કૌશિક ભરવાડ : ચોથું પાસ, રિક્ષા ચલાવી અને 'કપડાં મૅચિંગ' ગીતથી ધૂમ મચાવતા ગાયકની કહાણી

ઇમેજ સ્રોત, KAUSHIK BHARWAD/Insta
- લેેખક, તેજસ વૈદ્ય
- પદ, બીબીસી સંવાદદાતા
"મારે કપડાં મૅચિંગ, મનડાં મૅચિંગ, દલડાં મૅચિંગ કરવાં છે..."
આ ગીત તમને તમારા મોબાઇલમાં સોશિયલ મીડિયા પર રીલ સ્વરૂપે ક્યાંક મળી ગયું હશે અથવા તો નોરતામાં પણ તમને કદાચ સાંભળવા મળ્યું હશે.
આ ગીત નોરતામાં ખૂબ વાઇરલ થયું છે અને એ ગીત ગાનારા કૌશિક ભરવાડ ગુજરાતમાં લોકપ્રિય બની ગયા છે.
"કપડાં મૅચિંગ કરવાં છે" એ ગીત કૌશિક ભરવાડ અને હિના મીરે ગાયું છે. ગીતના શબ્દો અનિલ મીર અને રાહુલ દાફડાએ લખ્યા છે.
કૌશિક ભરવાડનું નામ રાતોરાત ભલે ગૂંજતું થઈ ગયું હોય પણ ગાયક તરીકેનો તેમનો સંઘર્ષ એક દાયકાનો છે. તેમણે અગાઉ ગાયેલાં ગીતો પણ હિટ નિવડ્યાં છે, પણ કપડાં મૅચિંગ ગીતે તેમની કરિયર પર આભલાં જડી દીધાં છે.
બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં કૌશિક ભરવાડે કહ્યું હતું કે, “મને પણ અંદાજ નહોતો કે આ ગીત પર લોકો આટલા મોહી પડશે હું દસ વર્ષથી સંગીતના ક્ષેત્રમાં જોડાયેલો છું, પણ મારું નામ ગૂંજતું છેલ્લા ત્રણેક મહિનામાં જ થયું છે. નવરાત્રીમાં તો મંચ પરથી એક કરતાં વધારે વખત આ ગીતની ફરમાઈશ થાય જ છે, પણ સંગીતના શોમાં પણ આ ગીત માટે વન્સમોર થાય છે.”
જન્માષ્ટમીનું ગીત નોરતામાં સુપરહિટ થયું

ઇમેજ સ્રોત, KAUSHIK BHARWAD
ગુજરાતમાં નવરાત્રિમાં આ રીતે ઘણાં ગીતો સમયાંતરે વાઇરલ થતાં હોય છે. હાલ કપડાં મૅચિંગ ગીત સોશિયલ મીડિયામાં ખૂબ જોવાઈ રહ્યું છે. ગીતનું ટાઇટલ ‘અલબેલો’ છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
કૌશિકભાઈએ કહ્યું હતું કે, “આ ગીત અમે કૃષ્ણને કેન્દ્રમાં રાખીને જન્માષ્ટમી વખતે તૈયાર કર્યું હતું. એ વખતે ગીતને જે પ્રકારે વધાવવામાં આવ્યું ત્યારે જ અમને અંદાજ બેસી ગયો હતો કે નોરતામાં પણ આ ગીત રમઝટ બોલાવશે. થયું પણ એવું જ.”
નોરતામાં રાસરસિકો આ ગીતના તાલે ઝૂમી રહ્યા છે અને વિવિધ પ્રકારનાં રીલ્સ - વીડિયો આ ગીત પર લોકો બનાવી રહ્યા છે.
કૌશિક ભરવાડ કહે છે કે, “હું અમદાવાદ સહિત અન્ય કેટલેક ઠેકાણે ગરબામંડળોમાં ગાવા ગયો તો ગરબે રમી રહેલા કેટલાક લોકો પોતાના શર્ટનો કૉલર બતાવીને કે કોઈ કપલ હોય તો બંનેનાં મૅચિંગ કપડાં બતાવીને ઈશારામાં જ ફરમાઈશ કરે કે પેલું ગીત થાવા દ્યો.”
અમદાવાદ જિલ્લાના બાવળા રહેતા કૌશિક ભરવાડે ચોથી ચોપડીએ જ ભણવાનું મકી દીધું હતું. તેમના પિતાએ તેમને ભણવાનું મૂકીને ગાયોને ચરાવવાનું કામ સોંપ્યું હતું.
કૌશિકભાઈએ જણાવ્યું હતું કે, અમારી પાસે પંદર વીસ ગાયો હતી. મહિનો ગાયો ચરાવ્યા પછી મન લાગ્યું નહીં એટલે ચાલીસ રૂપિયે બાર કલાક લેખે નોકરી કરી. એમાં પણ જામ્યું નહીં. પછી અમદાવાદમાં મામાના ઘરે વાસણા વિસ્તારમાં ચાચરવાડી કૉલોનીમાં આવ્યો. ત્યાં રિક્ષા ચલાવવાનું શરૂ કર્યું.
પહેલાં રિક્ષા ફેરવી, હવે રિક્ષામાં તેમનાં ગીત વાગે છે

