ગુજરાતમાં પાંચ દિવસની બાળકી માટે પ્રાર્થનાઓ

ઇમેજ સ્રોત, Getty Images
"દેવી ખૂબ જ સુંદર છે. અમને તે ખૂબ જ ગમે છે. અમને આશા હતી કે તે ઠીક થઈ જશે પણ... "આ શબ્દો છે બે મહિલા પોલીસકર્મીના જે બાળકીના જન્મથી જ તેની સાથે છે.
અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં જીવનમરણ વચ્ચે ઝોલાં ખાઈ રહેલી આ બાળકીની માતાએ હજી સુધી તેને જોઈ નથી.
તેની માતા રાજકોટ સિવિલ હોસ્પિટલમાં છે અને તેની ઉંમર માત્ર 11 વર્ષની છે.
તે સામૂહિક બળાત્કારનો ભોગ બની હોવાને કારણે આ બાળકીનો જન્મ થયો છે.
પાંચ દિવસ પૂર્વે આ બાળકીને પીડિતાએ જન્મ આપ્યો હતો.
બાળકીની હાલત ગંભીર હોવાથી રાજકોટ સિવિલમાંથી તેને અમદાવાદ સિવિલ હૉસ્પિટલ વધુ સારવાર માટે લાવવામાં આવી હતી.
તમને આ પણ વાંચવું ગમશે
ડૉક્ટર્સના જણાવ્યા અનુસાર નવજાત બાળકીને 'સ્પાઇના બિફાડા' નામની બીમારી છે. આ બિમારીમાં કરોડરજ્જુનો વિકાસ યોગ્ય રીતે નથી થતો.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
જેમાં વ્યક્તિ આજીવન લકવાગ્રસ્ત બની શકે છે અને તેણે જીવનભર સ્વાસ્થ્ય મામલે સંઘર્ષ કરવો પડે છે.
બાળકીની સારવાર માટે પિડિયાટ્રીક અને ન્યૂરોલોજી વિભાગના ડૉક્ટર્સની સમિતિ રચવામાં આવી હતી.

ડૉક્ટરનું શું કહેવું છે?

ઇમેજ સ્રોત, Getty Images
અમદાવાદ સિવિલ હૉસ્પિટલના વડા ડૉ. રાકેશ જોશીએ બીબીસી સાથેની વાતચીતમાં જણાવ્યું, "બાળકીને જે પ્રકારની બીમારી છે તેને ધ્યાને લેતા અને ઓપરેશન નહીં કરવાનો નિર્ણય કર્યો છે."
"કારણે કે ઓપરેશનને કારણે તેના જીવનની ગુણવત્તાને વિપરીત અસર થશે."
"તમામ સર્જરી માટે સંપૂર્ણ સહાય ઉપલબ્ધ છે પણ કેસ ખૂબ જ જટિલ છે અને સંપૂર્ણ વિકલાંગતાવાળા બાળકનું પોતાનું જીવન વધુ પડકારજનક થઈ જાય છે."
"જોકે, તેના આયુષ્ય વિશે હાલ કંઈ ખાસ કહી ન શકાય. કેટલાક કિસ્સામાં દર્દી જીવી પણ જાય છે."
"વળી તેનો પરિવાર પણ ભવિષ્યમાં આ પ્રકારની બાળકીને સાચવી શકશે કે કેમ તે પણ ચિંતાનો વિષય છે."
બાળકીને આવું થવા પાછળના કારણ વિશે પૂછતા ડૉ. રાકેશ જોશીએ જણાવ્યું,"ગર્ભાવસ્થા દરમિયાનની નિષ્કાળજી અને યોગ્ય આહારની માત્રાની ઊણપ પણ આનું કારણ હોઈ શકે છે."
"બીજું કારણ એ પણ કે બાળકીની માતાની ઉંમર માત્ર 11 વર્ષની આસપાસ છે."
"આથી આ પરિબળ પણ અસરકર્તા છે. કેમકે તેની માતાનું શરીર આ માટે પૂરતું તૈયાર ન હોય."

'બાળકી સરસ છે. અમને તે ખૂબ જ ગમે છે.'

ઇમેજ સ્રોત, Getty Images
દરમિયાન બાળકીની માતાની દેખરેખ માટે ફરજ પર મૂકવામાં આવેલા બે મહિલા પોલીસકર્મી સાથે પણ બીબીસીએ વાતચીત કરી.
ખરેખર જ્યારથી બાળકીનો જન્મ થયો ત્યારથી સોના રણજીત અને સેજલ પરમાર બાળકીની સાથે જ છે.
બાળકીની દાદી સાથે આ બન્ને મહિલા પોલીસકર્મી પણ અમદાવાદ ગયા હતા.
સોના રણજીતે બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું, "બાળકી સરસ છે. અમને તે ખૂબ જ ગમે છે."
"અમને આશા હતી કે સારી થઈ થશે તો કોઈ તેને દત્તક લઈ લેશે."
"પણ હવે અમને અફસોસ થઈ રહ્યો છે. કેમકે તે સારી થવાની શક્યતા ઓછી છે."

'સારા જીવન માટે પ્રાર્થના કરીએ કરીએ છીએ'
બાળકીની માતા વિશે તેમણે જણાવ્યું,"તેની માતાએ એક પણ વાર બાળકીને જોઈ જ નથી. કેમકે તે ખુદ જ કિશોરી છે."
"તેના માતાને એટલી સૂઝબૂઝ નથી. હાલ તે રાજકોટની સિવિલ હૉસ્પિટલમાં છે."
તદુપરાંત, અન્ય મહિલા પોલીસકર્મી સેજલ પરમારે કહ્યું,"અમે ઇચ્છીએ છીએ કે નવજાતને કોઈ આશરો મળી જાય."
"તેના કરોડરજ્જુમાં તકલીફ છે અને નાના મગજમાં પણ પાણી ભરાઈ જવા સંબંધી બીમારી છે."
"અમારી સાથે તે છેલ્લા ચાર દિવસથી છે. અમને તેના માટે ઘણી લાગણી છે. તેના સારા જીવન માટે પ્રાર્થના કરીએ કરીએ છીએ "

શું છે કેસ?
આઠ-નવ મહિના અગાઉ આ બાળકીની માતા જેની ઉંમર માત્ર 11 વર્ષની છે તેની પર સામૂહિક બળાત્કાર કરવામાં આવ્યો હતો.
જેમાં છ આરોપીમાંથી પાંચ હાલ ન્યાયિક હિરાસતમાં છે. જ્યારે એક 17 વર્ષીય આરોપી જુવેનાઇલ કસ્ટડીમાં છે.
રાજકોટમાં આ કેસ ઘણો ચકચારી બન્યો છે. પીડિતાના પરિવારની આર્થિક સ્થિતિ પણ ઘણી નબળી છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












