Top News: ફ્રાન્સમાં ભૂતપૂર્વ રાષ્ટ્રપતિની પોલીસે કેમ અટકાયત કરી?

ઇમેજ સ્રોત, EPA
ફ્રાન્સના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ નિકોલસ સરકોઝીને હાલ પોલીસ કસ્ટડીમાં લઈ જવામાં આવ્યા છે. હાલ તેમની પૂછપરછ કરવામાં આવી રહી છે.
તેમના પર આરોપ છે કે તેમના ચૂંટણીના પ્રચારમાં લીબિયાના તે સમયના નેતા કર્નલ ગદ્દાફીએ આપેલાં નાણાંનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.
2007માં યોજાયેલી રાષ્ટ્રપતિની ચૂંટણીઓમાં મળેલા ગેરકાયદે ફંડના મામલે પોલીસ તપાસ કરી રહી છે.
પોલીસે આ મામલે પહેલાં પણ તેમની પૂછપરછ કરી હતી. સરકોઝી પોતાના પર લાગેલા આરોપોને નકારી રહ્યા છે.
સરકોઝી 2012માં રાષ્ટ્રપતિ પદ માટે યોજાયેલી ચૂંટણીમાં હારી ગયા હતા.
2013માં ફ્રાન્સમાં તેમના સામે એ મામલે તપાસ શરૂ કરવામાં આવી હતી કે ગદ્દાફી દ્વારા તેમને ગેરકાયદે ફંડીગ કરવામાં આવ્યું હતું અને આ નાણાંનો ઉપયોગ સરકોઝીના ચૂંટણી પ્રચારમાં કરવામાં આવ્યો હતો.

ફરીવાર અમેરિકામાં સ્કૂલમાં ફાયરિંગની ઘટના

ઇમેજ સ્રોત, GOOGLE MAPS
અમેરિકામાં ફરી એકવાર સ્કૂલમાં ગોળીબારની ઘટના બની છે.
સ્થાનિક પોલીસના જણાવ્યા પ્રમાણે અમેરિકાના મેરિલેન્ડ રાજ્યની એક સ્કૂલમાં ગોળીબારની ઘટના બની છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ગ્રેટ મિલ્સ હાઇ સ્કૂલમાં થયેલા ગોળીબારમાં ત્રણ લોકો ઇજાગ્રસ્ત થયા છે.
વોશિંગ્ટન ડીસીથી 165 માઇલ દૂર આવેલી સેન્ટ મેરી કાઉન્ટીમાં આ ગોળીબારની ઘટના મંગળવારે સવારે બની હતી.
હાલમાં મળી રહેલા અહેવાલ મુજબ હુમલો કરનાર વ્યક્તિને સ્કૂલના સિક્યૂરિટી ગાર્ડે ગોળી મારી દેતાં વધારે તે વધારે નુકસાન કરી શક્યો ન હતો.
હાલ પોલીસ આ મામલાની તપાસ કરી રહી છે.
ફ્લોરિડાના પાર્કલૅન્ડમાં બનેલી ગોળીબારની ઘટનાના એક મહિના બાદ જ આ ઘટના બની છે. એ ગોળીબારમાં 17 લોકો માર્યા ગયા હતા.
ત્રણેય લોકોને હાલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં છે. કોઈપણને ગંભીર ઈજાઓ થઈ નથી.

હવે મેહુલ ચોક્સીએ તપાસમાં જોડાવાની ના પાડી

ઇમેજ સ્રોત, Getty Images
પંજાબ નેશનલ બૅન્કના કૌભાંડ મામલે હવે મેહુલ ચોક્સીએ તપાસમાં જોડાવાની ના પાડી દીધી છે.
સીબીઆઈને તપાસમાં જોડાવાની ના પાડતાં તેમણે કહ્યું કે તેમની સામે ટકી ના શકે તેવા આરોપો કરવામાં આવ્યા છે.
આ આરોપોને કારણે તેમના વ્યવસાયને બંધ કરવાની નોબત આવી છે.
સીબીઆઈએ તેમને પંજાબ નેશનલ બૅન્કમાં થયેલા કૌભાંડની તપાસમાં જોડાવા માટે કહ્યું હતું.
તેના જવાબમાં 16 માર્ચના રોજ સીબીઆઈને લખેલા પત્રમાં ચોક્સીએ તેમના સ્વાસ્થ્ય, સસ્પેન્ડ કરાયેલા પાસપોર્ટ વગેરેની માહિતી આપી છે.
તેમણે કહ્યું કે હાલ સુધી સ્થાનિક પાસપોર્ટ કચેરી તેમની સાથે વાર્તાલાપ કરી રહી નથી અને મારો પાસપોર્ટ સસ્પેન્ડ થયેલો છે. જેથી હું ભારત આવી શકતો નથી.
પંજાબ નેશનલ બૅન્કમાં થયેલા કૌભાંડમાં કથિત રીતે નીરવ મોદીની કંપનીએ 6000 કરોડ રૂપિયા જ્યારે ચોક્સીની કંપનીએ 7000 કરોડનું કૌભાંડ કર્યું છે.

લોહિયાળ જંગ માટે તૈયાર છીએ: જિનપિંગ

ઇમેજ સ્રોત, Getty Images
ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે 13મી નેશનલ પીપલ્સ કોંગ્રેસમાં આક્રમક ભાષણ આપ્યું હતું. જિનપિંગે કહ્યું કે દેશની દશા પરિવર્તન માટે ચીનીઓ કૃતનિશ્ચયી છે.
શીએ કહ્યું, "જરૂર પડ્યે દુશ્મનો સામે લોહિયાળ લડાઈ લડવા માટે ચીન તૈયાર છે. ચીન સમગ્ર દુનિયામાં પોતાનું સ્થાન મેળવા માટે દ્રઢનિશ્ચયી છે."
પોતાના ભાષણમાં જિનપિંગે ચીનના ગૌરવશાળી ઇતિહાસનો ઉલ્લેખ કર્યો હતો અને ચીનની ઐતિહાસિક સિદ્ધિઓની ચર્ચા કરી હતી.
જિનપિંગે કહ્યું કે કોઈ પણ દેશ ચીન પાસેથી એક પણ ઇંચ જમીન નહીં મેળવી શકે.
ઉપસ્થિત લોકોએ આ વાતનું તાળીઓના ગડગડાટથી સ્વાગત કર્યું હતું.
તાઇવાન અને હૉંગ કૉંગ વિશે ચીનનું અત્યારસુધીનું આક્રમક નિવેદન માનવામાં આવે છે.
ઉલ્લેખનીય છે કે તાજેતરમાં તાઇવાનના અધિકારીઓની અમેરિકા મુલાકાતને સરળ બનાવતા કાયદા પર રાષ્ટ્રપતિ ડોનલ્ડ ટ્રમ્પે હસ્તાક્ષર કર્યા હતા.
તાઇવાન ખુદને સ્વતંત્ર રાષ્ટ્ર ગણાવે છે, જ્યારે ચીનના મતે તે આંતરિક ભાગ છે.

મુંબઈમાં ટ્રેન વ્યવહાર ખોરવાયો

ઇમેજ સ્રોત, Prashant Nanvare
મંગળવારે રેલવેના એપ્રેંટિસો ટ્રેક્સ પર ઉતરી આવતા, મુંબઈની લોકલ ટ્રેનોમાં મુસાફરી કરતાં હજારો મુસાફરો રઝળી પડ્યા હતા. જોકે, રેલવેએ તેમની માગો સ્વીકારી લેતા વ્યવહાર સામાન્ય થયો હતો.
મળતી માહિતી પ્રમાણે, દાદરમાં સવારે સાતેક વાગ્યે દાદર રેલવે સ્ટેશન પર એપ્રેંટિસોએ દેખાવો હાથ ધર્યા હતા. જેના કારણે સેન્ટ્રલ લાઇનની ટ્રેનોનો વ્યવહાર ખોરવાઈ ગયો હતો.
રેલવે તંત્રે મુસાફરોને અનુકૂળતા હોય ત્યાં વેસ્ટર્ન કે હાર્બર લાઇન લેવા સલાહ આપી છે. જોકે, સેન્ટ્રલ લાઇન પર પણ ધીમેધીમે ટ્રેન વ્યવહાર સામાન્ય થઈ રહ્યો છે.
કેટલાક વિદ્યાર્થીઓનું કહેવું છે કે તેઓ વર્ષોથી રેલવે માટે એપ્રેંટિસ તરીકે કામ કરે છે. પરંતુ તેમને કાયમી કરવામાં નથી આવ્યા.
એપ્રેંટિસોની માગ છે કે ભરતી દરમિયાન 20 %નો ક્વોટા રાખવાના બદલે ભરતીઓમાં માત્ર એપ્રેંટિસોને જ કાયમી નોકરી આપવી જોઈએ.
સેન્ટ્રલ રેલવેના કહેવા પ્રમાણે, એપ્રેંટિસોની પરીક્ષા માટે ટૂંક સમયમાં જાહેરાત બહાર પાડવામાં આવશે.

ઇમેજ સ્રોત, Nicky J Sims/Getty Images
દિવ્યભાસ્કરના અહેવાલ મુજબ, બેંગલુરુનાં એક જમીન મામલાનાં કેસમાં સુપ્રીમ કોર્ટે ગરબડ પકડી હતી.
જસ્ટિસ લોકુરે ચુકાદામાં નોંધ્યું કે 30 વર્ષ સુધી એ ભ્રમ રહ્યો કે લક્ષ્મી નામની મહિલા આ કેસની અરજદાર છે. પરંતુ આ મહિલા નીચલી કોર્ટથી લઈ સુપ્રીમ સુધી ક્યારેય સામે આવી નથી.
ગત 11 વર્ષમાં તેના પાવર ઑફ એટર્ની પણ કોર્ટ સમક્ષ રજૂ થયા નથી.
અરજદારે કેસ એ આધારે કર્યો હતો કે બેંગલુરુના કોડેનાહલ્લીની વિવાદિત જમીન સંરક્ષિત છે.
એટલે સરકાર આ જમીન એજ્યુકેશન સોસાયટીને ન આપી શકે.
આ દલીલથી લક્ષ્મી જીતતી રહી હતી. પરંતુ કોઈએ લક્ષ્મીને 30 વર્ષમાં જોઈ ન હતી.
2006માં લક્ષ્મીના પક્ષમાં ચુકાદો આવ્યા પછી ફરી થયેલી સુનાવણીમાં આ વાત સામે આવી છે.
અંતે કોર્ટે ચુકાદો એજ્યુકેશન સોસાયટીના પક્ષમાં આપ્યો હતો.
તમને આ પણ વાંચવું ગમશે

