તાતા જૂથની કમાન સંભાળશે એ નોએલ તાતા કોણ છે?

નોએલ તાતા અને રતન તાતાની ફાઇલ તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, નોએલ તાતા જૂથની ઘણી કંપનીઓમાં બોર્ડ ઑફ ડિરેક્ટરના સભ્ય છે

રતન તાતાના મૃત્યુ બાદ તેમના સાવકા ભાઈ નોએલ તાતા જૂથની કમાન સંભાળશે. નોએલ તાતાની તાતા ટ્રસ્ટના ચૅરમૅન તરીકે જાહેરાત કરવામાં આવી છે.

નોએલ તાતા તાતા ટ્રસ્ટના નવા ચૅરમૅન બનશે. તાતા ટ્રસ્ટ્સ તાતા ગ્રૂપનાં કેટલાંક ટ્રસ્ટ મળીને બન્યું છે.

નોએલ તાતા રતન તાતાના સાવકા ભાઈ છે.

રતન તાતાનું બુધવાર રાત્રે મુંબઈમાં નિધન થઈ ગયું હતું. ત્યાર બાદ શુક્રવારે થયેલી બૉર્ડની બેઠકમાં નવા ચૅરમૅનના નામ પર વિચાર કરવામાં આવ્યો અને સર્વસંમતિથી 67 વર્ષના નોએલ તાતાની ચૅરમૅન તરીકે પસંદગી કરવામાં આવી હતી

નોએલ તાતા પહેલાંથી જ તાતા સન્સની બાગડોર સંભાળે છે.

રતન તાતા પછી અત્યારે નોએલ તાતા લગભગ 34 લાખ કરોડ રુપિયાના તાતા ગ્રૂપનું નેતૃત્વ કરશે.

તાતા ટ્રસ્ટે પ્રેસ રિલીઝમાં નોએલ તાતાની નિમણૂકની ઔપચારિક જાહેરાત કરી દીધી છે. પ્રેસ રિલીઝમાં કહેવામાં આવ્યું છે કે નોએલની નિમણૂક તત્કાળ પ્રભાવથી લાગુ થશે.

ચૅરમૅન તરીકે પસંદગી પામ્યા બાદ નોએલ તાતાએ જણાવ્યું, "હું આ તક આપવા બદલ બધાનો અભાર માનું છું. હું મારા ભાઈના વારસાના આગળ વધવા માટે દરેક પ્રયાસ કરીશ."

"આ મહત્ત્વની ક્ષણે વિકાલક્ષી અને લોકોનાં સુખાકારી માટેનાં કાર્યોને આગળ ધપાવવા માટે પોતાની જાતને ફરીથી સમર્પિત કરીએ. અમે રાષ્ટ્ર નિર્માણમાં પણ પોતાનો ભાગ ભજવવાનું ચાલુ રાખીશું."

નોએલ તાતા નવલ તાતા અને સિમોન તાતાના દીકરા છે અને રતન નવલ તાતાના સાવકા ભાઈ છે.

શું છે નોએલ તાતાની પૃષ્ઠભૂમિ?

નોએલ તાતા

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, નોએલ તાતા
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

67 વર્ષના નોએલ તાતા જૂથની ઘણી કંપનીઓમાં બૉર્ડ ઑફ ડિરેક્ટરના સભ્ય છે. તેઓ તાતા ટ્રસ્ટના બૉર્ડના પણ સભ્ય છે.

નોએલ તાતાએ બ્રિટનના સસેક્સથી ગ્રૅજ્યુએશન કર્યું અને પછી ઇનસિડથી ઇન્ટરનૅશનલ ઍક્ઝિક્યુટિવ પ્રોગ્રામ પૂરો કર્યો.

નોએલ તાતા અત્યારે તાતા ઇન્ટરનૅશનલ લિમિટેડ, ટ્રેન્ટ, વોલ્ટાઝ અને તાતા ઇન્વેસ્ટમેન્ટ કૉર્પોરેશન લિમિટેડના ચૅરમૅન છે. તેઓ તાતા સ્ટીલ અને ટાઇટન કંપની લિમિટેડના વાઇસ ચૅરમૅન પણ છે.

તેઓ તાતા ગ્રૂપની સાથે 40 વર્ષથી જોડાયેલા છે. તેઓ સર રતન તાતા ટ્રસ્ટ અને સર દોરાબજી તાતા ટ્રસ્ટના ટ્રસ્ટી પણ છે.

તેઓ તાતા જૂથની કાપડ રિટેલ કંપની ટ્રેન્ટ લિમિટેડના પણ ચૅરમૅન છે. તેઓ 2014થી આ કંપનીની જવાબદારી સંભાળી રહ્યા છે અને તેમની આગેવાની હેઠળ કંપનીએ સતત વિકાસ પામ્યો છે. ટ્રેન્ટ લિમિટેડએ વેસ્ટસાઇડ, ઝુડીયો અને ઉત્સા બ્રાન્ડસ્ નું સંચાલન કરે છે.

નોએલ તાતા સ્ટીલ અને ટાઇટન કંપની લિમિટેડના વાઇસ ચૅરમૅન પણ છે. રિટેલ સેક્ટરમાં તાતા જૂથના પ્રવેશમાં નોએલ તાતાએ મુખ્ય ભૂમિકા ભજવી હતી.

નોએલ તાતા અને રતન તાતા વચ્ચેના સંબંધો શરૂઆતમાં સારા નહોતા. પરંતુ ધીરે ધીરે તાતા જૂથમાં નોએલનું કદ વધતું ગયું. છેલ્લા થોડા સમયથી તાતા જૂથને નિયંત્રિત કરતાં ટ્રસ્ટોમાં તેમણે પોતાની ભૂમિકા વધારવાનું શરૂ કર્યું હતું.

ફેબ્રુઆરી 2019માં તેમને સર રતન તાતા ટ્રસ્ટના બૉર્ડમાં સામેલ કરવામાં આવ્યા હતા. અગાઉ 2018માં તેમને તાતા ગ્રૂપની મહત્ત્વની કંપની ટાઇટનના વાઇસ ચૅરમૅન બનાવવામાં આવ્યા હતા. માર્ચ 2022માં તેમને તાતા સ્ટીલના વાઇસ ચૅરમૅન બનાવવામાં આવ્યા હતા.

નોએલ તાતા

બીજી વાત એ છે કે નોએલ, પલોનજી મિસ્ત્રીના જમાઈ પણ છે. પલોનજી મિસ્ત્રી તાતા જૂથમાં બહુમતિ હિસ્સો ધરાવે છે. પલોનજી મિસ્ત્રીનાં પુત્રી અલુ મિસ્ત્રી સાથે નોએલનાં લગ્ન થયાં છે.

નોએલ તાતાને ત્રણ સંતાનો છે. તાતાની આગામી પેઢીના વારસદારો તરીકે હાલ તેમના નામની ચર્ચા થઈ રહી છે. નોએલ તાતાનાં સંતાનો માયા, નેવિલ અને લિયા હવે તાતા ગ્રૂપના વારસદારો બની શકે છે, એવું ઘણા લોકો કહે છે.

નોએલનાં ત્રણ સંતાનો પૈકીની મોટી દીકરી લિયાએ સ્પેનની મેડ્રિડ યુનિવર્સિટીની આઈઈ બિઝનેસ સ્કૂલમાંથી માર્કેટિંગમાં માસ્ટર્સ સુધીનો અભ્યાસ કર્યો છે.

લિયા તાજ હોટેલ્સ રિસૉર્ટ્સ ઍન્ડ પૅલેસમાં આસિસ્ટન્ટ સેલ્સ મૅનેજર તરીકે જોડાયાં હતાં અને હાલ ઇન્ડિયન હોટેલ્સ કંપની લિમિટેડમાં વાઇસ પ્રેસિડેન્ટ તરીકે ફરજ બજાવે છે.

નોએલ તાતાનાં બીજાં પુત્રી માયા ‘તાતા ડિજિટલ’માં કામ કરે છે. લિયા અને માયાના ભાઈ નેવિલ તાતાએ તેમના પિતા દ્વારા સ્થાપવામાં આવેલી ટ્રેન્ટ કંપનીમાંથી તેમની પ્રોફેશનલ કારકિર્દી શરૂ કરી હતી. નેવિલ હાલમાં સ્ટાર બજાર જૂથના ચૅરમૅન છે જે રીટેલ સુપરમાર્કેટ ચેન છે.

34 વર્ષનાં માયાએ ટૂંકા ગાળામાં તાતા ગ્રૂપમાં ઝડપી પ્રગતિ કરી છે.

તેમણે બેઝ બિઝનેસ સ્કૂલ ઍન્ડ યુનિવર્સિટી ઑફ વૉરવિકમાંથી શિક્ષણ પ્રાપ્ત કરીને તાતા ઑપર્ચ્યુનિટીઝ ફંડ અને તાતા ડિજિટલમાં મહત્ત્વની ભૂમિકા ભજવી છે. તાતા નિયુ ઍપ લૉન્ચ કરવામાં તેમની ભૂમિકા ઘણી મહત્ત્વની હતી.

નોએલ તાતાનો દાવો સૌથી મજબૂત હતો

જાણીતા લેખક જેફરી આર્ચર (જમણે) સાથે નોએલ તાતા - ફાઇલ ફોટો

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, જાણીતા લેખક જેફરી આર્ચર (જમણે) સાથે નોએલ તાતા - ફાઇલ ફોટો

રતન તાતા અપરિણીત હતા. તેઓ નિસંતાન હોવાથી એવી ચર્ચા હતી કે તાતા જૂથની કમાન તેમના નજીકના સંબંધીઓમાંથી કોઈ એક વ્યક્તિને સોંપવામાં આવી શકે છે.

નોએલ તાતનું નામ પ્રબળ દાવેદાર તરીકે ઊભરી આવ્યું હતું. રતન તાતાના મૃત્યુ બાદ સૌથી મોટી ચર્ચા એ વાતની હતી કે 13 ટ્રસ્ટનો હવાલો કોણ સંભાળશે. આ 13 ટ્રસ્ટ તાતા જૂથમાં 66.4 ટકા હિસ્સો ધરાવે છે જેનું મૂલ્ય 34 કરોડ રૂપિયાથી વધુ છે.

આ તમામ ટ્રસ્ટનું નેતૃત્વ જેની પાસે હશે તેની પાસે તાતા જૂથને ચલાવવાની મોટી જવાબદારી હશે.

રતન તાતાએ આ તમામ ટ્રસ્ટ માટે કોઈ ઉત્તરાધિકારી જાહેર કર્યો ન હતો. તેથી તેમના સાવકા ભાઈ નોએલ તાતા સૌથી મજબૂત દાવેદાર તરીકે ઊભરી આવ્યા હતા.

નોએલ તાતા 13 ટ્રસ્ટમાંથી સૌથી મજબૂત ગણાતી સર દોરાબજી તાતા ટ્રસ્ટ અને સર રતન તાતા ટ્રસ્ટના ટ્રસ્ટી છે. આ બંને ટ્રસ્ટો તાતા સન્સમાં 55 ટકા હિસ્સો ધરાવે છે. તેથી સંભવિત અનુગામીઓમાં તેમનો દાવો સૌથી મજબૂત હતો.

2012માં નોએલ તાતાના નામની ચર્ચા થઈ હતી

રતન તાતા અને સાયરસ મિસ્ત્રી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, રતન તાતા અને સાયરસ મિસ્ત્રી

રતન તાતાએ 1991માં તાતા ગ્રૂપનું અધ્યક્ષપદ સંભાળ્યું હતું અને એક સદી પહેલાં તેમના પરદાદાએ સ્થાપેલા મહાકાય સમૂહની ધુરા યશસ્વી રીતે સંભાળી હતી. રતન તાતાના નેતૃત્વમાં 1996માં તાતા ટૅલિસર્વિસિસ શરૂ કરવામાં આવી હતી અને ટીસીએસ 2004માં લિસ્ટેડ થઈ હતી.

તાતા ગ્રૂપની વેબસાઇટ પર આપવામાં આવેલી માહિતી મુજબ, રતન તાતાએ 1991થી નિવૃત્તિ સુધી એટલે કે 28 ડિસેમ્બર, 2012 સુધી ચૅરમૅન તરીકેની જવાબદારી સંભાળી હતી.

રતન તાતા નિવૃત્ત થયાના બીજા જ દિવસે એટલે કે 2012ની 29 ડિસેમ્બરે તેમને તાતા સન્સ, તાતા મોટર્સ, તાતા સ્ટીલ અને તાતા કેમિકલ્સના ‘ચૅરમૅન એમિરેટ્સ’નું માનદ પદ આપવામાં આવ્યું હતું.

જ્યારે રતન તાતાએ નિવૃત્તિની જાહેરાત કરી ત્યારે તેમના સાવકા ભાઈ નોએલ તાતાના નામની ચર્ચા શરૂ થઈ હતી.

અલબત, નોએલ તાતાને બદલે સાયરસ મિસ્ત્રીને રતન તાતાના અનુગામી તરીકે પસંદ કરવામાં આવ્યા હતા. તાતા ગ્રૂપની પસંદગી સમિતિએ પાલોનજી ગ્રૂપના સાયરસ મિસ્ત્રીની પસંદગી કરી હતી.

સાયરસ મિસ્ત્રીને 2016ની 24 ઑક્ટોબરે તાતા ગ્રૂપના વડાપદેથી હટાવી દેવામાં આવ્યા હતા. એ પછી રતન તાતાની ભલામણ અનુસાર, એન. ચંદ્રશેખરનને તાતા સન્સના ચૅરમૅન બનાવવામાં આવ્યા હતા.

રતન તાતા અને સાયરસ મિસ્ત્રી વચ્ચે તાતા જૂથના વિસ્તરણની ભાવિ નીતિ બાબતે મતભેદો હતા એવું કહેવાય છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.