હરિયાણામાં કૉંગ્રેસ કેમ હારી? આ ચાર કારણો વડે સમજો

કૉંગ્રેસ છેલ્લા 15 વર્ષથી હરિયાણામાં નવું નેતૃત્વ પેદા કરી શકી નથી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, કૉંગ્રેસ છેલ્લા 15 વર્ષથી હરિયાણામાં નવું નેતૃત્વ પેદા કરી શકી નથી
    • લેેખક, ચંદનકુમાર જજવાડે
    • પદ, બીબીસી સંવાદદાતા, દિલ્હી

કોઈ પક્ષે વિધાનસભાની સતત ત્રણ ચૂંટણીમાં વિજય મેળવ્યો હોય તેવું હરિયાણાના ચૂંટણી ઇતિહાસમાં પહેલી વખત બન્યું છે.

હરિયાણા વિધાનસભાની ચૂંટણીમાં કૉંગ્રેસ પાર્ટી તેની જીતના દાવા કરી રહી હતી. રાજ્યમાં 90 બેઠકો માટે પાંચમી ઑક્ટોબરે મતદાન થયું હતું. તેમાં કૉંગ્રેસની સરખામણીએ ભારતીય જનતા પાર્ટીને નબળી ગણાવવામાં આવી રહી હતી.

હરિયાણામાં પાછલાં દસ વર્ષમાં ભાજપની સરકાર સંબંધે સત્તા વિરોધી લહેર હોવાની વાત અને ચૂંટણીમાં કૉંગ્રેસની જીતના દાવા જાણકારો પણ કરી રહ્યા હતા.

ઍક્ઝિટ પોલમાં કૉંગ્રેસનો વિજય જ નહીં, પરંતુ 90 બેઠકોવાળી હરિયાણા વિધાનસભામાં કૉંગ્રેસને લગભગ 60 બેઠકો જીતવાનો દાવો પણ કરવામાં આવ્યો હતો.

ખેડૂતોનો મુદ્દો હોય કે અગ્નિવીર યોજના, હરિયાણામાં એવા અનેક મુદ્દા હતા જેના કારણે ભાજપી સરકાર પ્રત્યે મતદારોની નારાજગી હોવાનું દર્શાવવામાં આવી રહ્યું હતું.

જોકે, વિધાનસભા ચૂંટણીના પરિણામે રાજકીય પંડિતોથી માંડીને ઍક્ઝિટ પોલ સુધીના તમામને ખોટા સાબિત કર્યા છે.

એટલું જ નહીં, હરિયાણામાં પોતાની સરકારની વાપસીની રાહ જોઈ રહેલા કૉંગ્રેસને આ પરિણામથી જબરો આંચકો લાગ્યો છે.

સવાલ એ છે કે ખરેખર ક્યા કારણોસર હરિયાણામાં કૉંગ્રેસનો ખેલ બગડી ગયો?

વરિષ્ઠ પત્રકાર હેમંત અત્રી કહે છે, "આ પરિણામ પાછળનું સૌથી મોટું કારણ ભાજપનું માઇક્રો મેનેજમેન્ટ છે. તમે એવું પણ સમજી શકો કે હરિયાણામાં ભાજપે બિન-જાટ મતોનું ખૂબ જ ચતુરાઈપૂર્વક વ્યવસ્થાપન કર્યું છે. તેની અસર એ થઈ કે કૉંગ્રેસ હુડ્ડાના ગઢ સોનીપતની પાંચમાંથી ચાર બેઠકો હારી ગઈ."

જાટ વિરુદ્ધ બિન-જાટ

કૉંગ્રેસની નિષ્ફળતા પાછળ હરિયાણામાં નેતાઓમાં જૂથવાદ પણ એક કારણ હોવાનું કહેવાય છે

ઇમેજ સ્રોત, ANI

ઇમેજ કૅપ્શન, કૉંગ્રેસની નિષ્ફળતા પાછળ હરિયાણામાં નેતાઓમાં જૂથવાદ પણ એક કારણ હોવાનું કહેવાય છે
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

હેમંત અત્રીના જણાવ્યા મુજબ, "કૉંગ્રેસતરફી હવા એવી હતી કે ચારેય તરફ તેની જીત દેખાતી હતી. હરિયાણાના નિષ્ણાતો હોય કે સામાન્ય લોકો હોય કે પછી ઍક્ઝિટ પોલ બધામાં એવું દેખાતું હતું, પરંતુ ભાજપના માઇક્રોમેનેજમેન્ટે ચૂંટણીનું પરિણામ બદલી નાખ્યું છે."

હરિયાણાના રાજકારણ પર ચાંપતી નજર રાખતા વરિષ્ઠ પત્રકાર આદેશ રાવલના જણાવ્યા મુજબ, "હરિયાણામાં લગભગ 22 ટકા જાટ મતો છે, જે બહુ વોકલ છે એટલે કે પોતાની વાત ખૂલીને કરે છે."

તેઓ કહે છે, "બિન-જાટોને એવું લાગ્યું હતું કે કૉંગ્રેસ જીતશે તો ભૂપિન્દરસિંહ હુડ્ડા હરિયાણાના મુખ્ય મંત્રી બનશે. તેથી તેમણે ચૂપચાપ ભાજપની તરફેણમાં મતદાન કર્યું."

આદેશ રાવલ મુજબ, "હરિયાણામાં આ વખતની વિધાનસભા ચૂંટણીમાં મતોનું વિભાજન જાટ અને બિન-જાટના આધારે થયું, જેનું સીધું નુકસાન કૉંગ્રેસને થયું."

અનેક બેઠકો પર બિન-જાટ અને જાટ મતો વચ્ચે સમીકરણ સાધવામાં ભાજપ સફળ થયો. રાજ્યની અનેક બેઠકો પર ભાજપે નજીકની ટક્કરમાં કૉંગ્રેસને હરાવી છે.

તેમાં આસંધ, દાદરી, યમુનાનગર, સફીદો, સમલખા, ગોહાના, રાઈ, ફતેહાબાદ, તોશામ, બાઢડા, મહેન્દ્રગઢ અને બરનાલા જેવી બેઠકોનો સમાવેશ થાય છે. અહીં કૉંગ્રેસનો બહુ નજીકના અંતરે પરાજય થયો છે.

જૂથબાજી

ભૂપિન્દરસિંહ હુડ્ડા હરિયાણામાં જાટોના મોટા નેતા માનવામાં આવે છે. જોકે ફરી એકવાર તેઓ રાજ્યમાં કૉંગ્રેસને ચૂંટણી જિતાડવામાં નિષ્ફળ રહ્યા છે.

ઇમેજ સ્રોત, ANI

ઇમેજ કૅપ્શન, ભૂપિન્દરસિંહ હુડ્ડા હરિયાણામાં જાટોના મોટા નેતા માનવામાં આવે છે. જોકે ફરી એકવાર તેઓ રાજ્યમાં કૉંગ્રેસને ચૂંટણી જિતાડવામાં નિષ્ફળ રહ્યા છે.

હરિયાણામાં કૉંગ્રેસની હાર માટે પક્ષની આંતરિક જૂથબાજીને પણ એક મોટું કારણ માનવામાં આવે છે. જાણકારો માને છે કે રાજ્યમાં કૉંગ્રેસના ઉમેદવારોને એવી રીતે જોવામાં આવતા હતા કે કોણ ભૂપિન્દરસિંહ હુડ્ડાના જૂથમાં છે અને કોણ કુમારી શૈલજાની નજીકના છે.

એટલું જ નહીં, કૉંગ્રેસના અનેક ઉમેદવારોને હાઈકમાન્ડના ઉમેદવાર ગણાવવામાં આવતા હતા.

હેમંત અત્રી માને છે કે હરિયાણામાં જૂથબાજી અને ખોટી રીતે ટિકિટ્સની વહેંચણીને કારણે કૉંગ્રેસે લગભગ 13 બેઠકો ગુમાવવી પડી છે. તેમાં ભૂપિન્દરસિંહ હુડ્ડા, કુમારી શૈલજા અને કૉંગ્રેસ હાઈકમાન્ડની પસંદના ઉમેદવારો પણ સામેલ છે.

આ સંદર્ભે કૉંગ્રેસી નેતા કુમારી શૈલજા બાબતે અનેક પ્રકારની ચર્ચા ચાલતી રહી હતી. કૉંગ્રેસના અનેક નેતાઓનું ધ્યાન ચૂંટણી જીતવા કરતાં મુખ્ય મંત્રીની ખુરશી પર વધારે હતું એવું પણ કહેવામાં આવતું હતું.

આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલે જણાવ્યું હતું કે આ ચૂંટણીનો સૌથી મોટો બોધપાઠ એ છે કે અતિ આત્મવિશ્વાસ ક્યારેય રાખવો નહીં. તેમનું નિશાન દેખીતી રીતે કૉંગ્રેસ પાર્ટી હતી.

હરિયાણામાં કૉંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ગઠબંધનની વાતો ચાલી રહી હતી, પરંતુ બન્ને પક્ષો વચ્ચે બેઠકોની વહેંચણી બાબતે સહમતિ સાધી શકાઈ ન હતી.

બેઠકોની વહેંચણી

હરિયાણામાં આ ચૂંટણીને જાટ વિરુદ્ધ બિન-જાટ તરીકે જોવામાં આવી રહી છે

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, હરિયાણામાં આ ચૂંટણીને જાટ વિરુદ્ધ બિન-જાટ તરીકે જોવામાં આવી રહી છે

ભાજપએ આ વખતે હરિયાણા વિધાનસભાની ચૂંટણીમાં 25 બેઠકો પર પોતાના ઉમેદવારો બદલી નાખ્યા હતા.

એ પૈકીના 16ને વિજય મળ્યો છે. ભાજપ તેની અગાઉની 27 બેઠકો જાળવી રાખવામાં પણ સફળ થઈ છે, જ્યારે કે તેને લગભગ 22 નવી બેઠકો પર વિજય મળ્યો છે.

હેમંત અત્રી કહે છે, "કૉંગ્રેસે તેના એકેય ધારાસભ્યની ટિકિટ કાપી ન હતી અને તેના અડધોઅડધ ઉમેદવારો હારી પણ ગયા. ઉમેદવારો નહીં બદલવાનો નિર્ણય કૉંગ્રેસ માટે મોટું નુકસાન સાબિત થયો."

હરિયાણા વિધાનસભાની 2019ની ચૂંટણીમાં ભાજપએ 90 બેઠકો પર ઉમેદવારો ઉતાર્યા હતા અને તેને 40 બેઠકો મળી હતી. આ વખતે ભાજપએ 89 ઉમેદવારો મેદાનમાં ઉતાર્યા હતા. 2019માં કૉંગ્રેસને 90માંથી 31 બેઠકો પર જીત મળી હતી.

આ વર્ષે યોજાયેલી લોકસભાની ચૂંટણીમાં કૉંગ્રેસને 43 ટકા મત મળ્યા હતા, જ્યારે ભાજપને 46 ટકા મત મળ્યા હતા. એટલે કે બન્ને મુખ્ય પક્ષો વચ્ચે મતનું અંતર બહુ ઓછું રહ્યું હતું.

દલિત મતદારો કૉંગ્રેસથી દૂર

લોકસભા ચૂંટણીમાં દલિત મતનો મોટો હિસ્સો કોંગ્રેસના ખાતામાં ગયો હતો, પરંતુ વિધાનસભાની ચૂંટણીમાં આમ થયું નથી

ઇમેજ સ્રોત, ANI

ઇમેજ કૅપ્શન, લોકસભા ચૂંટણીમાં દલિત મતનો મોટો હિસ્સો કૉંગ્રેસના ખાતામાં ગયો હતો, પરંતુ વિધાનસભાની ચૂંટણીમાં આમ થયું નથી

લોકસભા ચૂંટણીમાં ભાજપને રાજ્યની લગભગ 44 વિધાનસભા બેઠકો પર સૌથી વધુ મત મળ્યા હતા, જ્યારે કૉંગ્રેસ 42 વિધાનસભા ક્ષેત્રોમાં આગળ રહ્યો હતો. આ સંદર્ભમાં પણ બન્ને પક્ષો વચ્ચે બહુ ઓછું અંતર રહ્યું હતું.

જાણકારોને જણાવ્યા મુજબ, લોકસભા ચૂંટણીમાં દલિત મતનો મોટો હિસ્સો કૉંગ્રેસના ખાતામાં ગયો હતો, પરંતુ વિધાનસભાની વર્તમાન ચૂંટણીમાં તે કૉંગ્રેસથી દૂર જતો જોવા મળ્યો છે.

આ વર્ષે લોકસભા ચૂંટણીમાં માયાવતીની બહુજન સમાજ પાર્ટીને હરિયાણામાં માત્ર એકાદ ટકા મત મળ્યા હતા. વિધાનસભાની વર્તમાન ચૂંટણીમાં તેણે હરિયાણામાં પોતાના મત ટકાવારીમાં વધારો કર્યો છે.

એટલું જ નહીં, વિધાનસભાની ગત ચૂંટણીની સરખામણીએ આ વખતે રાજ્યમાં આમ આદમી પાર્ટીએ પણ પોતાની વોટ બૅન્કમાં લગભગ એક ટકાનો વધારો કર્યો છે.

રાજ્યની આસંધ વિધાનસભા બેઠક પર મતગણતરી ખતમ થયા બાદ ભાજપના ઉમેદવારને કૉંગ્રેસના ઉમેદવાર કરતાં લગભગ 2,300 મત વધારે મળ્યા છે, જ્યારે કે આ બેઠક પર બીએસપીને 27,000થી વધુ મત મળ્યા છે. આ બેઠકના પરિણામની સત્તાવાર જાહેરાત હજુ બાકી છે.

આદેશ રાવલ કહે છે, "આ વર્ષની લોકસભાની ચૂંટણીમાં હરિયાણામાં દલિતોએ કૉંગ્રેસને મત આપ્યા હતા. કૉંગ્રેસે વિચારવું જોઈએ કે માત્ર ત્રણ જ મહિનામાં એવું તે શું થયું કે દલિત મતદારો તેનાથી દૂર થઈ ગયા."

ભાજપનું માઇક્રો મૅનેજમેન્ટ

હરિયાણાના મુખ્યમંત્રી નાયબસિંહ સૈની વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે

ઇમેજ સ્રોત, ANI

ઇમેજ કૅપ્શન, હરિયાણાના મુખ્ય મંત્રી નાયબસિંહ સૈની વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે

હરિયાણા વિધાનસભા ચૂંટણીના પરિણામ વિશે વિચારીએ તો 10થી વધુ બેઠકો પર નાના પક્ષો કે અપક્ષ ઉમેદવારો કૉંગ્રેસના પરાજય પાછળનું મોટું કારણ બન્યા છે.

આમ આદમી પાર્ટી હરિયાણામાં કોઈ ચમત્કાર કરી શકી નથી કે તેને એકેય બેઠક પર વિજય મળ્યો નથી, પરંતુ નાના પક્ષો અને અપક્ષ ઉમેદવારો વચ્ચે મત વહેંચાઈ જવાથી કૉંગ્રેસને નુકસાન થયાનું સ્પષ્ટ દેખાય છે.

હેમંત અત્રીના જણાવ્યા મુજબ, પોતાની જીતની શક્યતા ઓછી હતી અને કૉંગ્રેસની જીત સ્પષ્ટ જણાતી ન હતી એ તમામ બેઠકો પર ભાજપે કૉંગ્રેસવિરોધી ઉમેદવારોને મદદ કરી હતી.

દાખલા તરીકે, દાતરી વિધાનસભા બેઠક ભાજપ માત્ર 1957 મતની સરસાઈથી જીતી શક્યો છે અને આ બેઠક પર ત્રીજા નંબરે રહેલા અપક્ષ ઉમેદવારને 3713 મત મળ્યા છે. એ ઉપરાંત બે અન્ય ઉમેદવારોને પણ આ સરસાઈથી વધારે મત મળ્યા છે.

આવી જ સ્થિતિ સફીદો બેઠકની રહી છે. કૉંગ્રેસની સામે ભાજપના વિજયનું અંતર 4,000 મતનું રહ્યું છે, જ્યારે કે ત્રીજા નંબરે રહેલા અપક્ષ ઉમેદવારને 20,000થી વધુ મત મળ્યા છે.

ફતેહાબાદ બેઠક પર ભાજપને કૉંગ્રેસથી માત્ર 2252 મત વધુ મળ્યા છે, જ્યારે કે આ બેઠક પર અન્ય ચાર ઉમેદવારોને અઢી હજારથી માંડીને લગભગ 10,000 મત મળ્યા છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.