એશિયાના સૌથી ધનિક મુકેશ અંબાણીએ વારસાની વહેંચણી કેવી રીતે કરી છે?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, ઝોયા મતીન
- પદ, બીબીસી સમાચાર, દિલ્હી
કૉર્પોરેટ જગતના ધુરંધરો વિશેની એમી ઍવૉર્ડ વિજેતા ટીવી શોની ઋંખલા 'સક્સેશન'ની છેલ્લી સિઝન દુનિયાભરમાં હાલના મહિનાઓમાં બહુ ઉત્સુકતા સાથે જોવાઈ હતી.
આ કલ્પનાકથાની સામે ભારતમાં અબજો રૂપિયાના ઉદ્યોગ સામ્રાજ્યમાં વારસાની વ્યવસ્થા કેવી રીતે ગોઠવાઈ તેની વાસ્તવિક ઘટના સમાચારોમાં ચમકી રહી છે.
એશિયામાં સૌથી ધનાઢ્ય વ્યક્તિ અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના વડા મુકેશ અંબાણીનાં ત્રણ સંતાનોએ હવે તેમના 220 અબજ ડૉલરના રિટેલથી લઈને રિફાઇનિંગ ઉદ્યોગસમૂહના બોર્ડમાં સ્થાન અપાયું છે.
ઈશા અને આકાશ જોડકાં બાળકો છે અને તેમની ઉંમર 31 વર્ષની છે, જ્યારે નાનો ભાઈ અનંત 28 વર્ષનો છે. શેરધારકોની મંજૂરી બાદ આ ત્રણેય સંતાનો બોર્ડમાં જોડાશે. મુકેશ અંબાણીએ સોમવારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, "સિનિયર લીડર્સના અનુભવ અને નવા લીડર્સની મહત્ત્વાકાંક્ષાનું સંયોજન રિલાયન્સની સિદ્ધિઓની ગાથામાં નવાં અને વધુ રોમાંચક પ્રકરણો લખશે."
ભારતના કૉર્પોરેટ જગતમાં કદાચ સૌથી વધુ ઉત્સુકતા રિલાન્યસમાં વારસો કોને મળશે તેના પર જ હતી અને આ રીતે પરિવર્તનની શરૂઆત થઈ છે તે દર્શાવે છે કે આ કંપની અંબાણી પરિવારની ત્રીજી પેઢી હવે સંભાળશે.
ઑઇલ, ટેલિકૉમ, કેમિકલ, ટેકનૉલૉજી અને ફેશનથી માંડીને ફૂડ સુધીના વિસ્તરતા બિઝનેસ સામ્રાજ્ય સાથે - અંબાણીની ભારતમાં સર્વવ્યાપી હાજરી છે. તેના કારણે જ આ પરિવારની દરેક ગતિવિધિ પર સૌ કોઈની નજર રહેતી હોય છે.
ત્રણેય સંતાનોને અલગ-અલગ જવાબદારીઓ સોંપી દેવામાં આવી છે.
કોઈ વૈશ્વિક કંપની સાથે જોડાણ કરીને રિલાયન્સ ગ્રૂપ હવે જનરલ અને આરોગ્ય વીમા ક્ષેત્રમાં પણ દાખલ થવાની યોજના ધરાવે છે. દેશનાં 20 કરોડ ઘરો સુધી 5જી વાયરલેસ બ્રૉડબેન્ડ પહોંચાડવાની મહત્ત્વાકાંક્ષી યોજના છે. AI આધારિત કમ્પ્યુટિંગની 2000 મેગાવૉટની ક્ષમતા વિકસાવવાનું પણ આયોજન થઈ રહ્યું છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
પવન ઊર્જામાં મોટા પાયે કામકાજની અને સોલર પાવર માટેની ગીગા ફેકટરીની યોજના તૈયાર થઈ છે.
આ જૂથની મહત્ત્વાકાંક્ષી રિટેલ કંપનીએ 1970ના દાયકાની લોકપ્રિય સૉફ્ટ ડ્રિંક બ્રાન્ડ કેમ્પા કોલા ખરીદી લીધી છે અને તેને નવેસરથી વૈશ્વિક સ્તરે લૉન્ચ કરવાની તૈયારીઓ છે.

નવી પેઢીનું ઘડતર કેવી રીતે થયું છે?

ઇમેજ સ્રોત, GETTY IMAGES
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
વારસદાર નક્કી કરવાની બાબતમાં સલાહ આપનારી ફર્મ ટેરેન્ટિયા કન્સલ્ટન્ટ્સના સંદીપ નેરલેકર કહે છે કે મુકેશ અંબાણી અને તેમનાં પત્ની નીતા વર્ષોથી તેમના બાળકોને આ જવાબદારીઓ માટે તૈયાર કરી રહ્યા છે.
"માત્ર મુકેશ અંબાણીનાં સંતાનો હોવાને કારણે તેમને બિઝનેસનો વારસો મળ્યો નથી. વિચારીને તૈયાર થયેલી સ્ટ્રેટેજીના ભાગરૂપે તેમને જવાબદારીઓ સોંપવામાં આવી છે."
"કેવી રીતે સક્સેશન પ્લાન કરવો તે માટે તેમણે લાંબો વિચાર કર્યો છે. સંતાનોની આવડતના આધારે તેમને સોંપવામાં આવેલા બિઝનેસ વર્ટિકલ વિશે ખૂબ જ સ્પષ્ટપણે વિચારાયું છે."
મૂકેશ અંબાણી બહુ સામાન્ય પરિવારની સ્થિતિમાં ઉછરેલા છે અને તેઓ હંમેશાં લૉ પ્રોફાઇલ રહે છે. તેની સામે તેમનાં બાળકો અત્યંત વૈભવી રીતે મોટાં થયાં છે. ભવ્ય આવાસોમાં તેઓ ઉછર્યાં છે, ખાનગી વિમાનોમાં ફરતાં રહ્યાં છે અને સેલિબ્રિટી સાથે હળતામળતાં રહ્યાં છે.
મુકેશ અંબાણીએ સ્ટેનફોર્ડનો અભ્યાસ વચ્ચેથી છોડીને પિતા સાથે બિઝનેસમાં જોડાઈ જવું પડ્યું હતું.
તેની સામે તેમનાં જોડિયાં પુત્રી અને પુત્ર ઈશા અને આકાશ યેલ અને બ્રાઉન યુનિવર્સિટીમાં ભણ્યાં છે.
બંને કૉર્પોરેટ ઇવેન્ટ્સમાં ભાગ લેતાં રહે છે અને મૅગેઝીનોનાં કવર પર ચમકતાં રહ્યાં છે. બંનેનાં લગ્ન પણ અન્ય ગર્ભશ્રીમંત પરિવારોમાં થયાં છે. તેમનાં લગ્ન સમારંભો ભવ્ય રીતે યોજાયા હતા, જેમાં બિયોન્સે જેવાં જાણીતાં કલાકાર સહિત અનેક સ્ટાર્સ લોકો હાજર રહ્યાં હતાં.
નરલેકર કહે છે કે "વૈભવી લગ્નો અને ભવ્ય આવાસો પર અઢળક ખર્ચને કારણે મુકેશ અંબાણી સહિત સમગ્ર પરિવાર પર સૌની નજર રહી છે. સંતાનો પણ હજી યુવાન છે એટલે તેમની લાઇફસ્ટાઇલ કેવી હશે તેની જિજ્ઞાસા પણ હોય. હવે તેમને જવાબદારી મળી છે ત્યારે તેમના પર વધારે સ્પોટલાઇટ રહેશે. પરંતુ આ વાસ્તવિકતાથી તેઓ વાકેફ છે અને આવી સ્થિતિમાં કેમ વર્તવું તેની તાલીમ તેમને આપવામાં આવેલી છે."

અંબાણી પરિવારનાં સંતાનો હાલ શું કરી રહ્યાં છે?

ઇમેજ સ્રોત, GETTY IMAGES
કૉલેજ પૂર્ણ કર્યા પછી, આકાશ 2014માં ગ્રૂપના ટેલિકૉમ યુનિટ, રિલાયન્સ જિયોમાં લીડરશિપ ટીમમાં જોડાયા હતા. નાણાંની રેલમછેલ જ્યાં થાય છે તે આઈપીએલની મુંબઈ ઈન્ડિયન્સ ક્રિકેટ ટીમનું સંચાલન પણ આકાશ કરે છે. 2020માં મેટા પ્લૅટફૉર્મ્સ દ્વારા રિલાયન્સના યુનિટ જિયો પ્લૅટફૉર્મ્સમાં 5.7 અબજ ડૉલરનું રોકાણ થયેલું ત્યારે તે ટીમમાં પણ આકાશ હતો.
બીજી તરફ ઈશાને કંપનીના રિટેલ, ઈ-કૉમર્સ અને લક્ઝરી પ્લાનના સંચાલનની જવાબદારી પહેલેથી જ સોંપવામાં આવી છે. કંપનીની ઈ-કૉમર્સ ઍપ્લિકેશન તેમજ ટોચની આંતરરાષ્ટ્રીય લક્ઝરી બ્રાન્ડ્સ સાથે પાર્ટનરશિપ કરીને ફેશનમાં સેક્ટરમાં કંપનીનું કામકાજ આગળ વધારવામાં ઈશાની ભૂમિકા મહત્ત્વની ગણાતી રહી છે.
રિલાયન્સના મુખ્ય વ્યવસાયમાં ઈશાની પ્રગતિ નોંધપાત્ર છે કારણ કે પરિવારની મહિલાઓની બિઝનેસના કામકાજમાં માત્ર નામ પૂરતી જ હાજરી રહી છે, જ્યારે ઈશાને શરૂઆતથી જ સિનિયર લીડરશીપ ભૂમિકામાં મૂકવામાં આવ્યાં છે.
2021માં, ફૉર્ચ્યુન મૅગેઝિને તેના વિશેના લેખમાં લખ્યું હતું કે "ઍરેસ ઑન ડ્યુટી" (સક્રિય ભૂમિકામાં વારસદાર). ભારતની શક્તિશાળી મહિલાઓની યાદીમાં આ મૅગેઝીને તેને 21મું સ્થાન આપ્યું હતું. પિતા તો માને જ છે કે તેમની દિકરી લડી લેનારી છે.
ન્યૂયૉર્ક ટાઈમ્સ સાથેની મુલાકાતમાં મુકેશ અંબાણીએ કહ્યું હતું કે તેમનાં પુત્રી ઘણીવાર તેમની બિઝનેસ કરવાની રીત સામે સવાલો ઉઠાવે છે. એકવાર ઈશાએ પિતાને કહ્યું હતું કે એક વાર તમારા પોર્ટફોલિયોને રિ-ઇવેલ્યૂએટ કરી લો - પુનઃવિચાર કરી લો. આવું કહેવાનું કારણ એ હતું કે કંપનીનું પ્લાસ્ટિકના ક્ષેત્રમાં પણ કામકાજ છે અને 'પ્લાસ્ટિક પ્રદૂષણ ફેલાવનારું છે.'
નાના પુત્ર અનંત, રિલાયન્સના ઊર્જા વ્યવસાયમાં સંકળાયેલા છે, જેનું કામકાજ ક્રૂડ ઑઇલથી માંડીને સોલાર પેનલના ઉત્પાદન સુધી વિસ્તરેલું છે. બ્રાઉન યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએટ થયેલા અનંત તેમનાં માતા સાથે રિલાયન્સ ચૅરિટીના બોર્ડમાં પણ છે. IPL સિઝન દરમિયાન તેમની ટીમની મૅચ હોય ત્યાં ઘણી વાર માતા સાથે અનંત જોવા મળે છે.

ભવિષ્યના વિવાદને અટકાવી દેવાયો?

ઇમેજ સ્રોત, GETTY IMAGES
આઈઆઈએમ-ઈન્દોરના ડિરેક્ટર હિમાંશુ રાયે બિઝનેસ સ્ટાન્ડર્ડ અખબારને જણાવ્યું હતું કે સક્સેશન નક્કી કરાયું તે કંપનીના હિતધારકો માટે સકારાત્મક સંકેત છે અને તે "ભવિષ્યમાં કોઈપણ વિવાદને પણ અટકાવશે".
મુકેશ અંબાણી અને તેમના નાના ભાઈ અનિલ અંબાણી વચ્ચે 2002માં તેમના પિતાના અવસાન પછી કેવી રીતે ગ્રૂપના ભાગલા પાડવા તે વિશે બહુ વિવાદો થયેલા તે આજે ઘણાને યાદ છે.
સંપત્તિના વિભાજન માટેનું કોઈ વસિયતનામું નહોતું એટલે બંને ભાઈઓ વચ્ચે વર્ષો સુધી બિઝનેસ કેવી રીતે સંભાળવો તેની કોઈ સહમતિ ભાઈઓ વચ્ચે થઈ શકી નહોતી. આખરે તેમનાં માતાએ ભાઈઓ વચ્ચે ભાગ પાડી આપ્યા હતા.
નેરલેકર કહે છે, "બંને ભાઈઓ વચ્ચે ખટરાગ થઈ ગયો હતો એટલે હવે પોતાનાં બાળકો વચ્ચે યોગ્ય સમયે જ વારસાની વહેંચણી તેઓ કરી લેવા માગે છે."
તેઓ ઉમેરે છે કે કોરોના રોગચાળા પછી વિશ્વભરમાં સૌ સભાન થયા કે ગમે ત્યારે જીવનનો અંત આવી શકે છે. તેથી પોતાના વારસા અને વસિયતને યોગ્ય રીતે તૈયાર કરી લેવા માગે છે. "તમે ગંભીર રીતે બીમાર પડી શકો છો અથવા મૃત્યુ પામી શકો છો તેની અનિશ્ચિતતાને કારણે પણ મુકેશ અંબાણીએ સમયસર વારસાની વહેંચણી તૈયાર કરી નાખી છે."

ગ્રૂપની લીડરશીપ કોણ લેશે?

ઇમેજ સ્રોત, EPA
નવી પેઢીને આગળ કરવાનું આ એવા સમયે પણ બન્યું છે જ્યારે અંબાણી સામ્રાજ્યના વર્ચસ્વ સામે કોલસા અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર સેક્ટરના ટાયકૂન ગૌતમ અદાણીના ઉદયનો પડકાર આવ્યો છે. ગયા વર્ષે એશિયાના સૌથી ધનિક વ્યક્તિ તરીકે થોડા સમય માટે અદાણી તેમનાથી આગળ નીકળી ગયા હતા.
બંને ભારતના રિન્યુએબલ એનર્જી માર્કેટમાં સીધી હરીફાઈમાં છે અને તેમની વધતી જતી સ્પર્ધાને ભારતના વ્યાપારી વર્તુળોમાં આતુરતાથી જોવામાં આવે છે.
જોકે ચેરમેન અને મેનેજિંગ ડિરકેક્ટર તરીકે હજી પાંચ વર્ષ પોતે જ રહેશે એમ મુકેશ અંબાણી જણાવ્યું છે.
તે દરમિયાન નવી પેઢીના લીડર્સને તૈયાર કરવામાં આવશે અને સંતાનોને ઘડવામાં આવશે, "જેથી તેઓ સામૂહિક નેતૃત્વ પ્રદાન કરી શકે અને રિલાયન્સને વધુ ઊંચાઈ પર લઈ જઈ શકે".














