'છોકરીઓ માત્ર સ્કાર્ફથી તેમનું મસ્તક ઢાંકી લે છે અને છાતી દેખાડે છે'

ઇમેજ સ્રોત, FACEBOOK/diya.sana.7
- લેેખક, ઈમરાન કુરેશી
- પદ, બીબીસી ગુજરાતી માટે
કેરળમાં એક પ્રોફેસરે ગર્લ સ્ટુડન્ટ્સ વિશે વાંધાજનક નિવેદન કર્યું તેના બીજા દિવસે પણ છોકરીઓ દ્વારા વિરોધ પ્રદર્શન ચાલુ રહ્યું છે.
એ પ્રોફેસરે છોકરીઓનાં સ્તનની તુલના તરબૂચના બે ટુકડા સાથે કરી હતી.
તેનો એક વીડિયો બહાર આવ્યો છે, જેમાં કોઝિકોડસ્થિત ફારુક કોલેજને આસિસ્ટંટ પ્રોફેસર જૌહર મુનવ્વિર યુવતીઓનાં વસ્ત્રોની ટીકા કરતા જોવા-સાંભળવા મળે છે.
પ્રોફેસર કહી રહ્યા છે, "છોકરીઓ ખુદને દેહને સંપૂર્ણપણે ઢાંકતી નથી. છોકરીઓ હિજાબ પહેરે છે, પણ તેમને પગ દેખાતા રહે છે. જરા વિચારો, આજકાલની આ સ્ટાઈલ છે."
પ્રોફેસર આ વીડિયોમાં એવું પણ કહી રહ્યા છે, "છોકરીઓ માત્ર સ્કાર્ફથી તેમનું મસ્તક ઢાંકી લે છે અને છાતી દેખાડે છે."
"છાતી મહિલાઓના શરીરનો એ ભાગ છે જેનાથી પુરુષો આકર્ષાય છે. તે એક તરબૂચના બે ટુકડા જેવી હોય છે. એ જોવાથી ફળ કેટલું પાકેલું છે તેની ખબર પડે છે."

વીડિયો વાયરલ થયા પછી વિરોધ

ઇમેજ સ્રોત, VIDEO GRAB
પ્રોફેસરનો આ વીડિયો વાયરલ થયા બાદ જમણેરી અને ડાબેરી વિદ્યાર્થી સંગઠનોએ કોઝિકોડમાં વિરોધ પ્રદર્શન શરૂ કર્યું હતું.
ડેમોક્રેટિક યૂથ ફેડરેશન ઓફ ઈન્ડિયા(ડીવાયએફઆઈ)ના સંયુક્ત સચિવ નિખિલ પી.એ બીબીસીને કહ્યું હતું, "માત્ર મુસ્લિમ વિદ્યાર્થિનીઓનો સવાલ નથી. આ નિવેદન બધી મહિલાઓ વિરોધી છે."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
"કેરળ જેવા રાજ્યમાં આવાં નિવેદન ચલાવી લેવાય નહીં."
પ્રોફેસરના નિવેદનનો સોશિઅલ મીડિયા પર જોરદાર વિરોધ થયો છે.
બે છોકરીઓએ ફેસબૂક પર પોતાની અર્ધનગ્ન તસ્વીરો પોસ્ટ કરીને વિરોધ વ્યક્ત કર્યો હતો.
તમને આ વાંચવું પણ ગમશે:
આ બાબતે સોશિઅલ મીડિયામાં જોરદાર ચર્ચા શરૂ થઈ હતી અને નગ્નતાને આધારે ફેસબૂકે એ ફોટોગ્રાફ્સ સાઈટ પરથી હટાવ્યા હતા.
ફેસબૂક પર સૌથી પહેલાં પોતાનો ફોટોગ્રાફ પોસ્ટ કરી ચૂકેલી આરતી એસ.એ.એ બીબીસીને કહ્યું હતું, "સ્ત્રીના દેહને જરૂર કરતાં વધુ પડતો સેક્સુઅલાઈઝ કરવામાં આવી રહ્યો છે. એ કારણસર મેં મારો અર્ધનગ્ન ફોટોગ્રાફ પોસ્ટ કર્યો હતો."
"કોઈ પુરુષ તેના શરીરના કોઈ અંગનો દેખાડો કરે તો એ મોટી વાત ગણાતી નથી, પણ સ્ત્રીઓને તેમના દેહ બાબતે સતત સજાગ રાખવામાં આવે છે."
આરતીએ ઉમેર્યું હતું, "કોઈ સ્ત્રી સાડી પહેરે ત્યારે તેના શરીરનો કોઈ હિસ્સો દેખાઈ ન જાય એ માટે સતત ચિંતિત રહે છે."
"સાડી પહેરી હોય એવી સ્ત્રીના શરીરનો કોઈ હિસ્સો દેખાય જાય તો લોકોને તકલીફ થવા લાગે છે."
"સ્ત્રીઓ કોઈ વસ્તુ ઉઠાવવા નીચી નમે ત્યારે પણ તેમણે ધ્યાન રાખવું પડે છે કે તેની ક્લીવિજ (સ્તન વચ્ચેની જગ્યા) દેખાય ન જાય."
"એ જ રીતે બ્રાની પટ્ટી દેખાઈ ન જાય તેની ચિંતા પણ સતત કરવી પડે છે."

નૈતિકતાના કથિત પહેરેદારો

ઇમેજ સ્રોત, FACEBOOK/Rehana Fathima
ફાતિમા રેહાનાએ પણ ફેસબુક પર તેનો ફોટોગ્રાફ પોસ્ટ કર્યો હતો. આરતી અને રેહાનાના ફોટોગ્રાફ્સ બાબતે, સોશિયલ મીડિયા પર સક્રીય લોકોની પ્રકૃતિ અનુસારના અત્યંત અભદ્ર પ્રતિભાવ મળ્યા હતા.
જોકે, ગયા વર્ષે બનેલી એક ઘટના પછી આરતી અભદ્ર કમેન્ટ્સની ચિંતા કરતી નથી.
ગયા વર્ષે આરતી અને તેનો એક દોસ્ત એક બેન્ચ પર બેઠા હતા અને દોસ્તે તેનો હાથ આરતીના ખભા પર રાખ્યો હતો. તેથી પોલીસે આરતીનો દોસ્તને ખખડાવ્યો હતો.
પોલીસના કૃત્યને આરતી નૈતિકતાની બિનજરૂરી પહેરેદારી ગણાવે છે.
ઘણા લોકોએ આરતીને ટેકો આપ્યો હતો તો કેટલાક લોકોએ તેનો વિરોધ પણ કર્યો હતો.
આરતીએ કહ્યું હતું, "એક તરફ મને વેશ્યા કહીને અપમાનિત કરવામાં આવી હતી, ત્યારે બીજી તરફ વિરોધની મારી રીત ઘણા લોકોને ગમી હતી."
રેહાના ફાતિમાએ કહ્યું હતું, "એક પ્રોફેસર હોવાને નાતે તેમણે છોકરીઓના દેહ બાબતે આવી અપમાનજનક વાતો ન કરવી જોઈએ."
"આ મારો દેહ છે અને તેના પર મારો જ અધિકાર છે. તેઓ મહિલાઓ સાથે એક વસ્તુ જેવો વ્યવહાર કરી રહ્યા છે."
અલબત, આસિસ્ટંટ પ્રોફેસરને સસ્પેન્ડ કરવાની તમામ સ્ટુડન્ટ્સની માગણી છતાં કોલેજના સંચાલકોએ કોઈ પ્રતિભાવ આપવાનો ઇન્કાર કર્યો હતો.
કોલેજના પ્રિન્સિપાલ સાથે વાત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, પણ તેમણે ફોન ઉઠાવ્યો ન હતો.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












