાવતી જેવું કોઈ નગર હતું જ નહીં'

ઇમેજ સ્રોત, Getty Images
વરિષ્ઠ પત્રકાર અને ગુજરાતના જાહેરજીવનના અગ્રણી પ્રકાશ ન. શાહ કહે છે કે અમદાવાદથી કર્ણાવતીની ફરી ઊભી થયેલી ચર્ચા ભાજપ અને સંઘ પરિવાર વચ્ચેની આંતરિક સ્પર્ધા છે.
પ્રકાશ ન. શાહ કહે છે, "અત્યારે તો એમ માનો કે વ્યાપક લોકમતમાં કર્ણાવતી કયાંય જણાતું નથી. આ ભાજપ અને સંઘપરિવારનાં વર્તુળોની આંતરિક હરિફાઈ છે."
કર્ણાવતીના ઇતિહાસ વિશે પ્રકાશ ન. શાહ કહે છે, "કર્ણાવતી એવું કોઈ મહાનગર હતું જ નહીં. એ મૂળે કર્ણદેવના સમયમાં લશ્કરી છાવણી હતી, ને આ તો સુધારેલો ઇતિહાસ છે."
"વિહિપ કે સંઘ પરિવારે જયારે આ મુદ્દો ઉઠાવ્યો ત્યારે તો તેઓ કર્ણાવતી નામ કરવા માટે કરણઘેલાનો ઇતિહાસ ટાંકતા હતા."
"અમદાવાદ વસ્યું એ ઇતિહાસ જૂદો હતો. અહીં કોઈ નગર ધ્વંસ કરીને નગર નથી વસ્યું."
"અહમદાબાદ નહીં, અમદાવાદ. ને આ અમદાવાદમાં કર્ણાવતી નામની પેલી લશ્કરી છાવણી પણ આવી જાય છે અને આશા ભીલનો ટેકરો પણ આવી જાય છે."
"આમાં બદલવાની કોઈ વાતને અવકાશ જ નથી કેમકે એમની પોતાની સરકારમાં પણ આ દરખાસ્ત પાછી પડી હતી."
"હવે આ નવી હરિફાઈમાં કોઈ તર્કનું ગતકડું શોધી કાઢવામાં આવે એ બને કદાચ. સરવાળે તો આ ફકત એકમેકને ચડિયાતા પૂરવાર કરવાની હોડ છે."
"આ ચૂંટણી પહેલા ધ્રુવીકરણની શરૂઆત છે અને એનો લાભ કદાચ ભાજપને મળે બાકી વિકાસનો લાભ તો મળી શકે એમ નથી."
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો














