જમ્મુ-કાશ્મીરઃ ન્યૂયૉર્કમાં જન્મેલા ઓમર અબ્દુલ્લાહ કેવી રીતે બની ગયા મુખ્ય મંત્રી

ઓમર અબ્દુલ્લાહ લોકોને પોતાની સાથે જોડવામાં સફળ રહ્યા છે

ઇમેજ સ્રોત, AP

ઇમેજ કૅપ્શન, ઓમર અબ્દુલ્લાહ
    • લેેખક, દિલનવાઝ પાશા
    • પદ, બીબીસી સંવાદદાતા, નવી દિલ્હી

નેશનલ કૉન્ફરન્સને જમ્મુ કાશ્મીર વિધાનસભાની ચૂંટણીમાં સફળતા મળ્યા બાદ ઓમર અબ્દુલ્લાહે રાજ્યના નવા મુખ્ય મંત્રી તરીકે શપથ લીધા છે.

જમ્મુ-કાશ્મીરમાં રાજકીય રીતે શક્તિશાળી અબ્દુલ્લાહ પરિવારના વારસદાર ઓમર બીજી વખત મુખ્ય મંત્રી બનશે. 54વર્ષીય ઓમર અબ્દુલ્લાહ વર્ષ 2009માં પહેલી વખત મુખ્ય મંત્રી બન્યા હતા.

જમ્મુ કાશ્મીરમાં 10 વર્ષ બાદ ચૂંટણીઓ યોજાઈ હતી અને વિશેષ રાજ્યનો દરજ્જો સમાપ્ત થયા બાદ વિધાનસભાનો કાર્યકાળ છ વર્ષથી ઘટીને પાંચ વર્ષનો થઈ ગયો છે.

ઓમર અબ્દુલ્લાહે વિજય બાદ પત્રકારો સાથે વાત કરતા કહ્યું, "વર્ષ 2018 પછી લોકશાહી ઢબનું તંત્ર જમ્મુ-કાશ્મીરનો કારભાર સંભાળશે. ભાજપે કાશ્મીરી પાર્ટીઓ ઉપર નિશાન સાધ્યું હતું. નેશનલ કૉન્ફરન્સ નબળી પડે તેવા પ્રયાસ થયા હતા."

"અમારી વિરૂદ્ધ નવી પાર્ટીઓને ઊભી કરવાના પ્રયાસ પણ થયા, પરંતુ ચૂંટણીપરિણામોએ આ તમામ પ્રયાસો ઉપર પાણી ફેરવી દીધું."

રાજ્યમાં સપ્ટેમ્બર-ઑક્ટોબર દરમિયાન ત્રણ તબક્કામાં કુલ્લે 63 ટકા જેટલું મતદાન થયું હતું.

બીજેપી-પીડીપીને નકાર, ઓમરને આવકાર

ઓમર અબ્દુલ્લાહ અને મહેબૂબા મુફ્તી એક કાર્યક્રમમાં

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ઓમર અબ્દુલ્લાહ અને મહેબૂબા મુફ્તી એક કાર્યક્રમમાં

જમ્મુ -કાશ્મીરમાં 42 બેઠક સાથે નૅશનલ કોન્ફરન્સ સૌથી મોટો પક્ષ બન્યો છે. સાથીપક્ષ કૉંગ્રેસે છ સીટ જીતી છે. 90 ધારાસભ્યવાળી વિધાનસભામાં ઇન્ડિયા ગઠબંધનને બહુમતી મળી ગઈ છે. એ ચૂંટણી દરમિયાન નેશનલ કૉન્ફરન્સને માત્ર 16 બેઠક મળી હતી.

ભાજપને 29 તથા અન્યોને આઠ બેઠક મળી છે. ભાજપ તેની પેઠને જમ્મુથી આગળ વિસ્તારવામાં નિષ્ફળ રહ્યો છે.

