આ ગુજરાતી પોતાનું નામ RV155677820 કેમ રાખવા માગે છે?

ઇમેજ સ્રોત, Haresh zala
- લેેખક, હરેશ ઝાલા
- પદ, બીબીસી ગુજરાતી માટે
તમે ઘણી વાર આ ડાયલોગ સંભાળ્યો હશે માય નેમ ઇઝ બોન્ડ, જેમ્સ બોન્ડ. આ જાસૂસી પાત્રના નામ સાથે 007નો આંકડો પણ જોડાયેલો છે. પરંતુ વાસ્તવિક જિંદગીમાં અમદાવાદના રાજવીર ઉપાધ્યાયને તેમનું નામ બદલીને એક નંબરને તેમની અધિકૃત ઓળખ બનાવવામાં ખૂબ મુશ્કેલી પડી રહી છે.
રાજવીર ઉપાધ્યાય પોતાનું નામ બદલીને RV155677820 રાખવા માગે છે.
પરંતુ ગુજરાત સરકારના અભિલેખા વિભાગે નિયમો અને માર્ગદર્શક સૂચિકાનો સંદર્ભ આપીને તેમનું નામ ફેરબદલ ગેઝેટમાં પ્રસિધ્ધ કરવાનો ઇન્કાર કરી દીધો છે.
જોકે, કાયદા નિષ્ણાતો બંધારણનો હવાલો આપીને કહે છે કે નામ બદલવામાં કોઈ જ મુશ્કેલી ન હોવી જોઈએ.

રાજવીર કેમ બદલવા માગે છે નામ?

ઇમેજ સ્રોત, Haresh Zala
અમદાવાદના ઓટોરિક્ષા ડ્રાઇવર પણ બુધ્ધિજીવી રાજવીર ઉપાધ્યાય કે જે બિનસાંપ્રદાયિકતાંમાં માને છે તેમને નામ અને અટકથી માણસનો ધર્મની ઓળખ પ્રસ્થાપિત થાય તે પસંદ ન આવ્યું, તેથી તેમણે અરજી કરી કે મારે નામ બદલી RV155677820 રાખવું છે.
રાજવીર ઇંદિરા ગાંધી નેશનલ ઓપન યુનિવર્સિટી (ઇગ્નૂ)માંથી હાલ એમ.એનો અભ્યાસ કરી રહ્યા છે.
તે પોતાનું નામ બદલીને નંબર RV155677820 ને પોતાની ઓળખ બનાવવા ઇચ્છે છે તે એ કૉર્સનો તેમનો રજિસ્ટ્રેશન નંબર છે. પરંતુ નામ બદલવાની આ પ્રક્રિયામાં તેમને 2017માં જ પ્રથમ ગ્રાસે મક્ષિકા નડી.
પરંતુ ગુજરાત સરકારની ગેઝેટ પ્રસિદ્ધિ માટેની માર્ગદર્શક સૂચિકા એવું કહે છે પોતાના તથા માતા-પિતાના નામ અને અટકમાં જ બધું છે. તેના વિના નામ ગેઝેટમાં પ્રસિદ્ધ થઈ શકે નહીં.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તમને આ વાંચવું પણ ગમશે:
અમદાવાદ જિલ્લા કલેક્ટર મે 2017માં તેમની નામ ફેરબદલની અરજી રદ કરતાં નોંધ્યું કે, "ધર્મપરિવર્તન અધિનિયમ 2003 અંતર્ગત નીચે એક ધર્મમાંથી બીજા ધર્મમાં પરિવર્તનની મંજુરીની જોગવાઈ છે, પરંતુ બિનસાંપ્રદાયિકતા (નાસ્તિક) અંગિકારની મંજૂરીની જોગવાઈ ન હોવાથી, અરજી દફ્તરે કરવામાં આવે છે."
ત્યારબાદ તેમણે એફિડેવિટ કરી નામ બદલ્યું અને ગુજરાતના ડાયરેક્ટોરેટ ઑફ ગવર્નમેન્ટ પ્રિન્ટિંગ અને સ્ટેશનરીઝ ડિપાર્ટમેન્ટને અરજી કરી તેમનું નામ ફેરબદલ ગેઝેટમાં પ્રસિદ્ધ કરવા માટે અરજી કરી હતી.

ઇમેજ સ્રોત, Rajveer Upadhyay/Facebook
તો અભિલેખા વિભાગના મેનેજર પી. જી. શાહે તેમની અરજી પરત મોકલી. રાજવીરભાઈનો દાવો છે કે નામ ફેરબદલ ગેઝેટમાં પ્રસિધ્ધ ન કરવા માટે તેમને કોઈ કારણ આપવામાં આવ્યું નથી.
તો લિથો પ્રેસના મેનેજર શાહે દાવો કર્યો છે કે કોઇ પણ અરજી રદ કરીએ કે નકારીએ તો તેના માટે કારણોની સૂચિ હોય છે, તેના પર ટીક કરી અરજદારને જાણ કરીએ છીએ.
ગુજરાતના જાહેર વહિવટ વિભાગે ગેઝેટમાં નામ ફેરબદલ પ્રસિદ્ધ કરવા માટે માર્ગદર્શિકા બહાર પાડી છે, તે મુજબ રાજવીરભાઈનું નામ તેઓ ઇચ્છે છે એમ ફેરબદલ કે પ્રસિદ્ધ થઈ શકે નહીં.
આ વિભાગના નિયામક વી. એમ. રાઠોડે પ્રતિક્રિયામાં જણાવ્યું કે કદાચ પહેલી જ વાર આ પ્રકારની નામ ફેરબદલ પ્રસિદ્ધ કરવાની અરજી આવી હશે, એટલે નિર્ણયમાં મુશ્કેલી આવી હશે, પરંતુ આ માટે સરકારનું માર્ગદર્શન મેળવી શકાય છે.

શું કહે છે કાયદા નિષ્ણાતો?

ઇમેજ સ્રોત, DGPS / Government of Gujarat
સરકારી વિભાગના નિર્ણયને કાયદાના મેગ્નીફાયઇંગ ગ્લાસથી નિહાળીએ તો આ નિર્ણય ભૂલભરેલો છે.
સિનિયર એડવોકેટ ક્રિષ્ણકાંત વખારીયાના મતે ભારતના બંધારણમાં એવી કોઇ જોગવાઈ નથી કે માણસની ઓળખ એવી રીતે થવી જોઇએ કે જેથી તેની ધર્મ કે જ્ઞાતિ તેના નામ અને અટક પરથી ખબર પડે.
આવો જ મત ધરાવતા સિનિયર એડવોકેટ ગીરીશ પટેલે કહ્યું કે આ નિર્ણયને અરજદાર કોર્ટમાં પડકારી શકે છે. દેશની સર્વોચ્ચ અદાલતે પિતાની જગ્યાએ માતાનું નામ લખવાની મંજૂરી આપી જ છે.
બન્ને કાયદા નિષ્ણાતોથી અલગ મત ધરાવતા ધારાશાસ્ત્રી અને લૉ કમિશનના સદસ્ય અભય ભારદ્વાજના મતે દરેક ભારતીયની બંધારણીય ફરજ છે જેથી તેની પાકી ઓળખ તેના નામ, માતા-પિતાના નામ કે અટકથી થઈ શકે.
તેમણે એવો પણ સૂર વ્યક્ત કર્યો કે ધર્મ કે જ્ઞાતિની ઓળખ પ્રસ્થાપિત ન કરવાનો જ ઇરાદો હોય તો એવું નામ પણ પસંદ કરી શકે છે કે જેનાથી ધર્મ કે જ્ઞાતિની ઓળખ છતી ન થાય પરંતુ માતા-પિતાનું પણ નામ અને પોતાનું ચોક્કસ નામ ન રાખવાનું કારણ ગળે ઊતરતું નથી.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












