એ કુદરતી આફત, જેના લીધે 'પૃથ્વી નવ દિવસ' ધ્રૂજી

ગ્રીનલૅન્ડ, પર્યાવરણ, પહાડો, બીબીસી ગુજરાતી, પૃથ્વી

ઇમેજ સ્રોત, Jeff Kerby

ઇમેજ કૅપ્શન, આ ભૂસ્ખલનમાં ખડકનો એક પર્વત તૂટી પડ્યો હતો અને તેની સાથે ગ્લેશિયરના બરફને તાણી ગયો હતો
    • લેેખક, વિક્ટોરિયા ગિલ
    • પદ, સાયન્સ સંવાદદાતા, બીબીસી ન્યૂઝ

ગ્રીનલૅન્ડમાં સમુદ્રની એક સાંકડી ખાડીમાં તાજેતરમાં એક મોટા ભૂસ્ખલનને કારણે શક્તિશાળી મોજાં ઊછળ્યાં હતાં, જેણે નવ દિવસ સુધી "પૃથ્વીને હચમચાવી" નાખી હતી.

ગ્રીનલૅન્ડમાં સમુદ્રની બર્ફીલી સાંકડી અને ઊંડી ખાડીને ફિયોર્ડ કહેવામાં આવે છે. ગયા સપ્ટેમ્બરમાં તેના સિસ્મિક સંકેતો સમગ્ર વિશ્વમાં સેન્સરો પર ઝીલાયા હતા. તેના કારણે ટોચના વૈજ્ઞાનિકોએ આ સિગ્નલ ક્યાંથી આવ્યા હતા તેની તપાસ કરી છે.

આ ભૂસ્ખલનમાં ખડકનો એક પર્વત તૂટી પડ્યો હતો અને તેની સાથે ગ્લેશિયરના બરફને તાણી ગયો હતો જેનાથી 200 મીટર ઊંચાઈનાં મોજાં ઊછળ્યાં હતાં.

ત્યારપછી આ મોજાં સાંકડા ફિયોર્ડમાં ફસાઈ ગયાં અને તેણે આગળ-પાછળ ગતિ કરી હતી, જેના કારણે ધ્રુજારી પેદા થઈ હતી.

વૈજ્ઞાનિકો કહે છે કે આબોહવા પરિવર્તનના કારણે આવાં ભૂસ્ખલનો વારંવાર થઈ રહ્યાં છે. ગ્રીનલૅન્ડના પર્વતોને ટેકો આપતા ગ્લેશિયરો પીગળી રહ્યા છે તે તેની પાછળનું કારણ છે.

આ ઘટનાની તપાસનાં તારણો સાયન્સ જર્નલમાં પ્રકાશિત થયાં છે. વૈજ્ઞાનિકોની આંતરરાષ્ટ્રીય ટીમ અને ડેનમાર્કની નૅવીને સાંકળથા એક ડિટેક્ટિવ મિશનના પરિણામે આ તારણો મળી શક્યાં છે.

આ વિશે સંશોધન કરનારા વૈજ્ઞાનિકોમાં યુસીએલના ડૉ સ્ટીફન હિક્સ પણ સામેલ હતા. તેઓ કહે છે કે, “વૈજ્ઞાનિકોએ જ્યારે ગયા વર્ષે પહેલી વખત આ સિગ્નલ જોયાં ત્યારે તે ભૂકંપ જેવું લાગતું ન હતું. અમે તેને 'અજાણ્યા સિસ્મિક ઑબ્જેક્ટ' તરીકે ઓળખાવ્યું હતું."

'નવ દિવસ સુધી દર 90 સેકન્ડે આ સિગ્નલ દેખાયાં'

ગ્રીનલૅન્ડ, પર્યાવરણ, પહાડો, બીબીસી ગુજરાતી, પૃથ્વી

ઇમેજ સ્રોત, Copernicus Sentinel Data, 2023/ESA

ઇમેજ કૅપ્શન, વૈજ્ઞાનિકોની આંતરરાષ્ટ્રીય ટીમ અને ડેનમાર્કની નૅવીને સાંકળથા એક ડિટેક્ટિવ મિશનના પરિણામે આ તારણો મળી શક્યાં છે

જિજ્ઞાસુ વૈજ્ઞાનિકોના એક જૂથે ઑનલાઇન ચેટ પ્લૅટફૉર્મ પર આ અજબ પ્રકારનાં સિગ્નલ પર ચર્ચા કરવાનું શરૂ કર્યું હતું.

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

ડૉ હિક્સે જણાવ્યું, "તે જ સમયે ગ્રીનલૅન્ડમાં ભારે ફિલ્ડવર્ક કરતા ડેનમાર્કના વૈજ્ઞાનિકોને સુનામીના અહેવાલો પ્રાપ્ત થયા જે દૂરના એક ફિયોર્ડમાં થયું હતું. પછી અમે પણ તેમાં જોડાયા."

વૈજ્ઞાનિકોની ટીમે પૂર્વ ગ્રીનલૅન્ડમાં ડિક્સન ફિયોર્ડના સિગ્નલના સ્રોતને શોધી કાઢવા સિસ્મિક ડેટાનો ઉપયોગ કર્યો હતો. ત્યારબાદ તેમણે સેટેલાઇટ તસવીરો અને ફિયોર્ડના ફોટોગ્રાફ્સ સહિત અન્ય કડીઓ એકત્રિત કરી હતી, જે સિગ્નલ દેખાયાં તેનાથી પહેલાં ડેનમાર્કની નૅવી દ્વારા લેવામાં આવ્યાં હતાં.

સેટેલાઇટની એક તસવીરમાં ફિયોર્ડમાં એક સાંકડી ગલીમાં ધૂળનું વાદળ દેખાય છે. આ ઘટના પહેલાં અને ત્યારપછીના ફોટોગ્રાફ્સની સરખામણી કરતા જાણવા મળ્યું કે એક પર્વત તૂટી પડ્યો હતો અને ગ્લેશિયરનો એક ભાગ પાણીમાં વહી ગયો હતો.

સંશોધકોએ આખરે ગણતરી માંડીને શોધી કાઢ્યું કે 25 મિલિયન ઘન મીટરનો ખડક પાણીમાં ધસી પડ્યો હતો, જેના કારણે 200 મીટર ઊંચી "મેગા-સુનામી"નું સર્જન થયું હતું. આ ખડકનું કદ 25 એમ્પાયર સ્ટેટ બિલ્ડિંગના જથ્થાની સમકક્ષ હતું.

આ સ્થળના "પછીના" ફોટોગ્રાફ્સમાં ગ્લેશિયર પર એક નિશાન દેખાય છે. વિશાળ મોજાએ ઉપરની તરફ જે માટી ઉછાળી હતી તેનાથી આ નિશાન પડ્યું હતું.

'મોજાની અંદર ઊર્જા ફસાઈ ગઈ'

ગ્રીનલૅન્ડ, પર્યાવરણ, પહાડો, બીબીસી ગુજરાતી, પૃથ્વી

ઇમેજ સ્રોત, Wieter Boone

ઇમેજ કૅપ્શન, સંશોધકોએ આખરે ગણતરી માંડીને શોધી કાઢ્યું કે 25 મિલિયન ઘન મીટરનો ખડક પાણીમાં ધસી પડ્યો હતો

સામાન્ય રીતે ભૂગર્ભમાં આવતા ધરતીકંપને કારણે સુનામી થાય છે, ખુલ્લા સમુદ્રમાં તે કલાકોની અંદર દરેક દિશામાં વિખેરાઈ જાય છે. પણ આ મોજું ફસાઈ ગયું હતું.

ડૉ હિક્સે જણાવ્યું કે, "આ ભૂસ્ખલન ખુલ્લા મહાસાગરથી લગભગ 200 કિલોમીટર અંદરના ભાગે થયું હતું."

તેઓ કહે છે, "આ ફિયોર્ડ સિસ્ટમો ખરેખર જટિલ છે, તેથી મોજામાંથી ઊર્જા બહાર વિખેરાઈ ન શકી."

ટીમે એક મૉડલ બનાવ્યું જે દર્શાવે છે કે તે કેવી રીતે ઊર્જા વિખેરાઈ જવાને બદલે નવ દિવસ સુધી આગળ-પાછળ ધક્કો મારતી રહી.

"આટલા લાંબા સમયગાળા માટે અમે ક્યારેય પાણીની આટલી મોટી હિલચાલ જોઈ નથી," તેમ ડૉ હિક્સ જણાવે છે.

વૈજ્ઞાનિકોનું કહેવું છે કે ગ્રીનલૅન્ડમાં વધતા તાપમાનને કારણે આ ભૂસ્ખલન થયું હતું. તાપમાન વધવાથી પર્વતના પાયામાં આવેલું ગ્લેશિયર પીગળી ગયું છે.

ડૉ હિક્સ જણાવે છે, "આ ગ્લેશિયર આ પર્વતને ટેકો આપતું હતું. તે એટલું પાતળું થઈ ગયું કે તેણે તેને પકડી રાખવાનું બંધ કરી દીધું. તે દર્શાવે છે કે આબોહવા પરિવર્તન હવે આ વિસ્તારોને કેટલી હદે અસર કરી રહ્યું છે."

આ ઘટના બહુ દૂરના વિસ્તારમાં બની હતી, પરંતુ કેટલાક આર્કટિક ક્રૂઝ જહાજો દ્વારા ફિયોર્ડની મુલાકાત લેવામાં આવતી હોય છે. સદનસીબે જ્યાં આ ભૂસ્ખલન થયું તે વિસ્તારમાં કોઈ નહોતું. પરંતુ નૅશનલ જિયોલૉજિકલ સર્વે ફૉર ડેનમાર્ક ઍન્ડ ગ્રીનલૅન્ડ (જીઈયુએસ)ના મુખ્ય સંશોધક ડૉ. ક્રિસ્ટિયન સ્વેનેવિગે જણાવ્યું હતું કે આર્કટિકમાં હવે આ વધુ ને વધુ સામાન્ય ઘટના છે.

તેમણે બીબીસી ન્યૂઝને જણાવ્યું કે, "અમે ખાસ કરીને ગ્રીનલૅન્ડમાં વિશાળ, સુનામીથી થતા ભૂસ્ખલનમાં વધારો જોઈ રહ્યા છીએ."

"એકમાત્ર ડિક્સન ફિયોર્ડની ઘટના આ વલણની પુષ્ટિ કરતી નથી, પરંતુ તેનો અભૂતપૂર્વ સ્કેલ આ દિશામાં વધુ સંશોધન કરવાની જરૂર પર ભાર મૂકે છે."

ડૉ. હિક્સે જણાવ્યું કે ડિક્સન ફિયોર્ડ ખાતેની ઘટનામાં "કદાચ પહેલી વખત આબોહવા પરિવર્તને સમગ્ર વિશ્વમાં આપણા પગ નીચેના પોપડાને અસર કરી છે."

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.