ઇમેજ સ્રોત, KAUSHIK BHARWAD
અમદાવાદમાં સરખેજ-ગાંધીનગર હાઈવે પર 2012થી 2015 સુધી કૌશિક ભરવાડે શટલરિક્ષા ચલાવી હતી. એક સમયે તેઓ રિક્ષા ચલાવતા હતા, હવે લોકોની રિક્ષામાં તેમનાં ગીત વાગે છે. તેમને ખબર નહોતી કે રિક્ષા ચલાવવાની સાથે તેમની કરિયર પણ ભવિષ્યમાં દોડશે.
કૌશિકભાઈ કહે છે કે, હું રિક્ષા ચલાવતાં ચલાવતાં મસ્તીમાં ગીતો ગણગણતો હતો. એ વખતે મારા કેટલાક મિત્રોએ મને કહ્યું હતું કે તારો અવાજ સારો છે. તમે રિક્ષા ચલાવવાનું છોડીને ગીતોના કાર્યક્રમો આપો. મિત્રોના આગ્રહ અને આશિષથી પછી રિક્ષા ચલાવવાનું છોડીને હું સંગીતની દુનિયામાં આવ્યો. ધીમે ધીમે હું સંગીતની દુનિયામાં ગોઠવાવા મંડ્યો.”
કૌશિકભાઈની કરિયરમાં છેલ્લાં દસ વર્ષમાં જબરો તાનપલટો આવ્યો છે. જે રસ્તા પર તેઓ રિક્ષા લઈને પેસેન્જરોને ફેરવતા હતા ત્યાં હવે પોતાની ઇનોવા કાર લઈને જાય છે અને લોકો તેમની સાથે સેલ્ફી લે છે.
કઈ રીતે સોશિયલ મીડિયા ગીતને પ્રભાવિત કરે છે?

ઇમેજ સ્રોત, KAUSHIK BHARWAD
કપડાં મૅચિંગ ઉપરાંત કૌશિક ભરવાડે ગાયેલાં અન્ય ગીતો પર નજર કરીએ તો એના શબ્દો ખૂબ રમતિયાળ અને અકલ્પનીય પ્રાસવાળા હોય છે.
શબ્દોની આવી પસંદગી વિશે કૌશિક ભરવાડ કહે છે કે, “હાલની જે યંગ જનરેશન છે એને ધ્યાનમાં રાખીને અમે ગીત તૈયાર કરીએ છીએ.”
કૌશિકનાં ઘણાં ગીત જે તેના રમતિયાળપણાને લીધે લોકોને પસંદ પડ્યા છે તેમાંનાં કેટલાંક અનિલભાઈ મીરે લખ્યાં છે.
બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં અનિલભાઈ કહે છે કે, "અમે ગીત લખતી વખતે હાલની યુવાપેઢીને ધ્યાનમાં રાખીએ છીએ તેથી ભારેખમ શબ્દો ગીતમાં હું નથી રાખતો. રોજબરોજની બોલીમાં વપરાતા શબ્દોનો રમતિયાળ ઉપયોગ કરીએ છીએ."
"ગીતનું મુખડું કે અંતરા પરથી રીલ બનવાની શક્યતા પણ અમે લખતી વખતે ધ્યાનમાં લેતા હોઈએ છીએ. મારે કપડાં મૅચિંગ કરવાં છે ગીતમાં અમારી ગણતરી એવી હતી કે લોકો નોરતામાં કપડાં મૅચિંગ કરીને રાસ રમવા જતા હોય છે તેથી આ ગીત ચાલશે. અમારી એ ગણતરી ખરી નીવડી."
"જોકે, અમને એવો અંદાજ નહોતો કે આ ગીત આટલી લોકચાહના મેળવશે. સોશિયલ મીડિયામાં ખાસ કરીને ઇન્સ્ટાગ્રામ, વૉટ્સઍપ કે ફેસબુક પર યુવાવર્ગ શું જોતો હોય છે કે કઈ બાબતો ટ્રેન્ડમાં છે એને આધારે ગીતો રચાય છે.”
બાપુજીએ કહ્યું હતું, સંગીત આપણું કામ નહીં
કૌશિકભાઈ પોતાને અકસ્માતી ગાયક જ માને છે. તેમની પેઢી કે પરિવારમાં કોઈ સંગીતકાર કે ભજનિક નથી. તેમણે સંગીતની કોઈ વિધિવત્ તાલીમ પણ લીધી નથી.
વાજુંપેટી પણ વગાડતાં પણ તેમને આવડતું નથી.
કૌશિકભાઈ કહે છે કે, “હું જ્યારે સંગીત તરફ વળ્યો ત્યારે મારાં બા-બાપુજી કહેતાં કે દીકરા આ આપણું કામ નથી. બે ટંકનું ભાણું નીકળી જાય એવું કંઈક કર. આ રહેવા દે. જોકે, મેં સંગીતમાં આગળ વધવાની ગાંઠ વાળી લીધી હતી."
"ધીમે ધીમે આગળ વધતો ગયો અને કામ કરતો ગયો. મારા બાપુજી મને હજી ક્યારેક કહે છે કે અમે તને ના પાડતા હતા, પણ આજે તારાં ગીતો પર લોકોને ડોલતા જોઈને મન રાજી થઈ જાય છે. મારા પરિવારમાં કોઈ ગાયક કે વાદક નથી. પણ હું ભરવાડ સમાજમાંથી આવું છું. અમારા સમાજમાં લોકગીતો અને રાસડાની ઊજળી પરંપરા છે. તેથી એની છાલક મને ક્યાંક લાગી ગઈ હશે."
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન













