રતન તાતા : પાકિસ્તાનની જીડીપીથી પણ વધુ સંપત્તિ ધરાવતા તાતા જૂથની શરૂઆત કઈ રીતે થઈ હતી?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, મિર્ઝા એબી બેગ
- પદ, બીબીસી ઉર્દૂ, નવી દિલ્હી
બાળપણમાં એક કહેવત સાંભળી હતી કે ‘જૂતો મેં બાટા ઔર સામાન મેં તાતા’, એટલે કે આ બે કંપનીઓના સામાન લો તો એ બહુ મજબૂત હોય છે.
તેમાં કેટલી હકીકત છે એ તો ખબર નથી પરંતુ છેલ્લા કેટલાક સમયમાં ભારતીય મીડિયામાં એક વાત સામે આવી છે કે જેમાં 'તાતા ગ્રુપ ઑફ કંપનીઝ'ની કુલ સંપત્તિ 365 અબજ ડૉલર સુધી પહોંચી ગઈ છે.
તે ભારતની સૌથી મજબૂત કંપની તો છે જ પરંતુ સાથેસાથે તેની આ સંપત્તિ પાકિસ્તાનના જીડીપીથી પણ ઘણી વધારે છે.
તમે ઘણીવાર એ સાંભળતા હશો કે રિલાયન્સ સમૂહના પ્રમુખ મુકેશ અંબાણી દુનિયાના સૌથી અમીર લોકોમાં સામેલ થઈ ગયા અથવા તો ગૌતમ અદાણીએ તેમને પાછળ છોડી દીધા. પરંતુ તેમાં તમને તાતા સમૂહની ચર્ચા સાંભળવા મળતી નથી.
ચાથી લઇને જેગુઆર લૅન્ડ રૉવર કાર અને મીઠાથી લઈને વિમાન ઉડાડવા અને હોટલોના ગ્રુપ ચલાવવા સુધી જિંદગીનાં વિભિન્ન ક્ષેત્રોમાં તાતા સમૂહની પકડ દેખાય છે.
તાતા ગ્રૂપનું માર્કેટ કેપિટલાઇઝેશન આ વર્ષે ફેબ્રુઆરીમાં અંદાજે 365 બિલિયન ડૉલર હતું, જ્યારે તાજેતરમાં ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ (આઇએમએફ) એ પાકિસ્તાનની જીડીપીનો 341 બિલિયન ડૉલરનો અંદાજ મૂક્યો છે.
જો આપણે માત્ર તાતા કન્સલ્ટન્સી સર્વિસીસ વિશે વાત કરીએ તો તેની સંપત્તિ 170 બિલિયન અમેરિકી ડૉલર છે, જે ભારતની બીજી સૌથી મોટી કંપની છે. તેની સંપત્તિ પાકિસ્તાનની અર્થવ્યવસ્થાથી લગભગ અડધી છે.
ટાટા સમૂહની સ્થાપના

ઇમેજ સ્રોત, Getty Images
જોકે, તાતા સમૂહને રાતોરાત સફળતા મળી નથી. તેના માટે 150થી વધુ વર્ષનો સમય લાગ્યો પરંતુ એ અનેક ક્ષેત્રોમાં ભારતની નંબર વન કંપની રહી છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
8 ફેબ્રુઆરી, 1911માં લોનાવાલા ડૅમની આધારશિલા મૂકતી વખતે તાતા સમૂહના પ્રમુખ સર દોરાબજી તાતાએ તેમના પિતા જમશેદજી તાતાની વિચારધારા અંગે વાત કરી હતી, જેમણે વર્ષ 1868માં કંપનીની સ્થાપના કરી હતી.
હવે આ સમૂહ 30 કંપનીઓનો સમૂહ છે. તે છ ખંડના 100થી વધુ દેશોમાં પોતાનો વિસ્તાર કરી ચૂક્યું છે.
દોરાબજી તાતાએ કહ્યું હતું કે, “મારા પિતા માટે પૈસા કમાવા એ પછીની વાત હતી. તેઓ આ દેશના લોકોની ઔદ્યોગિક અને વૈચારિક હાલતને વધુ સારી બનાવવાને પ્રાથમિકતા આપતા હતા. તેમણે તેમની જિંદગીમાં સમયાંતરે જે વિભિન્ન સંસ્થાઓને શરૂ કરી તેનો અસલ હેતુ આ મહત્ત્વપૂર્ણ ક્ષેત્રોનો વિકાસ કરવાનો હતો.”
તેમના મિશન તરીકે, કંપનીની વેબસાઇટ પર ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે આ કંપનીઓની સ્થાપના વિશ્વભરના વિવિધ સમુદાયોના જીવનની ગુણવત્તા સુધારવા માટે કરવામાં આવી છે. એવું કહેવાય છે કે ઓગણીસમી સદીના અંતમાં તાતાના સ્થાપક જમશેદજી તાતાને તેમના દેખાવના કારણે બૉમ્બેની એક મોંઘી હોટલમાં પ્રવેશવાની મંજૂરી આપવામાં આવી ન હતી.
આ ઘટનાની જમશેદજી પર ઊંડી અસર થઈ. તેમણે નક્કી કર્યું કે તેઓ આ હોટલ કરતાં વધુ સારી હોટલ બનાવશે જેમાં તમામ ભારતીય નાગરિકોને પણ આવવા-જવા દેવામાં આવશે.
પહેલી વૈભવી હોટલ

ઇમેજ સ્રોત, Getty Images
આ કારણે વર્ષ 1903માં મુંબઈના દરિયાકિનારે તાજ હોટલની સ્થાપના થઈ. આ શહેરની પહેલી ઇમારત હતી કે જેમાં વીજળી, અમેરિકન પંખાઓ અને જર્મન લિફ્ટની સુવિધાઓ હતી. તેમાં અંગ્રેજ રસોઈયાઓ કામ કરતા હતા. હવે તેની શાખા અમેરિકા અને બ્રિટન સહિત નવ દેશોમાં છે.
જમશેદજી વર્ષ 1839માં એક પારસી પરિવારમાં જન્મ્યા હતા. તેમના પૂર્વજોમાં અનેક પારસી ધર્મગુરુઓ હતા. તેમણે કપાસ, ચા, તાંબું, પિત્તળ, અફીણમાં ખૂબ પૈસા કમાયા હતા. એ સમયે અફીણનો કારોબાર ગેરકાનૂની ન હતો.
તેઓ દુનિયાભરમાં ફરતા હતા અને નવી શોધોથી પ્રભાવિત થનારી વ્યક્તિ હતી.
બ્રિટનના એક પ્રવાસ દરમિયાન લૅન્કશાયરમાં કપાસની મિલોને જોયા બાદ તેમને એ અહેસાસ થયો કે ભારત તેના આ ઉપનિવેશવાદી માલિક સાથે મુકાબલો કરી શકે છે.
પહેલી ટેક્સટાઇલ કંપની

ઇમેજ સ્રોત, Getty Images
એટલા માટે વર્ષ 1877માં જમશેદજીએ 'મહારાણી મિલ્સ'ના નામે દેશની પહેલી ટૅક્સટાઇલ કંપનીની સ્થાપના કરી હતી. મહારાણી મિલ્સનું ઉદ્ઘાટન એ સમયે થયું જે દિવસે મહારાણી વિક્ટોરિયાની ભારતના મહારાણી તરીકે તાજપોશી થઈ હતી.
જમશેદજીના ભારત વિકાસના દૃષ્ટિકોણને સ્વદેશી શબ્દથી સમજી શકાય જે ઓગણીસમી સદીની શરૂઆતમાં ભારતના સ્વતંત્રતા આંદોલનનું મહત્ત્વપૂર્ણ અંગ હતું.
તેમણે કહ્યું હતું કે, “કોઈ પણ સમુદાયના વિકાસ માટે સૌથી અશક્ત અને બેસહારા લોકોને સહારો આપવાને બદલે જરૂરી છે કે સૌથી વધુ યોગ્ય અને પ્રતિભાવાન લોકોની મદદ કરવામાં આવે જેનાથી તેઓ પોતાના દેશની સેવા કરી શકે.”
પહેલું ઔદ્યોગિક શહેર

ઇમેજ સ્રોત, Getty Images
તેમનું સૌથી મોટું સ્વપ્ન સ્ટીલ ફેક્ટરી બનાવવાનું હતું પરંતુ આ સ્વપ્ન સાકાર થાય તે પહેલા જ તેમનું અવસાન થયું. ત્યારબાદ તેમના પુત્ર દોરાબજીએ તેમના મૃત્યુ પછી તેમના પિતાનું સ્વપ્ન પૂરું કર્યું અને 1907માં તાતા સ્ટીલે ઉત્પાદન શરૂ કર્યું. આ રીતે ભારત એશિયાનો પહેલો દેશ બન્યો, જ્યાં સ્ટીલ ફેકટરી બનાવવામાં આવી.
આ ફેકટરીની નજીક એક શહેર સ્થાપવામાં આવ્યું હતું જેનું નામ જમશેદપુર હતું. આજે તે ભારતના સ્ટીલ સિટી તરીકે ઓળખાય છે.
જમશેદજીએ તેમના પુત્ર દોરાબને એક પત્ર લખીને ઔદ્યોગિક શહેરની સ્થાપના કરવાનું કહ્યું હતું. તેણે લખ્યું હતું કે, “આ શહેરના રસ્તા પહોળા હોવા જોઈએ. વૃક્ષો, રમતનાં મેદાન, ઉદ્યાનો અને ધાર્મિક સ્થળો માટે પણ જગ્યા હોવી જોઈએ.”
તાતાએ પોતે 1877માં પેન્શન, 1912માં આઠ કલાક કામકાજના કલાકો અને 1921માં મેટરનિટી લીવ સહિત કોઈ પણ કાયદાકીય નિયંત્રણો વિના તેમના કર્મચારીઓના કલ્યાણ માટે નીતિઓ બનાવી હતી.
પહેલી હવાઈ સેવા

ઇમેજ સ્રોત, Getty Images
તાતા પરિવારના અન્ય સભ્ય જહાંગીર તાતા 1938માં 34 વર્ષની વયે કંપનીના ચૅરમૅન બન્યા અને લગભગ અડધી સદી સુધી આ પદ પર રહ્યા.
તેમને ઉદ્યોગપતિ બનવા કરતાં પાઇલટ બનવામાં વધુ રસ હતો. આ સ્વપ્નનો જન્મ તેઓ લુઈસ બ્લેરાઈટને મળ્યા પછી થયો હતો, જેઓ ઈંગ્લિશ ચેનલ પર ઉડાન ભરનાર પ્રથમ પાઇલટ હતા.
બૉમ્બે ફ્લાઈંગ ક્લબમાંથી ભારતમાં પાઈલટની તાલીમ મેળવનાર જેઆરડી પ્રથમ વ્યક્તિ બન્યા. તેમના ઍર લાયસન્સ પર નંબર 1 હતો, જેનો તેમને ખૂબ ગર્વ હતો.
તેમણે ભારતની પ્રથમ હવાઈ ટપાલસેવા શરૂ કરી. તે ફ્લાઇટ ઘણીવાર ટપાલ સાથે મુસાફરોને લઈ જતી હતી.
પાછળથી આ ટપાલસેવા ભારતની પ્રથમ ઍરલાઇન 'તાતા ઍરલાઇન્સ' બની, જેનું નામ થોડા સમય પછી બદલીને 'ઍર ઇન્ડિયા' કરવામાં આવ્યું.
બાદમાં 'ઍર ઇન્ડિયા'ને સરકારની માલિકી હેઠળ લેવામાં આવી હતી પરંતુ ફરી એકવાર તાતાએ તે કંપનીને સરકાર પાસેથી ખરીદી લીધી છે. ઍર ઇન્ડિયાને પરત લીધા બાદ તાતા સન્સ પાસે હવે ત્રણ ઍરલાઈન્સ છે. એર ઈન્ડિયા ઉપરાંત 'એર વિસ્તારા' છે જેમાં તેમની સિંગાપોર ઍરલાઇન્સ સાથે ભાગીદારી છે. તેમની બીજી કંપની 'એર એશિયા' છે જેની મલેશિયા સાથે ભાગીદારી છે.
ઍર ઈન્ડિયાની માલિકી પાછી લેવા પર, તાતા સન્સના ઍરમૅન એન ચંદ્રશેખરે ઑક્ટોબર 2021માં એક નિવેદન જારી કરીને તેને 'ઐતિહાસિક ક્ષણ' ગણાવી હતી અને કહ્યું હતું કે દેશની મોટી ઍર લાઇન્સના માલિક બનવું ગર્વની વાત છે.
ચંદ્રશેખરે તેમના નિવેદનમાં એમ પણ કહ્યું હતું કે, "અમારી કોશિશ રહેશે કે એક આંતરરાષ્ટ્રીય સ્તરની ઍરલાઇન ચલાવવામાં આવે જેના પર ભારત ગર્વ અનુભવી શકે."
તેમણે કહ્યું, "મહારાજા (ઍર ઈન્ડિયાનો લોગો)ની વાપસી એ જેઆરડી તાતાને સાચી શ્રદ્ધાંજલિ હશે. જેમણે ભારતમાં હવાઈસેવાની શરૂઆત કરી હતી.”
કમ્પ્યૂટરની દુનિયામાં કદમ

ઇમેજ સ્રોત, Getty Images
એ પહેલાં ભારત સરકારે તાતા જૂથના વડા જેઆરડી તાતાને ઍર ઇન્ડિયાના અધ્યક્ષ બનાવ્યા હતા અને તેઓ 1978 સુધી આ પદ પર રહ્યા. ત્યારબાદ ભારત સરકારના અધિકારીઓએ તે પદ પર કબજો કરવાનું શરૂ કર્યું.
1968માં તેમણે તેમના પરિવારની આ પરંપરા ચાલુ રાખી અને એક વ્યવસાય શરૂ કર્યો. જે તે સમયે તે ફક્ત વિકસિત દેશોમાં જ જોવા મળતો હતો. આ વ્યવસાય કમ્પ્યૂટર સાથે સંબંધિત હતો.
'તાતા કન્સલ્ટન્સી સર્વિસિઝ' અથવા ટીસીએસ નામની આ કંપની સમગ્ર વિશ્વમાં સોફ્ટવેર સપ્લાય કરે છે. હાલમાં તે તાતા ગ્રુપની સૌથી વધુ નફાકારક કંપનીઓમાંની એક છે.
1991માં તેમના દૂરના સંબંધી રતન તાતાએ કંપનીની બાગડોર સંભાળી અને તેમના નેતૃત્વ હેઠળ તાતાએ સમગ્ર વિશ્વમાં તેનો વ્યવસાય વિસ્તાર્યો. તાતાએ ટેટલી ટી, એઆઈજી ઇન્સ્યોરન્સ કંપની, બોસ્ટનમાં રિટ્ઝ કાર્લટન, દાએવુમાં હેવી વ્હીકલ ઍન્યુફેક્ચરિંગ યુનિટ અને કોરસ સ્ટીલ યુરોપ જેવી કંપનીઓ ખરીદી.
આજનું ટાટા અને તેની સફળતાનું રાઝ

ઇમેજ સ્રોત, Getty Images
તાતા સન્સ એ તાતા કંપનીઓની મુખ્ય નિવેશક કંપની અને પ્રમોટર છે. તાતા સન્સના ઇક્વિટી શૅર કેપિટલનું 66 ટકા પરોપકારી લોકો પાસે છે જેઓ શિક્ષણ, સ્વાસ્થ્ય, નોકરીઓ ઊભી કરવી અને કલા-સંસ્કૃતિના ક્ષેત્રોમાં સહયોગ કરે છે.
અમે તાતા કંપની કૉર્પોરેટ કમ્યૂનિકેશનનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો પરંતુ તેમનો સંપર્ક થઈ શક્યો નહીં. જો કે તાતા કંપનીએ હજુ સુધી કંપનીની સંપત્તિના આંકડા જાહેર કર્યા નથી, પરંતુ 31 જુલાઈ, 2023 સુધીમાં તેમણે તેમની સંપત્તિ 300 બિલિયન ડૉલર જાહેર કરી હતી અને એ પણ જણાવ્યું હતું કે વિશ્વભરમાં કંપનીમાં 10 લાખથી વધુ કર્મચારીઓ કામ કરે છે.
કંપની અનુસાર, તાતા કંપની અથવા એન્ટરપ્રાઇઝ તેના સંબંધિત બોર્ડ ઑફ ડિરેક્ટર્સના નેતૃત્વ અને દેખરેખ હેઠળ સ્વતંત્ર રીતે કાર્ય કરે છે.
જ્યારે અમે તાતાની જબરદસ્ત સફળતા વિશે આર્થિક નિષ્ણાત શંકર ઐયર સાથે વાત કરી તો તેમણે કહ્યું, "અંબાણી અથવા અદાણીનાં નામ એટલા માટે આવે છે કારણ કે તેમની કંપનીઓ વ્યક્તિગત છે, જ્યારે તાતા અલગ-અલગ કંપનીઓનું જૂથ છે અને તે એક ટ્રસ્ટ હેઠળ ચાલે છે. એટલે તેમની ચર્ચા એ રીતે થતી નથી."
તેમણે કહ્યું કે, “કૉર્પોરેટ જગતમાં હું આવી સરખામણીઓને યોગ્ય માનતો નથી, પરંતુ ભારતમાં ઘણી બાબતોમાં તાતા કંપની એ માતાનો દરજ્જો ધરાવે છે, એટલે કે શરૂઆત કરનાર છે.”
ઊર્જાક્ષેત્રની કંપની 'જીઇ ઇન્ડિયામાં અલ્સ્ટોમ ઇન્ડિયા'ના ભૂતપૂર્વ મેનેજિંગ ડિરેક્ટર અને હવે 'હ્યોસંગ ઇન્ડિયા લિમિટેડ'ના મૅનેજિંગ ડિરેક્ટર નાગેશ તલવાણીએ બીબીસી સાથે ફોન પર વાત કરી હતી. તેમણે કહ્યું, "તાતાની વૃદ્ધિનું મુખ્ય કારણ તેમની નૈતિક, ન્યાયી અને પારદર્શક વ્યવસ્થા છે જે કર્મચારીઓ સાથે મજબૂત બંધન બનાવે છે."
તલવાણીએ કેટલાક મુદ્દાઓ સાથે તાતાની વિશેષતાઓ સમજાવી. તેમના મતે, તાતા પાસે મૂડી રોકાણ પ્રત્યે સ્પષ્ટ દૃષ્ટિ અને વ્યૂહરચના છે, જેનાં સારાં ઉદાહરણો 'સ્ટારબક્સ,' 'ક્રોમા કૉન્સેપ્ટ' અને 'જગુઆર બ્રાન્ડ' વગેરેની ખરીદી છે.
"તે 'નોનસેન્સ' અભિગમ ટાળે છે અને કોઈ પણ ધામધૂમ વિના શાંતિથી અને સંપૂર્ણ ધ્યાન સાથે કામ કરવાનો પ્રયાસ કરે છે."

ઇમેજ સ્રોત, Getty Images
તેમણે કહ્યું કે તાતાએ કૉર્પોરેટ સામાજિક જવાબદારી અંતર્ગત બ્રાન્ડની સમજદારીભરી પોઝિશનિંગ કરી છે. “તેના કારણે દેશભરના લોકો તેની સાથે જોડાયલા છે અને તેઓ પોતાને સુરક્ષિત અનુભવે છે. કારણ કે તેમના માટે આ બ્રાન્ડ ભરોસાપાત્ર અને ઇમાનદાર છે.”
તેમણે કહ્યું કે તેમની વૃદ્ધિનો બીજો મહત્ત્વનો મુદ્દો ભાવનાત્મક અને અયોગ્ય વેપારના નિર્ણયો ટાળવા અને જોખમોને સંતુલિત કરવા માટે પૉર્ટફોલિયોમાં ફેરફાર કરવા અને અત્યંત સ્પષ્ટ ગવર્નન્સ છે.
"તેમની પાસે અસરકારક સપ્લાય ચેઇન સિસ્ટમ પણ છે અને તેઓ તેમના કર્મચારીઓના કલ્યાણની સંપૂર્ણ કાળજી રાખે છે."
તાતા પાવરના નવી દિલ્હીના પ્રૉજેક્ટ મૅનેજર વિવેક નારાયણે જણાવ્યું હતું કે, શરૂઆતમાં જેગુઆરને ખરીદવાના નિર્ણયને બજારમાં સારો નિર્ણય માનવામાં આવ્યો ન હતો, પરંતુ બાદમાં તે ખૂબ જ સફળ સાબિત થયો હતો.
એ જ રીતે, તાજેતરમાં તાતાએ ઇન્ડિયન ઍરલાઇન્સને પાછી મેળવી લીધી છે પરંતુ તેની અત્યારે દિશા અને ગતિની રૂપરેખા આપવી મુશ્કેલ છે.
તેમણે કહ્યું કે તાતાની સફળતાની ગૅરંટી તેની વિવિધતા છે. તે જે પણ ક્ષેત્રમાં કામ કરે છે તેમાં સકારાત્મક વાતાવરણ લાવવાનો પ્રયાસ કરે છે.












