તાતાની ભાવિ પેઢીના સભ્યો કોણ છે, ઉત્તરાધિકારી વિશે રતન તાતા શું માનતા હતા?

- લેેખક, આશય યેડગે
- પદ, બીબીસી સંવાદદાતા
“આટલા મોટા ઉદ્યોગસમૂહની જવાબદારી સંભાળે તે વ્યક્તિ વિનમ્ર હોવી જોઈએ. તેનામાં જરાય અહંકાર ન હોવો જોઈએ અને જવાબદારી સોંપવામાં આવે ત્યારે તેણે વધુ પડતા ઉત્સાહી અને ઘમંડી ન થઈ જવું જોઈએ.”
તાતા જૂથનો ઉત્તરાધિકારી કેવો હોવો જોઈએ એ વિશેના રતન તાતાના આ વિચારો હતા.
વરિષ્ઠ પત્રકાર ગિરીશ કુબેર લિખિત પુસ્તક ‘ટાટાયન’માં રતન તાતાની ભૂમિકા બાબતે સવિસ્તાર લખવામાં આવ્યું છે.
રતન તાતાનું બુધવાર, નવમી ઑક્ટોબરે નિધન થયું હતું. હવે તાતા પરિવારમાંથી તાતાના બિઝનેસની ધુરા કોણ સંભાળશે તે સવાલ ઘણા લોકોના મનમાં છે.
રતન તાતાએ મુંબઈની બ્રીચ કેન્ડી હૉસ્પિટલમાં 86 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા હતા.
વાસ્તવમાં સોમવાર, સાતમી ઑક્ટોબરે તેમને રૂટીન ચેક-અપ માટે આ હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આ વાત તેમણે પોતે સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ પર જણાવી હતી.
તાતા જૂથે તેમની પોતાની વેબસાઈટ અને ઍક્સ પર એક નિવેદન મારફત રતન તાતાના નિધનની જાહેરાત કરી હતી.
રતન તાતાએ સોમવારે ઍક્સ પર કરેલી પોસ્ટમાં માહિતી આપી હતી કે તેમને રૂટીન ચેક-અપ માટે હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તેમનો વારસદાર કોણ હશે, એ વિશેની ચર્ચા ત્યારથી શરૂ થઈ ગઈ હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
રતન તાતા પછી હાલ તાતા સન્સના ચૅરમૅન એન. ચંદ્રશેખરન ગ્રૂપ બિઝનેસનો હવાલો સંભાળી રહ્યા છે. જોકે, તાતા પરિવારની આગામી પેઢીમાં રતન તાતાના સાવકા ભાઈ નોએલ તાતા અને તેમનાં સંતાનો લિયા, માયા તથા નેવિલ તાતાનો સમાવેશ થાય છે.
તાતા જૂથની ભાવિ પેઢીમાં કોણ-કોણ છે અને તેમના બિઝનેસ તથા જૂથના વારસદાર તરીકે કોના નામો ચર્ચામાં છે તે જાણીએ.
નોએલ તાતા કેમ ચૅરમૅન ન બની શક્યા?

ઇમેજ સ્રોત, Getty Images
રતન તાતાની નિવૃત્તિની ચર્ચા 2012માં શરૂ થઈ હતી અને બીજી તરફ તેમના ઉત્તરાધિકારી તરીકે તેમના સાવકા ભાઈ નોએલ તાતાના નામની ચર્ચા શરૂ થઈ હતી.
અલબત, નોએલ તાતાને બદલે સાયરસ મિસ્ત્રીને રતન તાતાના અનુગામી તરીકે પસંદ કરવામાં આવ્યા હતા. ટાટા ગ્રૂપની પસંદગી સમિતિએ પાલોનજી ગ્રૂપના સાયરસ મિસ્ત્રીની પસંદગી કરી હતી.
સાયરસે ડિસેમ્બર 2012માં તાતા ગ્રૂપનું અધ્યક્ષપદ સંભાળ્યું હતું. તેઓ 2016 સુધી તાતા ગ્રૂપના ચૅરમૅન રહ્યા હતા. એ પછી અધ્યક્ષની જવાબદારી નૌરોજીને સોંપવામાં આવી હતી. તેઓ તાતા અટક ન ધરાવતા હોય તેવા બીજા ચૅરમૅન હતા.
સાયરસ મિસ્ત્રીને 2016ની 24 ઑક્ટોબરે તાતા ગ્રૂપના વડાપદેથી હટાવી દેવામાં આવ્યા હતા. એ પછી રતન તાતાની ભલામણ અનુસાર, એન. ચંદ્રશેખરનને તાતા સન્સના ચૅરમૅન બનાવવામાં આવ્યા હતા.
રતન તાતા અને સાયરસ મિસ્ત્રી વચ્ચે તાતા જૂથના વિસ્તરણની ભાવિ નીતિ બાબતે મતભેદો હતા એવું કહેવાય છે.
હવે એવો સવાલ થાય કે રતન તાતાએ તેમના સાવકા ભાઈ નોએલ તાતાને તક શા માટે આપી ન હતી?

ઇમેજ સ્રોત, HOB/FB
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
વાસ્તવમાં, રતન તાતા 18 વર્ષના હતા ત્યારે તેમના પિતા નવલે બીજા લગ્ન કર્યાં હતાં.
નવલે સ્વિત્ઝર્લૅન્ડનાં સિમોન સાથે બીજા લગ્ન કર્યાં હતાં. સિમોન અને નવલ તાતાના ચિરંજીવ નોએલ તાતા છે.
ગિરીશ કુબેરના પુસ્તક ‘ટાટાયન’માં એવો ઉલ્લેખ છે કે નોએલ તેમનાં માતા સિમોન દ્વારા સ્થાપવામાં આવેલી ટ્રેન્ટ નામની રિટેલ કંપનીના વડા હતા.
હાલ માર્કેટમાં જોવા મળતા વેસ્ટસાઈડ જેવા ચેઇન સ્ટોર્સનું સંચાલન ટ્રેન્ટ કંપની દ્વારા કરવામાં આવે છે.
રિટેલ સેક્ટરમાં તાતા જૂથના પ્રવેશમાં નોએલ તાતાએ મુખ્ય ભૂમિકા ભજવી હતી.
બીજી વાત એ છે કે નોએલ, પલોનજી મિસ્ત્રીના જમાઈ પણ છે. પલોનજી મિસ્ત્રી તાતા જૂથમાં બહુમતિ હિસ્સો ધરાવે છે. પલોનજી મિસ્ત્રીનાં પુત્રી અલુ મિસ્ત્રી સાથે નોએલનાં લગ્ન થયાં છે.
પલોનજી તાતા ગ્રુપમાં 18 ટકા હિસ્સો ધરાવે છે. તેથી ઘણાએ ધાર્યું હતું કે રતન તાતા પછી તાતા ઍન્ડ સન્સના આગામી વડા નોએલ તાતા બનશે.
જોકે, ખુદ રતન તાતાએ તે શક્યતાને ફગાવી દીધી હતી. રતન તાતાએ કહ્યું હતું, “નોએલ પાસે આટલા મોટા સમૂહનું નેતૃત્વ કરવાનો અનુભવ નથી.” બાદમાં નોએલનું નામ હટાવી દેવામાં આવ્યું હતું.
પોતાના ઉત્તરાધિકારી બાબતે રતન તાતા શું વિચારતા હતા?

ઇમેજ સ્રોત, Getty Images
પોતાના ઉત્તરાધિકારી વિશેના રતન તાતાના વિચારો સ્પષ્ટ હતા. ‘ટાટાયન’ પુસ્તક પરથી સમજાય છે કે નિમણૂક કરવા ખાતર કોઈની નિમણૂક કરવામાં તેમને રસ ન હતો.
તેઓ કહેતા હતા કે તેમનો ઉત્તરાધિકારી દૂરદૃષ્ટિ ધરાવતો હોવો જોઈએ, તેની દૃષ્ટિ ભવિષ્યવેધી હોવી જોઈએ અને ઓછામાં ઓછા આગામી બેથી ત્રણ દાયકા સુધી નેતૃત્વ કરી શકે એટલી ઉંમરનો હોવો જોઈએ.
‘ટાટાયન’ પુસ્તકમાં જણાવ્યા મુજબ, “તેમણે બીજી એક મહત્ત્વની શરત મૂકી હતી કે તેમનો અનુગામી અહંકારી ન હોવો જોઈએ. આટલા મોટા બિઝનેસના વડા હોવાને કારણે કોઈ પણ વ્યક્તિમાં અભિમાન આવવાની શક્યતા હતી.”
પોતાના સંભવિત ઉત્તરાધિકારીમાં આ દુર્ગુણ ન હોવો જોઈએ, એવું રતન તાતા માનતા હતા.
એન. ચંદ્રશેખરન કોણ છે?

ઇમેજ સ્રોત, Getty Images
સાયરસ મિસ્ત્રીની રવાનગી પછી એક નામ બહુ ચર્ચાયું હતું અને તે તાતા કન્સલ્ટન્સી સર્વિસીસ(ટીસીએસ)ના મૅનેજિંગ ડિરેક્ટર તથા સીઈઓ એન. ચંદ્રશેખરન હતા.
રતન તાતાના સમર્થન વડે ચંદ્રશેખરન તાતા સન્સના ચૅરમૅન તરીકે પસંદ થયા હતા.
મેદાનમાં અનેક ઉમેદવારો હતા, પરંતુ ચંદ્રશેખરનને પસંદ કરવામાં આવ્યા તેનું કારણ એ હતું કે તેઓ તાતા ગ્રૂપ સાથે ત્રણ દાયકાથી કામ કરતા હતા અને દેશની સૌથી મોટી સૉફ્ટવૅર કંપની ટીસીએસના વિકાસમાં તેમની ક્ષમતા સિદ્ધ કરી હતી.
તાતા ગ્રૂપની સત્તાવાર વેબસાઈટ પરની માહિતી અનુસાર, એન. ચંદ્રશેખરન ઑક્ટોબર 2016માં તાતા સન્સના બૉર્ડમાં જોડાયા હતા અને જાન્યુઆરી 2017માં તેમની નિમણૂક ચૅરમૅન તરીકે કરવામાં આવી હતી. તેઓ તાતા સ્ટીલ, તાતા મોટર્સ, ઍર ઇન્ડિયા, તાતા કેમિકલ્સ, તાતા કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ અને ટીસીએસ જેવી વિવિધ કંપનીઓના ચૅરમૅન છે. એન. ચંદ્રશેખરન જ હવે તાતા ગ્રૂપના વડા બને તેની સંભાવના વધુ હશે.
તાતા પરિવારની ભાવિ પેઢીમાં કોણ-કોણ છે?

નોએલ તાતાને ત્રણ સંતાનો છે. તાતાની આગામી પેઢીના વારસદારો તરીકે હાલ તેમના નામની ચર્ચા થઈ રહી છે. નોએલ તાતાનાં સંતાનો માયા, નેવિલ અને લિયા હવે તાતા ગ્રૂપના વારસદારો બની શકે છે, એવું ઘણા લોકો કહે છે.
નોએલનાં ત્રણ સંતાનો પૈકીની મોટી દીકરી લિયાએ સ્પેનની મેડ્રિડ યુનિવર્સિટીની આઈઈ બિઝનેસ સ્કૂલમાંથી માર્કેટિંગમાં માસ્ટર્સ સુધીનો અભ્યાસ કર્યો છે.
લિયા તાજ હોટેલ્સ રિસોર્ટ્સ ઍન્ડ પૅલેસમાં આસિસ્ટંટ સેલ્સ મૅનેજર તરીકે જોડાયાં હતાં અને હાલ ઇન્ડિયન હોટેલ્સ કંપની લિમિટેડમાં વાઇસ પ્રેસિડેન્ટ તરીકે ફરજ બજાવે છે.
નોએલ તાતાનાં બીજાં પુત્રી માયાએ તાતા કૅપિટલમાં એનલિસ્ટ તરીકે કામ શરૂ કર્યું હતું. તાતા કૅપિટલ તાતા ગ્રૂપની નાણાકીય સેવા કંપની છે.
લિયા અને માયાના ભાઈ નેવિલ તાતાએ તેમના પિતા દ્વારા સ્થાપવામાં આવેલી ટ્રેન્ટ કંપનીમાંથી તેમની પ્રોફેશનલ કારકિર્દી શરૂ કરી હતી.

ઇમેજ સ્રોત, Getty Images
34 વર્ષનાં માયાએ ટૂંકા ગાળામાં તાતા ગ્રૂપમાં ઝડપી પ્રગતિ કરી છે.
તેમણે બેઝ બિઝનેસ સ્કૂલ ઍન્ડ યુનિવર્સિટી ઑફ વોરવિકમાંથી શિક્ષણ પ્રાપ્ત કરીને તાતા ઑપર્ચ્યુનિટીઝ ફંડ અને તાતા ડિજિટલમાં મહત્વની ભૂમિકા ભજવી છે. Tata Neu ઍપ લૉન્ચ કરવામાં તેમની ભૂમિકા ઘણી મહત્ત્વની હતી.
32 વર્ષના નેવિલ તાતા ગ્રૂપના બિઝનેસમાં સક્રિય છે. તેમણે ટોયોટા કિર્લોસ્કર ગ્રૂપના માનસી કિર્લોસ્કર સાથે લગ્ન કર્યાં છે. નેવિલ હાલમાં ટ્રેન્ટ લિમિટેડ મારફત સ્ટાર બજારનું નેતૃત્વ સંભાળે છે.
રતન તાતાએ 1991માં તાતા ગ્રૂપનું અધ્યક્ષપદ સંભાળ્યું હતું અને એક સદી પહેલાં તેમના પરદાદાએ સ્થાપેલા મહાકાય સમૂહની ધુરા યશસ્વી રીતે સંભાળી હતી. રતન તાતાના નેતૃત્વમાં 1996માં તાતા ટૅલિસર્વિસિસ શરૂ કરવામાં આવી હતી અને ટીસીએસ 2004માં લિસ્ટેડ થઈ હતી.
તાતા ગ્રૂપની વેબસાઈટ પર આપવામાં આવેલી માહિતી મુજબ, રતન તાતાએ 1991થી નિવૃત્તિ સુધી એટલે કે 28 ડિસેમ્બર, 2012 સુધી ચૅરમૅન તરીકેની જવાબદારી સંભાળી હતી.
રતન તાતા નિવૃત્ત થયાના બીજા જ દિવસે એટલે કે 2012ની 29 ડિસેમ્બરે તેમને તાતા સન્સ, તાતા મોટર્સ, તાતા સ્ટીલ અને તાતા કેમિકલ્સના ‘ચૅરમૅન એમિરેટ્સ’નું માનદ પદ આપવામાં આવ્યું હતું.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












