બાબલા શાહ : જેમણે ડિસ્કો દાંડિયાની ધમાલ મચાવીને ગરબાને ગ્લોબલ બનાવવામાં ભૂમિકા ભજવી

ઇમેજ સ્રોત, FB/Babla Shah
- લેેખક, તેજસ વૈદ્ય
- પદ, બીબીસી સંવદદાતા
ગરબા ગુજરાતની ભાગોળ ઓળંગીને અન્ય રાજ્યોમાં અને હવે તો વિદેશોમાં પણ પહોંચ્યા છે. ગુજરાતની બાઉન્ડ્રીની બહાર પણ લોકો દાંડિયા ને ગરબા રમતા થયા છે. ગરબા ડભોઈમાં ય રમાય છે ને દુબઈમાંય.
પરંતુ ગરબાના આ ગ્લોબલાઇઝેશનમાં મુંબઈના બાબલા શાહની પાયાની ભૂમિકા છે. 80ના દાયકા સુધી ગરબા ગુજરાત અને મુંબઈ જેવાં નગરો કે જ્યાં ગુજરાતીઓની માતબર વસતી છે મહદંશે ત્યાં સુધી જ મર્યાદિત હતા.
ગરબા એ ગુજરાત પૂરતો જ તહેવાર હતો. 80ના દાયકામાં જે બદલાવ આવ્યો એનાથી ગરબા ગુજરાત અને ગુજરાતીઓને વટાવીને છેક વિદેશ સુધી પહોંચી ગયા. આ આબોહવા બદલવામાં સંગીતકાર બાબલાએ પણ નોંધપાત્ર ફાળો આપ્યો.
1981માં બાબલા શાહે ડિસ્કો દાંડિયા વિધ બાબલાનું નૉનસ્ટૉપ કૅસેટ આલબમ રજૂ કર્યું. જેમાં દાંડિયાના તાલ સાથે હિન્દી ફિલ્મી ગીતોને ડિસ્કોની બીટ્સ જોડીને નોરતાંને એક નવી જ અસર આપી. એ અસર એવી હતી કે બિનગુજરાતીઓ પણ કુંડાળું વળીને ગરબે ઘૂમવા માંડ્યા.
એ કૅસેટની વિશેષતા એ હતી કે એ ઇન્સ્ટ્રુમૅન્ટલ આલબમ હતું. એમાં કોઈ ગાયક – ગાયિકાએ ગરબા ગાયા નહોતા માત્ર મ્યુઝિકલ ગરબા હતા. ડિસ્કોની બીટ્સ સાથે તેને મૉડર્ન સ્પર્શ મળ્યો હતો. નૉનસ્ટૉપ ગરબાના આલબમની શરૂઆત બાબલાની આ પહેલને અપાય છે.
એ પછી તો નૉનસ્ટોપ ગરબાની ઢગલાબંધ રેકૉર્ડ્સ દર નવરાત્રિએ બહાર પડવા માંડી. એ ભરતી આજ સુધી ચાલુ જ છે. કૅસેટ્સમાંથી સીડી(કૉમ્પેક્ટ ડિસ્ક) અને હવે તો સમૂળગું સંગીત જ ડિજિટલ થઈ ગયું છે. આ તમામ બદલાવ વચ્ચે દર નવરાત્રિએ નૉનસ્ટૉપ ગરબા સંગીતનો ટ્રૅન્ડ અણનમ છે. નૉનસ્ટૉપ ગરબા અને ડિસ્કો દાંડિયાનો ટ્રેન્ડ લોકપ્રિય થયો તેનો શ્રેય બાબલાને અપાય છે.
હિન્દી ફિલ્મી ગીતોની ટ્યુન્સનો પ્રયોગ

ઇમેજ સ્રોત, Babla V Shah/FB
મૂળે કચ્છી અને મુંબઈમાં ઊછરેલા બાબલાનું ખરું નામ લક્ષ્મીચંદ શાહ છે. તેઓ સંગીતકાર છે. અને રીધમ કિંગ તરીકે ઓળખાય છે. ફિલ્મ સંગીતકાર કલ્યાણજી આણંદજીના તેઓ ભાઈ થાય છે. સંગીતમાં જેને રીધમ કહે છે તેની અજબ સૂઝ બાબલામાં છે.
નાની ઉંમરે જ તેમણે કલ્યાણજી આણંદજી સાથે કામ કરવાનું શરૂ કરી દીધું હતું. કલ્યાણજી આણંદજીનું લીધા વગર હિંદી ફિલ્મોના સંગીતની સફરની શરૂઆત ન કરી શકાય. હિંદી ફિલ્મોનાં ઘણાં યાદગાર ગીતોને તેમણે સંગીત આપ્યું હતું. બાબલાએ તેમના રીધમ અરેન્જર તરીકે કામ કર્યું હતું.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
બોલીવૂડની કેટલીય હિટ ફિલ્મોમાં કલ્યાણજી આણંદજીના સંગીતમાં બાબલાનો પણ ફાળો હતો.
બાબલાએ 1963માં પોતાનું ઑર્કેસ્ટ્રા પણ શરૂ કર્યું. એ પછી તેઓ પત્ની કંચન સાથે સ્ટેજ શોઝ કરવા લાગ્યા હતા. દેશવિદેશમાં તેમણે અઢળક શોઝ કર્યા. કંચન દિનકરરાવ માલી-શાહ પણ એક ગાયિકા હતાં અને તેમણે અનેક ફિલ્મોમાં ગીત ગાયાં હતાં.
1981માં બાબલાએ ડિસ્કો દાંડિયા વિધ બાબલાનું આલબમ નવરાત્રિને ધ્યાનમાં રાખીને તૈયાર કર્યું હતું. મુંબઈસ્થિત વરિષ્ઠ ગુજરાતી પત્રકાર, હાસ્યકાર તેમજ સંગીત બૅન્ડ અંતાણી બ્રધર્સ સાથે સંકળાયેલા અક્ષય અંતાણીએ બીબીસીને કહ્યું કે, "ગરબામાં રોટોડ્રમ, તુમ્બા, ઑક્ટોબન વગેરે વેસ્ટર્ન તેમજ આફ્રિકન સંગીત વાદ્યોનો ઉપયોગ કરીને એને ચલણી બનાવનાર બાબલા. એ અગાઉ નવરાત્રિના ગરબા ઢોલ, શરણાઈ, મંજીરા પર જ વધારે થતા."
તેઓ બાબલાના પ્રયોગો વિશે વાત કરતાં કહે છે કે, "હિન્દી ફિલ્મનાં ગીતોને ગરબામાં ઝીલવાનો ટ્રેન્ડ બાબલાએ પોતાના આલબમ થકી શરૂ કર્યો હતો. એ અગાઉ એવા પ્રયોગો થયા હોય એવું ધ્યાનમાં નથી. નાના પાયે થયા હોય તો પણ ઊંચકાયા નહોતા."
"બાબલાએ ડિસ્કો દાંડિયાના આલબમમાં રીધમ હીંચની રાખી હતી અને કેરવા તાલમાં જે હિન્દી ફિલ્મી ગીતો છે તે ગરબાના તાલે મૂક્યા. જેમ કે, સુહાના સફર ઔર યે મૌસમ હસીં, આજા સનમ મધુર ચાંદની મેં હમ વગેરે... આને લીધે નૉનગુજરાતી લોકો ગરબા તરફ ખેંચાયા."
તેઓ બાબલાના પ્રયત્નો અગાઉ અને પછીનું ગરબાનું બદલાયેલું ચિત્ર વર્ણવતાં કહે છે કે, "એ અગાઉ મરાઠી લોકો નોરતાં એટલે માતાજી કા ગાના એવું જ કહેતા. હવે તો છેક દેશવિદેશમાં ગરબાના કાર્યક્રમ થાય છે, તેના મૂળમાં બાબલા છે."
નોંધનીય છે કે ડિસ્કો દાંડિયાના આલબમની સફળતા પછી રાતોરાત બાબલાને ‘દાંડિયાકિંગ’નું બિરુદ મળી ગયું હતું.

દાંડિયાકિંગનું બિરુદ

ઇમેજ સ્રોત, Babla V Shah/FB
70ના દાયકાનાં છેલ્લાં વર્ષોમાં ભારતમાં ટેપ રેકૉર્ડર પર સંગીતની કૅસેટ્સ સાંભળવાનો સમયગાળો શરૂ થયો હતો. 80ના દાયકામાં તો એનો જુવાળ ઊપડ્યો હતો અને ટૅપ રેકૉર્ડર અને કૅસેટ્સ નાનાં શહેરો સુધી પહોંચી ગયાં હતાં.
એવું મનાય છે કે 1981માં બાબલાએ ડિસ્કો દાંડિયાની જે નૉનસ્ટૉપ ગરબાની કૅસેટ તૈયાર કરેલી, એ ખરેખર તો ડાયાસ્પોરા ગુજરાતી એટલે કે વિદેશ વસતા ગુજરાતીઓને ધ્યાનમાં રાખીને કરી હતી. અત્યારે તો લોકગાયક કિર્તીદાન ગઢવીથી માંડીને ફાલ્ગુની પાઠક સુધીનાં ઘણાં ગાયકો પોતાનું વૃંદ(બૅન્ડ) લઈને કૅનેડા, અમેરિકા સહિતના દેશોમાં ગરબા માટે જાય છે. અમેરિકા, યુકે, કૅનેડા સહિત અનેક દેશોમાં અનેક શહેરોમાં મોટાપાયે ગરબાના કાર્યક્રમ યોજવામાં આવે છે.
અગાઉ એવું નહોતું.
ગુજરાતી ગરબાના કલાકારોને વિદેશમાં નોતરાંમાં પરફૉર્મ કરવાના આમંત્રણ મળતા નહોતા.
બાબલાએ કહ્યું હતું કે, "મેં જે ડિસ્કો દાંડિયાની કૅસેટ તૈયાર કરી હતી એનો ઉદ્દેશ એ જ હતો કે લોકો ટેપ રેકૉર્ડર પર કૅસેટ ચાલુ કરે અને ગરબા રમી શકે."
"જોકે, આ આલબમ તૈયાર થતું હતું ત્યારે અમને સમજાયું કે આ આલબમ તો બિનગુજરાતીઓને પણ ગરબા રમવાની અપીલ કરી શકે એમ છે."
"આનું ફલક મોટું છે. તેથી નવરાત્રિના થોડા દિવસ અગાઉ અમે આલબમ મુંબઈના ઉપનગર બાંદરામાં ડ્રાઇવ ઇન થિયેટરમાં લૉન્ચ કર્યું."
"એ સમયે આઠથી દસ હજાર લોકો આવેલા. જેણે આલબમની સફળતા પર મહોર મારી દીધી હતી." અંગ્રેજી વેબસાઇટ સ્ક્રોલને આપેલી મુલાકાતમાં તેમણે આ વાત કહી હતી.
એ પહેલો એવો કાર્યક્રમ હતો જેમાં નવરાત્રિ શેરીગરબા અને સોસાયટીની બહાર મોટા મેદાનમાં યોજાઈ હતી.
બાબલાના પુત્ર વૈભવ શાહ કે જેઓ પોતે પણ સંગીતકાર છે તેઓ બીબીસીને જણાવ્યું કે, "એ પહેલી એવી ઇવેન્ટ હતી જેણે નવરાત્રિને કૉમર્શિયલ ઢબે રજૂ કરી હતી."
"એ પછી ઠેરઠેર ક્લબોમાં તેમજ વિવિધ ગ્રૂોપ દ્વારા ગ્રાઉન્ડમાં મોટા પાયે નોરતાં યોજાવાં માંડ્યાં હતાં."
"જેમાં પરંપરાગત વાદ્યો સાથે ગવાતાં ગીતોમાં બાબલાભાઈએ જેની શરૂઆત કરી હતી એવાં વેસ્ટર્ન વાદ્યો પણ ઉમેરાયાં હતાં. નોરતાં માટે ઑર્કેસ્ટ્રાના વિવિધ ગ્રૂપ તૈયાર થવાં માંડ્યા હતાં."
ગરબા શેરી મંડળોની બહાર નીકળીને મોટાં મેદાનોમાં યોજાવા લાગ્યા ગરબા

ઇમેજ સ્રોત, Babla V Shah/FB
ડિસ્કો દાંડિયાની કૅસેટ હિટ થયા પછી તો બાબલાના ઑર્કેસ્ટ્રા ગ્રૂપને ઠેર ઠેર ગરબાના સ્ટેજ શોના કાર્યક્રમ પણ મળવા માંડ્યા હોવાનું મનાય છે. તેમણે વિદેશમાં પણ ડિસ્કો દાંડિયાના ઘણા શો કર્યા હતા. અગાઉ નોરતાં મુંબઈમાં શેરીમહોલ્લા તેમજ વિવિધ મંડળો જેમ કે કાઠિયાવાડ મંડળ, ગુજરાતી સમાજ મંડળમાં જ થતાં.
પારંપરિક ઢબે થતા આ ગરબા કાર્યક્રમોમાં મોટા ભાગે ગુજરાતીઓ જ ભાગ લેતા. બાબલાએ જે ડિસ્કો દાંડિયાનો વંટોળ ઊભો કર્યો એ પછી એવું કહેવાય છે કે નવરાત્રિના જાહેર કાર્યક્રમો મોટા પાયે મેદાનમાં થવા માંડ્યા.
બીબીસી ગુજરાતી સાથે વાત કરતા બાબલાભાઈ કહે છે કે, "હું વર્ષોથી ફિલ્મસંગીત સાથે સંકળાયેલો હતો તેથી મને વાદ્યોનો વિવિધ પ્રયોગ કરવો એ મને હમેશા ગમતું."
"હું વિદેશ જતો ત્યારે પણ કેટલાંક નવાx વાદ્યો લRને આવતો અને તેનો યથાયોગ્ય ઉપયોગ કરતો."
"ડિસ્કો દાંડીયાના આલબમમાં ગરબામાં કીબોર્ડ, રોટોડ્રમ, તુમ્બા, ઑક્ટોબન વગેરે વાદ્યો મેં સૌપ્રથમ વખત રજૂ કર્યા હતા.પછી તો લાઈવ ગરબામાં પણ એ વાદ્યો ધૂમ મચાવવા લાગ્યાં હતાં. મેં પણ એવા કાર્યક્રમ ઘણા કર્યા છે."

ઇમેજ સ્રોત, KALPIT BHACHECH
મુંબઈ તો આમ પણ બહુસાંસ્કૃતિક શહેર છે, આના કારણે કહેવાય છે કે ગુજરાતી ઉપરાંત મરાઠી, પંજાબી, બંગાળી સૌ કોઈ ગરબામાં જોડાવા લાગ્યા.
અક્ષય અંતાણી કહે છે કે, "નવરાત્રિ ગ્રૂપ ચલાવતા અન્ય સાજિંદાય બાબલાભાઈને જોઈને ડ્રમ્સ, બૉંગો વગેરે વાદ્યોનો ઉપયોગ કરવા માંડ્યા. જેમાંના અમે પણ એક છીએ."
"મારા ભાઈ અજય આફ્રિકા ગયા ત્યારે ત્યાંથી આફ્રિકન ડ્રમ્સ લઈ આવ્યા અને અમે ઘાટકોપરના નોરતાંમાં એ વગાડ્યા."
તેઓ પોતાની કારકિર્દી પર બાબલાની અસર અંગે કહે છે કે, "એ અમે બાબલાને જોઈને જ શીખેલા. પછી અમે સોસાયટી ગરબામાંય એ વગાડ્યા હતા."
"મુંબઈમાં નવરાત્રિમાં ગરબા સંગીત પીરસનારાં ઑર્કેસ્ટ્રા ગ્રૂપ પણ બાબલાના આલબમની સફળતા પછી ખૂબ બન્યાં. જેમ કે સૅટેલાઇટ ગ્રૂપ, બામ્બૂ બીટ્સ વગેરે."
‘દાંડિયા ક્વીન’ તરીકે જાણીતાં ગાયિકા ફાલ્ગુની પાઠક પણ આવા ગ્રૂપમાંથી જ આગળ આવ્યાં છે.
1981થી 2005 સુધી બાબલાએ ડિસ્કો દાંડિયાના નૉનસ્ટોપ ઘણાં આલબમ આપ્યા. વૈભવ શાહ કહે છે કે, "1981માં જે ડિસ્કો દાંડિયાની કૅસેટ રજૂ થઈ હતી તેની એટલી માગ હતી કે તે કૅસેટની પાયરેટેડ(ડમી) કૉપી પણ ખૂબ વેચાઈ હતી."
કલ્યાણજી આણંદજી સાથે 100થી વધુ ફિલ્મોનું સંગીત

ઇમેજ સ્રોત, Babla V Shah/FB
બાબલાએ કલ્યાણજી આણંદજી સાથે 100થી વધુ ફિલ્મોમાં સંગીત પીરસ્યું છે. અહેવાલ પ્રમાણે અમિતાભ બચ્ચનને ચમકાવતી ફિલ્મ ડૉનનું થીમ મ્યુઝિક બાબલાએ તૈયાર કર્યું હતું.
ફિરોઝ ખાનની ફિલ્મ કુર્બાનીનું ‘લૈલા મેં લૈલા’ ગીત સંગીતકાર કલ્યાણજી આણંદજી આપ્યું હતું અને કહેવાય છે કે તેમની માટે બાબલાએ આ ગીતનું સંગીત તૈયાર કર્યું હતું. અને આ ગીત તેમનાં પત્ની કંચને અમિત કુમાર સાથે ગાયું હતું.
જ્યારે વિદેશની સંગીત ટૂર પર જતા ત્યારે કોઈ નવું વાદ્ય જડી જાય તો લઈ આવતા અને તેનો ઉપયોગ ગરબા કે ફિલ્મી ગીતોમાં કરતા.
સુપર હિટ ફિલ્મ 'ડૉનના ગીત ‘ખઈકે પાન બનારસવાલા’ની રીધમ પણ તેમણે તૈયાર કરેલી. સફર ફિલ્મનું દર્દભર્યું ગીત ‘જિંદગી કા સફર’ તેમજ મુકદ્દર કા સિકંદર ફિલ્મનું ગીત ‘પ્યાર ઝિંદગી હૈં’ પણ તેમણે જ કલ્યાણજી આણંદજી માટે તૈયાર કરેલું. જૉની મેરા નામ, કશ્મકશ જેવી ફિલ્મનું ટાઇટલ મ્યુઝિક તેમણે તૈયાર કરેલું.'
કેતન મહેતાની નસીરુદ્દીન શાહને ચમકાવતી હિન્દી ફિલ્મ હીરો હીરાલાલમાં બાબલાનું સંગીત હતું.