લિંગાયતોને લઘુમતીનો દરજ્જો

ઇમેજ સ્રોત, MANJUNATH KIRAN/Getty Images
નવગુજરાત સમયના અહેવાલ મુજબ, કર્ણાટક વિધાનસભા ચૂંટણી પૂર્વે કોંગ્રેસ સરકારે એક મોટો નિર્ણય લીધો છે.
સરકારે લિંગાયત સમુદાયને અલગ ધર્મનો દરજ્જો આપવાની માગ સ્વીકારી લીધી છે.
ભારતીય જનતા પાર્ટીએ આ નિર્ણયની નિંદા કરતા સમાજને વિભાજીત કરવાના રાજકારણનો કોંગ્રેસ પર આક્ષેપ લગાવ્યો છે.
કોંગ્રેસે કેન્દ્રમાં ભાજપ સરકાર પર અંતિમ નિર્ણય છોડ્યો છે.
ઉલ્લેખનીય છે કે લિંગાયત સમાજને અલગ ધર્મનો દરજ્જો આપવાની માંગ ધર્મગુરુ કરી રહ્યા હતા.
ચૂંટણી પૂર્વે આ નિર્ણય પર મહોર મારતા કોંગ્રેસે નાગમોહન દાસ સમિતિની ભલામણો સ્વીકારી લીધી છે.
સોમવારે સવારે લિંગાયત સમાજના ધર્મગુરુઓએ મુખ્યમંત્રી સિદ્ધારમૈયા સાથે મુલાકાત કરી હતી.
અલગ ધર્મ ઉપરાંત સમાજે લિંગાયતોને લઘુમતીનો દરજ્જો આપવાની પણ માગ કરી હતી.
ભાજપના આ નિર્ણયની નિંદા કરતા કહ્યું કે કર્ણાટક સરકાર ધર્મને આધાર બનાવીને ચૂંટણીમાં ઉતરવા ઇચ્છે છે.
ભાજપ પ્રવક્તા માલવિકાએ આક્ષેપ કર્યો હતો કે સિદ્ધરમૈયા લાંબા સમયથી લિંગાયતોને હિન્દુ ધર્મથી અલગ કરવા માંગતા હતા.
આ મુદ્દે હવે સંસદમાં નિર્ણય લેવાશે, સિદ્ધરમૈયા આ નિર્ણય ના લઈ શકે.

નવી બનેલી વડોદરા કોર્ટમાં 'ડિસઓર્ડર'!

ઇમેજ સ્રોત, ECOURTS.GOV.IN
ટાઇમ્સ ઑફ ઇન્ડિયાના અહેવાલ પ્રમાણે, વડોદરા શહેરમાં નવી બનેલી જિલ્લા કોર્ટમાં વકીલોની બેસવાની વ્યવસ્થા બાબતે તકરાર થઈ હતી.
જેને પગલે જિલ્લા ન્યાયાધીશની ઓફિસમાં તોડફોડ કરાઈ હતી, જેમાં પોલીસે ન્યાયાધીશને રક્ષણ આપવા જતા પોલીસ જવાનો ઇજાગ્રસ્ત થયા હતા.
વડોદરા શહેરમાં નવીન કોર્ટ સંકુલનું લોકાર્પણ બે દિવસ પહેલા જ કરવામાં આવ્યું હતું.
કોર્ટ સંકુલનું લોકાર્પણ થયા બાદ તેમાં ટેબલો ગોઠવવા માટે વકીલો વચ્ચે જાણે સ્પર્ધા જામી હતી.
રવિવારે રાત્રે કેટલાક વકીલો દ્વારા કોર્ટ સંકુલમાં ટેબલો લગાવી દેતા ભારે હંગામો થયો હતો.
સવારે જ્યારે વકીલો કોર્ટમાં આવ્યા ત્યારે ટેબલો સ્થળ પર નહિ જોતા ભારે ઊહાપોહ કર્યો હતો.
વકીલોનું ટોળું કોર્ટમાં જિલ્લા ન્યાયાધીશની કચેરીમાં ધસી આવ્યું હતું અને તોડફોડ શરૂ કરી દીધી હતી.
11 વકીલો અને 50થી 200ના ટોળા સામે જિલ્લા કોર્ટ રજિસ્ટ્રારની ફરિયાદના આધારે પોલીસે એફઆઈઆર નોંધી હતી.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો