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

વર્ષ 2014માં ભાજપ સાથે મળીને સરકાર બનાવનારાં મહેબૂબા મુફ્તી એકલાં જ ચૂંટણીજંગમાં ઉતર્યાં હતાં. એ સમયે 29 બેઠક મેળવનારી પીડીપીને આ વખતે ત્રણ બેઠકથી સંતોષ માનવો પડ્યો હતો.

ચૂંટણીપરિણામો પરથી સ્પષ્ટ છે કે ભાજપને હિંદુ-શીખ બહુમતીવાળા જમ્મુ વિસ્તારમાં, જ્યારે મુસ્લિમ બહુમતીવાળા ખીણપ્રદેશમાં નેશનલ કૉન્ફરન્સ અને કૉંગ્રેસના ગઠબંધનને આવકાર મળ્યો છે.

ભાજપે હિંદુ બહુમતીવાળા સાંબા, કઠુઆ, ઉધમપુર અને જમ્મુ જિલ્લા ઉપર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું, જ્યાં પાર્ટીના રાષ્ટ્રીયસ્તરના નેતાઓએ પણ પ્રચાર કર્યો હતો.

નરેન્દ્ર મોદીએ પહેલી વખત રાજ્યમાં પાર્ટીની સરકાર બનશે, એવો દાવો કર્યો હતો, પરંતુ પાર્ટી તેના જૂના પ્રદર્શનનું પણ પુનરાવર્તન નહોતી કરી શકી. ગત વખતે પાર્ટીને 30 બેઠક મળી હતી.

ભાજપે જમ્મુ વિસ્તારના રાજૌરી અને પૂંછ જેવા મુસ્લિમ બહુમતીવાળા વિસ્તારોમાં મુસ્લિમ ઉમેદવાર ઉતારીને સમીકરણ સાધવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તેમાં સફળતા મળી ન હતી.

વરિષ્ઠ પત્રકાર તારિક બટના કહેવા પ્રમાણે, "ભાજપે મુસ્લિમ બહુમતીવાળા વિસ્તારોમાં મુસ્લિમ ઉમેદવારોને ટિકિટ આપી હતી. પાર્ટીને લાગતું હતું કે આમ કરવાથી તેને મુસ્લિમ મત મળશે, પરંતુ એમ નથી થયું. મુસ્લિમોએ ભાજપને નકારી કાઢ્યું છે."

જાણકારોના મતે બંધારણના આર્ટિકલ 370ની નાબૂદી પછી જમ્મુ-કાશ્મીરના લોકોમાં નોકરીઓ અને જમીનના માલિકીહક્ક વિશે અનેક પ્રકારની ચિંતાઓ છે.

શ્રીનગરમાં ઓમર અબ્દુલ્લા તેની માતા મોલી અબ્દુલ્લા અને બહેન સફિયા અબ્દુલ્લા સાથે

ઇમેજ સ્રોત, ANI

ઇમેજ કૅપ્શન, શ્રીનગરમાં ઓમર અબ્દુલ્લા તેમનાં માતા મોલી અબ્દુલ્લા અને બહેન સફિયા અબ્દુલ્લા સાથે

બટ કહે, "કાશ્મીરનાં ચૂંટણીપરિણામો ઉપરથી એવું લાગે છે કે લોકોએ અનુચ્છેદ 370ની નાબૂદી સામે જવાબ આપ્યો છે. લોકોને એવું લાગ્યું છે કે નેશનલ કૉન્ફરન્સ જેવો પ્રાદેશિક પક્ષ ભાજપની નીતિઓને ટક્કર આપી શકે છે."

"પીડીપીના અનેક નેતા પાર્ટી છોડી ગયા અને સંગઠનાત્મક માળખું પણ વિખેરાઈ ગયું. એની સામે એનસીનું માળખું જળવાય રહ્યું. એથી એવી હવા ઊભી થઈ કે નેશનલ કૉન્ફરન્સ ટકી જશે. જેથી ઉપરથી કોઈ લહેર દેખાતી ન હોવા છતાં નેશનલ કૉન્ફરન્સ અગ્રેસર રહી."

શ્રીનગરસ્થિત બીબીસીના સહયોગી પત્રકાર માજીદ જહાંગીરના કહેવા પ્રમાણે, "લોકો નેશનલ કૉન્ફરન્સને પસંદ કરે છે, એવું દેખાતું હતું, પરંતુ આટલી હદે એકતરફી લહેર હશે, તેનો અંદાજ નહોતો."

"નેશનલ કૉન્ફરન્સના નેતાઓએ પણ કાશ્મીરમાં 40 કરતાં વધુ બેઠક કે આટલા મોટા વિજયની આશા નહીં કરી હોય."

વિશ્લેષકોના મતે નૅરેટિવની લડાઈ હતી, જેમાં માત્ર ભાજપ અને નેશનલ કૉન્ફરન્સ ચર્ચાના કેન્દ્રમાં હતા.

જહાંગીર કહે છે, "નેશનલ કૉન્ફરન્સે અગાઉ જે કોઈ ભૂલો કરી હતી, તેને માફ કરીને જનતાએ ફરી તેને તક આપવાનું નક્કી કર્યું હતું, એમ લાગે છે."

ફારુક અબ્દુલ્લાહનું કહેવું છે કે જો પીડીપી ઇચ્છે તો તે સરકારમાં સામેલ થઈ શકે છે, તેનું સ્વાગત કરવામાં આવશે.

બીજી બાજુ, મહેબૂબા મુફ્તીએ કહ્યું છે, "લોકોને લાગ્યું કે એનસી-કૉંગ્રેસ સ્થિર સરકાર આપીને ભાજપને સત્તાથી દૂર રાખી શકે છે. એટલે તેમણે નેશનલ કૉન્ફરન્સને મત આપ્યા. લોકોની ઇચ્છાનું સન્માન થવું જોઈએ."

લોકસભાની ચૂંટણી દરમિયાન નેશનલ કૉન્ફરન્સને અને ભાજપને બે -બે બેઠકો મળી હતી. ઓમર ખુદ જેલમાં બંધ ઉમેદવાર સામે હારી ગયા હતા. જોકે, આ વિધાનસભાની ચૂંટણીમાં જનતાએ અપક્ષ અને નાના-નાના પ્રાદેશિક પક્ષોને નકારી કાઢ્યા હતા.

હારીને જીતનારા બાજીગર

રાજકીય વિશ્લેષકોને લાગે છે કે ઓમર અબ્દુલ્લાહે સંદેશ આપ્યો છે કે રાજ્યની જનતા તેમની ઉપર વિશ્વાસ કરે છે
ઇમેજ કૅપ્શન, રાજકીય વિશ્લેષકોને લાગે છે કે ઓમર અબ્દુલ્લાહે સંદેશ આપ્યો છે કે રાજ્યની જનતા તેમની ઉપર વિશ્વાસ કરે છે

જમ્મુ-કાશ્મીર સહિત દેશભરમાં હજુ થોડા મહિના પહેલાં લોકસભા ચૂંટણી યોજાઈ હતી, જેમાં ઓમર અબ્દુલ્લાહ બારામુલ્લાની બેઠક ઉપરથી ઉમેદવાર હતા. એ સમયે અબ્દુલ્લાહ દિલ્હીની તિહાર જેલમાંથી ચૂંટણી લડી રહેલા રશીદ એંજિનિયર સામે ચૂંટણી હારી ગયા હતા.

બંધારણના અનુચ્છેદ 370 હેઠળ જમ્મુ-કાશ્મીર રાજ્યને વિશેષ રાજ્યનો દરજ્જો મળેલો હતો. ભાજપ સરકારે ઑગસ્ટ-2019માં આ દરજ્જો સમાપ્ત કરી દીધો હતો.

હવે, જમ્મુ-કાશ્મીર પૂર્ણ રાજ્ય નથી, પરંતુ કેન્દ્રશાસિત પ્રદેશ છે અને લદ્દાખ પણ અલગ કેન્દ્રશાસિત પ્રદેશ છે. જેના કારણે રાજ્ય સરકાર ઉપરાજ્યપાલ મારફત કેન્દ્ર સરકારની દખલ રહેશે.

રાજકીય વિશ્લેષકોને લાગે છે કે ઓમર અબ્દુલ્લાહે સંદેશ આપ્યો છે કે રાજ્યની જનતા તેમની ઉપર વિશ્વાસ કરે છે. અબ્દુલ્લાહ જુલાઈ મહિના સુધી ચૂંટણી લડવાના મૂડમાં ન હતા. એમનું કહેવું હતું કે જમ્મુ-કાશ્મીર કેન્દ્રશાસિત પ્રદેશ છે, એટલે ચૂંટણીનો કોઈ અર્થ નથી.

ઓમર અબ્દુલ્લાહે ઇન્ડિયન ઍક્સપ્રેસને આપેલા ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું, "હું પૂર્ણ રાજ્યનો મુખ્ય મંત્રી રહ્યો છું. મારે પટ્ટાવાળાની નિમણૂક માટે પણ રાજ્યપાલને કહેવું પડે કે બહાર બેસીને ફાઇલ ઉપર તેમની રાહ જોવી પડે એવી સ્થિતિમાં હું ખુદને જોઈ ન શકું."

શું કહે છે વિશ્લેષક?

વિધાનસભા ચૂંટણી પ્રચાર દરમિયાન ઓમર અબ્દુલ્લા
ઇમેજ કૅપ્શન, વિધાનસભા ચૂંટણી પ્રચાર દરમિયાન ઓમર અબ્દુલ્લા

સંશોધનકર્તા અને લેખ મોહમ્મદ યૂસુફ ટેંગના કહેવા પ્રમાણે, આ કાશ્મીર માટે મહત્ત્વપૂર્ણ પડાવ છે. આ ચૂંટણીપરિણામો પરથી સ્પષ્ટ થયું છે કે કાશ્મીરની ઓળખ સાથે ચેડાં ન થઈ શકે. કાશ્મીરની જનતા માટે આ વાત જ સૌથી મોટો રાજકીય મુદ્દો છે.

ટેંગના કહેવા પ્રમાણે, "ઓમર અબ્દુલ્લાહે નેશનલ કૉન્ફરન્સના ચૂંટણીપ્રચારનું નેતૃત્વ કર્યું હતું. તેઓ લોકોને એ વાત સમજાવવામાં સફળ રહ્યા હતા કે દિલ્હીએ કાશ્મીરી ઓળખને નુકસાન પહોંચાડ્યું છે અને કાશ્મીરી લોકોની આશાઓને કચડી છે."

ઓમર અબ્દુલ્લાહ લોકોને પોતાની સાથે જોડવામાં સફળ રહ્યા અને કાશ્મીરી લોકોએ તેમને પોતાના નેતા સ્વીકારી લીધા.

ટેંગના કહેવા પ્રમાણે, કાશ્મીરીઓએ દેખાડી દીધું છે કે તેઓ પોતાનો મતાધિકારનો ઉપયોગ પોતાના વિવેવાધીન કરશે.

જોકે, કાશ્મીરમાં રાજકીય પરિસ્થિતિ બદલી છે અને આગામી મુખ્ય મંત્રી પાસે ખૂબ જ મર્યાદિત રાજકીય શક્તિ હશે.

ઓમર અબ્દુલ્લાહનો વિજય અગત્યનો કેમ?

પિતા ફારૂક અબ્દુલ્લા સાથે ઓમર અબ્દુલ્લા (ડાબે)

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, પિતા ફારૂક અબ્દુલ્લા સાથે ઓમર અબ્દુલ્લા (ડાબે)

રાજકીય વિશ્લેષકોના મતે, ઓમર અબ્દુલ્લાહ ચાહે રાજકીય રીતે શક્તિશાળી રહ્યા ન હોય, પરંતુ પ્રતીકાત્મક રીતે પણ તેમની પાર્ટીનો આ વિજય ખૂબ જ અગત્યનો છે.

જમ્મુ-કાશ્મીર કેન્દ્રશાસિત પ્રદેશ છે, એટલે ઉપરાજ્યપાલ ખૂબ જ શક્તિશાળી પદ છે. મુખ્ય મંત્રીએ તેમને અધીન રહીને કામ કરવું પડશે, આમ છતાં, ઓમર અબ્દુલ્લાહએ વાતનો સંદેશો આપવામાં સફળ રહ્યા છે કે કાશ્મીરની જનતા તેમની સાથે છે.

ટેંગ કહે છે, "ઓમર અબ્દુલ્લાહ પ્રાદેશિક નેતા છે, પરંતુ સરકાર દિલ્હીથી ચાલે છે. ઓમર અબ્દુલ્લાહે જમ્મુ-કાશ્મીરમાં સામાન્ય બદલી પણ કરવી હશે, તો પણ કરી નહીં શકે. આમ છતાં તેઓ કાશ્મીરીઓના નેતા છે અને અહીંની જનતાની અપેક્ષાઓનો ભાર પણ તેમની ઉપર જ હશે."

નેશનલ કૉન્ફરન્સે ચૂંટણીઅભિયાન દરમિયાન અનેક વાયદા કર્યા હતા, જેમાંથી કાશ્મીરની જનતા માટે લડવાનું અને રોજગાર માટે યોગ્ય તકો ઊભી કરવાના વાયદા મહત્ત્વપૂર્ણ હતા.

ગત પાંચ વર્ષ દરમિયાન ઉપરાજ્યપાલના કાર્યાલયમાંથી કાશ્મીરનો વહીવટ થતો, ત્યારે સામાન્ય જનતાને લાગ્યું હતું કે તેઓ સત્તાથી વિમુખ થઈ ગયા છે.

ટેંગના કહેવા પ્રમાણે, "ઓમર અબ્દુલ્લાહ સામે સૌથી મોટો પડકાર હશે કે તેઓ કાશ્મીરીઓને એ વાતનો અહેસાસ કરાવે કે હજુપણ સત્તા અને તંત્ર તેમની પાસે જ છે."

નેશનલ કૉન્ફરન્સે લોકોના અધિકારોની રક્ષા કરવાની અને કાશ્મીરના વિશેષ રાજ્યના દરજ્જાને ફરી મેળવવા માટે મહેનત કરવાની વાત કહી છે. ઓમર અબ્દુલ્લાહ ઉપર આ વાયદાને પૂર્ણ કરવાનો બોજ પણ રહેશે.

ઓમર અબ્દુલ્લાહની રાજકીય સફર

ઓમર અબ્દુલ્લાહે વર્ષ 1998માં શ્રીનગરની લોકસભા બેઠક ઉપરથી ચૂંટણી લડીને 28 વર્ષની ઉંમરે સંસદસભ્ય બન્યા હતા

ઇમેજ સ્રોત, ANI

ઇમેજ કૅપ્શન, ઓમર અબ્દુલ્લાહે વર્ષ 1998માં શ્રીનગરની લોકસભા બેઠક ઉપરથી ચૂંટણી લડીને 28 વર્ષની ઉંમરે સંસદસભ્ય બન્યા હતા

ઓમર અબ્દુલ્લાહનો જન્મ તા. 10મી માર્ચ 1970ના રોજ ન્યૂ યૉર્ક ખાતે થયો હતો. અબ્દુલ્લાહ પરિવાર જમ્મુ-કાશ્મીરમાં ભવ્ય રાજકીય વારસો ધરાવે છે.

ઓમરના દાદા શેખ અબ્દુલ્લાહ અગ્રણી કાશ્મીરી નેતા અને રાજ્યના પહેલા વડા પ્રધાન હતા.

ઓમર અબ્દુલ્લાહે શ્રીનગરની બર્ન હૉલ સ્કૂલમાં પ્રારંભિક શિક્ષણ મેળવ્યું. એ પછી મુંબઈના સિડેનહૅમ કૉલેજમાંથી કૉમર્સના ગ્રૅજ્યુએટ બન્યા.

ઓમરના પરિવારના રાજકીય ઇતિહાસને જોતા તેઓ પણ રાજકારણમાં આવે તે સ્વાભાવિક હતું.

ઓમર અબ્દુલ્લાહે વર્ષ 1998માં શ્રીનગરની લોકસભા બેઠક ઉપરથી ચૂંટણી લડી અને 28 વર્ષની ઉંમરે સંસદસભ્ય બન્યા. ઓમર એ સમયે દેશના યુવા સંસદસભ્યોમાંથી એક હતા. ઓમર તત્કાલીન વડા પ્રધાન અટલ બિહારી વાજપેયીની સરકારમાં રાજ્યકક્ષાના મંત્રી હતા.

ઓમર એ પછીના વર્ષે નેશનલ કૉન્ફરન્સની યુવા પાંખના અધ્યક્ષ બન્યા. ઓમરને ન કેવળ પોતાની પાર્ટીમાં પરંતુ દેશભરમાં પણ આગવી ઓળખ મળી.

વર્ષ 2009ની જમ્મુ કાશ્મીર વિધાનસભા ચૂંટણીમાં નેશનલ કૉન્ફરન્સને બહુમતી મળી. ઓમર અબ્દુલ્લાહ એ સમયે રાજ્યના યુવા મુખ્ય મંત્રી બન્યા.

ઓમર અબ્દુલ્લાહે મુખ્ય મંત્રી તરીકેના પહેલા કાર્યકાળ દરમિયાન શિક્ષણ, માળખાકીય સુવિધા અને આરોગ્યસુવિધાઓને વિકસાવવા ઉપર ભાર મૂક્યો. તેમણે કાશ્મીરમાં પર્યટનક્ષેત્રનો વિકાસ થાય, એ માટે પણ પ્રયાસો કર્યા.

ઓમરની આડે આવેલા અવરોધો

ઓમર અબ્દુલ્લાહ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ઓમર અબ્દુલ્લાહ

ઓમર અબ્દુલ્લાહ માટેનો માર્ગ એકદમ સરળ ન હતો. વર્ષ 2010માં કાશ્મીરમાં તણાવપૂર્ણ સ્થિતિ ઊભી થઈ હતી. આ સિવાય ભારતીય સંસદ ઉપર હુમલાના દોષિત અફઝલ ગુરૂને ફાંસી આપવામાં આવી ત્યારે પણ કપરી પરિસ્થિતિ ઊભી થઈ હતી.

ભાગલાવાદી તત્વોનો ભય વર્ષ 2010માં કાશ્મીરમાં ફરીથી ઊભો થયો, ઓમર તેને પહોંચી વળવામાં નિષ્ફળ રહ્યા. એ પછી જે ચૂંટણી યોજાઈ, એમાં તેનાં પરિણામો પણ ભોગવવાં પડ્યાં.

નેશનલ કૉન્ફરન્સનો વર્ષ 2014ની વિધાનસભા ચૂંટણીમાં કારમો પરાજય થયો, આમ છતાં ઓમર પાર્ટીના અધ્યક્ષપદે યથાવત્ રહ્યા.

કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે વર્ષ 2019માં જમ્મુ-કાશ્મીરનો વિશેષ રાજ્યનો દરજ્જો સમાપ્ત કરી દીધો. ઓમરે સરકારના એ નિર્ણયનો દ્રઢતાપૂર્વક વિરોધ કર્યો અને મજબૂત રાજકીય અવાજ બની ગયા.

ઓમર અબ્દુલ્લાહ લાંબા સમય સુધી નજરકેદ પણ રહ્યા. આમ છતાં તેઓ કાશ્મીરીઓ સુધી એ સંદેશ પહોંચાડવામાં સફળ રહ્યા કે તેઓ કેન્દ્ર સરકારના આ નિર્ણયને ક્યારેય નહીં સ્વીકારે તથા તેનો વિરોધ કરવાનું ચાલુ રાખશે.

ઓમર પાસે ફરી એક વખત સત્તાની ધૂરા હશે, પરંતુ પરિસ્થિતિ અલગ હશે અને નવા પડકાર હશે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.