રાતોરાત એસબીઆઈની નકલી બ્રાન્ચ ખૂલી, એક શંકા બાદ સત્ય બહાર આવ્યું

- લેેખક, આલોક પ્રકાશ પુતુલ
- પદ, બીબીસી હિંદી માટે, રાયપુરથી
જ્યોતિ યાદવને એ વાતનો વિશ્વાસ નથી થઈ રહ્યો કે હજુ એક અઠવાડિયા પહેલાં સુધી તેઓ જે 'સ્ટૅટ બૅન્ક ઑફ ઇન્ડિયા'ની છપોરા શાખામાં નોકરી કરતાં હતાં, તે વાસ્તવમાં બૅન્ક જ ન હતી.
જ્યારે એસબીઆઈ અને પોલીસના કેટલાક અધિકારીઓ કથિત બૅન્કે આવ્યા, ત્યારે જ્યોતિને માલૂમ પડ્યું કે બૅન્કનું બોર્ડ, તેમનો નિમણૂક પત્ર તથા કર્મચારીઓ બધું જ નકલી છે.
છત્તીસગઢના પાટનગર રાયપુરથી લગભગ 200 કિલોમીટર દૂર સક્તિ જિલ્લાના છપોરા ગામ ખાતે બનેલી ઘટનાથી સ્થાનિકો પણ આશ્ચર્યચકિત છે.
પોલીસે આ કેસમાં અનિલ ભાસ્કર નામના શખ્સની ધરપકડ કરી છે, જ્યારે તેમના આઠ અન્ય સાગરિતોની તપાસ ચાલુ છે.
સપ્ટેમ્બરમાં શરૂ થઈ કથિત શાખા

લગભગ એક પખવાડિયા પહેલાં છપોરા ખાતે 'સ્ટૅટ બૅન્ક ઑફ ઇન્ડિયા'ના નામે બૅન્કની શાખા ખુલી ત્યારે ગ્રામજનોમાં ખુશીની લહેર ફરી વળી હતી.
લોકોને લાગતું હતું કે તેમણે બૅન્કના કામો માટે દૂર-દૂરના ધક્કા નહીં ખાવા પડે, પરંતુ તેમનો હરખ ઝાઝા દિવસ સુધી ટક્યો ન હતો.
અજય અગ્રવાલ ગામમાં જ રહે છે. તેમના કહેવા પ્રમાણે, તેમણે સ્ટૅટ બૅન્ક ઑફ ઇન્ડિયાના કિયૉસ્ક માટે અરજી આપી હતી.
એસબીઆઈ દ્વારા ગ્રાહકોને મૂળભૂત બૅન્કિંગ સેવાઓ સુગમતાથી મળી રહે તે માટે વ્યક્તિ, ખાનગી સંસ્થા કે ઓછી આવકવાળા જૂથોને કિયૉસ્કના સંચાલનની મંજૂરી આપે છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આ પ્રકારના કિયૉસ્ક સામાન્ય રીતે ગામડાં કે ઓછી વસતી ધરાવતા વિસ્તારોમાં ખોલવામાં આવે છે.
શા માટે થઈ શંકા?
અજયના કહેવા પ્રમાણે, "મેં એક દિવસે જોયું કે ગામમાં સ્ટૅટ બૅન્ક ઑફ ઇન્ડિયાની શાખા ખુલી છે. આ જોઈને હું ચોંકી ગયો. મને લાગ્યું કે અમારા ગામમાં સ્ટૅટ બૅન્કની શાખા ખોલવાની કેમ જરૂર પડી?"
ગ્રામજનોએ બૅન્કમાં જઈને જોયું તો ત્યાં અનેક કર્મચારી કામ કરી રહ્યા હતા. કથિત શાખામાં આધુનિક સુવિધાઓ સાથે અલગ-અલગ ડૅસ્ક્સ પણ હતાં.
જ્યારે ગ્રામીણોએ બૅન્કમાં ખાતાં ખોલાવવાની વાત કહી તો કર્મચારીઓએ કહ્યું કે સર્વરનું કામ ચાલી રહ્યું છે એટલે ટૂંક સમયમાં એકાઉન્ટ ખોલવામાં આવશે.
દરમિયાન સ્ટૅટ બૅન્ક ઑફ ઇન્ડિયાના ફિલ્ડ ઓફિસર ચંદ્રશેખર બોદરા તથા અજય અગ્રવાલે કથિત બૅન્કના કર્મચારીઓ સાથે વાતચીત કરી હતી, જેના આધારે તેમને કંઈક ગડબડ હોવાની શંકા ગઈ હતી.
તેમણે જિલ્લાસ્તરે એસબીઆઈના અધિકારીઓ સાથે વાતચીત કરી, તો તેઓ પણ ચોંકી ગયા.
બીજા દિવસે એસબીઆઈ તથા સ્થાનિક પોલીસના અધિકારીઓ કથિત બૅન્કની શાખાએ પહોંચ્યા, ત્યારે તે બનાવટી હોવાની વાત બહાર આવી હતી.
કથિત બૅન્ક મૅનેજર પંકજ સાહૂ પર્દાફાશ પહેલાં જ ત્યાંથી ફરાર થઈ ગયા હતા.
પોલીસ કેસ દાખલ

કોરબાસ્થિત એસબીઆઈના પ્રાદેશિક કાર્યાલયના મુખ્ય મૅનેજર જીવરાખન કાવડેએ તા. 27 સપ્ટેમ્બરના રોજ આ કેસમાં ફરિયાદ દાખલ કરાવી હતી.
ફરિયાદની વિગતો પ્રમાણે, તા. 18મી સપ્ટેમ્બરે બૅન્કની શાખા શરૂ થઈ હતી અને તેમાં છ લોકો કામ કરતા હતા. તેમને બનાવટી જૉઇનિંગ લૅટર્સ પણ આપવામાં આવ્યા હતા.
પોલીસે અનિલ ભાસ્કર નામના શખ્સની ધરપકડ કરી છે. પોલીસના કહેવા પ્રમાણે, અનિલ ભાસ્કરે બૅન્કમાં નોકરી અપાવવાની લાલચ આપીને અલગ-અલગ યુપીઆઈ આઈડી ઉપર રૂ. છ લાખ 60 હજાર લીધા હતા.
અનિલ ભાસ્કરે આ પૈસામાંથી સૅકન્ડ હૅન્ડ આઈ-20 ગાડી પણ ખરીદી હતી.
પોલીસના કહેવા પ્રમાણે, પૂછપરછ દરમિયાન અનિલે તેના આઠ સાગરિતો વિશે પણ માહિતી આપી હતી. પોલીસે અલગ-અલગ ટીમો બનાવીને તેમનું પગેરું મેળવવા માટે કવાયત હાથ ધરી છે.
આરોપીની સામે અગાઉ પણ બિલાસપુરમાં છેતરપિંડીની ફરિયાદ થઈ છે. તેની સામે રેલવેમાં નોકરી આપવાની લાલચ આપીને રૂ. સાડા સાત લાખની ઠગાઈ હતી.
'નકલી બૅન્કમાં પણ નોકરી માટે લાંચ લેવામાં આવી'

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
પોલીસે બનાવટી બૅન્કમાં નોકરી કરનારાઓની પૂછપરછ હાથ ધરી છે. જે આઠ લોકોને નોકરી આપવામાં આવી છે, તેમાંથી છ પરિવારો ખાસ સદ્ધર નથી.
આમાંથી કેટલાકનું કહેવું છે કે કથિત નોકરીની સાટે તેમની પાસેથી પૈસા લેવામાં આવ્યા હતા.
કથિત બૅન્કમાં કામ મેળવનારાં જ્યોતિ યાદવનાં કહેવા પ્રમાણે તેમના એક ઓળખિતાએ આ બૅન્ક વિશે માહિતી આપી હતી.
જ્યોતિ જ્યારે બૅન્કે પહોંચ્યાં, ત્યારે તેમની પાસે ઑનલાઇન ફૉર્મ ભરાવડાવ્યું હતું. તેમની શૈક્ષણિક લાયકાતનાં પ્રમાણપત્રો અપલૉડ કરાવ્યાં હતાં અને તેમના ફિંગરપ્રિન્ટ્સ લેવામાં આવ્યાં હતાં.
જ્યોતિનાં કહેવા પ્રમાણે, "મારી પાસેથી નોકરીની સાટે રૂપિયા અઢી લાખ લેવામાં આવ્યા હતા. મને પહેલાં ઑફર લૅટર અને પછી નિમણૂકપત્ર આપવામાં આવ્યો હતો. મને કહેવામાં આવ્યું કે છપોરા શાખામાં નિમણૂક થઈ રહી છે, ત્યાં તાલીમ આપવામાં આવશે."
"મને એક પણ વખત એવું નહોતું લાગ્યું કે હું છેતરપિંડીનો ભોગ બની રહી છું, પરંતુ હવે બધું બરબાદ થઈ ગયું."
સંગીતા કંવર કોરબા જિલ્લાના ભવરખોલા ગામનાં છે. સંગીતાના કહેવા પ્રમાણે, એક ઓળખીતી વ્યક્તિએ તેમને સ્ટૅટ બૅન્ક ઑફ ઇન્ડિયામાં નોકરી વિશે માહિતી આપી હતી. સંગીતા જ્યારે ત્યાં પહોંચ્યાં, ત્યારે તેમની પાસે રૂ. પાંચ લાખની માગ કરવામાં આવી હતી.
સંગીતાએ પોતાના ઘરેણાં ગીરવે મૂકીને રૂ. એક લાખની વ્યવસ્થા કરી. તેમણે વધારાના રૂ. એક લાખ માસિક પાંચ ટકાના દરે વ્યાજે લીધાં. આ સિવાય સગાંસંબંધીઓ પાસેથી રૂ. 50 હજારની વ્યવસ્થા કરી. આમ સંગીતાએ રૂ. અઢી લાખ ચૂકવ્યા, એ પછી તેમને કથિત બૅન્કમાં નોકરી મળી હતી.
સંગીતાને પોલીસ વૅરિફિકેશન માટે ઉરગા પોલીસ સ્ટેશન મોકલવામાં આવ્યા હતા. સંગીતાએ સૂચના મુજબ વૅરિફિકેશન કરાવડાવ્યું, ત્યારે પણ તેમને શંકા નહોતી થઈ.
એક પોલીસ અધિકારીના કહેવા પ્રમાણે, માત્ર નોકરી આપવાના નામે લોકો પાસેથી પૈસા પડાવવા માટે જ બૅન્કની કથિત શાખા ખોલવામાં આવી હતી, એવું નથી લાગતું.
છતાં બનાવટી બૅન્કની શાખા ખોલવા પાછળનો ખરો હેતુ શું છે, તેના વિશે હાલમાં અનુમાન કરવું મુશ્કેલ છે.
(બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન)













