આ પ્રધાનને સોંપાયું હતું ઇરાકમાં ભારતીયોને શોધવાનું કામ

લાશો શોધતા સૈનિકો

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, પ્રતિકાત્મક તસવીર

વિદેશમંત્રી સુષમા સ્વરાજે રાજ્યસભામાં જણાવ્યું કે ત્રણ વર્ષ અગાઉ ઇરાકના મૌસુલમાં અપહરણ કરાયેલા 40માંથી 39 ભારતીયોનાં મૃત્યુ થઈ ગયાં છે.

તેમણે કહ્યુ કે ઉગ્રવાદી સંગઠન આઈએસઆઈએસના હાથે તેઓ માર્યા ગયા છે. 40 ભારતીયો ઇરાકમાં મજૂરીકામ કરતા હતા, જેમાંથી 39 હવે આ દુનિયામાં રહ્યા નથી.

તેમણે જાણકારી આપી કે 40મા ભારતીય હરજીત મસીહ મુસલમાન બનીને ત્યાંથી નાસી છૂટવામાં સફળ રહ્યા હતા.

મૃતકોમાંથી 31 પંજાબના, 4 હિમાચલ પ્રદેશના તથા અન્યો બિહાર અને પશ્ચિમ બંગાળના હતા.

પરંતુ ભારત સરકારને તેમના મૃત્યુ અંગેની જાણકારી કેવી રીતે મળી?

line

કેવી રીતે મૃતદેહોની જાણકારી મળી?

સુષ્મા સ્વરાજ

ઇમેજ સ્રોત, Getty Images

ભારત સરકારને તેમના મોત અંગે કેવી રીતે જાણ થઈ તે અંગે જણાવતા વિદેશમંત્રી સુષમા સ્વરાજે જણાવ્યું કે કેવી રીતે ટેક્નૉલોજી અને ઇરાકના અધિકારીઓની મદદથી 39 મૃત ભારતીયો અંગે જાણકારી મળી.

રાજ્યકક્ષાના વિદેશમંત્રી વી.કે. સિંહે ભારતીય રાજદૂત અને ઇરાકી અધિકારીઓની મદદથી બદુસ વિસ્તારમાં પડેલા મૃતદેહો અંગે જાણકારી મેળવી હતી.

તેમને ત્યાંના એક સ્થાનિક વ્યક્તિએ કહ્યું હતું કે મૌસુલથી 25 કિલોમીટર દૂર માટીનો એક ઢગલો છે, કદાચ તેમાં એકસાથે અનેક મૃતદેહો દફન કરવામાં આવ્યા હોઈ શકે તેવી આશંકા વ્યક્ત કરી.

આ માટીનો ઢગલો સામૂહિક કબર છે કે નહીં તે નક્કી કરવા માટે ડીપ પેનેટ્રેશન રડારનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.

આ સામૂહિક કબરમાં 39 મૃતદેહો જ હતા. ઉપરાંત મૃતદેહોમાં કેટલાકના લાંબા વાળવાળા, શીખ લોકો કલાઈ પર ધારણ કરે એવાં કડાં, તેમજ ઇરાક બહારના શૂઝ અને આઇડી કાર્ડે પણ મૃતદેહોને ઓળખવામાં મદદ કરી.

line

મૃતદેહોનો ડીએનએ ટેસ્ટ કરાવ્યો

અપહરણ કરાયેલા પંજાબીઓના પરિવારજનો

ઇમેજ સ્રોત, NARINDER NANU

સામૂહિક કબર મળ્યા બાદ આ બધા મૃતદેહોને બગદાદમાં ડીએનએ ટેસ્ટ માટે મોકલવામાં આવ્યા.

સુષ્મા સ્વરાજે કહ્યું કે અમને ત્યાંથી આઇડી કાર્ડ અને અન્ય વસ્તુઓ મળી આવી હતી.

ડીએનએ ટેસ્ટથી મૃતદેહો 38 ભારતીયોના છે તેવી ખાતરી થઈ જ્યારે નહીં ઓળખાયેલા ઓગણચાલીસમાં ભારતીયના 70 ટકા ડીએનએ મળતાં આવતાં હતાં.

સુષમા સ્વરાજના જણાવ્યા પ્રમાણે, તમામ મૃતકોના પાર્થિવદેહ એક જ કબરમાંથી મળી આવ્યા હતા.

ચારેય રાજ્યોની સરકારો પાસેથી પરિવારજનોના ડીએનએ સેમ્પલ મંગાવવામાં આવ્યા હતા અને તેનું મેચિંગ કરાવવામાં આવ્યું હતું.

સુષમા સ્વરાજના કહેવા પ્રમાણે, ડીએનએ મેચિંગથી મોટો કોઈ પુરાવો ન હોઈ શકે.

line

વી. કે. સિંહે ઇરાકના ગામમાં રાત પસાર કરી

વી. કે. સિંહ

ઇમેજ સ્રોત, Getty Images

સુષ્મા સ્વરાજે કહ્યું કે આ એક મુશ્કેલભર્યું મિશન હતું. કેમ કે ત્યાં માત્ર મૃતદેહોનો ઢગલો જ હતો.

મૃતદેહોને શોધવા અને તેની ખરાઈ કર્યા બાદ તેને ડીએનએ ટેસ્ટ માટે બગદાદ મોકલવા તે એક મોટું કાર્ય હતું.

વી. કે. સિંહ અંગે બોલતાં તેમણે કહ્યું કે સમગ્ર મિશનનું સુપરવિઝન તેમણે કર્યું છે. ઉપરાંત વી.કે. સિંહે બદુસના એક ગામડામાં નાનકડા રૂમમાં આખી રાત પસાર કરી હતી.

આ બધા ભારતીય મજૂરોએ આઇએસઆઇએસના મૌસુલ પરના કબ્જા બાદ જ્યારે ભાગવાનો પ્રયત્ન કર્યો ત્યારે તેમનું અપહરણ કરી લેવામાં આવ્યું હતું.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો