ફેસબુકની ડેટા ચોરી મુદ્દે ઝકરબર્ગે માફી માગી

ઇમેજ સ્રોત, Getty Images
ફેસબુકના સ્થાપક માર્ક ઝકરબર્ગે સ્વીકાર્યું છે કે કેમ્બ્રિજ ઍનાલિટિકા મામલે તેમની કંપનીથી 'ભૂલો થઈ છે.' સાથે જ તેમણે આશ્વાસન આપ્યું છે કે નવી વ્યવસ્થાને લીધે થર્ડ-પાર્ટી ઍપ્સ માટે યૂઝર્સનો ડેટા મેળવવો મુશ્કેલ બની જશે.
ઝકરબર્ગના કહેવા પ્રમાણે, ઍપ બનાવનારા ઍલેક્ઝાન્ડર કૉગન, કેમ્બ્રિજ ઍનાલિટિકા તથા ફેસબુક વચ્ચે જે કાંઈ થયું તે 'વિશ્વાસઘાત' છે.
ઝકરબર્ગે આ કૌભાંડ અંગે પહેલી વખત ફેસબુક પર નિવેદન મૂક્યું હતું.
જેમાં તેમણે જણાવ્યું, "ફેસબુક તથા જે લોકો અમારી સાથે માહિતી શેર કરે છે, તેમની સાથે વિશ્વાસઘાત થયો છે."
ભારતની ચૂંટણીમાં દખલ નહીં

ઇમેજ સ્રોત, Getty Images
ફેસબુક પોસ્ટ બાદ અમેરિકાની ચેનલ CNNને આપેલા ઇન્ટર્વ્યૂમાં ઝકરબર્ગે કહ્યું, "જે કાંઈ થયું તે બદલ હું માફી માંગુ છું.
"યૂઝર્સનો ડેટા સુરક્ષિત રાખવો એ અમારી મૂળભૂત ફરજ છે.
"દરેકને અધિકાર છે કે ફેસબુક પર જાહેરાત આપનાર કોણ છે તે જાણે."
સીએનએનને આપેલા ઇન્ટર્વ્યૂમાં ઝકરબર્ગે જણાવ્યું કે અમેરિકાની મધ્યવર્તી ચૂંટણી, અને ભારત કે બ્રાઝિલની ચૂંટણીમાં દખલને અટકાવવા માટે ફેસબુક પ્રતિબદ્ધ છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તમને આ પણ વાંચવું ગમશે
આ પહેલા બુધવારે ભારતના ઇન્ફોર્મેશન ટેક્નોલોજી મિનિસ્ટર રવિશંકર પ્રસાદે કહ્યું હતું:
"જો ફેસબુકે ભારતની ચૂંટણી પ્રક્રિયામાં 'અનિચ્છનિય રીતે દખલ' આપવાનો પ્રયાસ કર્યો તો 'કડક પગલા' લેવામાં આવશે."

કડક પગલાં લેવાની ખાતરી

ઇમેજ સ્રોત, Getty Images
ઝકરબર્ગે તેમની ફેસબુક પોસ્ટમાં લખ્યું, "મેં ફેસબુકની સ્થાપના કરી છે અને આ પ્લેટફોર્મ પર જે કાંઈ થાય, તેના માટે હું જ જવાબદાર છું."
ઝકરબર્ગના કહેવા પ્રમાણે, હાલ તથા અગાઉ આવેલી સમસ્યાઓને ઉકેલવા માટે કંપની નીચેના પગલાં લેશે.
2014માં યૂઝરનો ડેટા મેળવવા પર નિયંત્રણો મૂકવામાં આવ્યા હતા. તે પહેલા મોટાપાયે જાણકારી મેળવનારી તમામ ઍપ્સની તપાસ હાથ ધરવામાં આવશે.
સંદિગ્ધ પ્રવૃત્તિઓ કરનારી તમામ ઍપ્સની તપાસ કરવામાં આવશે.
જે ઍપ્સ નિર્માતા તપાસમાં સહયોગ નહીં આપે, તેમને પ્રતિબંધિત કરી દેવામાં આવશે.
ખાનગી માહિતીનો દુરુપયોગ કરનારા ડેવલપર્સ પર પ્રતિબંધ મૂકવામાં આવશે, તથા તેમનાથી પ્રભાવિત યૂઝર્સને આ વિશે માહિતી આપવામાં આવશે.

ઍપ બનાવનારા સામે કાર્યવાહી

ઇમેજ સ્રોત, Getty Images
ઝકરબર્ગે કહ્યું, આ પ્રકારની ઘટનાઓ ભવિષ્યમાં ન ઘટે તે માટે જરૂરી વ્યવસ્થા કરવામાં આવશે. જેમ કે,
કોઈપણ પ્રકારનો દુરુપયોગ અટકાવવા માટે ડેવલપર્સનો ડેટા એક્સેસ મર્યાદિત કરવામાં આવશે.
જો ત્રણ મહિના સુધી કોઈ યૂઝર ઍપનો ઉપયોગ ન કરે, તો ડેવલપર યૂઝરનો ડેટા ન મેળવી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવશે.
કોઈપણ ઍપ માટે સાઇન-ઇન કરતી વેળાએ યૂઝર તરફથી આપવામાં આવતી માહિતીને વપરાશકર્તાના નામ, પ્રોફાઇલ ફોટોગ્રાફ અને ઇ-મેલ એડ્રેસ પૂરતો મર્યાદિત રાખવામાં આવશે.
ડેવલપર્સે યૂઝર્સની પોસ્ટ કે અન્ય કોઈ ખાનગી માહિતી મેળવવા માટે પહેલા મંજૂરી મેળવવી પડશે અને કરાર કરવા પડશે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો














