ગુજરાતમાં રતન તાતાએ જ્યારે અમેરિકન કારનિર્માતા 'ફૉર્ડ સામે બીજી વખત વેર વાળ્યું'

રતન તાતાનું નિધન, ગુજરાત, તાતા, ઉદ્યોગપતિ

ઇમેજ સ્રોત, Getty Images

    • લેેખક, જયદીપ વસંત
    • પદ, બીબીસી ગુજરાતી માટે

જાન્યુઆરી-2023માં તાતા મોટર્સે ગુજરાતના સાણંદ પાસે ફૉર્ડ મોટર્સના પ્લાન્ટનો કબજો સંભાળી લીધો, આ સાથે જ ભારતમાંથી અમેરિકાની કારનિર્માતા કંપનીનું ઔપચારિક નિર્ગમન થઈ ગયું છે.

1999માં તાતા જૂથના તત્કાલીન ચૅરમૅન રતન તાતા અમેરિકાની દિગ્ગજ કારનિર્માતા ફૉર્ડના એ સમયના અધ્યક્ષ પાસે એક પ્રસ્તાવ લઈને ગયા હતા, ત્યારે એવી ઘટના બની કે જે તાતાના કર્મચારીઓને અપમાનજનક લાગી.

આ પછી નવ જ વર્ષમાં તાતા જૂથે કમાલ કરી દેખાડી અને 2008માં ફૉર્ડ કંપનીને સંકટમાંથી ઉગારી હતી અને 15 વર્ષ પછી ગુજરાતમાં પણ તેનું પુનરાવર્તન થયું હતું.

જોકે, આ બધાના પાયામાં રતન તાતાએ સેવેલું એક સપનું હતું, જે તૂટવાનું હતું અને ફરી એક વખત તેનું સંધાન પણ થનાર હતું.

નરેન્દ્ર મોદી રાજ્યના મુખ્ય મંત્રી હતા, ત્યારે સાણંદ તથા આસપાસના વિસ્તારને 'ગુજરાતના ડેટ્રૉઇટ' બનાવવાની યોજના ઘડી હતી, જેને ફૉર્ડના નિર્ગમનથી આંચકો લાગી શકે છે.

ગુજરાતના 'ડેટ્રૉઇટ'માં ડખ્ખો

રતન તાતા

ઇમેજ સ્રોત, Getty Images

સપ્ટેમ્બર-2022માં ફૉર્ડના ભારતીય એકમે જાહેરાત કરી હતી કે અમદાવાદ નજીક સાણંદ ખાતેનો ઉત્પાદન પ્લાન્ટ બંધ કરવામાં આવશે. ભારતમાં દસ વર્ષ દરમિયાન કંપનીને બે અબજ ડૉલરનું નુકસાન થયું હોવાથી આ નિર્ણય કરવામાં આવ્યો હતો. વેચાણની બાબતે કંપની કારઉત્પાદકોમાં નવમા ક્રમે હતી.

સપ્ટેમ્બર-2022માં બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં કર્મચારીઓનું કહેવું હતું કે ગુજરાતમાં ફૉર્ડનો પ્લાન્ટ વર્ષ 2013માં નખાયો હતો અને તેની પહેલી કાર વર્ષ 2015માં ડિલિવર થઈ હતી.

બીજું કે કંપની પાસે ફિગો, ઇકૉસ્ટાર, અસ્પાયર અને ફ્રિસ્ટાઇલ જેવાં મર્યાદિત સંખ્યામાં મૉડલ હતાં, વૈવિધ્ય ન હોવાને કારણે તેનું વેચાણ ઘટ્યું હતું.

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

આ પછી સાણંદ ખાતેના પ્લાન્ટ ધરાવતી તાતા જૂથની કંપનીએ (તાતા પૅસેન્જર ઇલેક્ટ્રિક મૉબિલિટી લિમિટેડ) હરીફ ફૉર્ડનો પ્લાન્ટ બંધ થવાની જાહેરાત થઈ, તે પહેલાં જ તેને ખરીદવાના કરાર કર્યા હતા.

કરાર પ્રમાણે, કંપનીએ તા. 10મી જાન્યુઆરીના સાણંદ ખાતેના ફૉર્ડના પ્લાન્ટની જમીન, મશીનરી અને ઇમારતોનો કબજો સંભાળી લીધો હતો. અહીં વાર્ષિક ત્રણ લાખ કારોનું ઉત્પાદન કરવાની ક્ષમતા છે, જેને ચાર લાખ 20 હજાર સુધી વધારી શકાય તેમ છે. તાતાએ ફૉર્ડના તમામ કર્મચારીઓને પોતાની પેટાકંપનીમાં સમાવી લેવાની ઑફર કરી હતી.

મીડિયા રિપોર્ટો પ્રમાણે, કુલ એક હજાર જેટલા કર્મચારીમાંથી 37 ટકા કર્મચારીઓએ જ તાતાની નોકરી સ્વીકારી છે. અન્ય કર્મચારીઓ ચેન્નાઈના કર્મચારીઓ જેવા પૅકેજની માગ ફૉર્ડ પાસેથી કરી રહ્યા છે. ફૉર્ડે તામિલનાડુના કર્મચારીઓને સરેરાશ પાંચ વર્ષનો પગાર ચૂકવ્યો હતો. સાણંદ ખાતેના પ્લાન્ટમાં તમામ કર્મચારીઓને આ પ્રકારની ઑફર આપવામાં નથી આવી.

તાતાએ એક હજાર જેટલા 'પાત્ર કર્મચારીઓ'ને વરિષ્ઠતા સાથે, વર્તમાન પૅકેજ મુજબ, તાલીમ આપવાની વાત કહી છે. તાતાએ નવા પ્લાન્ટમાંથી 'સદૈવ નવીન' અને એસયુવી બનાવવાની યોજના જાહેર કરી છે.

બદલો X કન્ટેન્ટ
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી.

X કન્ટેન્ટ પૂર્ણ

અગાઉ જનરલ મોટર્સે ગુજરાતના હાલોલ ખાતે ઉત્પાદન બંધ કરી દીધું હતું અને ચાઇનીઝ કારનિર્માતા એમજીએ તેને હસ્તગત કર્યો હતો.

સાણંદના પ્લાન્ટમાં રતન તાતાની બહુચર્ચિત 'લાખેણી કાર' નેનોનું ઉત્પાદન હાથ ધરવામાં આવ્યું હતું, તેને પશ્ચિમ બંગાળના સિંગુર ખાતેથી અહીં લાવવામાં આવ્યો હતો. તત્કાલીન મોદી સરકારે જમીન અને સૉફ્ટ લોન આપી હતી.

ઉત્પાદનમાં રહેલી ક્ષતિ, આગ લાગવાની ફરિયાદો અને માગના અભાવે તેનું ઉત્પાદન બંધ કરી દેવામાં આવ્યું હતું. હવે અહીં બીજાં મૉડલ બને છે.

આવું જ એક સપનું રતન તાતાએ 1996 આસપાસ જોયું હતું, જે 1999માં તેમના માટે શરમજનક સ્થિતિ ઊભી કરનાર હતું. એના કારણે જ તાતાએ અમેરિકા જવું પડ્યું હતું અને દેશની પૅસેન્જર કારના ઇતિહાસમાં નવું પ્રકરણ લખાવાનું હતું.

ઇન્ડિકા: આરંભ અને અવરોધની આરપાર

2004માં પુનાની ફેકટરી ઇન્ડિકા અને ઇન્ડિગોના ઉત્પાદનથી ધમધમી રહી હતી તે સમયની તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, 2004માં પુનાની ફેકટરી ઇન્ડિકા અને ઇન્ડિગોના ઉત્પાદનથી ધમધમી રહી હતી તે સમયની તસવીર

તાતા મોટર્સની વેબસાઇટ પ્રમાણે, 1991માં કંપનીએ (એ સમયે તાતા એંજિનિયરિંગ ઍન્ડ લૉકોમૉટિવ્ઝ) સિયેરા ગાડી લૉન્ચ કરી હતી, જે તેના 1989માં રજૂ થયેલ મલ્ટી-યુટિલિટી તાતા પિક-અપવાન પર આધારિત હતી. એ પછી કંપનીએ ઍસ્ટેટ (1992) અને સુમો (1994) પણ લૉન્ચ કરી હતી.

જોકે, આ ગાડીઓ સંપૂર્ણપણે ભારતમાં વિકસિત ન હતી અને તે ફૅમિલી પૅસેન્જર કારો ન હતી. રતન તાતાએ તદ્દન નવેસરથી સંપૂર્ણપણે ભારતીય કાર બનાવવાનું વિચાર્યું અને તેને ઇન્ડિકા એવું નામ આપ્યું હતું.

હરીશ ભટે તેમના પુસ્તક 'તાતાલોગ'માં એક પ્રકરણમાં (પૃષ્ઠક્રમાંક 20-49) ઇન્ડિકાના નિર્માણ અને તેમાં આવેલા અવરોધોની કહાણી આલેખી છે. જે મુજબ :

કંપનીએ ડિઝાઇનિંગ માટે આંતરિક ટીમ તૈયાર કરી હતી અને ઇટાલિસ્થિત એક કંપનીને તેના વૅલિડેશનનું કામ સોંપવામાં આવ્યું હતું અને વિકાસપ્રક્રિયા શરૂ થઈ તેના 31 મહિનાની અંદર જ પ્રથમ કાર પ્લાન્ટમાંથી નીકળી હતી.

આ દરમિયાન પુનામાં કંપનીના પ્લાન્ટ પાસે નવી જમીન ખરીદવામાં આવી અને ઑસ્ટ્રેલિયામાં નિશાન કંપનીનો કારપ્લાન્ટ રૂ. એકસો કરોડમાં ખરીદવામાં આવ્યો અને તેને ખોલીને ભારત લાવવામાં આવ્યો. એ સમયે કુલ એક હજાર 700 કરોડનો ખર્ચ થયો હતો.

1998માં નવી દિલ્હીના પ્રગતિ મેદાન ખાતે આયોજિત 'ઑટો ઍક્સ્પો'માં રતન તાતાએ પ્રથમ ભારતીય કાર 'ઇન્ડિકા' રજૂ કરી હતી. સામાન્ય રીતે નવી કાર રજૂ થાય એટલે તેની પાસેની મહિલા મૉડલોએ વેસ્ટર્ન સ્કર્ટ પહેર્યાં હોય, પરંતુ તાતાના પક્ષે તમામે ભારતીય પરિધાન પહેર્યાં હતાં. આ પ્રસંગે સેંકડો બાળકોએ હાથમાં તીરંગા રાખ્યા હતા, જેના કારણે કોઈ બિઝનેસને બદલે તહેવાર જેવો માહોલ ઊભો થયો હતો.

પ્રેસમાં ભારે ચર્ચા થઈ અને કુશળ માર્કેટિંગને કારણે આઠ જ દિવસમાં કંપનીને પૂર્ણ ચુકવણાં સાથે એક લાખ 15 હજાર ગાડીઓનો ઑર્ડર મળી ગયો. જેમ-જેમ ડિલિવરીઓ અપાવા લાગી, તેમ-તેમ કારમાં રહેલી ખામીઓ પણ બહાર આવવા લાગી.

'ઇન્ડિકા' ગાડીમાંથી અવાજ આવવા, વાઇબ્રેશન, બારી ખોલબંધ કરવામાં સમસ્યા અને ઇંજિનના પ્રદર્શન વિશે સમસ્યાઓ આવવા લાગી. સ્ટીમ ઇંજિન, સ્ટીમ રોલર, ટ્રક અને લાઇટ કૉમર્શિયલ વિહિકલ બનાવવામાં સફળ બ્રાન્ડ તાતાની કારનિર્માણની ક્ષમતા ઉપર સવાલ ઊઠી રહ્યા હતા, એટલે હવે ચૅરમૅન તરીકે રતને કંઇક કરવું પડે તેમ હતું.

ફૉર્ડે 'રતન' ખોલ્યાં

બીલ ફૉર્ડ

ઇમેજ સ્રોત, Getty Images

રતન તાતાએ તેમનો પૅસેન્જર કાર બિઝનેસ અમેરિકાની ફૉર્ડ કંપનીને વેચવાનું વિચાર્યું. ઉદારીકરણ પછી 1996માં ફૉર્ડે ભારતીય કંપની મહિન્દ્રા સાથે કરાર કર્યા હતા અને દેશમાં તેમની હાજરી હતી.

ફૉર્ડના ભારતીય અધિકારીઓ અને તાતા મોટર્સના ઉચ્ચ અધિકારીઓ વચ્ચે મુંબઈ ખાતે પ્રથમ રાઉન્ડની બેઠક થઈ, જે હકારાત્મક રહી. એ પછી અમેરિકાના ડેટ્રોઇટ ખાતે ફૉર્ડના માલિક અને કંપનીના સ્થાપક હેનરી ફૉર્ડના પ્રપૌત્ર બિલ ફૉર્ડ સાથે રતન તાતા અને તેમની ટીમની મુલાકાત થઈ.

1999માં થયેલી આ મુલાકાત દરમિયાન બિલ ફૉર્ડે કથિત રીતે રતન તાતાને કહ્યું હતું કે, "જો તમને ખબર ન પડતી હોય તો પૅસેન્જર કાર ડિવિઝન શરૂ જ ન કરવું જોઈએ. આ ખરીદી કરીને કંપની તાતા ઉપર મહેરબાની કરી રહી છે."

એ જ રાત્રે તાતાની ટીમ ડેટ્રૉઇટથી ન્યૂ યૉર્ક જવા રવાના થઈ ગઈ. 90 મિનિટની ઉડાણ દરમિયાન રતન તાતા ખિન્ન બેસી રહ્યા, પરંતુ તેમણે નિર્ણય કરી લીધો હતો.

કથિત 'અપમાન'નો આ કિસ્સો એ સમયે તાતા મોટર્સના ઍક્ઝિક્યુટિવ મૅનેજિંગ ડાયરેક્ટર પ્રવીણ કાડલેએ વર્ષ 2015માં મુંબઈ ખાતે આયોજિત એક કાર્યક્રમમાં રતન તાતા વતી પુરસ્કાર સ્વીકારતી વખતે મરાઠી ભાષામાં કહ્યો હતો અને ન્યૂઝ એજન્સી પીટીઆઈએ તેની નોંધ લીધી હતી.

ભટ તેમના પુસ્તકમાં લખે છે કે પરત આવીને તાજ હોટલ ખાતે રતન તાતાએ કંપનીના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક કરી. તમામે પોતાની જવાબદારી સ્વીકારી અને શું-શું સુધારાત્મક પગલાં લઈ શકાય તેના વિશે વિવરણ આપ્યું. રતન તાતાએ તેમને લીલી ઝંડી આપી.

લગભગ 45 હજાર ગાડીઓમાં કંપનીના ખર્ચે સ્પૅરપાર્ટ બદલી આપવામાં આવ્યા અને બીજા જ વર્ષે કંપનીએ ઇન્ડિકાનું સિડૅન વર્ઝન 'ઇન્ડિગો સીએસ' લૉન્ચ કર્યું. ભારતના રસ્તાઓની પહોળાઈ અને પાર્કિંગની સમસ્યાને કારણે તે કૉમ્પેક્ટ સિડૅન (સીએસ) હતી, જેની લંબાઈ ચાર મીટર કરતાં ઓછી હોય છે.

ભટે તેમના પ્રકરણમાં કથિત ઘટના વિશે કોઈ ઉલ્લેખ નથી કર્યો. તાતા મોટર્સ મુદ્દે રતન તાતા અને તેમના અનુગામી સાઇરસ મિસ્ત્રી વચ્ચે ભારે મતભેદ હતા. આ વિશે 'તાતા વિ. મિસ્ત્રી' નામના પુસ્તકમાં દીપાલી ગુપ્તા લખે છે કે 'તાતા જૂથને ફૉર્ડની ગુરુતાગ્રંથિનો અનુભવ થયો હતો.' જોકે, ઉપરોક્ત સંવાદનો તેમાં ઉલ્લેખ નથી.

ફૉર્ડે કહ્યું, 'તમારી મહેરબાની'

જેગુઆર

ઇમેજ સ્રોત, Getty Images

કાડલેએ કહેલા કિસ્સાનો આગળનો હિસ્સો તેને વધુ રસપ્રદ બનાવે છે, પરંતુ તેની વચ્ચે નવ વર્ષનો સમય પસાર થવાનો હતો અને કેટલીક સ્થિતિઓ બદલાવાની હતી.

સુધાર પછી ઇન્ડિકા અને ઇન્ડિગોએ ફૅમિલી કાર તો ન બની, પરંતુ ટૅક્સીચાલકોમાં તે પ્રચલિત બની હતી. કંપનીએ 1998માં પ્રથમ એસયુવી (સ્પૉર્ટ્સ યુટિલિટી વ્હીકલ) મૉડલ 'સફારી' રજૂ કર્યું. જેને સારો પ્રતિસાદ સાંપડ્યો હતો.

બીજી બાજુ, 1999માં 'ડૉટ કૉમ બબલ' ફૂટવાને કારણે પશ્ચિમી દેશોમાં મોંઘેરી ગાડીઓની માગ ઘટી રહી હતી. જોકે, તેનો અપ્રત્યક્ષ ફાયદો તાતા જૂથની કંપની તાતા કન્સ્લટન્સી સર્વિસને થયો હતો.

2000ની સાલમાં તાતા જૂથે બ્રિટિશ ચા નિર્માતા કંપની ટેટલીને અધિગ્રહિત કરી. 2004માં તાતાએ દક્ષિણ કોરિયાની સંકટગ્રસ્ત ટ્રકનિર્માતા કંપની દેવુ અધિગ્રહિત કરી, જેના કારણે તેને ભારે વાહનોની પ્રૌદ્યોગિકી અને નવા બજાર મળ્યા હતા.

2007માં તાતાએ બ્રિટિશ-ડચ સ્ટીલનિર્માતા કોરસને 13 અબજ ડૉલરમાં ખરીદી હતી. આ કંપની અનેક યુરોપિયન વાહનનિર્માતા કંપનીને સ્ટીલ વેચતી. જેમાંથી જેગ્યુઆર અને લૅન્ડરોવર મુખ્ય હતા. જેની માલિકી ફૉર્ડની હતી.

2008માં અમેરિકાની ઉપર સૌથી મોટું આર્થિક સંકટ ઘેરાવા લાગ્યું. લોકોની મોંઘી ગાડીઓ ખરીદવાની ક્ષમતા ઘટી રહી હતી. ફૉર્ડે અબજો ડૉલરના ખર્ચે બંને કંપનીઓનું અધિગ્રહણ કર્યું હતું અને તેણે પોતાના અમેરિકા ખાતેના એકમો પર ધ્યાન આપવાનું હતું. આથી, તેમણે યુકેની બંને બ્રાન્ડ 'જેગ્યુઆર' અને 'લૅન્ડ રોવર'ને (જેએલઆર) વેચવા કાઢી.

તાતાને માત્ર લૅન્ડ રોવર બ્રાન્ડમાં રસ હતો, પરંતુ બંને બ્રાન્ડની ઉત્પાદનપ્રક્રિયા એટલી હદે એકબીજા સાથે ઓતપ્રોત હતી કે બેઉની ખરીદી એકસાથે જ કરવી પડે.

કાડલેએ કિસ્સો આગળ વધરાતાં કહ્યું કે, "બિલ ફૉર્ડે બે અબજ 30 કરોડ ડૉલરમાં બંને બ્રાન્ડ ખરીદી તાતાએ તેમના ઉપર મહેરબાની કરી હોવાની વાત કહી." હૉલમાં ઉપસ્થિત લોકોએ આ વાતને તાળીઓથી વધાવી લીધી.

 આરપીજી જૂથના ઉદ્યોગપતિ હર્ષ ગોયેન્કા અને બિરલા પરિવારના વેદાંત આ કિસ્સાને સોશિયલ મીડિયા પર શૅર કરી ચૂક્યા છે. જેણે કથિત ઘટનાને 'દંતકથારૂપ' બનાવી દીધી છે.

...અને રતન ચમક્યાં

જેગ્યુઆર અને લૅન્ડ રોવરના નિકાસથી તાતા મોટર્સને લાભ થયો

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, જેગ્યુઆર અને લૅન્ડ રોવરના નિકાસથી તાતા મોટર્સને લાભ થયો

ઘરઆંગણે તાતાની ડીલને નિરાશાત્મક પ્રતિસાદ સાંપડ્યો હતો, પરંતુ રતન તાતા દૂરનું વિચારી રહ્યા હતા. તેમણે બંને કંપનીના મૅનેજમૅન્ટને છૂટો દોર આપ્યો.

2008ના આર્થિક સંકટથી ભારત મહદ્અંશે પર રહેવા પામ્યું હતું. ઉદાર સ્ટિમ્યુલસ પૅકેજને દેશના ધનિકોમાં જેગ્યુઆર અને લૅન્ડ રોવર જેવી વૈભવી ગાડીઓની માગ નીકળી હતી. આ સિવાય ચીનમાં આવેલી આર્થિક તેજીનો પણ જેએલઆરની માગ નીકળી હતી.

ઉચ્ચ શ્રેણીમાં સમાવિષ્ટ બંને ગાડીઓના ડિઝાઇન સ્ટુડિયો, પેટન્ટ અને પ્રૌદ્યોગિકીનો ઘરઆંગણે તાતાને લાભ થયો હતો. આજે તાતા મોટર્સમાં સ્થાનિક બજાર અને જેએલઆરનો હિસ્સો લગભગ અડધોઅડધ છે.

જોકે, આજ બાબત કંપનીને આર્થિક રીતે નરમ બનાવે છે. ચીનમાં વારંવારના લૉકડાઉન અને પશ્ચિમી દેશોમાં મંદી તેની આર્થિક સ્થિતિને અસર કરે છે તો ઘરઆંગણે ડિમૉનેટાઇઝેશન અને જીએસટી જેવી બાબતો પણ તેને હચમચાવે છે. કોરોનાને કારણે અન્ય વાહનનિર્માતાઓની જેમ જ સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય બજારોમાં તાતા જૂથને ફટકો પડ્યો હતો.

જેએલઆરના અધિગ્રહણ પછી તાતાએ ટિયાગો, ટિગોર, હેક્સા, નૅક્સન, પંચ, અલ્ટ્રોઝ, હૅરિયર વગેરે વાહનો લૉન્ચ કર્યાં છે. આઇકૉનિક સફારીને પણ ફરી લૉન્ચ કરવામાં આવી છે. ઑટો ઍક્સ્પો-2023માં તાતાએ દ્વારા સૌપ્રથમ મૉડલ સિયેરાની ઇલેક્ટ્રિક કન્સેપ્ટ કાર પણ રજૂ કરી છે. 'કર્વ'નું કૉનસેપ્ટ મૉડલ પણ રજૂ કર્યું છે. આ સિવાય કંપની પેટ્રોલ-ડીઝલ ઉપરાંત ઇલેક્ટ્રિક અને ગૅસસંચાલિત અલગ-અલગ મૉડલ પ્રસ્તુત કર્યાં છે.

બહુચર્ચિત નેનો કારનું ઇલેક્ટ્રિક મૉડલ રજૂ કરવામાં આવશે એવી ચર્ચા છે. અલબત્ત તે 'લાખેણી' કાર તો નહીં જ હોય.

સદા સફળતા અસંભવ

ભોજન

ઇમેજ સ્રોત, Twitter/DrSarvapriya

એક તબક્કે ગુગલના સ્થાપકોએ ઇન્ટરનેટ જાયન્ટ યાહૂને કંપની ખરીદી લેવા રજૂઆત કરી હતી, પરંતુ યાહૂએ ઇન્કાર કર્યો. આજે યાહૂ કરતાં ગુગલ અનેકગણી મોટી કંપની છે. એક તબક્કે યાહૂએ સોશિયલ નેટવર્કિંગ સાઇટ ફેસબૂકને ખરીદી લેવા માટે ઓફર કરી હતી, પરંતુ સ્થાપક માર્ક ઝકરબર્ગે ઇન્કાર કર્યો હતો. આજે યાહૂ કરતાં ફેસબૂક અનેક ગણી મોટી કંપની છે.

અમેરિકાની સિલિકોન વેલી આવા અનેક કિસ્સાઓથી ભરપૂર છે. જોકે, તાતા જૂથ પોતે પણ આવા જ અનુભવોનું સાક્ષી રહ્યું છે. તાતા સ્ટીલનું યુકે એકમ (અગાઉ કોરસનો હિસ્સો) દેવા હેઠળ છે અને તેમાં છટણી અને સંપત્તિ વેંચવા કાઢવા જેવા નિર્ણયો લેવા પડ્યા છે.

જોકે, નૅધરલૅન્ડ ખાતેનું એકમ પ્રમાણમાં સારી સ્થિતિમાં છે.

એક તબક્કે તાતા જૂથ ઍર ઇન્ડિયાનું માલિક હતું, પરંતુ આઝાદી પછીના શરૂઆતના વર્ષોમાં ભારત સરકારે તેનું રાષ્ટ્રીયકરણ કરી નાખ્યું. છતાં વિમાનન કંપનીના સ્થાપક જેઆરડી તાતા તેની સાથે જોડાયેલા રહ્યા હતા.

વર્ષ-2021માં તાતા જૂથે સૌથી ઊંચી બોલી લગાવીને કેન્દ્ર સરકાર પાસેથી ઍર ઇન્ડિયાનું અધિગ્રહણ કર્યું અને 2022ની શરૂઆતમાં તેનો કબજો સંભાળી લીધો. યાત્રી પર પેશાબ કરવો અને ભોજનમાંથી કાંકરા નીકળવા જેવી ફરિયાદોને કારણે ચર્ચામાં છે.

ઇન્ડિકા અને નેનોની રજૂઆત સમયે તાતા જૂથની ઉપર માછલાં ધોવાયા હતા અને કંપની તેમાંથી પાર ઉતરી છે, શું ઍર ઇન્ડિયાના કિસ્સામાં આવું બનશે?

રેડ લાઇન